નવરાત્રિ: ગરબા કરતાં કોને હાર્ટઍટેકનો ખતરો હોઈ શકે? તેનાથી બચવા શું ધ્યાન રાખવું જોઈએ, ડૉક્ટરો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શ્યામ બક્ષી
- પદ, બીબીસી સંવાદદાતા
નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ગરબા રમવા માટે સૌ કોઈમાં થનગનાટ છે. પણ તાજેતરમાં જ ગરબા રમતા રમતા ઢળી પડ્યા બાદ મૃત્યુના અનેક કિસ્સાઓ નોંધાઈ ચૂક્યા છે. જેને હાર્ટઍટેકના કેસ ગણાવાઈ રહ્યા છે.
અઠવાડિયા પહેલાં જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ કરતો 19 વર્ષનો યુવાન વિનીત કુંવરિયા અચાનક ઢળી પડ્યો. વિનીતને સારવાર માટે હૉસ્પિટલ લઈ ગયા પણ ત્યા ડૉક્ટરે તેમને મૃત જાહેર કરાયા. ગરબાના આયોજકે મીડિયા સાથેની વાતમાં કહ્યું કે ''યુવાનને કોઈ શારીરિક સમસ્યા હોય એવી કોઈ જાણ નહોતી. અગાઉ પણ તેઓ પ્રેક્સિસ કરતા જ હતા. પણ એ દિવસે ગરબાના માત્ર બે રાઉન્ડ માર્યા અને ઢળી પડ્યા. અમે તેમને હૉસ્પિટલ લઈને આવ્યા પણ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યા' . વિનીત છેલ્લા બે મહિનાથી ગરબામી પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
બાર દિવસ પહેલાં જૂનાગઢમાં 24 વર્ષના ચિરાગ પરમાર નામના યુવાનનું પણ દાંડિયા રમતા રમતા મૃત્યુ થયું. ચિરાગ અચાનક ઢળી પડ્યા હતા તેમને પણ સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા પણ ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
લગ્નપ્રસંગમાં ડાન્સ કરતા સમયે હાર્ટઍટેક આવવાથી મૃત્યુ થયાં હોય તેવા અનેક કિસ્સાઓ નોંધાયા છે. ગયા વર્ષે નવરાત્રિમાં પણ ગરબા રમતા રમતા મૃત્યુ થયું હોવાના અનેક કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં ગરબા કરતા લોકોનાં મૃત્યુના કેસ નોંધાતા સરકારે નવરાત્રિમાં ગરબા સ્થળે આયોજકોને સ્વાસ્થ્ય સુવિધાઓ રાખવાની સૂચના આપી છે. ત્યારે વાંચો કે નવરાત્રિમાં ગરબા રમવાનો પ્લાન હોય તો કેવી તકેદારી રાખવાનું સૂચન ડૉક્ટરો આપે છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ સ્થિતિને જોતા રાજકોટ સિવિલ હૉસ્પિટલ અત્યારથી સતર્ક બની ગઈ છે. નવરાત્રીના નવ દિવસ સિવિલ હૉસ્પિટલમાં હાર્ટઍટેક માટે ખાસ 50 બૅડનો એક વૉર્ડ ઊભો કરાયો છે. જ્યાં દવા, ઈન્જેક્શન સહિતની તમામ સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. 20 બેડ મહિલાઓ માટે 20 બેડ પુરુષો માટે તૈયાર કરાયા છે. જ્યાં રાત્રિના સમયે પણ રાત્રીના પણ ડૉક્ટર્સ અને ટીમ વૉર્ડમાં હાજર રહેશે.
તો, રાજકોટના લોહાણા મહાજન સમાજે ગરબા સ્થળ પર ડૉક્ટર્સની ટીમ તહેનાત રાખવાનો નિર્ણય કર્યો છે. જો કોઈને હાર્ટ ઍટેક આવે તો તાત્કાલિક ધોરણે તેમને સારવાર મળી રહે તે માટે નિષ્ણાતોની ટીમ અને ઍમ્બુલન્સની ટીમ તૈનાત રખાશે. સ્થળ પર પ્રાથમિક સારવારના અભાવે કોઈ અનઇચ્છનીય ઘટના ન બને તે માટે સ્વયંસેવકોને પણ તાલીમ આપવાનો નિર્ણય કરાયો છે.
આવા કિસ્સાઓને લઈને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ''કોરોના બાદ ઘણા બધા એવા કેસ બને છે કે યુવાન હોય, નાની ઉંમર હોય, સિંગલ બૉડી હોય છતાં પણ એને ઍટેક આવી જાય છે. અને એ મૃત્યુ તરફ દોરી જાય છે. તેમાં તકેદારીના ભાગરૂપે ગુજરાતના ગરબા આયોજકો અને જે મંડળો હોય એ અને ગરબા રમતા ભાઈઓ બહેનોને હું ખાસ અપિલ કરું છું કે નવરાત્રિ એ માતાજીનું પર્વ છે, હર્ષોલ્લાસ આનંદથી રમવાનો તહેવાર છે. તેને કોઈ સ્પર્ધાના સ્વરૂપે ન લો. મને કોઈ નામ મળશે એવી લાલચે સ્ટ્રેસ લઈને વધુ ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે આપણાં હૃદયને શ્રમ પડે છે. તેવું ન કરવું જોઈએ.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે જ્યારે નવરાત્રિ નજીક છે ત્યારે ખેલૈયાઓની ચિંતા વધવી એ સ્વાભાવિક છે. પોતે સ્વસ્થ દેખાતા હોય અને કોઈ પણ બીમારીના સંકેત ન હોય છતાં પણ તેઓ ગરબા રમવા માટે સુરક્ષિત છે અને તેમને કોઈ સમસ્યા નહીં સર્જાય તે કેવી રીતે માની શકાય? ચિંતા મુક્ત થઈને ગરબા કેવી રીતે રમી શકાય? ગરબા રમતી વખતે શું તકેદારી રાખવી જોઈએ, ગરબા રમતા પહેલાં શું કરવું તેને લઈને બીબીસીએ કેટલાક ડૉક્ટર્સ સાથે વાત કરી હતી.
ગરબા રમતા કોને આવી શકે છે હાર્ટઍટેક?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજીસ્ટ ડૉક્ટર લાલ દાગાએ બીબીસીને જણાવ્યું કે ''ગરબા એ એક પ્રકારની સઘન કસરત છે. જ્યારે તમે લાંબા સમય સુધી ગરબા રમો છો તો તમારા હૃદય પર શ્રમ પડે છે. રોજિંદા જીવનમાં તમારું હૃદય જે શ્રમ સહન કરવા માટે ટેવાયેલું ન હોય તેના કરતાં બેથી ત્રણ ગણો શ્રમ તેને પડે ત્યારે હૃદયનું વર્તન અને રિધમ બદલાઈ શકે છે. અને તે હાર્ટઍટેક જેવી ગંભીર સમસ્યાને નોતરી શકે છે.''
એમડી મેડિસન ડીએમ કાર્ડિયોલૉજીસ્ટ ડૉક્ટર ધવલ દોશીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું ''જ્યારે તમે લોડ લો એટલે કે વધારે પડતું ચાલવામાં આવે, વધારે પડતી કસરત કરવામાં આવો તો હૃદય પર લોડ વધી જાય અને તેને લોહી ન મળે તો તેને હાર્ટઍટેક આવવાની શક્યતા વધી જાય. જ્યારે પણ આપણે ગરબા રમિએ અથવા તો જિમમાં પ્રમાણ કરતાં વધારે કસરત કરીએ તો હાર્ટઍટેકની શક્યતા વધી જાય.''
તેમણે ઉમેર્યું, ''યુવાનોમાં હાર્ટઍટેકનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ ખાસ કરીને 40થી 45 વર્ષની નાની ઉંમરની વ્યક્તિના જે મૃત્યુ થાય છે એમાંથી 50 ટકા હાર્ટઍટેકથી થાય છે અને તે અચાનક થાય છે.''
ડૉક્ટર ધવલ દોશીએ એ લોકોને વધુ તકેદારી રાખવાનું સૂચન કર્યું જેમના પરિવારમાં પહેલેથી જ કોઈને હૃદય સંબંધિત બીમારી છે. તેમના મતે પારિવારિક હૃદયની સમસ્યાના વલણની સ્થિતિમાં હાર્ટઍટેકનું જોખમ વધારે રહેલું હોય છે. તેમણે વધુમાં ઉમેર્યું.
''ખાસ કરીને જેમના પરિવારમાં માતાપિતાને કે દાદાદાદીને જો હાર્ટઍટેક આવી ગયો હોય તો એ યુવાનોમાં પણ હાર્ટઍટેક આવવાની શક્યતાઓ વધી જાય છે. કારણ કે તે યુવાનોમાં એલડીએલ એટલે ખરાબ કૉલેસ્ટ્રોલ એ જનરેટ થયા કરતું હોય છે. જેમને વારસાગત વલણ છે અને આવા યુવાનો જો ગરબા રમે અથવા તો યુવાનોમાં પહેલેથી જ કૉલેસ્ટ્રોલ વધારે હોય, તેમની જીવન શૈલી સારી ન હોય, વ્યસન હોય તો તેમને હાર્ટઍટેક આવવાની શક્યતાઓ વધી જાય છે.''
ડૉક્ટર લાલ દાગાએ એવા યુવાનોને ખાસ કરીને ચેતવ્યા છે જેમને કોઈકને કોઈક વ્યસન છે. તેમણે ઉમેર્યું ''જો તમારા પરિવારમાં હાર્ટઍટેકની ઘટના બની હોય. જો તમે તમાકુ, સિગારેટ, બીડી, દારુનું વ્યસન કરતા હોવ. જો તમારા શરીરમાં બ્લડ પ્રેશર, કિડની કૅન્સર જેવી બીમારી હોય તો આવા કિસ્સામાં હાર્ટઍટેકની બીમારીનું પ્રમાણ વધારે હોય છે.''
ગરબા રમવાથી કેવી રીતે આવી શકે હાર્ટઍટેક?

ઇમેજ સ્રોત, DR. DHAVAL DOSHI
હાર્ટઍટેક માટે હૃદયમાં રહેલી અનેક સ્થિતિઓ જવાબદાર છે. કોરોના બાદ અચાનક હાર્ટઍટેક આવવાના અને આકસ્મિક મૃત્યુના કેસો વધી ગયા છે. આ અંગે ડૉક્ટર લાલદાગાએ બીબીસીને વિસ્તારથી સમજાવ્યું કે ગરબા રમતા કઈ સ્થિતિ સર્જાય તો હાર્ટઍટેક આવી શકે છે.
- જો કોઈ વ્યક્તિના હૃદયની નળીમાં પહેલેથી જ 60-70 ટકાનો બ્લૉક હોય. (કૉલેસ્ટ્રોલ અથવા લોહીનો ગઠ્ઠો હોય) ગરબા રમવાના કારણે હૃદય પર જે શ્રમ પડે તેના કારણે તે છૂટો પડે અને આખી નળી બ્લૉક કરી નાખે તેવી સ્થિતિમાં હાર્ટઍટેક આવી શકે છે.
- જો કોઈ વ્યક્તિને હૃદયની રિધમની સમસ્યા હોય તો એબનૉર્મલ રિધમના કારણે પણ સમસ્યા સર્જાઈ શકે છે.
- હૃદયના સ્નાયુ મસલ્સ નબળા હોવા જેને મેડિકલની ભાષામાં કાર્ડિયોમાયોપેથી કહેવાય છે. તેનાથી પણ ગરબા રમવાના કારણે હૃદય પર વધુ શ્રમ પડે તો સમસ્યા સર્જાઈ શકે છે.
- કેટલાક લોકોને હૃદયની દીવાલ જાડી હોય છે. જેને મેડિકલ ભાષામાં હાઇપરટ્રોફિક કાર્ડિયો માયોપેથી કહેવાય છે. આવા હાર્ટપેશન્ટ હૃદય પરનો વધુ શ્રમ સહન નથી કરી શકતા. અને તેઓ અચાનક જ પડી જાય છે. ત્યાર બાદ તેમને રિવાઇવ ન કરી શકાય તો આવા કેસમાં મૃત્યુ પણ થઈ શકે છે.
ગરબા સમયે હાર્ટઍટેકથી બચવા શું કરશો?

ઇમેજ સ્રોત, DR. LAL DAGA
ગરબા રમતા સમયે હાર્ટઍટેકથી બચવા માટે પહેલાં એ જાણી લેવું યોગ્ય રહેશે કે તમારું હૃદય સ્વસ્થ છે કે નહીં. ગરબા રમવા માટે પૂરતો શ્રમ સહન કરી શકે તેટલી તેની ક્ષમતા છે કે નહીં. જો તમને થોડું ચાલવાથી હાંફ ચઢતો હોય, થાક લાગતો હોય તમારા હૃદયના ધબકારા વધતા હોય એવામાં ડૉક્ટર દોશી અને ડૉક્ટર લાલ દાગા બન્ને ખેલૈયાઓને ગરબા પહેલાં પોતાના હૃદયની તપાસ કરાવવાની સલાહ આપે છે.
ડૉક્ટર દોશી કહે છે કે, "ગરબા રમતી વખતે મારું દરેકને સૂચન છે કે જે લોકોને હાર્ટઍટેક આવવાની શક્યતા વધુ હોય એમ લાગતું હોય એમણે પહેલેથી જ ડૉક્ટરને મળીને પોતાનું ચૅકઅપ કરાવવું જોઈએ."
"આજ કાલ એવા ટૅસ્ટ ઉપલબ્ધ છે. કૉલેસ્ટ્રોલ, ઈકો, ઈસીજી અને ટ્રેડમિલ ટેસ્ટ કે જેમાં ટ્રેડમિલ પર ચાલીને તમારા હૃદયની ક્ષમતાનું પરીક્ષણ કરાય છે."
ખાસ કરીને યુવાનોના સંદર્ભમાં વાત કરીએ ડૉક્ટર લાલ દાગા પણ જેમને બ્લડ પ્રેશર, કિડનીની બિમારી હોય અને ઉંમર 30થી વધુ હોય તેમને હૃદયનું પરીક્ષણ કરાવ્યા બાદ જ ગરબા રમવાની સલાહ આપે છે. તેઓ આગળ જણાવે છે
"જો વ્યક્તિની ઉંમર 40થી વધુ હોય તો હૃદયનું પરીક્ષણ કરાવવું જ જોઈએ. પણ જો 25-30 વર્ષની ઉંમર હોય અને તેમાં પણ કોઈ ઉપર દર્શાવેલું જોખમ હોય. જેને બે વાર કોરોના થઈ ગયો હોય."
"તેને ડાયાબિટીસ બ્લડ પ્રેશર પારિવારિક હાર્ટઍટેકની હિસ્ટ્રી હોય તો પણ તેમને જોખમ છે. આવી વ્યક્તિએ પહેલાં કાર્ડિયોલૉજિસ્ટ સાથે પરીક્ષણ કરાવી લેવું જોઈએ."
"આ પરીક્ષણથી એ અંદાજો આવી જાય કે અમુક સ્ટ્રેસ છતાં પણ હૃદયને કંઈ નથી થયું. તો તેને ગરબા રમવાથી પણ કંઈ નહીં થાય."
ગરબા રમતા પહેલાં કયો ખોરાક લેવો જોઈએ

ઇમેજ સ્રોત, Getty Images
જો વ્યક્તિને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે કૉલેસ્ટ્રોલની બીમારી નથી તેઓ પૂરતો ખોરાક લઈ શકે છે. પણ તેમના માટે સમયનું ધ્યાન રાખવું જરૂરી છે.
ડૉક્ટર ધવલ દોશી જણાવે છે કે, "જેમને બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે તેઓ છે તેઓ જમ્યાના પંદર-વીસ મિનિટ, કે કલાકમાં ગરબા ચાલુ કરી દે તો હૃદય પર લોડ પડવાનું શરૂ થઈ જાય છે. કારણ કે આપણે જે ખોરાક લીધો છે તેને પચાવવા માટે પણ હૃદયને જ કામ કરવું પડે છે. એટલે ભોજનને પચાવવા અને ગરબાથી હૃદય પર બમણો સ્ટ્રેસ પડે તો નળી બ્લૉક થવાની શક્યતા વધી જાય. જેનાથી હાર્ટઍટેક આવવાની શક્યતા વધી જાય છે."
ડૉક્ટર ધવલ દોશી ઉમેરે છે,"ભારે ખોરાક ખાઈને ગરબા ન રમવા જોઈએ. ખાધા પછી બે કલાક પછી ગરબા રમવા જોઈએ. ફ્રૂટ્સ અને શાકભાજી ખાઈને તમે ગરબા રમી શકો છો પણ તમે રોટલી-શાક, દાળ-ભાત, ખીચડી-કઢી જેવો ભારે ખોરાક ખાધા બાદ તુરંત જ ગરબા રમો તો હાર્ટઍટેક આવવાની શક્યતા વધી શકે છે.''
માત્ર ખોરાક પર જ નહીં પણ ખેલૈયાઓએ પાણી પીવા પર પણ પૂરતું ધ્યાન આપવુ જોઈએ. કારણ કે ગરબા રમવાથી પરસેવો થાય છે. જેનાથી શરીરમાં રહેલુ પાણી ઓછું થઈ શકે છે. તેથી યોગ્ય સમયે પાણી પીવું જરૂરી છે.
ક્યારે અને કેટલું પાણી પીવું તે અંગે ડૉક્ટર ધવલ દોશી કહે છે કે, "તમે ગરબા રમો કે કોઈ પણ કસરત કરો તેનાં પહેલાં એક કે બે ગ્લાસ જેટલું પાણી, જ્યૂસ અથવા પ્રવાહી લેવું જોઈએ."
"ત્યાર બાદ દર વીસથી ત્રીસ મિનિટના અંતરે પાણી પીતા રહેવું જોઈએ. જ્યારે પણ તમે ગરબા રમો તો અમુક સમય કરતા વધારે પ્રમાણમાં એક સાથે ગરબા ન રમવા જોઈએ. વીસ કે પચ્ચીસ મિનિટ બાદ આરામ જરૂરી છે."
"હૃદયને આરામ મળવો જરૂરી છે. ઊંડા શ્વાસ લો દસ મિનિટ આરામ કર્યા બાદ ફરીથી વીસ મિનિટ ગરબા રમો. એક સાથે કલાક બે કલાક ગરબા રમ્યા કરવાથી પણ ઍટેક આવવાની શક્યતા વધી જશે."

ઇમેજ સ્રોત, Getty Images
આ તો વાત થઈ ગરબા રમતા સમયની પરંતુ આ સિવાય હૃદયને સ્વસ્થ રાખવા માટે કેવો ખોરાક લેવો તે અંગે ડૉક્ટર લાલ દાગાએ કેટલાક સૂચનો આપ્યા છે. જે નીચે મુજબ છે.
હૃદયની સમસ્યામાં કેવા પ્રકારનો ખોરાક ખાશો?
- તળેલું અને જંકફૂડ ખાવાનું ટાળો, વ્યસનથી દૂર રહો
- ફળો અને શાકભાજીનું પ્રમાણ વધારો, રોટલી ઓછી શાકભાજી વધુ ખાવ
- ભૂખ કરતાં થોડો ઓછો ખોરાક લો
- અનાજને બદલતા રહો, એક દિવસ ઘઉં તો બીજા દિવસો બાજરીનો પ્રયોગ કરો
- આઇસક્રીમસ મિઠાઇનું પ્રમાણ ઓછું કરો
- કસરત યોગ્ય પદ્ધતિથી કરો, એક સમયે વધુ પડતી કસરત ન કરો
- વૉર્મઅપ, કસરત અને કૂલ ઑફ - ત્રણેય જરૂરી છે
- કસરતનું પ્રમાણ ધીરે ધીરે વધારો એક સાથે ન કરો
- જો તમને કોઈ જોખમ હોય તો હૃદયના પરીક્ષણ વગર કસરત ન કરો.
આ લોકો ગરબા રમતા પહેલાં અચૂક ટેસ્ટ કરાવી લે

ઇમેજ સ્રોત, Getty Images
જેમને અગાઉથી જ હાર્ટઍટેક આવી ચૂક્યો છે, જેને સ્ટેન્ટ મૂકેલું હોય એન્જિયોપ્લાસ્ટી કરાવેલી હોય, બાયપાસ સર્જરી કરાવેલી હોય. જેમને વધુ પડતું ડાયાબિટીસ હોય, હાઈ બ્લડ પ્રેશર હોય, કૉલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય એવા લોકોએ પહેલાં હાર્ટના ડૉક્ટર પાસે જઈને હાર્ટ ચૅકઅપ કરાવી લે.
ટુડી ઈકો કે જેમાં હૃદયની ક્ષમતા જાણી શકાય. ટીએમટી ટૅસ્ટ કરાવવો જોઈએ. એ નૉર્મલ હોય તો જ તમે ગરબા રમી શકો. નહીંતર ન રમવા જોઈએ.
ગરબા રમતા આવું થાય તો તાત્કાલિક ડૉક્ટર પાસે જાવ
ગરબા રમતા અચાનક શ્વાસ રૂંધાવા લાગે, હૃદયના ધબકારા અતિશય વધી જાય, અતિશય પરસેવો થાય, ગભરામણ થાય, છાતી વધુ ભારે લાગે, છાતીમાં દુખાવો થાય, વધુ ચક્કર આવે, તમને ઍબનૉર્મલ ફીલ થાય તો વિના વિલંબે નજીકના દવાખાને જ્યાં તાત્કાલિક સારવાર મળી રહે ત્યાં વહેલી તકે પહોંચવાનો પ્રયત્ન કરો.
હૃદયને સ્વસ્થ્ય રાખવા માટે શું કરવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
હૃદય રોગથી બચી શકાય છે. અને તેની સારવાર પણ શક્ય છે. લાઇફ સ્ટાઇલને એ રીતે જાળવી રાખવી જોઈએ કે તમે કોઈ ઈમરજન્સી સુધી પહોંચો જ નહીં. તેના માટે ખોરાક, કસરત પર વધુ ધ્યાન રાખો.
સમગ્ર બાબતે ડૉક્ટર ધવલ દોશી કહે છે કે, "હૃદયરોગ એ લાઇફસ્ટાઇલ ડિસીઝ છે. તમારી અસ્ વ્યસ્ત જીવન શૈલી, વધુ પડતી સ્ટ્રેસફુલ જીવનશૈલીના કારણે હાર્ટઍટેકનું પ્રમાણ વધી રહ્યું છે."
"ખોરાકમાં વધુ પડતું જંક ફૂડ, તળેલા ખોરાકનું વધુ પડતું પ્રમાણ, કસરત ન કરવી, બેઠાળું જીવન હોવું, ખાસ કરીને યુવાનોમાં વ્યસન બીડી, સિગારેટ, આલ્કોહોલનું વધુ પડતું સેવન, અથવા તો સ્ટ્રેસ તેના માટે કારણભૂત છે."
"જ્યારે પણ વ્યક્તિ ટૅન્શનમાં હોય ત્યારે તેના હૃદયની ધમનીઓ સંકોચાય છે. જેના કારણે હૃદયને લોહી ન મળે અને વ્યક્તિને હાર્ટઍટેક આવવાની શક્યતાઓ વધી જાય છે."
"જો કેટલાક ટૅસ્ટ કરાવ્યા બાદ તમને ખ્યાલ આવ્યો કે તમારા શરીરમાં કેટલુંક જોખમ છે તો જેટલા જલદી સતર્ક થઈ જશો એટલું તમારું જીવન સુરક્ષિત બની જશે. તમારી જાગૃતતા તમને મોટી દુર્ઘટનાથી બચાવશે."
"જો કૉલેસ્ટ્રોલ આવ્યું તો તેને યોગ્ય લેવલે જાળવી રાખવા માટે પ્રયત્ન કરો. બ્લડ પ્રેશર આવ્યું તો તેને કંટ્રોલ કરવાની દિશામાં કામ કરો. મુશ્કેલી આવ્યા બાદ પણ દવાની મદદથી લોકો વર્ષો સુધી જીવી શકે છે. તમારી કાળજી તમને અચાનક આવતા હાર્ટઍટેકથી બચાવશે."












