You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યોગી આદિત્યનાથને પડકારી શકશે યુપીના નાયબ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્ય?
14 જુલાઈ, 2024 લખનૌમાં ભારતીય જનતા પાર્ટીની બેઠક ચાલી રહી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની હાજરીમાં ઉત્તર પ્રદેશ સરકારના ટોચના બે નેતાઓએ રાજ્યમાં ભાજપના ખરાબ પ્રદર્શનનાં અલગ-અલગ કારણો જણાવ્યાં હતાં.
મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે વધુ પડતા આત્મવિશ્વાસને ખરાબ પ્રદર્શનનું કારણ ગણાવ્યો હતો, જ્યારે નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ સરકાર કરતાં સંગઠન મોટું હોવાની વાત કહી હતી.
મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન બન્નેએ ઉત્તર પ્રદેશમાં પક્ષના ખરાબ પ્રદર્શનના અલગ-અલગ કારણો જણાવ્યાં હતાં, પરંતુ કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનને યોગી સરકાર વિરુદ્ધનું ગણવામાં આવ્યું હતું.
કેશવ પ્રસાદ મૌર્ય એવું કહેવા ઇચ્છતા હતા કે ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર પક્ષ કરતાં મોટી થઈ ગઈ છે. બીજી તરફ યોગીના નિવેદનનો અર્થ એવો કાઢવામાં આવ્યો હતો કે કેન્દ્રીય નેતૃત્વમાં વધુ પડતો આત્મવિશ્વાસ હતો.
બન્નેનાં નિવેદનો અને અલગ-અલગ મુલાકાતો પછી ઉત્તર પ્રદેશમાં ભાજપ સંબંધે અનેક સવાલ ઊઠવા લાગ્યા.
આ સવાલોના કેન્દ્રમાં કેશવ પ્રસાદ મૌર્ય અને યોગી આદિત્યનાથ છે.
યોગી ક્યારેય કોઈ ચૂંટણી હાર્યા નથી. કેશવ પ્રસાદ મૌર્ય એક-એક વખત વિધાનસભા તથા લોકસભાની ચૂંટણી જીત્યા છે. કેશવની પશ્ચાદ્ભૂ વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘની છે, જ્યારે યોગીની ઓળખ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પડછાયાથી અલગ હિન્દુત્વના રાજકારણની રહી છે.
યોગી આદિત્યનાથ 1998માં ગોરખપુર લોકસભા ક્ષેત્રમાંથી સંસદસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે તેમની વય માત્ર 26 વર્ષ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું કેશવ પ્રસાદ મૌર્ય યોગી આદિત્યનાથને પડકાર ફેંકી શકશે? કેશવ પ્રસાદ મૌર્ય ભાજપ માટે વધારે મહત્ત્વના છે કે યોગી આદિત્યનાથ?
ઉત્તર પ્રદેશ અને ભાજપ : કેટલીક તારીખો પર એક નજર
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ વિરુદ્ધ કેશવ પ્રસાદ મૌર્ય સંબંધે જે અનુમાન કરવામાં આવી રહ્યું છે તેને સમજવા માટે કેટલીક તારીખો પર નજર કરીએ.
4 જૂન, 2024 – લોકસભા ચૂંટણીનાં પરિણામમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને ફાળે 33 બેઠકો આવી હતી, જે 2019ની તુલનાએ 29 ઓછી હતી.
જૂનથી જુલાઈ – ઉત્તર પ્રદેશમાં અનેક ઠેકાણે વહીવટીતંત્ર અને ભાજપના નેતાઓ વચ્ચે વિવાદ તથા બોલાચાલીના સમાચારો આવ્યા.
14 જુલાઈ, 2024 – લખનૌમાં ભાજપ કારોબારી બેઠક યોજાઈ.
નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યુ, સંગઠન, પ્રદેશ અને દેશના નેતૃત્વ સમક્ષ કહી રહ્યો છું કે સંગઠન સરકારથી ઊંચું છે. સંગઠનથી મોટું કોઈ હોતું નથી.
16 જુલાઈ, 2024 – કેશવ પ્રસાદ મૌર્ય અને ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ દિલ્હીમાં જે પી નડ્ડાની મુલાકાત લીધી.
17 જુલાઈ, 2024 – કેશવ પ્રસાદ મૌર્યએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કહ્યું, સંગઠન સરકારથી મોટું. કાર્યકર્તાઓની પીડા મારી પીડા છે. સંગઠનથી મોટું કોઈ નથી, કાર્યકર્તાઓ જ ગૌરવ છે.
17 જુલાઈ, 2024 – મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યપાલની મુલાકાત લીધી. રાજ્યપાલની ઑફિસ તરફથી તેના ફોટોગ્રાફ બહાર પાડવામાં આવ્યા અને કહેવાયું કે આ શિષ્ટાચાર મુલાકાત હતી.
ઉત્તર પ્રદેશ, યોગી અને અનુમાન
ગયા દોઢ મહિનામાં અલગ-અલગ તારીખે થયેલી આ મુલાકાતો અને નિવેદનબાજીને લીધે અનુમાનને વેગ મળ્યો છે. મુખ્યપ્રધાન તરીકે યોગી આદિત્યનાથની ખુરશી સલામત છે કે કેમ એવો સવાલ પણ ઉઠી રહ્યો છે.
આ સવાલ સૌથી પહેલાં મોટા સ્તરે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ઉઠાવ્યો હતો.
કેજરીવાલે 2024ની 11 મેના રોજ એક ચૂંટણી સભામાં કહ્યું હતું, "આ ચૂંટણી જીતી ગયા તો મારી પાસે લખાવી લો – આ લોકો બે મહિનામાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાનને બદલી નાખશે. યોગી આદિત્યનાથના રાજકારણને ખતમ કરી નાખશે. તેમને પણ ખતમ કરી નાખશે."
આ સંજોગોમાં ભાજપના વડપણ હેઠળ નરેન્દ્ર મોદીનું ફરી સત્તા પર આવવા અને ઉત્તર પ્રદેશમાં ભાજપના ખરાબ પ્રદર્શન પછી આવા જ સવાલ ઊઠવા લાગ્યા છે.
ઉત્તર પ્રદેશમાં પક્ષને મોટો વિજય ન મળ્યો હોવાથી ભાજપ હાઈકમાન્ડ નારાજ છે. કેટલાક લોકો આ માટે યોગી આદિત્યનાથ તરફ ઇશારો કરી રહ્યા છે અને કેટલાક ટોચના નેતાઓ તરફ.
કેશવ પ્રસાદ મૌર્યના તાજા નિવેદન અને સક્રિયતાને વિરોધ પક્ષના નેતાઓ આ કડી સાથે જોડી રહ્યા છે.
અખિલેશ યાદવની ટિપ્પણી અને મૌર્યનો જવાબ
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવે 17 જુલાઈએ ભાજપ સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
અખિલેશ યાદવે ટ્વીટ કરી હતી કે "ભાજપ મેં કુર્સી કી લડાઈ કી ગર્મી મેં ઉત્તર પ્રદેશ મેં શાસન-પ્રશાસન ઠંડે બસ્તે મેં ચલા ગયા હૈ."
અખિલેશે લખ્યું હતું, "તોડફોડનું રાજકારણ, જે ભાજપ બીજા પક્ષોમાં કરે છે, તે કામ હવે એ પોતે પોતાના પક્ષમાં કરી રહી છે. તેથી ભાજપ આંતરિક ઝઘડાના કળણમાં ફસાઈ રહી છે. ભાજપમાં લોકો વિશે વિચારનારું કોઈ નથી."
અખિલેશની આ ટ્વીટનો કેશવ પ્રસાદ મૌર્યએ જવાબ આપ્યો હતો.
મૌર્યએ એક ટ્વીટમાં લખ્યું હતું, "સપા બહાદુર અખિલેશ યાદવજી, ભાજપનું દેશ અને પ્રદેશ બન્ને જગ્યાએ મજબૂત સંગઠન અને સરકાર છે. સપાનું પીડીએ છેતરપિંડી છે. ઉત્તર પ્રદેશમાં સપાના ગુંડારાજની વાપસી અશક્ય છે. બીજેપી 2027ની ચૂંટણીમાં 2017નું પુનરાવર્તન કરશે."
એ પછી 17 જુલાઈએ મોડી રાતે અખિલેશ યાદવે ફરી એકવાર ટ્વીટ કરી હતી કે લૌટકર બુદ્ધુ ઘર કો આયે.
18 જુલાઈએ સવારે અખિલેશ યાદવે વધુ એક ટ્વીટ કરી હતીઃ "મૉન્સૂન ઑફરઃ 100 લાઓ, સરકાર બનાઓ."
યોગી પર પોતાના લોકોના વધતા હુમલા
યોગીની કાર્યશૈલી સામે વાંધો લેનારાઓમાં નિષાદ પાર્ટીના પ્રમુખ સંજય નિષાદનો પણ સમાવેશ થાય છે.
સંજય નિષાદે 16 જુલાઈએ કહ્યું હતું, "બુલડોઝરનો ઉપયોગ માફિયાઓ વિરુદ્ધ થવો જોઈએ. તેનો ઉપયોગ બેઘર અને ગરીબ લોકો વિરુદ્ધ કરવામાં આવશે તો એ લોકો એકઠા થઈને ચૂંટણીમાં આપણને હરાવી દેશે."
યોગી આદિત્યનાથના રાજકારણમાં બુલડોઝરનું ખાસ મહત્ત્વ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન યોગીની જાહેર સભાઓમાં અનેક જગ્યાએ બુલડોઝર ઊભા રાખવામાં આવ્યાં હતાં.
યોગી સરકારના કાર્યકાળમાં અનેક જગ્યાએ બુલડોઝર વડે કાર્યવાહી કરવામાં આવી છે અને લોકોના ઘર તોડી પાડવામાં આવ્યાં છે.
આ અગાઉ ભાજપના સહયોગી અપના દલ (સોનેલાલ)નાં નેતા અને એનડીએ સરકારમાં પ્રધાન અનુપ્રિયા પટેલે પણ યોગી આદિત્યનાથ સામે પોતાની ફરિયાદ જાહેર કરી હતી.
અનુપ્રિયા પટેલે યોગીને પત્ર લખીને જણાવ્યું હતું કે સરકાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગોના લોકોને રોજગાર આપવાના મામલામાં ભેદભાવ કરી રહી છે.
અનુપ્રિયાના એ પત્ર પછી કેટલાક જાણકારોએ જણાવ્યું હતું કે યોગી વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
અનુપ્રિયા, સંજય નિષાદ અને કેશવ પ્રસાદ મૌર્ય ત્રણેય ઓબીસી નેતા છે.
બીજી તરફ યોગી આદિત્યનાથ છે, જેમને ‘અગડી’ ગણાતી જ્ઞાતિઓના નેતા ગણવામાં આવે છે.
યોગી વિરુદ્ધ કેશવ પ્રસાદ મૌર્ય
સવાલ એ છે કે કેટલાક જાણકારો યોગી વિરુદ્ધ મૌર્યની જે રાજકીય લડાઈ જોઈ રહ્યા છે તે આંકડા અને અતીતમાં કેવી હતી?
આ સમજવા માટે યોગી આદિત્યનાથના ચૂંટણી સંબંધી રાજકારણને સમજવું જરૂરી છે.
2024ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપનો દેખાવ અગાઉની સરખામણીએ ભલે સારો ન હોય, પરંતુ યોગી આદિત્યનાથ તેમના ગઢ ગોરખપુરની આસપાસની બેઠકો બચાવવામાં સફળ રહ્યા છે.
ભાજપ ગોરખપુર, મહારાજગંજ, દેવરિયા, કુશીનગર અને બાંસગાંવ બેઠકો જીતવામાં સફળ થઈ છે.
બીજી તરફ કૌશાંબી, પ્રયાગરાજ અને પ્રતાપગઢમાં ભાજપનો પરાજય થયો છે. આ ત્રણેય બેઠકો પર કેશવ પ્રસાદ મૌર્યનો પ્રભાવ હોવાનું માનવામાં આવતું હતું.
ભાજપ કેશવ પ્રસાદ મૌર્યને પક્ષના ઓબીસી ચહેરા તરીકે રજૂ કરતી રહી છે, પરંતુ આ વેળાની ચૂંટણીમાં મૌર્ય પક્ષને એ સફળતા અપાવી શક્યા ન હતા, જેની ભાજપને અપેક્ષા હતી.
ભાજપમાં કેશવ પ્રસાદ મૌર્યની હેસિયત
ઉત્તર પ્રદેશ અને ભાજપમાં કેશવ પ્રસાદ મૌર્યની રાજકીય હેસિયતને કેટલાંક વર્ષોની ક્રોનોલૉજી વડે સમજી શકાય.
2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કેશવ પ્રસાદ મૌર્ય સિરાથૂ બેઠક પરથી હારી ગયા હતા. એ હાર પછી એવું માનવામાં આવતું હતું કે કેશવ પ્રસાદ મૌર્યને યોગી આદિત્યનાથની સરકારમાં સ્થાન નહીં મળે.
હકીકતમાં એવું થયું નહીં. કેશવ પ્રસાદ મૌર્યને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા. કેશવ પ્રસાદ મૌર્યને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના વિશ્વાસુ માનવામાં આવે છે, જ્યારે યોગીને અમિત શાહના વિરોધી તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે.
કેશવ પ્રસાદ મૌર્ય ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી ચાર વખત લડ્યા છે, પરંતુ માત્ર 2012માં એક જ વખત તેઓ ચૂંટણી જીતી શક્યા છે.
2014માં કેશવ પ્રસાદ મૌર્ય ફૂલપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને ત્રણ લાખથી વધુ મતથી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. એ બેઠક ભાજપ પહેલીવાર જીતી હતી.
ફૂલપુર બેઠક પર ભાજપની જીત એટલી મહત્ત્વની સાબિત થઈ કે કેશવ પ્રસાદ મૌર્યને ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા હતા. પછી 2017માં વિધાનસભા ચૂંટણી થઈ અને ઉત્તર પ્રદેશમાંભાજપની સરકાર રચાઈ. કેશવ પ્રસાદ મૌર્ય ત્યારે મુખ્યપ્રધાનપદની રેસમાં હતા, પરંતુ રાજ્યનું નેતૃત્વ યોગી આદિત્યનાથને મળ્યું હતું.
યોગી સરકારની રચના પછી કેશવ પ્રસાદ મૌર્ય પાસે પહેલાં પીડબલ્યુડી મંત્રાલય હતું, પરંતુ 2022માં તેમની પાસેથી એ લઈ લેવામાં આવ્યું હતું. બન્ને નેતાઓ વચ્ચેના મતભેદનું એક કારણ તે પણ હોવાનું માનવામાં આવે છે.
એ પહેલાં 2017માં મૌર્યને રાજ્ય સચિવાલયની એનેક્સ બિલ્ડિંગમાં પાંચમા માળથી અલગ જગ્યાએ શિફ્ટ થવા કહેવામાં આવ્યું હતું. એ બિલ્ડિંગ ઉત્તર પ્રદેશ સરકારની સત્તાનું કેન્દ્ર છે.
કેશવ પ્રસાદ મૌર્ય ભાજપ માટે મહત્ત્વના કેમ છે?
કેશવ પ્રસાદ મૌર્ય શરૂઆતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા હતા.
તેઓ આરએસએસ-ભાજપનો મૌર્ય ચહેરો છે અને હિન્દુત્વના રાજકારણમાં ભાજપની એ વ્યૂહરચનાનો હિસ્સો છે, જેમાં યાદવો સિવાયના ઓબીસી સમુદાયને આકર્ષવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
કેશવ પ્રસાદ મૌર્ય દાવો કરે છે કે બાળપણમાં તેઓ ચા અને અખબારો વેચતા હતા.
ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માફક કેશવ પ્રસાદ મૌર્યની ઓબીસી ઓળખ અગ્રતાથી દર્શાવે છે.
કેશવ પ્રસાદ મૌર્ય ગૌરક્ષા અભિયાનમાં બહુ સક્રિય રહ્યા છે અને તેઓ રામ જન્મભૂમિ આંદોલનમાં પણ સામેલ હતા.
કેશવ પ્રસાદ મૌર્ય ભાજપમાં પ્રદેશ સંયોજક અને પછાત વર્ગ સેલ તથા કિસાન મોરચાના અધ્યક્ષ પણ હતા.
2017માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલાં તેમને રાજ્ય ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. મૌર્યને રાજ્યની ધુરા સોંપવા પાછળનો ભાજપનો હેતુ યાદવો સિવાયના ઓબીસી મતદારોને આકર્ષવાનો હતો.
કેશવ પ્રસાદ મૌર્યની જ્ઞાતિ સમગ્ર ઉત્તર પ્રદેશમાં છે. આ જ્ઞાતિની ઓળખ મૌર્ય, કુશવાહા, શાક્ય, કોઈરી, કાછી અને સૈની જેવા અલગ-અલગ નામોથી છે. ઉત્તર પ્રદેશમાં કુલ વસ્તીમાં આ બધાનું પ્રમાણ સાડા આઠ ટકા છે.
મૌર્ય અને યોગી વિશે ભાજપ શું વિચારે છે?
જે પી નડ્ડા, ભૂપેન્દ્ર ચૌધરી અને કેશવ પ્રસાદ મૌર્યની તાજેતરની મુલાકાત સંદર્ભે હવે આગળ શું થશે?
ધ હિંદુ અખબારના એક અહેવાલ મુજબ, આ નેતાઓની બેઠકમાં હાજર એક નેતાએ જણાવ્યું હતું કે નેતાઓએ યોગી આદિત્યનાથની કાર્યશૈલીની ટીકા કરી હતી. તેમાં યોગી વિધાનસભ્યો, કાર્યકરો અને નેતાઓની સરખામણીએ અધિકારીઓ પર વધારે નિર્ભર રહેતા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
સૂત્રોએ ધ હિંદુને જણાવ્યું હતું કે પક્ષના નેતૃત્વએ આ નેતાઓની વાત સાંભળી હતી અને વિધાનસભાની 10 બેઠકોની પેટા-ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. આ ચૂંટણી ઑગસ્ટમાં યોજાવાની છે અને અત્યાર સુધી કોઈ ફેરફાર થવાની આશા બહુ ઓછી જ છે.
ધ હિંદુએ એવું પણ લખ્યું છે કે યોગી આદિત્યનાથની અતિ આત્મવિશ્વાસવાળી વાતના સંદર્ભમાં આ ચૂંટણીમાં યોગીને છુટ્ટો દોર આપવામાં આવે એવી શક્યતા છે, જેથી જોઈ શકાય કે તેઓ શું કરી શકે તેમ છે.
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાનના ટેકેદાર એક વિધાનસભ્યએ યોગી આદિત્યનાથ વિશે ધ હિંદુને કહ્યું હતુઃ ટિકિટનો નિર્ણય બાબા કરે છે?
ઉત્તર પ્રદેશની એ 10 બેઠકો, જેની પેટા-ચૂંટણી થવાની છે
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની 10 બેઠકો માટે પેટા-ચૂંટણી યોજાવાની છે.
એ દસમાંથી નવ બેઠકો તત્કાલીન વિધાનસભ્યો લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા એટલે ખાલી થઈ છે.
સીસામઉની બેઠક સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય રહેલા ઈરફાન સોલંકી એક ક્રિમિનલ કેસમાં દોષી સાબિત થયા પછી ખાલી થઈ હતી.
પેટા-ચૂંટણીની તારીખની જાહેરાત ચૂંટણી પંચે હજુ સુધી કરી નથી, પરંતુ સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસે જાહેરાત કરી છે કે તેઓ ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ ચૂંટણી લડશે.
એનડીએએ ભાજપના નેતૃત્વ હેઠળ તૈયારી શરૂ કરી દીધી છે.
આ 10 પૈકીની પાંચ બેઠકો પર 2022માં સમાજવાદી પાર્ટી જીતી હતી. એક બેઠક એ વખતે સમાજવાદી સાથે ગઠબંધન ધરાવતા રાષ્ટ્રીય લોકદળે જીતી હતી. હવે તે આરએલડી બીજેપીની સાથે છે.
ત્રણ બેઠકો ભાજપ અને એક બેઠક નિષાદ પાર્ટી જીતી હતી.
જે 10 બેઠકો માટે પેટા-ચૂંટણી થવાની છે, તેમાં ફૂલપુર, કટેહરી, કરહલ, મિલ્કીપુર, મીરાપુર, ગાઝિયાબાદ, મઝવાં, સીસામઉ, ખૈર અને કુંદરકીનો સમાવેશ થાય છે.