ઍર ઇન્ડિયા અને વિસ્તારાના મર્જરની વેપાર પર કેવી અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અરુણોદય મુખરજી
- પદ, બીબીસી ન્યૂઝ
- ઍર ઇન્ડિયા અને ઍર વિસ્તારા બંનેનું સંચાલન ટાટા સન્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે
- માર્ચ 2024માં તેના વિલીનીકરણ સાથે વિસ્તારા તેની છેલ્લી ફ્લાઇટ ઉડાડશે અને ઍર ઇન્ડિયા તેના સંયુક્ત અવતારમાં નવા ભવિષ્યમાં ઉડાન ભરશે.
- ફ્લાઇટના કદના સંદર્ભમાં મર્જરથી 200થી વધુ ઍરક્રાફ્ટના કાફલા સાથે ઍર ઇન્ડિયા દેશની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ઍરલાઇન અને બીજી સૌથી મોટી ભારતીય ઍરલાઇન બનશે.
- હાલમાં ભારતીય ઉડ્ડયન બજારમાં ઇન્ડિગો ઍરલાઇન્સનું વર્ચસ્વ છે જે બજારનો અડધાથી વધુ હિસ્સો ધરાવે છે.
ઍર ઇન્ડિયા અને ઍર વિસ્તારા વચ્ચે મર્જર ડીલ ફાઇનલ થતાં બંને ઍરલાઇન્સે નવી સફર માટે સીટ બેલ્ટ બાંધી લીધા છે. પરંતુ એ જાણીએ કે સોદો શું થયો?
હાલમાં ઍર ઇન્ડિયા અને ઍર વિસ્તારા બંનેનું સંચાલન ટાટા સન્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ટાટા સન્સ ઍર વિસ્તારામાં 51 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે સિંગાપોર ઍરલાઇન્સ 49 ટકા હિસ્સો ધરાવે છે.
આ વિદેશી ઍરલાઇન્સ રૂ. 2000 કરોડનું રોકાણ કરી રહી છે અને તે ઍર ઇન્ડિયામાં તેનો હિસ્સો વધારીને 25 ટકા કરશે.
મર્જરની ઔપચારિકતાઓ ચાલી રહી છે અને માર્ચ 2024 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
વધતું દેવું અને ખોટમાંથી ઍર ઇન્ડિયાને બચાવવા માટે ભારત સરકારની ડિસઇન્વેસ્ટમૅન્ટ પૉલિસી હેઠળ ટાટા સન્સે તેને ગયા વર્ષે ઑક્ટોબરમાં રૂ. 18,000 કરોડમાં ખરીદી હતી.
તે સમયે પણ ટાટાની તેની તમામ એવિએશન બ્રાન્ડ્સને મર્જ કરવાની યોજના હતી.
'ધ ડિસેન્ટ ઑફ ઍર ઇન્ડિયા'ના લેખક અને ઍર ઇન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જિતેન્દ્ર ભાર્ગવને લાગે છે કે, "આ ઉમદા, સમયસરનો અને નફાકારક નિર્ણય છે. સિંગાપોર ઍરલાઇન્સ તેમાં રોકાણ કરી રહી છે જેનો અર્થ વધુ સારું સંચાલન થશે એવો થાય છે."
ઉડ્ડયન નિષ્ણાત અમેય જોષીનું પણ માનવું છે કે, "મર્જર એ સુનિશ્ચિત કરશે કે જૂથ બહુવિધ બ્રાન્ડ્સને બદલે એક જ બ્રાન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઍર ઇન્ડિયા ફ્લાઇટ્સ અને તેની સ્થિતિની દૃષ્ટિએ વધુ મજબૂત થશે અને ઓવરલેપિંગ રૂટને વ્યવસ્થિત કરીને નવા રૂટ ખોલવામાં મદદ કરશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિષ્ણાતોનું કહેવું છે કે આનાથી તેમને બિઝનેસ સ્ટ્રેટેજી સુધારવામાં મદદ મળશે.
માર્ચ 2024માં તેના વિલીનીકરણ સાથે વિસ્તારા તેની છેલ્લી ફ્લાઇટ ઉડાડશે અને ઍર ઇન્ડિયા તેના સંયુક્ત અવતારમાં નવા ભવિષ્યમાં ઉડાન ભરશે.

આ વિલીનીકરણનો અર્થ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ફ્લાઇટના કદના સંદર્ભમાં મર્જરથી 200થી વધુ ઍરક્રાફ્ટના કાફલા સાથે ઍર ઇન્ડિયા દેશની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ઍરલાઇન અને બીજી સૌથી મોટી ભારતીય ઍરલાઇન બનશે.
આ મર્જરના મુખ્ય શેરધારકો એકબીજા પાસેથી લાભ મેળવવાની અપેક્ષા રાખે છે.
તેનો સૌથી મોટો ફાયદો એ છે કે ઍર ઇન્ડિયાને ડોમૅસ્ટિક અને ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર પ્રાઇમ સ્લોટ મળશે જે ઍર વિસ્તારા પાસે ઉપલબ્ધ નહોતા.
બીજી તરફ વર્ષોથી ખોટ અને મુશ્કેલીઓનો સામનો કરી રહેલી ઍર ઇન્ડિયાને ભારતની અગ્રણી ઍરલાઇન્સમાંની એક ગણાતી ઍર વિસ્તારાથી ફાયદો થશે.
અને અંતે, બહારની ઍરલાઇન તરીકે સિંગાપોર ઍરલાઇન્સ ભારતના ઊભરતા ઉડ્ડયન ક્ષેત્રમાં તેની સ્થિતિ મજબૂત કરવા માગે છે, જેની વિશ્વની ત્રીજી અને સૌથી ઝડપથી વિકસતી ઍરલાઇન્સમાં ગણના થાય છે.

નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં વ્યાપક અસર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ ડીલની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને સ્તરે અસર પડશે.
હાલમાં ભારતીય ઉડ્ડયન બજારમાં ઇન્ડિગો ઍરલાઇન્સનું વર્ચસ્વ છે જે બજારનો અડધાથી વધુ હિસ્સો ધરાવે છે.
ઍર વિસ્તારા અને ઍર ઇન્ડિયા મજબૂત આધાર સાથે સ્પર્ધા કરવા માગે છે.
ભાર્ગવ કહે છે, "ઇન્ડિગોની સાથે કેવી રીતે હરીફાઈ કરવી? 10 ટકાના બજાર હિસ્સા સાથે અન્ય છ ઍરલાઇન્સ છે, જ્યારે ઇન્ડિગોનો બજાર હિસ્સો 57 ટકા છે. હવે અહીંથી શરૂઆત કરી શકાય છે."
"આથી તેમને એક સામૂહિક ઍરલાઇનની જરૂર છે જેનો સંયુક્ત બજાર હિસ્સો 23-24 ટકા છે અને હવે પછી તેમણે કામગીરીનો વિસ્તાર કરવો પડશે. આમ ઇન્ડિગો અને અન્ય ઍરલાઇન્સના હિસ્સામાં ભાગ વહેંચાશે, પરંતુ તેનો વિસ્તાર થઈ શકશે."
આ સોદો ભારતમાં અન્ય ઓછા ભાડાવાળી ઍરલાઇન્સ માટે પણ કેટલાક પડકારો રજૂ કરશે. અને નિષ્ણાતો માને છે કે આ સોદાથી તેઓ વધુ હાંસિયામાં ધકેલાશે.
અમેયને લાગે છે કે, "ઇન્ડિગોનો હિસ્સો પહેલેથી જ 50 ટકાથી વધુ છે જ્યારે ઍર ઇન્ડિયા 30 ટકાના લક્ષ્યાંકની ધારણા સાથે ચાલી રહી છે. આનાથી ગો ઍર અને સ્પાઇસજેટ જેવી ઍરલાઇન્સ પર ટકી રહેવા અને વૃદ્ધિ પામવાનું દબાણ વધશે. બંને માટે આ ક્ષેત્રે વર્ચસ્વ જમાવવાની સંભાવના બહુ ઓછી છે અને બંનેને આ ક્ષેત્રે ભારે રોકાણની જરૂર પડશે."
જિતેન્દ્ર ભાર્ગવ જેવા નિષ્ણાતોને લાગે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઍર ઇન્ડિયા બજારનો હિસ્સો કબજે કરવામાં સક્ષમ બનશે, જેમાં હાલમાં ખાડી દેશોની ઍરલાઇન્સનું પ્રભુત્વ છે.
તેઓ કહે છે, "કોઈ પણ ડોમૅસ્ટિક ઍરલાઇન્સ યુરોપ, અમેરિકા, જાપાન, ઑસ્ટ્રેલિયા જેવા લાંબા અંતર વિશે વિચારતી નથી. તેથી જ અહીં બહુ મોટું અંતર છે અને અગાઉની સરકારોએ ખાડી દેશોની આ ઍરલાઇન્સને ભારતીય બજારમાં ભારે છૂટ આપી હતી."
તેઓ અપેક્ષા રાખે છે કે સુધારેલી સેવાઓ, નવી બ્રાન્ડ અને તેના ઘણા આંતરરાષ્ટ્રીય રૂટ્સને કારણે ઍર ઇન્ડિયા વિદેશ જનારા પ્રવાસીઓ માટે એક આકર્ષક વિકલ્પ બનશે, જેમાં સામાન્ય રીતે મધ્યપૂર્વ ઍરલાઇન્સ સાથે આંતરરાષ્ટ્રીય મુસાફરી પસંદ કરે છે.

પડકારો યથાવત્

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, ભારતમાં સફળ ઍરલાઇન્સ મર્જરનો ઇતિહાસ નથી.
આપણે 2006માં જેટ ઍરવેઝ અને ઍર સહારાના મર્જર અથવા 2008માં કિંગફિશર ઍરલાઇન્સ અને ડેક્કન જેવા સોદાઓના ઉતાર-ચઢાવ જોયા છે.
પરંતુ ભાર્ગવને લાગે છે કે આ વખતની વાત અલગ છે અને ટાટા સન્સ અને સિંગાપોર ઍરલાઇન્સની મજબૂત બ્રાન્ડ જ મર્જરને નવી ઊંચાઈએ લઈ જવામાં મદદ કરશે.
આટલાં વર્ષોમાં ઍર ઇન્ડિયાને આર્થિક નુકસાન થવાની સાથે તેની છબીને પણ ભારે નુકસાન થયું છે.
વ્યૂહરચનાકારોનું કહેવું છે કે તેનું આગામી લક્ષ્ય માત્ર નફો સુનિશ્ચિત કરવાનું જ નહીં પરંતુ તેની છાપ સુધારવાનું પણ રહેશે.
એટલા માટે નિષ્ણાતો ટાટાની બ્રાન્ડ વૅલ્યૂ પર ભરોસો કરે છે.
લોકો સાવચેતીપૂર્વક અપેક્ષા રાખી રહ્યા છે કે આ વખતે ઍર ઇન્ડિયા માટે આકાશ સ્વચ્છ છે અને 'મહારાજા' ફરી એક વાર પોતાનો સિક્કો જમાવશે.














