તેજ વાવાઝોડું ખતરનાક બન્યું, 200 કિમીથી વધારે ઝડપે ફૂંકાશે પવન, ગુજરાતમાં શું થશે અસર?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારત પાસે દરિયામાં એક સાથે બે વાવાઝોડાં સર્જાવાની ભાગ્યેજ બનતી ઘટના બનતી હોય છે પરંતુ આવું જ કંઈક થવા જઈ રહ્યું છે.
અરબી સમુદ્રમાં તેજ નામનું વાવાઝોડું સર્જાઈ ગયું છે અને બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું સર્જાય તેવી પ્રબળ સંભાવના દેખાઈ રહી છે.
અરબી સમુદ્રમાં 21 ઑક્ટોબરના રોજ બનેલું તેજ નામનું વાવાઝોડું હાલ ભીષણ ચક્રવાતનું સ્વરૂપ લઈ ચૂક્યું છે અને હજી તે વધારે મજબૂત બને તેવી સંભાવના દેખાઈ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તેજ વાવાઝોડું અતિ મજબૂત બનીને 'એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લૉન' બની જશે અને પવનની ગતિ 200 કિલોમીટર પ્રતિકલાક કરતાં વધારે થવાની સંભાવના દેખાઈ રહી છે.
બીજી તરફ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હાલ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ પણ મજબૂત બનશે.
ચોમાસા બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડાં સર્જાતાં હોય છે પરંતુ એકસાથે બન્ને દરિયામાં વાવાઝોડાં સર્જાવાની ઘટના વર્ષોમાં એકાદ વખત બને છે.
તેજ વાવાઝોડું કેટલું ખતરનાક બનશે?

ઇમેજ સ્રોત, mausam.imd.gov.in
અરબી સમુદ્રમાં ચોમાસા બાદનું આ પ્રથમ વાવાઝોડું બન્યું છે અને એ પણ ખૂબ ટૂંકાગાળામાં ખૂબ જ તાકતવર બને તેવી સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું અતિ ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલ દરિયામાં રહેલા આ વાવાઝોડામાં પવનની ગતિ પ્રતિકલાક 150થી 175 કિલોમીટર પ્રતિકલાક છે, હજી પણ આ વાવાઝોડું વધારે મજબૂત બનશે અને પવનની ગતિ વધવાની સંભાવના છે.
દરિયામાં જ આગળ વધી રહેલા તેજ વાવાઝોડાના પવનની ગતિ 190 કિમી પ્રતિકલાકથી 210 કિમી પ્રતિકલાક સુધી પહોંચવાની શક્યતા દેખાઈ રહી છે.
ભારતમાં સામાન્ય રીતે ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ વાવાઝોડાં બનતાં હોય છે, ચોમાસા પહેલાં બંગાળની ખાડીમાં મોખા નામનું વાવાઝોડું અને અરબી સમુદ્રમાં બિપરજોય નામનું વાવાઝોડું બન્યાં હતાં. બિપરજોય કચ્છના નલિયાની આસપાસ ત્રાટક્યું હતું.
ભારતમાં દર વર્ષે લગભગ ચારથી પાંચ વાવાઝોડાં બનતાં હોય છે અને અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીમાં વધારે વાવાઝોડાં સર્જાતાં હોય છે.
જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી અરબી સમુદ્રમાં વાવાઝોડાંની સંખ્યા વધી રહી છે.
તેજ વાવાઝોડાની ગુજરાત પર કોઈ અસર થશે?

ઇમેજ સ્રોત, mausam.imd.gov.in
તેજ વાવાઝોડાનો ખતરો ભારતના દરિયાકિનારા પર નથી કારણ કે તે ભારતના દરિયાકિનારાથી દૂર જઈ રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું ઓમાન અને યમનના દરિયાકિનારા પર ત્રાટકશે અને સૌથી વધારે નુકસાન ત્યાં થવાની શક્યતા છે.
હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે આ વાવાઝોડું હવે ફરીથી વળાંક લઈને ગુજરાત તરફ આવે તેવી શક્યતા નહિવત્ છે. અરબી સમુદ્રના આ વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો નથી અને રાજ્યમાં તેના કારણે વરસાદ થવાની પણ સંભાવના દેખાતી નથી.
હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે આવનારા પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી અને મોટા ભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.
હાલની સ્થિતિ પ્રમાણે આ વાવાઝોડું સીધું જ યમન પર ત્રાટકે તેવી સંભાવના છે અને તેની અસર ઓમાન અને સાઉદી અરેબિયાના કેટલાક વિસ્તારોમાં પણ થાય તેવી શક્યતા છે.
બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે તો કઈ તરફ જશે?

ઇમેજ સ્રોત, mausam.imd.gov.in
બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન હાલ સર્જાયું છે અને તે હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે એટલે કે વધારે મજબૂત બનશે અને વાવાઝોડું બને તેવી પણ શક્યતા છે.
આ સિસ્ટમ હાલ બંગાળની ખાડીની અંદર છે અને આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી રહી છે પરંતુ તે દરિયાની અંદર જ વળાંક લેશે.
વળાંક લીધા બાદ તે ઓડિશાના દરિયાકિનારાની પાસેથી થઈને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકિનારાની આસપાસ ત્રાટકે તેવી સંભાવના છે.
ચોમાસા પહેલાં પણ બંગાળની ખાડીમાં બનેલું મોખા નામનું વાવાઝોડું મ્યાનમાર પર ત્રાટક્યું હતું અને આ વખતે પણ ભારતનો મોટા ભાગનો દરિયાકિનારો કદાચ આ વાવાઝોડાના સંપર્કમાં નહીં આવે.
બંગાળની ખાડીના વાવાઝોડાની સીધી અસર ગુજરાતને થતી નથી અને આ વખતે બની રહેલી સિસ્ટમની કોઈ અસર રાજ્ય પર થવાની સંભાવના નથી.












