You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં મચૈલ માતાની યાત્રા રૂટ પર વાદળ ફાટવાથી 45 લોકોનાં મોત
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં ચાશોટી વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું હોવાની આશંકા છે.
કિશ્તવાડના ડીસીએ બીબીસી સંવાદદાતા માજિદ જહાંગીરને જણાવ્યું કે અત્યાર સુધીમાં 45 મૃતદેહો કાઢવામાં આવ્યા છે.
સમાચાર એજન્સી એએનઆઈ મુજબ ઘટનાસ્થળે ફ્લેશ ફ્લડની સ્થિતિ પેદા થઈ છે અને આ જગ્યા મચૈલ માતાની યાત્રાનું પ્રસ્થાન સ્થળ છે.
કિશ્તવાડના ઉપાયુક્ત પંકજ શર્માને ટાંકતાં એજન્સીએ જણાવ્યું કે, રાહત અને બચાવ માટે ટીમ મોકલવામાં આવી છે.
'ઘણું મોટું નુકસાન થયું છે'
જમ્મુ-કાશ્મીરના ઉપમુખ્ય મંત્રી સુરિંદર ચૌધરીએ કહ્યું કે ચાશોટીમાં વાદળ ફાટવાની ઘટનામાં લગભગ 100 લોક ઘાયલ થયા છે.
તેમણે કહ્યું કે વાદળ ફાટવાના સમાચાર બપોરે મળ્યા હતા.
સુરિંદર ચૌધરીએ કહ્યું કે, "કિશ્તવાડમાં માતા મચૈલની યાત્રાના બેસ કૅમ્પ પર આ ઘટના ઘટી, બહુ નુકસાન થયું છે."
તેમણે કહ્યું કે, આ ઘટનામાં મૃતકોની સંખ્યા વિશે તેઓ હાલ ચોક્કસ આંકડો નહીં જણાવી શકે. જોકે તેમણે કહ્યું કે લગભગ 100 લોકો ઘાયલ થયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે ઈજાગ્રસ્તોને ઘટનાસ્થળ પરથી કાઢવામાં આવી રહ્યા છે અને તંત્ર દરેક શક્ય મદદ કરી રહ્યું છે.
કિશ્તવાડના ડીસી કાર્યાલયે બીબીસીને જણાવ્યું કે ઓછામાં ઓછા 70 લોકોને બ્લૉક અને જિલ્લા હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.
જમ્મુ અને કાશ્મીરના મુખ્ય મંત્રી કાર્યાલય દ્વારા હેલ્પ ડેસ્ક અને કંટ્રોલ રૂમ નંબર જારી કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે 15 ઑગસ્ટની સાંજે 'ઍટ હોમ' ટી પાર્ટી રદ કરી છે. આ ઉપરાંત, સ્વતંત્રતાદિનની સવારે સાંસ્કૃતિક કાર્યક્રમો ન યોજવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્થાનિક ધારાસભ્ય સુનિલ કુમાર શર્માએ જણાવ્યું હતું કે, "મોટા નુકસાનની શક્યતા છે. યાત્રા હજુ પણ ચાલુ છે તેથી ત્યાં ઘણી ભીડ હતી."
બીજી તરફ, રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહ, એલજી કાર્યાલય અને કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહ તરફથી નિવેદનો આવ્યાં છે જેમાં આ ઘટનાથી પ્રભાવિત પરિવારો માટે સંવેદના વ્યક્ત કરી છે.
અત્યાર સુધીમાં શું જાણવા મળ્યું?
સમાચાર એજન્સી પીટીઆઈએ કેટલાક વીડિયો જારી કર્યા છે જેમાં પુષ્કળ પાણી જોવા મળે છે.
જમ્મુના ડિવિઝનલ કમિશનર રમેશ કુમારે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, "આજે સવારે લગભગ 11.30 વાગ્યે અમને માહિતી મળી કે કિશ્તવાડના ચાશોટી વિસ્તારમાં વાદળ ફાટ્યું છે. એસડીઆરએફ, સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે."
તેમણે કહ્યું કે, "તમામ તબીબી ટીમો પણ સક્રિય થઈ ગઈ છે. શોધખોળ કામગીરી ચાલુ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અમે સંપૂર્ણ તૈયારી સાથે કામ કરી રહ્યા છીએ. મદદ માટે હેલ્પલાઈન નંબરો પણ જારી કરવામાં આવ્યા છે."
કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે વધારાની બચાવ ટીમોને ઘટના સ્થળે પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઍક્સ પર લખ્યું કે, "રસ્તા ધોવાઈ ગયા છે અને હવામાન એટલું ખરાબ છે કે હેલિકૉપ્ટરનો ઉપયોગ કરી શકાતો નથી. હું કેન્દ્ર સાથે સંકલન કરી રહ્યો છું."
ગૃહમંત્રી અમિત શાહે ઍક્સ પર પોસ્ટ કરી કે ""કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના અંગે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર અને મુખ્ય મંત્રી સાથે વાત કરી. સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરી હાથ ધરી રહ્યું છે. એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ."
જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલની કચેરીએ ઍક્સ પર લખ્યું કે "કિશ્તવાડના ચાશોટીમાં વાદળ ફાટવાની ઘટનાથી દુ:ખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું."
પોસ્ટમાં લખાયું છે કે, "સિવિલ ડિફેન્સ, પોલીસ, સેના, એનડીઆરએફ અને એસડીઆરએફના અધિકારીઓને રાહત અને બચાવકાર્ય તેજ કરવા અને અસરગ્રસ્તોને તમામ મદદ આપવા નિર્દેશ અપાયા છે."
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઍક્સ પર લખ્યું કે, "જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાની ઘટનામાં કેટલાય લોકોનાં મૃત્યુના સમાચાર અત્યંત દુખદ છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને રાહત-બચાવ કાર્યમાં સફળતાની કામના કરું છું."
ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોસ્ટ લખી છે, "કિશ્તવાડમાં વાદળ ફાટવાની ઘટનાથી પ્રભાવિત થયેલા લોકો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. જરૂરિયાતમંદોને દરેક શક્ય સહાયતા આપવામાં આવશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન