You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL: અર્જુન તેંડુલકરની એક ઓવરમાં 31 રન, જીતની અણી પર આવેલું મુંબઈ કેવી રીતે હાર્યું?
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી બીજી મૅચ પણ અત્યંત રોમાંચક રહી.
મુંબઈ ઇન્ડિયન્સે ટૉસ જીતીને પંજાબ કિંગ્સને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. 20 ઓવરના અંતે પંજાબે આઠ વિકેટના નુકસાને 214 રનનો સ્કોર બનાવ્યો હતો.
આ સ્કોરનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સની ટીમે પણ સારું પ્રદર્શન કર્યું હતું.
મુંબઈ ઇન્ડિયન્સની ટીમે 19 ઓવરના અંત સુધી ચાર વિકેટના નુકસાને 199 રન બનાવી લીધા હતા અને છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર હતી.
જોકે, છેલ્લી ઓવર પૂર્ણ થઈ ત્યાર સુધીમાં મુંબઈ છ વિકેટના નુકસાને 201 રન જ બનાવી શકી અને પંજાબનો રોમાંચક વિજય થયો.
પંજાબની આ જીતના હીરો ફાસ્ટ બૉલર અર્શદીપસિંહ રહ્યા, જેમણે મુંબઈને અંતિમ ઓવરમાં જીતવા માટે 16 રન ન કરવા દીધા.
અર્જુન તેંડુલકર મોંઘા પડ્યા
ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરનાર મુંબઈ ઇન્ડિયન્સે શરૂઆતમાં તો સારી બૉલિંગ કરી. જેમાં મોટું યોગદાન અનુભવી સ્પિનર પીયૂષ ચાવલાનું રહ્યું. તેમણે ત્રણ ઓવરમાં 15 રન આપીને બે વિકેટ ખેરવી હતી.
જોકે, મુંબઈ તરફથી બૉલિંગ કરવા માટે આવેલા કુલ છ બૉલર્સ પૈકી સૌથી મોંઘા બૉલર અર્જુન તેંડુલકર રહ્યા. તેમણે ત્રણ ઓવરમાં 48 રન આપ્યા હતા. સાથે જ એક વિકેટ પણ લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અર્જુન તેંડુલકરને નાખેલી ઇનિંગની 16મી ઓવર પંજાબ માટે ગેમ ચેન્જર બનીને રહી.
ઓવરના પ્રથમ બૉલ પર સૅમ કરને છગ્ગો ફટકાર્યો. એ પછીનો બૉલ વાઇડ પડ્યો. ત્યાર પછીના બૉલ પર કરને ચોગ્ગો ફટકાર્યો. ત્રીજા બૉલ પર એક રન આવ્યો. પછી ચોથા બૉલ પર હરપ્રીતે ચોગ્ગો અને પાંચમા બૉલે છગ્ગો માર્યો.
અહીં સુધીમાં પ્રેશરમાં આવી જનાર અર્જુન તેંડુલકરથી ઓવરનો છેલ્લો બૉલ નો-બૉલ પડ્યો, જેના પર હરપ્રીતે ચોગ્ગો ફટકાર્યો. હવે ઓવરનો અંતિમ બૉલ ફ્રી હિટ હતો, જેના પર પાછો એક ચોગ્ગો પડ્યો. કુલ મળીને આ ઓવરમાં 31 રન આવ્યા.
પંજાબની ઇનિંગ કેવી રહી?
પંજાબ તરફથી કૅપ્ટન સૅમ કરન (29 બૉલ પર 55 રન) અને હરપ્રીત ભાટિયા (28 બૉલમાં 41 રન)એ શાનદાર પર્ફૉર્મન્સ આપ્યું હતું.
બંનેએ મળીને પાંચમી વિકેટ માટે 92 રનની ભાગીદારી નોંધાવી અને ટીમને મજબૂત સ્કોર તરફ આગળ વધારી.
છેલ્લે બેટિંગ કરવા આવેલા બૅટ્સમૅન જિતેશ શર્માએ પણ તાબડતોડ સાત બૉલમાં 25 રન બનાવ્યા હતા.
આ સાથે જ પંજાબે આઠ વિકેટના નુકસાને 214 રન બનાવીને મુંબઈ સામે 215 રનોનો લક્ષ્યાંક મૂક્યો હતો.
અર્શદીપસિંહની ધમાકેદાર બૉલિંગ
મૅચ બાદ સૅમ કરનને ભલે 'પ્લેયર ઑફ ધ મૅચ'ના ખિતાબથી નવાજવામાં આવ્યા હોય, પણ પંજાબને જીતાડવા માટે જવાબદાર હતા ફાસ્ટ બૉલર અર્શદીપ સિંહ.
તેમણે મૅચની છેલ્લી ઓવરમાં જે પ્રદર્શન દર્શાવ્યું, તે યાદગાર રહેશે. 215 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી મુંબઈએ 19 ઓવર સુધીમાં ચાર વિકેટના નુકસાને 199 રન બનાવ્યા હતા.
મુંબઈને છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર હતી, જેને આઈપીએલમાં સામાન્ય સ્કોર કહી શકાય અને સરળતાથી પાર પાડી શકાય તેમ હતો. પણ મુંબઈના કિસ્સામાં આમ ન થયું.
અંતિમ ઓવરમાં મુંબઈ તરફથી તિલક વર્મા અને ટિમ ડેવિડ ક્રીઝ પર હતા. અર્શદીપના પ્રથમ બૉલ પર ટિમે એક રન લીધો. બીજા બૉલ પર તિલક એક પણ રન ન લઈ શક્યા અને ત્રીજા બૉલ પર આઉટ થઈ ગયા.
ઓવરના ચોથા બૉલે મુંબઈ ઇન્ડિયન્સના ઇમ્પૅક્ટ પ્લેયર નેહલ વાઢેરા મેદાનમાં ઊતર્યા અને ખાતું ખોલાવ્યા વિના જ પૅવેલિયન ભેગા થયા.
આ બંને વિકેટમાં સામ્યતા એ હતી કે અર્શદીપ સિંહે બંને બૉલ યૉર્કર ફેંક્યા અને બંને વખતે મિડલ સ્ટમ્પ ઊખડી ગયા હતા. આ દર્શાવે છે કે તેઓ કેટલી લયબદ્ધ રીતે બૉલિંગ કરી રહ્યા હતા.
જોકે, વાત ત્યાં જ પૂરી થઈ નથી. અંતિમ બે બૉલમાં અર્શદીપે અનુક્રમે શૂન્ય અને એક રન આપ્યો. સાથે જ મૅચની સમાપ્તિ થઈ. અર્શદીપે અંતિમ ઓવરમાં માત્ર બે રન આપ્યા અને બે વિકેટ પણ ખેરવી.
મુંબઈ છ વિકેટના નુકસાને 201 રન જ બનાવી શક્યું અને પંજાબનો 13 રને વિજય થયો.
ઘણા સમય પછી સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગ
ટી20 વર્લ્ડકપ દરમિયાન ચાહકોને પોતાના અદભુત 360 ડિગ્રી શૉટ્સથી પ્રભાવિત કરનારા સૂર્યકુમાર યાદવ છેલ્લા ઘણા સમયથી ફૉર્મમાં નહોતા.
ગઈ કાલની મૅચમાં તેમણે આ આઈપીએલમાં પોતાનો સર્વાધિક સ્કોર નોંધાવ્યો હતો. તેઓ 57 રન (26 બૉલ)ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયા હતા.
આઈપીએલની આ સિઝનમાં તેમની પ્રથમ અર્ધ (23 બૉલ) સદી હતી.
મુંબઈ ઇન્ડિયન્સના તમામ બૅટ્સમૅન કરતા તેમનો સ્ટ્રાઇક રેટ (219.23) સૌથી વધારે હતો. તેમણે કુલ સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
તેમના સિવાય મુંબઈ ઇન્ડિયન્સ તરફથી કૅમરૂન ગ્રીને 67 રન (43 બૉલ) અને કપ્તાન રોહિત શર્માએ 44 રન (27 બૉલ) બનાવ્યા હતા.
પાંચમા ક્રમાંકે બેટિંગ કરવા ઊતરેલા ટિમ ડેવિડ 13 બૉલમાં 25 રન બનાવીને છેલ્લે સુધીને ટકી રહ્યા હતા. પણ તે કંઈ કામે લાગ્યું ન હતું.