હાથરસ દુર્ઘટના છતાં 'ભોલેબાબા' પર કેટલાક ભક્તોની આસ્થા, કેટલાક સવાલો- ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા, હાથરસથી

હાથરસની બાગલા હૉસ્પિટલમાં શબઘરની દીવાલને અઢેલીને લાલારામ ઉદાસ અવસ્થામાં બેઠા છે.

તેઓ તેમનાં પત્ની કમલેશ સાથેની સેલ્ફી મોબાઇલમાં વારંવાર જુએ છે, પોતાનાં આંસુ લૂછે છે અને પછી શાંત થઈ જાય છે.

વ્યવસાયે મજૂર એવા લાલારામને નારાયણ સાકાર વિશ્વ હરિ ઉર્ફે ભોલેબાબાના સત્સંગમાં કોઈ શ્રદ્ધા નથી, પરંતુ પત્નીના આગ્રહને કારણે મંગળવારે તેમણે રજા લીધી હતી અને સત્સંગમાં ગયા હતા.

પંડાલમાં એક તરફ મહિલાઓ અને બીજી તરફ પુરુષોને બેસાડવામાં આવ્યાં હતાં.

નારાયણ સાકારે સત્સંગ પૂર્ણ કર્યો પછી પંડાલમાંથી બહાર નીકળવા દરમિયાન થયેલી નાસભાગમાં લાલારામનાં 22 વર્ષની વયનાં પત્ની કમલેશનું પણ મૃત્યુ થયું હતું.

લાલારામને કમલેશનો મૃતદેહ સિકન્દ્રારાઉ સ્વાસ્થ્ય કેન્દ્રમાં પડેલો મળ્યો હતો. તેઓ મૃતદેહને ઘરે લઈ ગયા હતા.

વહીવટી અધિકારીઓને કહેવાથી લાલારામ બુધવારે પોસ્ટમૉર્ટમ માટે કમલેશના મૃતદેહને હૉસ્પિટલે લાવ્યા હતા.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

‘બાબાએ કોઈ ચમત્કાર કર્યો નથી’

સત્સંગમાં થયેલી નાસભાગમાં ઓછામાં ઓછા 121 લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે 31 લોકો ઘાયલ થયા છે.

મોટા ભાગના મૃતદેહો બુધવારે બપોર સુધીમાં પોસ્ટમૉર્ટમ બાદ મૃતકોના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા.

કેટલાક અજ્ઞાત મૃતદેહો બાકી રહ્યા છે. હાથરસના શબઘરમાં રાખવામાં આવેલા એક બાળકના મૃતદેહની ઓળખ બુધવારે બપોર સુધી થઈ શકી ન હતી.

સત્સંગમાં જવાના સવાલ બાબતે ઉદાસ થઈને લાલારામ કહે છે, “હું બાબાને માનતો નથી. હું મારા પોતાના કામ પર જ ધ્યાન આપું છું. મારી પત્ની અન્ય મહિલાઓ મારફત સત્સંગના સંપર્કમાં આવી હતી અને મંગળવારે જીદ કરીને મને પણ સાથે લઈ ગઈ હતી. તેની સાથે જવા માટે મેં કામ પરથી રજા લીધી હતી.”

લાલારામને એ વાતની ચીડ છે કે ચમત્કારનો દાવો કરતા નારાયણ સાકારે આ અકસ્માત થતો રોકવા કોઈ ચમત્કાર કર્યો નહીં.

તેઓ ગુસ્સામાં કહે છે, “બાબા જ જવાબદાર છે. તેમની આટલી પ્રાર્થના થાય છે. આટલા લોકો મરી રહ્યા છે તો બાબાએ કોઈ ચમત્કાર કરવો જોઈતો હતો. ઑક્સિજન બનાવવો જોઈતો હતો. ગરમી ઘટાડવી જોઈતી હતી. બાબાએ કશું કર્યું નહીં. લોકો છેક દૂરદૂરથી બાબાના ચરણમાં આવ્યા હતા. હવે તેમના મૃતદેહ જઈ રહ્યા છે. બાબાએ કોઈ ચમત્કાર કર્યો નહીં.”

જેમની આસ્થા ઘટી નથી એવા લોકો

સાવિત્રી દેવીના પતિ વીરપાલસિંહ તેમનાં પત્નીનો મૃતદેહ મળવાની પ્રતિક્ષા કલાકોથી કરી રહ્યા છે. તેઓ તદ્દન મૌન છે. કોઈ કશું પૂછે તો પણ કશું બોલતા નથી. તેઓ વારંવાર પોતાનું માથું પકડે છે.

તેમનો દીકરો અજય પણ સત્સંગ સાથે જોડાયેલો હતો. અજય આ દુર્ઘટના માટે નારાયણ સાકારને જવાબદાર ગણતા નથી.

અજય કહે છે, “આમાં પરમાત્મા (નારાયણ સાકાર)ની કોઈ ભૂલ નથી. તેમને દોષી શા માટે ગણવા જોઈએ. જે થયું એ તેમના ગયા પછી થયું હતું. લોકોએ નિયમ તોડ્યો એટલા આવું થયું. તેમણે લોકોને કહ્યું હતું કે હવે ઘરે પાછા ફરો. આટલી ભીડ વધારવા શા માટે આવ્યા છો?”

અજયનો પરિવાર લાંબા સમયથી સત્સંગ સાથે જોડાયેલો છે.

સત્સંગ બાબતે અજય કહે છે, “સત્સંગમાં કોઈ મૂર્તિની પૂજા થતી નથી. કોઈ દાનપાત્ર મૂકવામાં આવતું નથી કે કોઈ દાન પણ કરવામાં આવતું નથી. કોઈ દાન આપવા ઇચ્છતું હોય તો પણ તે લેવામાં આવતું નથી. બાબા માત્ર પ્રવચન કરે છે. માનવતા અને જીવન માટે દિશા દેખાડે છે.”

હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલી કેટલાક ઘાયલ મહિલાઓ પૈકીને કેટલીક એવી પણ છે કે જેમણે હવે સત્સંગમાં ક્યારેય ન જવાનું પ્રણ લીધું છે.

હાથરસની બાગલા સરકારી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં વયોવૃદ્ધ માયા દેવીને એ વાતનો સંતોષ છે કે તેમનો જીવ બચી ગયો. જોકે, તેમની સાથે ગયેલી પાડોશની બે અન્ય મહિલાઓ નાસભાગમાં મૃત્યુ પામી છે.

માયા દેવી કહે છે, “મારી આગળ-પાછળ માણસો જ માણસો હતા. હું પડી ગઈ પછી બેઠી થઈ શકી ન હતી. ત્યાં જ બેભાન થઈ ગઈ હતી. મને ઉઠાવીને કોણે હૉસ્પિટલે પહોંચાડી તે ખબર નથી.”

તેમની બાજુના પલંગ પર સૂતેલાં ભગવાન દેવીનાં પુત્રવધૂ સાસુની સેવા કરી રહ્યાં છે. ભગવાન દેવીને પારાવાર પીડા થાય છે ત્યારે વહુ તેમનો હાથ પકડી લે છે.

ભગવાન દેવી કહે છે, “કોણ જાણે કેટલા લોકો મને કચડીને આગળ ગયા હશે. મારી બધી પાંસળીઓ તૂટી ગઈ છે.”

તેમનાં પુત્રવધૂ કહે છે, “હવે અમે તેમને સત્સંગમાં ક્યારેય જવા દઈશું નહીં. પહેલાં પણ મનાઈ કરી હતી. હવે તો બિલકુલ જવા નહીં દઈએ.”

‘ઘર સે વચન, કભી નહીં જાયેંગે સત્સંગ’

હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક અન્ય ઘાયલ મહિલા પણ સત્સંગમાં ન જવાનું પ્રણ લેતાં કહે છે, “ઘરમાં જ પ્રાર્થના કરી લઈશું. સત્સંગમાં ક્યારેય નહીં જઈએ. બહુ મુશ્કેલીથી જીવ બચ્યો છે.”

હાથરસના દલિતનો બાહુલ્યવાળા વિસ્તાર નબીપુર ખુર્દના મોટા ભાગના પરિવારોમાં નારાયણ સાકાર હરિનો પ્રભાવ દેખાય છે. અહીંથી સત્સંગમાં ગયેલી બે મહિલાઓ જીવતી પાછી ફરી શકી નથી.

તેમનો પરિવાર વિખેરાઈ ગયો છે.

આશા દેવીનો પરિવાર તેમના અંતિમ સંસ્કાર કરીને પાછો ફર્યો છે.

બે ઓરડાવાળા ઘરમાં એટલી જગ્યા નથી કે બહારના લોકો આવીને અંદર બેસી શકે.

બહાર દરવાજે આશા દેવીનો એક દીકરો મુંડન કરાવીને બેઠો છે.

દીવાલને અઢેલીને ઊભેલો તેમનો બીજો પુત્ર હરિકાંત કહે છે, “અમારી માતાજી અનેક વર્ષોથી સત્સંગ સાથે જોડાયેલાં હતાં. અમે તેમને સત્સંગમાં જતા રોકતા હતા, પરંતુ તેઓ માનતાં ન હતાં. કાલે સવારે પણ કશું જણાવ્યા વિના ચાલ્યાં ગયાં હતાં.”

આશા દેવીના બે ઓરડાના ઘર પૈકીના એક રૂમમાં હિંદુ દેવી-દેવતાઓની છબીઓ છે. બીજા ઓરડામાં માત્ર ધર્મગુરુ નારાયણ સાકાર વિશ્વ હરિ અને તેમનાં પત્નીનો ફોટો છે.

અહીં ધર્મગુરુનું ગુણગાન કરતી એક આરતી પણ લટકે છે.

આશા દેવીનાં પૌત્રી મૃત્યુંજા ભારતી તેમનાં દાદીના અવસાન પછી ખૂબ જ ગુસ્સે છે.

તેઓ કહે છે, “મને આવા એકેય બાબામાં ભરોસો નથી. તેમને કોણે ભગવાન બનાવી દીધા, કોઈ આ રીતે પોતાને ભગવાન કઈ રીતે કહી શકે?”

મૃત્યુંજા ભારતી કહે છે, “કેટલા લોકોએ તેમના પરિવારજનોને ગુમાવ્યા છે. આ દુર્ઘટનાની જવાબદારી હવે કોણ લેશે? હવે બાબા આ પરિવારોની પીડા ખતમ કરી શકશે?”

જવાબદારી નિભાવી નહીં?

આશા દેવીનાં દીકરી મોહિનીનાં આંસુ રોકાતાં નથી.

દરવાજાને અઢેલીને ઊભેલાં મોહિની કહે છે, “માએ મને ઘણી વાર સત્સંગમાં જવા કહ્યું હતું. હું ગઈ નહીં. અમને એટલી જ ખબર છે કે અમારી મા ચાલી ગઈ છે. કાયમ માટે. હવે એ ક્યારેય પાછી નહીં આવે.”

આગલી ગલીમાં મુન્ના દેવીનું ઘર આવેલું છે. તેમના અંતિમ સંસ્કાર પણ બુધવારે કરવામાં આવ્યા હતા.

તેમના પુત્ર જુગનુકુમાર કહે છે, “હું હૉસ્પિટલે પહોંચ્યો ત્યારે મારાં માતા બહુ ખરાબ હાલતમાં હૉસ્પિટલ બહાર પડ્યાં હતાં. લોકો જાણે કે માણસ જ ન હોય એવી રીતે ત્યાં રાખવામાં આવ્યા હતા.”

જુગનુકુમાર કહે છે, “હું કોઈ બાબાને માનતો નથી, પરંતુ અકસ્માત માટે વહીવટીતંત્રને જવાબદાર માનું છું. વહીવટીતંત્રે માત્ર 80,000 લોકો માટે પરવાનગી આપી હતી. આટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા ત્યારે એ માટે કોઈ વ્યવસ્થા કેમ કરવામાં આવી ન હતી?”

જુગનુકુમાર ઉમેરે છે, “અમારી માતા અન્ય મહિલાઓને કારણે સત્સંગના સંપર્કમાં આવ્યાં હતાં. મહિલાઓને આવા જ બાબાઓ પર શ્રદ્ધા હોય છે. અમે એવા ઢોંગી બાબાઓને માનતા નથી. અમારા માટે અમારી માતા જ ચારેય ધામ હતી. અમારાં નાનાં-નાનાં સંતાનોનો ખ્યાલ તેઓ રાખતાં હતાં. માતાના જવાથી આખો પરિવાર તૂટી ગયો છે. હવે અમારા પરિવારનું ધ્યાન કોણ રાખશે?”

જુગનુકુમાર રડતાં-રડતાં કહે છે, “કોઈને અમારી હાલતની દરકાર નથી. જવાબદાર લોકોએ જવાબદારી નિભાવી હોત તો કદાચ આટલા લોકો મર્યા ન હોત.”

ધક્કામુક્કીનાં કારણો તપાસમાં બહાર આવશે?

સત્સંગમાં નાસભાગ શા માટે થઈ હતી તેની હવે ન્યાયિક તપાસ થશે, પરંતુ ઘટનાસ્થળે પહોંચતા સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે આટલી ભીડને સંભાળવા માટે વ્યવસ્થા પણ ન હતી અને આવા અકસ્માતને પહોંચી વળવાની કોઈ તૈયારી પણ ન હતી.

નારાયણ સાકારના બહાર જવા માટે સત્સંગસ્થળે અલગ માર્ગ બનાવવામાં આવ્યો હતો. તે ઘટનાસ્થળથી લગભગ 400 મીટર દૂર છે.

ઘટનાના સાક્ષીઓ અને પીડિતોના જણાવ્યા મુજબ, સત્સંગ પૂર્ણ થતાંની સાથે જ શ્રદ્ધાળુઓમાં બહાર નીકળવાની હોડ લાગી હતી.

અનેક લોકો પહેલેથી જ નૅશનલ હાઈવે 34 પર એકઠા થયેલા હતા. ભીડના ધક્કાથી કેટલાક લોકો બીજી તરફ નીચે લપસીને પડી ગયા હતા.

આ બધું બપોરે લગભગ પોણા બે વાગ્યે થયું હતું. એ પછી નાસભાગ થઈ હતી. જે લોકો પડી ગયા હતા, તેઓ ઊઠી શક્યા ન હતા. ભીડે નૅશનલ હાઈવેની બીજી તરફ આવેલાં ખેતરોમાં જવાના પ્રયાસ કર્યા હતા.

સાક્ષીઓના જણાવ્યા મુજબ, સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને જેમતેમ નજીકના સિકન્દ્રાઉ સ્વાસ્થ્ય કેન્દ્ર પહોંચાડવામાં આવ્યા હતા.

ચાર વાગ્યા સુધીમાં તો ત્યાં મૃતદેહોનો ઢગલો થઈ ગયો હતો.

ઘટનાના એક સાક્ષી કહે છે, “ચાર વાગ્યા સુધી વહીવટી મદદ મળી શકી ન હતી. જે પોલીસ કર્મચારીઓ અહીં ફરજ બજાવતા હતા, તેઓ પણ નાસભાગમાં ઘાયલ થયા હતા. અનેક લોકોને શ્વાસ ચાલી રહ્યા હતા. લોકોને સમયસર હૉસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હોત તો કદાચ કેટલાક લોકોનો જીવ બચી ગયો હોત.”

આ ઘટનાના પ્રારંભિક કલાકોનું રિપોર્ટિંગ કરી ચૂકેલા સ્થાનિક પત્રકાર પીએન શર્મા કહે છે, “આટલા મોટા પ્રમાણમાં ઘાયલોની સારવાર માટે હૉસ્પિટલ સજ્જ ન હતી. એક છોકરી બહાર પડી હતી. તેના શ્વાસ ચાલી રહ્યા હતા, પરંતુ તેને સમયસર મદદ મળી નહીં. થોડી વારમાં તે મૃત્યુ પામી હતી.”

હવે આ દુર્ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરાઈ રહી છે. અકસ્માત પછી સંખ્યાબંધ સરકારી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર ઉપરાંત એસડીઆરએફની ટીમો પણ ઘટનાસ્થળે છે.

અલબત્ત, લોકો સવાલ કરી રહ્યા છે કે આટલી સક્રિયતા દુર્ઘટના થયા પહેલાં રખાઈ હોત તો કદાચ વાત આટલી વણસી જ ન હોત.

પોલીસની એફઆઈઆરમાં શું જાણવા મળ્યું?

સત્સંગના આયોજકોએ વહીવટીતંત્રને અરજીમાં જણાવ્યુ હતું કે 80,000 લોકો એકઠા થશે.

પોલીસની એફઆઈઆરમાં જણાવ્યા મુજબ, અઢી લાખથી વધુ લોકો એકઠા થયા હતા. આટલી મોટી ભીડનો અંદાજ કોઈને ન હતો. કદાચ એ જ દુર્ઘટનાનું સૌથી મોટું કારણ છે.

દુર્ઘટના પછી વિરોધ પક્ષ સરકારની ઝાટકણી કાઢી રહ્યો છે.

હાથરસ જિલ્લા હૉસ્પિટલમાં સારવાર લેતા ઘાયલોના હાલચાલ પૂછવા આવેલા ઉત્તરપ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અજય રાયે રાજ્ય સરકાર સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું, “સૌથી મોટી બેદરકારી સરકારની છે. સરકારે દુર્ઘટના પહેલાં કે પછી પોતાની જવાબદારી નિભાવી નથી.”

ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેઓ ઘાયલોને પણ મળ્યા હતા.

આ દુર્ઘટના પાછળ કાવતરું હોવાનો સંકેત આપતાં યોગી આદિત્યનાથે કહ્યું હતું, “આટલી મોટી ઘટના બની છે. આ અકસ્માત નથી તો કોનું ષડયંત્ર છે? આની પાછળ કોણ છે? આ બધાં પાસાં સંબંધે રાજ્ય સરકાર ન્યાયિક તપાસ કરાવી રહી છે. તે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ થશે. અમે તલસ્પર્શી તપાસ કરીને જે દોષી હશે તેને સજા કરીશું.”

નારાયણ સાકારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે આ ઘટના પાછળ અસામાજિક તત્ત્વોનું કાવતરું છે.

નારાયણ સાકારે તેમના વકીલ એપી સિંહ મારફત એક નિવેદન બહાર પાડીને દુર્ઘટના સંબંધે પોતાની જવાબદારી ખંખેરીને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

નારાયણ સાકારે આ ઘટના પછી જાતે કોઈ નિવેદન આપ્યું નથી કે તેઓ ક્યાંય દેખાતા પણ નથી.

તેમના જે સેવાદારોના નામ એફઆઈઆરમાં લખવામાં આવ્યા છે, તેઓ પણ ફરાર છે.

પોતાના જીવનમાં પરેશાન લોકો શાંતિ મેળવવા સત્સંગનો સહારો લેતા હોય છે, પરંતુ હવે સત્સંગે જ અનેક પરિવારોનો સહારો છીનવી લીધો છે.

આ ઘટનામાંથી શીખવા જેવું ઘણું છે, પરંતુ સવાલ એ છે કે લોકોને તે સમજાશે?