વૉટ્સઍપ આપણને મફત સર્વિસ આપે છે પરંતુ તેની કમાણી કરવાની ટ્રિક શું છે?

    • લેેખક, ઝો ક્લૅઇનમૅન
    • પદ, ટૅક્નૉલૉજી સંપાદક

છેલ્લા 24 કલાકમાં મેં 100થી વધુ વૉટ્સઍપ મૅસેજિસ લખ્યા છે.

તેમાંથી એક પણ ખાસ ઉત્સાહપ્રેરક ન હતો. મેં મારા પરિવાર સાથે પ્લાન્સ બનાવ્યા, સાથીદારો જોડે કામના પ્રૉજેક્ટ્સની ચર્ચા કરી અને કેટલાક દોસ્તો સાથે સમાચારોની આપ-લે તથા ગપસપ કરી હતી.

કદાચ મારે બહેતર બનવાની જરૂર છે, પરંતુ મારા સૌથી કંટાળાજનક મૅસેજિસ પણ બાય ડિફૉલ્ટ ઍન્ક્રિપ્ટેડ હતા અને મેં વિશ્વભરના વિવિધ ડેટા સેન્ટર્સમાંના વૉટ્સઍપના શક્તિશાળી કમ્પ્યૂટર સર્વર્સનો ઉપયોગ કર્યો હતો.

આ કોઈ સસ્તી કામગીરી નથી. તેમ છતાં મેં કે ગઈકાલે હું જે લોકોની સાથે ચૅટ કરતો હતો એ પૈકીના કોઈએ વૉટ્સઍપના ઉપયોગ માટે એકેય રૂપિયો ખર્ચ્યો નથી. આ પ્લૅટફૉર્મના દુનિયાભરમાં લગભગ ત્રણ અબજ વપરાશકર્તા છે.

સવાલ એ છે કે વૉટ્સઍપ અથવા બ્રાઝિલમાં ઝૅપઝૅપના હુલામણા નામે ઓળખાતી આ ઍપ્લિકેશન પૈસા કેવી રીતે કમાય છે?

વૉટ્સઍપને તેની મોટી પૅરન્ટ કંપની મૅટાનું પીઠબળ છે, જે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામની માલિક પણ છે.

માત્ર મૅસેજિંગ ઍપ નહીં

મારા જેવા વ્યક્તિગત વૉટ્સઍપ એકાઉન્ટ્સ મફત છે, કારણ કે વૉટ્સઍપ મારા જેવા યૂઝર્સ સાથે વાતચીત કરવા ઇચ્છતા કૉર્પોરેટ ગ્રાહકો પાસેથી પૈસા કમાય છે.

ગયા વર્ષથી આ કંપનીએ ફ્રી વૉટ્સઍપ ચૅનલ્સ પણ શરૂ કરી છે, જેથી તેઓ ચૅનલ્સને સબસ્ક્રાઇબ કરનારાઓને વાંચવા માટે મૅસેજિસ મોકલી શકે.

તેઓ ઍપ મારફત વ્યક્તિગત કસ્ટમર્સ સાથે વાતચીત અને વ્યવહાર કરવાની સુવિધા માટે પ્રીમિયમ ચૂકવે છે.

તુલનાત્મક રીતે બ્રિટન અહીં પ્રારંભિક અવસ્થામાં છે, પરંતુ દાખલા તરીકે બેંગલુરુમાં તમે વૉટ્સઍપ મારફતે તમારી બસ ટિકિટ ખરીદી શકો છો અને સીટની પસંદગી કરી શકો છો.

મૅટામાં બિઝનેસ મૅસેજિંગના વાઇસ પ્રૅસિડન્ટ નિકિલા શ્રીનિવાસન કહે છે, “અમે યોગ્ય રીતે કરીએ તો અમારું લક્ષ્ય એ છે કે બિઝનેસ તથા ગ્રાહક એક ચૅટ થ્રેડનો સારી રીતે ઉપયોગ કરી શકવા જોઈએ.”

“તેનો અર્થ એ છે કે તમે ટિકિટ બૂક કરાવવા ઇચ્છતા હો, રિટર્ન કરવા ઇચ્છતા હો, તમે પૅમેન્ટ કરવા ઇચ્છતા હો તો તમે તમારો ચૅટ થ્રેડ છોડ્યા વિના તે કરી શકવા જોઈએ. એ પછી જીવનની બાકીની તમામ બાબતો માટે પાછા ફરી શકો.”

બિઝનેસીસ હવે એવી લિંન્ક માટે ચૂકવણી કરવાનું પણ પસંદ કરી શકે છે, જે ફેસબૂક અથવા ઇન્સ્ટાગ્રામ પરની ઑનલાઇન જાહેરાતથી નવી વૉટ્સઍપ ચૅટમાં પર્સનલ એકાઉન્ટ પર સીધી લૉન્ચ થઈ શકે છે. નિકિલા શ્રીનિવાસન મને જણાવે છે કે ટૅક્નૉલૉજી ક્ષેત્રની વિરાટ કંપની માટે માત્ર આ સેવાનું મૂલ્ય જ “અબજો ડૉલર”નું છે.

આવકના અલગ-અલગ માધ્યમ

અન્ય મૅસેજિંગ ઍપ્સે અલગ-અલગ માર્ગ અપનાવ્યા છે.

સિગ્નલ નામની ઍપ તેના મૅસેજ સિક્યૉરિટી પ્રોટોકૉલ્સ માટે વિખ્યાત છે અને તે આ ઉદ્યોગ માટે માપદંડ બની ગયા છે. સિગ્નલ એક નૉન-પ્રૉફિટ સંસ્થા છે. સિગ્નલના જણાવ્યા મુજબ, તેણે તેના રોકાણકારો પાસેથી ક્યારેય પૈસા લીધા નથી. (જે ટૅલિગ્રામ ઍપથી વિપરીત છે. ટૅલિગ્રામનો આધાર રોકાણકારો છે)

રોકાણકારોના પૈસાને બદલે સિગ્નલ દાન પર ચાલે છે. તેમાં વૉટ્સઍપના સહ-સ્થાપકો પૈકીના એક બ્રાયન ઍક્ટન તરફથી 2018માં મળેલા પાંચ કરોડ ડૉલરની રોકડનો સમાવેશ થાય છે.

સિગ્નલના પ્રૅસિડન્ટ મેરેડિથ વ્હીટેકરે ગયા વર્ષ એક બ્લૉગ પોસ્ટમાં લખ્યું હતું, “અમારું ધ્યેય સંપૂર્ણપણે નાના દાતાઓ સમર્થિત બનવાનું, સિગ્નલની કાળજી રાખતા સંખ્યાબંધ લોકોના સાધારણ યોગદાન પર આધાર રાખવાનું છે.”

ડિસ્કોર્ડ એક મૅસેજિંગ ઍપ છે, જેનો ઉપયોગ યુવા ગૅમર્સ કરે છે અને તેમાં ફ્રીમિયમ મૉડલ છે. તે મફતમાં સાઇન-અપ કરી શકાય છે, પરંતુ ગૅમ્સની સુવિધાઓ સહિતનાં અન્ય ફીચર્સ માટે નાણાં ચૂકવવા પડે છે. તે 9.99 ડૉલરના માસિક સબસ્ક્રીપ્શન સાથેની પૅઇડ મેમ્બરશીપ પણ આપે છે. તેમાં હાઈ-ક્વૉલિટી વીડિયો સ્ટ્રીમિંગ અને કસ્ટમ્સ ઇમોજીસ સહિતના લાભ મળે છે.

સ્નૅપચૅટ પાછળની કંપની સ્નૅપ પાસે આવાં અનેક મૉડલ્સ છે. તેમાં જાહેરાતો આવે છે. તેના 1.10 કરોડ પૅઇડ સબસ્ક્રાઇબર્સ (ઑગસ્ટ 2024 સુધી) છે અને સ્નૅપચૅટ સ્પૅક્ટેકલ્સ નામે ઓળખાતા ઑગમૅન્ટેડ રિયાલિટી ચશ્મા પણ વેંચે છે.

ફૉર્બ્સની વૅબસાઇટ પર જણાવ્યા મુજબ, આ કંપની પાસે બીજી યુક્તિ પણ છે. આ કંપનીએ 2016થી 2023ની વચ્ચે માત્ર વ્યાજમાંથી જ લગભગ 30 કરોડ ડૉલરની કમાણી કરી છે, પરંતુ સ્નૅપની આવકનો મુખ્ય સ્રોત જાહેરાતો છે. તેને વર્ષે ચાર અબજ ડૉલર કરતાં વધુની જાહેરાતો મળે છે.

જો તમે પૈસા નથી ચૂકવતા તો....

બ્રિટન સ્થિત ઍલિમૅન્ટ નામની કંપની તેની સુરક્ષિત મૅસેજિંગ સિસ્ટમના ઉપયોગ માટે સરકારો અને મોટી સંસ્થાઓ પાસેથી ચાર્જ વસૂલે છે. કંપનીના ગ્રાહકો કંપનીની ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરે છે, પરંતુ પોતાના પ્રાઇવેટ સર્વર્સ પર જાતે ચલાવે છે. તેના સહ-સ્થાપક મૅથ્યૂ હોજસને મને કહ્યું હતું, તેમની દસ વર્ષ જૂની કંપની “લાખોની રૅવન્યુ અને નફાકારકતાની નજીક” છે.

તેઓ માને છે કે મોટાભાગની મૅસેજિંગ ઍપ્સ માટેનું સૌથી લોકપ્રિય બિઝનેસ મૉડલ બારમાસી ડિજિટલ ફૅવરિટ જાહેરાતો છે.

મૅથ્યૂએ કહ્યું હતું, “મોટાભાગનાં મૅસેજિંગ પ્લૅટફૉર્મ્સ લોકો શું કરે છે, કોની સાથે વાત કરે છે તેનું નિરિક્ષણ કરીને, શ્રેષ્ઠ જાહેરાતો સાથે તેમને લક્ષ્ય બનાવીને જાહેરાતો વેચે છે.”

આઇડિયા એ છે કે અહીં ઍન્ક્રિપ્શન અને ગુપ્તતા હોવા છતાં પોતાના યૂઝર્સ સાથે શૅર કરવામાં આવતા મૅસેજિસના વાસ્તવિક કન્ટૅન્ટને આ ઍપ્સે જોવું પડતું નથી. તેઓ એ ડેટાનો ઉપયોગ જાહેરાતો મેળવવા માટે કરી શકે છે.

હોજસને ઉમેર્યું હતું, “આ જૂની વાર્તા છે. તમે યૂઝર્સ છો અને ચૂકવણી કરતા નથી તો શક્ય છે કે તમે એક પ્રૉડક્ટ છો.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.