અજિંક્ય રહાણે : જેમને શરૂઆતમાં પ્લેઇંગ 11માં પણ જગ્યા નહોતી મળતી, તેમણે કર્યો રનોનો વરસાદ

    • લેેખક, અભયકુમાર સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

નામ - અજિંક્ય રહાણે, ઉંમર - 34 વર્ષ

29 બૉલમાં પાંચ છગ્ગા, છ ચોગ્ગા સાથે 71 રન.

આ આંકડા આઈપીએલમાં કોલકાતા નાઇટરાઇડર્સ સામે ચેન્નાઈ સુપરકિંગ્સ તરફથી રમી રહેલા અજિંક્ય રહાણેના છે. જેમને આઈપીએલ-2023ની શરૂઆતમાં પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા પણ મળતી નહોતી.

બેન સ્ટોક્સ અને મોઇન અલી ફીટ ન હોવાથી રહાણે ચેન્નાઈની પ્લેઇંગ ઇલેવનનો ભાગ બન્યા.

ભારતીય ક્રિકેટ ટીમમાંથી તેઓ પહેલેથી બહાર છે. આઈપીએલ ઑક્શનમાં પણ ચેન્નાઈ સુપરકિંગ્સ સિવાય કોઈ પણ ટીમે તેમના પર ભરોસો ન મૂક્યો. એવામાં પોતાની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયામાં તેઓ ચેન્નાઈ સુપરકિંગ્સનો ભાગ બન્યા.

પણ જેમ-જેમ આઈપીએલની આ સીઝન આગળ વધી રહી છે. પીળી જર્સી પહેરનારા રહાણે કંઈક અલગ જ ફૉર્મમાં દેખાઈ રહ્યા છે.

ઈડન ગાર્ડનમાં રહાણેની બેટિંગ

રવિવારે ઈડન ગાર્ડનમાં યોજાયેલી મૅચમાં અજિંક્ય રહાણેએ ધમાકેદાર બેટિંગ કરી અને મેદાનના દરેક ખૂણે ચોગ્ગા-છગ્ગા ફટકારતા જોવા મળ્યા.

કોલકાતા તરફથી 19મી ઓવર નાખવા વરુણ ચક્રવર્તી આવ્યા હતા. જેમાં રહાણેએ બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો.

આ મૅચમાં અંદાજે 245ના સ્ટ્રાઇક રેટથી 71 રન બનાવનારા રહાણે અણનમ રહ્યા. તેમને સામેના છેડેથી શિવમ દુબે અને રવીન્દ્ર જાડેજાએ ખૂબ સાથ આપ્યો.

રહાણેએ સમગ્ર ઇનિંગ દરમિયાન એવા ઘણા ક્લાસિક શૉટ્સ ફટકાર્યા, જે અનુભવના આધારે જ શીખી શકાય છે. તેમની બેટિંગના ઇંગ્લૅન્ડના પૂર્વ ક્રિકેટર કૅવિન પીટરસન અને ભારતના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે ભરપૂર વખાણ કર્યા હતા.

અનુભવી રહાણે ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર

અનુભવની વાત કરીએ તો રહાણે પાસે આશરે એક દાયકાનો આઈપીએલ રમવાનો અનુભવ છે. શરૂઆતમાં તેમને મુંબઈ ઇન્ડિયન્સ જેવી મોટી ટીમમાં સ્થાન મળ્યું હતું.

ત્યાર પછી પાંચ વર્ષ રહાણે રાજસ્થાન રૉયલ્સમાં રહ્યા. ટીમ પર પ્રતિબંધ લાગ્યા બાદ તેઓ ધોની સાથે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સનો ભાગ રહ્યા.

બાદમાં તેઓ પાછા રાજસ્થાન રૉયલ્સમાં ગયા. ત્યાં તેઓ કપ્તાની પણ કરી ચૂક્યા છે. કહી શકાય કે ત્યાર પછી તેમના ખરાબ સમયની શરૂઆત થઈ.

તેઓ રાજસ્થાનમાંથી દિલ્હીમાં ગયા અને પછી કોલકાતા નાઇટ રાઇડર્સમાં પણ રમી ચૂક્યા છે.

ટેસ્ટ અને વનડેમાં તેઓ ભારતીય ક્રિકેટ ટીમનો મહત્ત્વપૂર્ણ ભાગ રહ્યા છે. તેઓ ભારતીય ક્રિકેટ ટીમના ઉપ-કપ્તાન પણ રહી ચૂક્યા છે. જોકે, હાલ તેઓ નેશનલ ટીમની બહાર છે.

હાલમાં જ ક્રિકેટર્સ માટે જાહેર કરવામાં આવેલી બીસીસીઆઈની વાર્ષિક કરાર સૂચિમાં પણ રહાણેનું નામ નથી. તેઓ પહેલાં બી કૅટેગરીમાં આવતા હતા. આ કૅટેગરીના ખેલાડીઓને વર્ષે પાંચ કરોડ રૂપિયા મળે છે.

શું આઈપીએલ-2023થી બદલાશે નસીબ?

આ વર્ષે આઈપીએલમાં અજિંક્ય રહાણેનો નવો જ અવતાર જોવા મળી રહ્યો છે. રવિવારની તોફાની બેટિંગ પહેલા આવું જ કંઈક પ્રદર્શન તેઓ મુંબઈ સામે પણ દર્શાવી ચૂક્યા છે.

આઠ ઍપ્રિલે યોજાયેલી એ મૅચમાં ચેન્નાઈ સુપરકિંગ્સને જીતવા માટે 158 રન જોઈતા હતા. ચેન્નાઈએ પ્રથમ ઓવરમાં જ કૉનવેની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર પછી બેટિંગ કરવા આવેલા રહાણેએ માત્ર 19 બૉલમાં અડધી સદી પૂર્ણ કરી હતી.

ત્રણ છગ્ગા અને સાત ચોગ્ગા સાથે રહાણેએ 27 બૉલમાં 61 રન ફટકાર્યા હતા. આ ઇનિંગે જ ચેન્નાઈ સુપરકિંગ્સની જીત માટે પાયો ખોદ્યો હતો અને રહાણેનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો અપાવ્યો.

આઈપીએલ-2023માં અજિંક્ય રહાણેએ પાંચ મૅચોમાં 209 રન બનાવ્યા. જેમાં બે અડધી સદી સામેલ છે. રહાણેનો સ્ટ્રાઇક રેટ 199નો છે. જે ટુર્નામેન્ટમાં હાલના ટૉપ-20 બૅટ્સમેનોમાં સૌથી વધુ છે.

પીળી જર્સી (ચેન્નાઈ સુપરકિંગ્સ)માં એવું તો શું છે? કપ્તાન મહેન્દ્રસિંહ ધોની અને તેમની ટીમ વિશે કહેવામાં આવે છે કે તેઓ અનુભવી ખેલાડીઓ પર ભરોસો મૂકે છે. જેથી તેમનું પ્રદર્શન વધુને વધુ સારું બનતું રહે છે.

માહી ભાઈ પાસેથી શીખવા મળ્યું - રહાણે

રવિવારની મૅચ બાદ અજિંક્ય રહાણેએ મહેન્દ્રસિંહ ધોની વિશે આ જ કહ્યું.

રહાણેએ કહ્યું, "માહી ભાઈનાં નેતૃત્વમાં જ્યારે તમે રમો છો તો તમને ઘણું શીખવાની તક મળે છે. એક ખેલાડી તરીકે તમે હંમેશા પ્રયત્ન કરો છો કે તમે તમારામાં સુધારો લાવો. મારી તૈયારી હંમેશા રહી છે. આજે ચેન્નાઈએ મને જે તક આપી, તેના કારણે જ હું આ પ્રદર્શન આપી શક્યો છું."

રહાણેએ આગળ કહ્યું, "તમારી ટીમમાં જ્યારે મહેન્દ્રસિંહ ધોની હોય તો તેઓ હંમેશા સપોર્ટ આપતા હોય છે. પીચ અને સ્ટેડિયમ પર પણ આ બાબત જોવા મળે છે. અમે ભાગ્યશાળી છીએ કે અમને તેમની પાસેથી શીખવાની તક મળી રહી છે."

ચેન્નાઈ સુપરકિંગ્સ તરફથી આઈપીએલમાં રમવાની તકને તેઓ ટર્નિંગ પૉઇન્ટ જણાવે છે.

તેમણે કહ્યું, "ટર્નિંગ પૉઇન્ટ એ છે કે અહીં મને રમવાની તક મળી રહી છે. બે વર્ષ પહેલાં તો મને રમવાની તક સુદ્ધા મળતી નહોતી. જો તમને મૅચ રમવાની તક જ નહીં મળે તો ક્યાંથી ખબર પડશે કે તમારી પ્રતિભા શું છે. ચેન્નાઈએ જ્યારે મારી પસંદગી કરી તો હું ખૂબ ખુશ હતો."

મૅચ બાદ મહેન્દ્રસિંહ ધોનીએ અજિંક્ય રહાણેના પર્ફૉમન્સ વિશે કહ્યું કે પોતાની રીતે રમવા દેવાથી અને દબાણ ઊભું ન કરવાની રણનીતિ બૅટ્સમેનના પ્રદર્શનમાં સુધારો લાવે છે.

સાથે જ તેમણે પર્ફૉમન્સ માટે યોગ્ય બેટિંગ ઑર્ડરને પણ જવાબદાર ઠેરવ્યો.

રહાણે સિવાય 30થી વધુ ઉંમર ધરાવતા અન્ય ઘણા ખેલાડીઓ છે, જે ચેન્નાઈમાં રહીને પોતાનું પ્રદર્શન સુધારી શક્યા હોય.

તેમાં ફાફ ડુપ્લેસીનો પણ સમાવેશ થાય છે. જે હાલ આરસીબીમાં છે. તેમણે રવિવારે જ રાજસ્થાન સામે 39 બૉલમાં 62 રન ફટકાર્યા હતા.

ચાર વખત આઈપીએલ જીતી ચૂકી છે ચેન્નાઈની ટીમ

ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમમાં ખેલાડીઓની સરેરાશ ઉંમર 32 વર્ષ છે. ખેલાડીઓની ઉંમરને લઈને ચેન્નાઈ સુપરકિંગ્સ અને મહેન્દ્રસિંહ ધોની પર સતત સવાલો ઉઠ્યાં છે.

આ જ સવાલો વચ્ચે ચેન્નાઈએ અત્યાર સુધી ચાર વખત આઈપીએલની ટ્રૉફી પર કબજો જમાવ્યો છે. જે મુંબઈ ઇન્ડિયન્સ બાદ સૌથી વધુ છે.

વર્ષ 2021માં જ્યારે ચેન્નાઈએ આ ખિતાબ પોતાને નામ કર્યો હતો, ત્યારે પણ તેમના અનુભવી ખેલાડીઓ પર સવાલ ઉઠ્યા હતા.

ત્યારે પણ ધોનીએ કહ્યું હતું કે આ ફૉર્મેટમાં 10-20 મીનિટનું પ્રદર્શન પણ ગેમને બદલી શકે છે.