હાર્દિક પટેલના 'પાટીદાર આંદોલન' સામે પડનાર ભાજપના નેતા અલ્પેશ ઠાકોરના રાજકીય ઉદયની કહાણી

ગુજરાતમાં થોડાં વર્ષ પહેલાં પાટીદાર અનામત આંદોલનનું જોર હતું, તે સમયે પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા હાર્દિક પટેલ અને અન્ય પાટીદાર આગેવાનો દ્વારા ‘પાટીદાર સમાજ માટે અન્ય પછાત વર્ગમાંથી અનામતની માગ’ કરાઈ રહી હતી. તેના માટે મસમોટું આંદોલન ઊભું કરાયું હતું.

આ માગોની સામે ‘પાટીદારોને હાલના અનામત વર્ગોમાંથી કોઈ વર્ગમાં સમાવિષ્ટ કરીને અનામત ન આપી દેવાય’ તે માટે અલ્પેશ ઠાકોરે આંદોલન ઊભું કર્યું હતું.

પાટીદાર અનામત આંદોલન સમિતિ સામે અલ્પેશ ઠાકોર ઓબીસી એસસી-એસટી એકતા મંચના નેજા હેઠળ રાજ્ય સરકાર સામે પડ્યા હતા.

હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છવાયેલો છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખત અલ્પેશ ઠાકોર પણ ભાજપની ટિકિટ પર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

પરંતુ એક સમયે ‘ઓબીસી અનામતના રક્ષણ અને દારૂબંધી’ના મુદ્દાને લઈને ભાજપના નેતૃત્વવાળી ગુજરાત સરકાર સામે મોરચો માંડનાર અલ્પેશ ઠાકોર કેવી રીતે ભાજપમાં સામેલ થઈ ગયા? એવું તો શું થયું કે તેમનું ‘હૃદય પરિવર્તન’ થઈ ગયું?

આથી જ ગાંધીનગર દક્ષિણ વિધાનસભાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર એવા અલ્પેશ ઠાકોરની રાજકીય કારકિર્દી અંગે ચર્ચા વધુ પ્રાસંગિક બની જાય છે.

કોણ છે અલ્પેશ ઠાકોર?

અલ્પેશ ઠાકોર જાહેરજીવનમાં આવ્યા બાદથી ક્યારેક આંદોલનોને લીધે, તો ક્યારેક નિવેદનોને લીધે ચર્ચામાં રહ્યા હતા.

જોકે, વર્ષ 2019માં ભાજપમાં સામેલ થયા બાદથી તેઓ સમાચારોમાં ઓછા દેખાવા લાગ્યા.

ઠાકોર સમાજના આગેવાન અને ગુજરાતના રાજકારણના જાણકાર નવઘણજી ઠાકોર અલ્પેશ ઠાકોરની કારકિર્દીની શરૂઆત અંગે માહિતી આપતાં જણાવે છે કે, “અલ્પેશ ઠાકોરના પિતા, ખોડાજી ઠાકોર પહેલાં ભાજપમાંથી ટિકિટ મેળવીને અમદાવાદ જિલ્લા પંચાયતમાં ચૂંટાયા હતા. તે બાદ તેઓ શંકરસિંહ વાઘેલાના સમર્થનમાં પહેલાં રાજપા અને પછી કૉંગ્રેસમાં આવ્યા. તે સમયે અલ્પેશ ઠાકોર યૂથ કૉંગ્રેસમાં હતા.”

નોંધનીય છે કે અલ્પેશ ઠાકોર મૂળ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના એંદલા ગામના છે.

ભારતના ચૂંટણીપંચ સમક્ષ દાખલ કરાયેલા સોગંદનામામાં આપેલી માહિતી અનુસાર 47 વર્ષીય અલ્પેશ ઠાકોરે પ્રથમ વર્ષ બી. એ. સુધી અભ્યાસ કર્યો છે.

નવઘણજી અલ્પેશ ઠાકોરની રાજકીય સફર વિશે આગળ જણાવતાં કહે છે કે, “એ સમયે યૂથ કૉંગ્રેસનું વધુ ચાલતું નહીં તેથી ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલાની પ્રેરણાથી તેમણે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાવી. એક સમય એવો પણ હતો કે જ્યારે તેમની એક હાકલ પર લાખો યુવાનો ઉત્તર ગુજરાતમાં એકઠા થઈ જતા.”

ઇન્ડિયા ટુડે ડોટ ઇનના એક અહેવાલ અનુસાર તેમણે વર્ષ 2011માં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના કરી હતી.

આ જૂથ સાથે સાત લાખ યુવાનો સંકળાયેલા હોવાનો દાવો કરાય છે.

વર્ષ 2017માં અલ્પેશ ઠાકોરે ઓબીસી એસસી-એસટી એકતા મંચ અંતર્ગત પાટીદાર અનામત આંદોલન સામે મોરચો માંડ્યો હતો.

એવું મનાય છે કે ઉત્તર ગુજરાતની કેટલીક બેઠકો પર અલ્પેશ અને તેમના જૂથની અસર હતી.

અલ્પેશ ઠાકોરની રાજકીય કારકિર્દી અંગે વાત કરતાં બનાસકાંઠાના સ્થાનિક રિપોર્ટર નીતિન પટેલ જણાવે છે કે, “હાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલન સામે ઓબીસીને એક કરવાની તેમની રણનીતિ તેમને ફળી હતી. એ સમયે તેમનો અને તેમના સંગઠનનો ઉત્તર ગુજરાતની બેઠકો પર સારો પ્રભાવ હતો.”

“પાટીદારોને ઓબીસી અનામત આપવા સામે તેમણે વિરોધ કરેલો. તેમની આ લડતે ઉત્તર ગુજરાતના યુવાનો અને ખાસ કરીને ઠાકોર સમાજને સંગઠિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી.”

તેઓ અલ્પેશ ઠાકોર અને તેમના સંગઠન ક્ષત્રિય ઠાકોર સેના અંગે વાત કરતાં કહે છે કે, “આ સિવાય તેઓ ઠાકોર સમાજમાં વ્યસનમુક્તિ અને દારૂબંધીને લગતી પણ લડત ચલાવી ચૂક્યા છે.”

નીતિન પટેલ માને છે કે ગુજરાતમાં વર્ષ 2017માં ગુજરાતમાં દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવવામાં અલ્પેશ ઠાકોરની ચળવળે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આ સિવાય તેમણે વર્ષ 2018માં પરપ્રાંતીય વિરુદ્ધ પણ મોરચો માંડ્યો હતો, જેને લઈને વિવાદ થયો હતો.

ધ વાયરના એક અહેવાલ અનુસાર તે સમયે સાત વરસની ઠાકોર સમાજની એક બાળકી પર બળાત્કારનો બનાવ બન્યા બાદ હિંદી ભાષી પરપ્રાંતીયો વિરુદ્ધ ‘ઉશ્કેરણીજનક ભાષણ’ કરવાના અલ્પેશ ઠાકોર પર આરોપ થયા હતા. જે બાદ ગુજરાતમાં ઠેરઠેર પરપ્રાંતીયો પર હુમલા થવા લાગ્યા હતા. પરિણામે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા લોકો હિંસક પ્રદર્શનની બીકે ગુજરાત છોડી ગયા હતા.

રાજકારણમાં પ્રવેશ

નીતિન પટેલ જણાવે છે કે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં તેમણે બનાસકાંઠામાં પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા. જે જીતી શક્યા નહોતા.

આ બાદ અલ્પેશ ઠાકોરે ‘ઓબીસી અનામતમાં ભાગ ન પડે તે હેતુથી શરૂ કરેલ આંદોલને’ તેમને ‘રાજકારણમાં ચમકાવી દીધા’ અને રિપોર્ટર નીતિન પટેલના મતે કૉંગ્રેસમાંથી ‘અલ્પેશના જૂથને વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં દસ ટિકિટ મળી હતી.’

નીતિન પટેલ જણાવે છે કે, “આ દસ બેઠકોમાં અલ્પેશ ઠાકોરની રાધનપુરની બેઠક પણ સામેલ હતી.”

કૉંગ્રેસની ટિકિટ મળવાથી માંડીને બેઠક જીતવા માટે તેમના સમર્થકોએ કરેલી મહેનત અંગે વાત કરતાં નીતિન પટેલ જણાવે છે કે, “તેમને જિતાડવા માટે ઉત્તર ગુજરાતમાં ગામેગામ તેમના સમર્થકોએ લોકોને મનાવ્યા હતા. તેના માટે જાતભાતની રણનીતિ અજમાવી હતી. અને અંતે તેઓ જીત્યા પણ ખરા. પરંતુ જીત્યા બાદ તેમણે પાર્ટી છોડી દેતાં મતદારો અને સમર્થકોનો વિશ્વાસ તેમના પરથી ઊઠી ગયો હતો.”

નોંધનીય છે કે જુલાઈ 2019માં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર એવા કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોરના સમર્થનમાં ક્રૉસ-વોટિંગ કર્યું હતું.

આ મતદાનના અમુક દિવસ બાદ જ તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.

ભાજપમાં સામેલ થતાં તેમણે કહ્યું હતું કે, “મારો દાખલો ખોટી શાળામાં થયો હતો, ત્યાંના શિક્ષકો નબળા હતા અને લોકોની લાગણી સમજતા ન હતા. તેથી મારા સમાજ અને મારા લોકોના હિતમાં મેં તે સ્કૂલ છોડી દીધી અને હવે નવી સ્કૂલ સાથે જોડાયો છું.”

જોકે, રાધનપુર બેઠક પરથી જ ઑક્ટોબર 2019માં યોજાયેલી પેટાચૂંટણીમાં કૉંગ્રેસના નેતા રઘુ દેસાઈ સામે તેમની હાર થઈ હતી.

તેમની હારનાં કારણો અંગે વાત કરતાં નીતિન પટેલ કહે છે કે, “તેમણે અગાઉ કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો એટલે તેમના સમર્થનમાં આવેલા લોકોને એવો સંદેશ ગયો હતો કે આ વ્યક્તિ તકવાદી છે, જે લોકોએ મહામહેનતે તેમને જિતાડ્યા હતા, હવે તેઓ જ તેમનો વિરોધ કરી રહ્યા હતા. પરિણામે હાર થઈ અને હવે સ્થાનિક ઉમેદવારનો મુદ્દો ઉઠાવી તેમને રાધનપુર બેઠક બદલવા મજબૂર કરવામાં આવ્યા છે.”

અલ્પેશ ઠાકોરના રાજકીય ક્ષેત્ર ઘટતા પ્રભુત્વ અંગે માહિતી આપતાં નવઘણજી ઠાકોર કહે છે કે, “એક સમયે એમનો પડ્યો બોલ ઝીલનારા તેમના સમર્થકોની સંખ્યામાં હવે તીવ્ર ઘટાડો થયો છે. હવે તેમના સંગઠન કે તેમની પહેલાં જેવી કોઈ અસર નથી.”

કેમ ચૂંટણી હાર્યા હતા અલ્પેશ ઠાકોર?

નોંધનીય છે કે વર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ અલ્પેશ ઠાકોર કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

અલ્પેશ ઠાકોરે કથિતપણે રાધનપુર બેઠક પરથી જ ચૂંટણી લડવાનો આગ્રહ રાખ્યો હતો. જ્યારે કૉંગ્રેસ નેતા રઘુ દેસાઈ આ બેઠક પરથી પોતે ચૂંટણી લડવા માગતા હતા. જે શક્ય ન બન્યું અને તેમને ચાણસ્મા બેઠક પરથી ચૂંટણી લડવી પડી. જ્યાં રઘુ દેસાઈને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાતના રાજકીય નિષ્ણાતો અને વરિષ્ઠ પત્રકારોના મતે અલ્પેશ ઠાકોરની હાર એ ગુજરાતની જનતા હંમેશાં પક્ષપલટુઓને પાઠ ભણાવે છે એ વાતની સાબિતી પૂરી પાડે છે.

તો પેટાચૂંટણીના પ્રચારમાં લોકોની મૂળ સમસ્યા પર વાત ન થઈ હોવાનું અને અલ્પેશ ઠાકોર સહિત ભાજપના નેતાઓએ રાષ્ટ્રીય મુદ્દાઓ પર જ વાત કરી હતી એમ સ્થાનિકોએ જણાવ્યું હતું.

ઘણા સ્થાનિકોનું માનવું હતું કે રાધનપુર વિધાનસભામાં જે કોઈ નેતા પક્ષ બદલીને ચૂંટણી લડે છે, તેમને જનતા જાકારો આપે છે.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર બેઠક પરથી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શંભુજી ઠાકોર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

જોકે ભાજપે આ વખતે તેમને ગાંધીનગર દક્ષિણ પર ટિકિટ ન આપીને અલ્પેશ ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે.