You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં બનેલી આ ઍપ શું વૉટ્સઍપને ટક્કર આપી શકશે?
- લેેખક, શેરિલાન મોલન અને નિયાઝ ફારૂકી
- પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ અને દિલ્હી
ભારતમાં નિર્મિત મૅસેજિંગ ઍપ વૉટ્સઍપ જેવી મહાકાય ઍપનો સામનો કરી શકે?
ભારતીય ટૅક્નૉલૉજી કંપની ઝોહો દ્વારા ડેવલપ કરવામાં આવેલી અરેતાઈ ઍપ છેલ્લા બે સપ્તાહથી દેશમાં વાઇરલ સેન્સેશન બની ગઈ છે.
તારીખની ચોખવટ કર્યા વિના કંપની કહે છે કે "ગત સપ્તાહના સાત દિવસમાં" તેના 70 લાખ ડાઉનલોડ થયા છે. માર્કેટ ઇન્ટેલિજન્સ ફર્મ સેન્સર ટાવરના જણાવ્યા અનુસાર, ઑગસ્ટમાં અરેતાઈના ડાઉનલોડ 10,000થી પણ ઓછા હતા.
અરેતાઈ શબ્દનો અર્થ તમિલ ભાષામાં અનૌપચારિક વાતચીત થાય છે. તેનું સોફ્ટ લૉન્ચ 2021માં કરવામાં આવ્યું હતું, પરંતુ બહુ ઓછા લોકો તેના વિશે જાણતા હતા.
ભારત તેના માલસામાન પર અમેરિકાના જંગી વેપાર ટેરિફનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારત સરકાર આત્મનિર્ભર બનવાનો આગ્રહ કરી રહી છે અને અરેતાઈની લોકપ્રિયતામાં અચાનક થયેલા વધારાનું કારણ તે આગ્રહ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓ મેક ઇન ઇન્ડિયા, સ્પેન્ડ ઇન ઇન્ડિયા મૅસેજનું પુનરાવર્તન છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી કરી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પખવાડિયા પહેલાં ઍક્સ પર અરેતાઈ વિશે પોસ્ટ કરી હતી અને "કનેક્ટેડ રહેવા માટે ભારતે બનાવેલી ઍપ્સ"નો ઉપયોગ કરવાની વિનંતી કરી હતી. એ પછી ઘણા મંત્રીઓ અને બિઝનેસ અગ્રણીઓએ અરેતાઈ વિશે પોસ્ટ કરી છે.
કંપની કહે છે કે સરકારના પ્રોત્સાહનને કારણે "અરેતાઈના ડાઉનલોડ્સમાં અચાનક વધારો થયો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઝોહોના સીઇઓ મણિ વેમ્બુએ બીબીસીને કહ્યું હતું, "માત્ર ત્રણ દિવસમાં અમારા દૈનિક સાઇન-અપ્સ 3,000થી વધીને 3,50,000 થઈ ગયા છે. અમારા ઍક્ટિવ યૂઝર્સના યૂઝર બેઝને આધારે 100 ગણો ઉછાળો જોવા મળ્યો છે અને એ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે."
આ બાબત એ પણ દર્શાવે છે કે યૂઝર્સ "તેમની અનન્ય જરૂરિયાતોનો સંતોષી શકે તેવી સ્વદેશી પ્રોડક્ટ્સ માટે ઉત્સાહી" છે.
કંપનીએ તેના ઍક્ટિવ યૂઝર્સની વિગત હજુ આપી નથી, પરંતુ નિષ્ણાતો જણાવે છે કે ભારતમાં મેટાના વૉટ્સઍપના 500 મિલિયન માસિક ઍક્ટિવ યૂઝર્સના આંકડાથી અરેતાઈ ઘણી દૂર છે.
ભારત વૉટ્સઍપનું સૌથી મોટું માર્કેટ છે અને આ ઍપ દેશમાં જીવનનો લગભગ એક હિસ્સો બની ગઈ છે. લોકો તેનો ઉપયોગ ગૂડ મૉર્નિંગના જથ્થાબંધ મૅસેજીસ મોકલવાથી માંડીને બિઝનેસ ચલાવવા સુધીની દરેક બાબત માટે કરે છે.
અરેતાઈનાં ફીચર્સ વૉટ્સઍપ જેવાં જ છે અને યૂઝર્સ તેના ઉપયોગ વડે મૅસેજીસ મોકલી શકે છે તેમજ વૉઇસ અને વીડિયો કોલ કરી શકે છે.
બંને ઍપ્સ બિઝનેસ ટૂલ્સ ઑફર કરે છે અને વૉટ્સઍપની માફક અતેરાઈ દાવો કરે છે કે સસ્તો મોબાઇલ ફોન હોય અને ઇન્ટરનેટની સ્પીડ ઓછી હોય તો પણ કામ કરી શકે એ રીતે તેને બનાવવામાં આવી છે.
ઘણા યૂઝર્સે સોશિયલ મીડિયા પર અરેતાઈને વખાણી છે. કેટલાકે જણાવ્યું છે કે તેમને અરેતાઈનો ઇન્ટરફેસ અને ડિઝાઈન ગમ્યાં છે. કેટલાક અન્યને લાગે છે કે અરેતાઈ ઉપયોગીતાની બાબતમાં વૉટ્સઍપ જેવી જ છે.
ઘણા લોકોને અરેતાઈ ભારતીય બનાવટની ઍપ્લિકેશન હોવાનો ગર્વ છે અને તેમણે અન્યોને તેના ડાઉનલોડ માટે પ્રોત્સાહિત કર્યા છે.
અરેતાઈ, જંગી આંતરરાષ્ટ્રીય હરીફોનું સ્થાન લેવાનું સપનું જોયું હોય એવી પહેલી ભારતીય ઍપ્લિકેશન નથી.
ભૂતકાળમાં Koo અને Moj જેવી ભારતીય બનાવટની એપ્લિકેશનો અનુક્રમે ઍક્સ અને TikTok (ભારત સરકારે 2020માં ચીની ઍપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો પછી)ના રિપ્લેસમેન્ટ તરીકે રજૂ કરવામાં આવી હતી, પરંતુ પ્રારંભિક સફળતા પછી આ બન્ને ઍપ ખરેખર ક્યારેય આગળ વધી શકી નથી.
એક સમયે વૉટ્સઍપની મોટી હરીફ જાહેર કરવામાં આવેલી ShareChatની મહત્ત્વાકાંક્ષા પણ શાંત થઈ ગઈ છે.
દિલ્હીસ્થિત ટૅક્નૉલૉજી લેખક અને વિશ્લેષક પ્રસંતો રૉય જણાવે છે કે અરેતાઈ માટે વૉટ્સઍપને વ્યાપક યૂઝર બેઝને તોડવાનું ખાસ કરીને મુશ્કેલ બનશે, કારણ કે મેટાની માલિકીનું આ પ્લૅટફૉર્મ મોટી સંખ્યામાં બિઝનેસો અને સરકારી સેવાઓને હોસ્ટ કરે છે.
તેમના જણાવ્યા મુજબ, અરેતાઈની સફળતાનો આધાર માત્ર નવા યૂઝર્સ એકત્ર કરવા પર જ નહીં, પરંતુ તેમને જાળવી રાખવાની ક્ષમતા પર પણ નિર્ભર રહેશે. માત્ર રાષ્ટ્રવાદી ભાવનાથી તે જળવાશે નહીં.
પ્રસંતો રોય ઉમેરે છે, "પ્રોડક્ટ સારી હોવી જોઈએ. તેમ છતાં વિશ્વમાં અબજો વર્તમાન યૂઝર્સ ધરાવતી ઍપનું સ્થાન તે લઈ શકે એવી શક્યતા નથી."
કેટલાક નિષ્ણાતોએ અરેતાઈ પર ડેટા પ્રાઇવસી બાબતે ચિંતા પણ વ્યક્ત કરી છે. આ ઍપ વીડિયો અને વૉઇસ કોલ માટે ઍન્ડ-ટુ-ઍન્ડ એન્ક્રિપ્શન (E2EE) ઑફર કરે છે, પરંતુ આ ફીચરને મૅસેજીસ સુધી વિસ્તારવામાં આવ્યું નથી.
ભારતમાં ટૅક્નૉલૉજી નીતિના અહેવાલો આપતા વેબ પોર્ટલ MediaNamaના મૅનેજિંગ ઍડિટર શશિધર કે જે કહે છે, "સરકાર સલામતી સંબંધી ચિંતાનો હવાલો આપીને મૅસેજીસની ટ્રેસેબિલિટી સ્થાપિત કરવા માગે છે અને તે ઍન્ડ-ટુ-ઍન્ડ એન્ક્રિપ્શન વિના સરળતાથી કરી શકાય છે," પરંતુ તેનાથી લોકોની પ્રાઇવસી જોખમાય છે, એમ તેઓ ઉમેરે છે.
અરેતાઈના કહેવા મુજબ, ટેક્સ્ટ મૅસેજીસ માટે ઍન્ડ-ટુ-ઍન્ડ એન્ક્રિપ્શન અમલી બનાવવાની દિશામાં તે સક્રિય રીતે કામ કરી રહી છે.
મણિ વેમ્બુ કહે છે, "અમે શરૂઆતમાં E2EE પછી આ ઍપ લૉન્ચ કરવાના હતા અને એ થોડા મહિના પહેલાં થઈ શક્યું હોત. જોકે, તે લૉન્ચ થોડું આગળ ધકેલવામાં આવ્યું છે અને અમે શક્ય તેટલી ઝડપથી કેટલીક મહત્ત્વપૂર્ણ સુવિધાઓ અને માળખાગત સપોર્ટ લાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ."
વૉટ્સપ મૅસેજીસ તથા કોલ્સનું ઍન્ડ-ટુ-ઍન્ડ એન્ક્રિપ્શન ઑફર કરે છે, પરંતુ કંપનીની નીતિ મુજબ, તે કાયદેસર રીતે માન્ય સંજોગોમાં જ સરકાર સાથે મૅસેજ અથવા કોલ લોગ જેવો મેટા ડેટા શૅર કરે છે.
ભારતમાં ઇન્ટરનેટ કાયદા અનુસાર, સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મે ચોક્કસ સંજોગોમાં તેના યૂઝર ડેટા કેન્દ્ર સરકાર સાથે શૅર કરવા જરૂરી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય કંપનીઓ પાસેથી આવા ડેટા મેળવવા મુશ્કેલ છે અને તેમાં લાંબો સમય થાય છે.
મેટા અને ઍક્સ જેવી વિરાટ કંપનીઓ પાસે સરકારી વિનંતી અથવા નિયમોનો કે તેઓ જેને અન્યાયી માને છે તેનો વિરોધ કરવા માટે કાયદાકીય અને નાણાકીય વ્યવસ્થા પણ છે.
સોશિયલ મીડિયા અને સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ્સ પરની સામગ્રીને નિયંત્રિત કરવાના નવા સરકારી નિયમોને મુદ્દે વૉટ્સઍપે 2021માં ભારત સામે અદાલતી કેસ કર્યો હતો.
વૉટ્સઍપે જણાવ્યું હતું કે આ નિયમો વૉટ્સઍપના પ્રાઇવસી પ્રોટેક્શન્શનું ઉલ્લંઘન કરે છે. કન્ટેન્ટને બ્લૉક કરવાની કે હઠાવવાની ભારત સરકારની સત્તાને ઍક્સે પણ કાયદાકીય રીતે પડકારી હતી.
તેથી નિષ્ણાતોને સવાલ થાય છે કે ભારતમાં નિર્મિત અરેતાઈ યૂઝર્સના ગોપનીયતાના અધિકારોને જોખમમાં મૂકી શકે તેવી સરકારી માગણીઓનો સામનો કરી શકશે?
ટૅક્નૉલૉજી કાયદાના નિષ્ણાત રાહુલ મથાનના કહેવા મુજબ, અરેતાઈના પ્રાઇવસી આર્કિટેક્ચર અને યૂઝર જનરેટેડ કન્ટેન્ટને સરકાર સાથે શૅર કરવાના ઝોહોના વલણ બાબતે વધુ સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી બધું બધા લોકો તેનો ઉપયોગ કરશે નહીં.
પ્રસંતો રૉય જણાવે છે કે ખાસ કરીને કેન્દ્રીય મંત્રીઓ ઍપનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે ઝોહો માટે સરકારને આધીન રહેવું શક્ય છે.
એ ઉપરાંત દેશના કાયદાઓ અને કાયદાના અમલીકરણની વિનંતીનું પાલન કરવાના સંદર્ભમાં ભારતીય સ્ટાર્ટ-અપ માટે જોરદાર પ્રતિકાર કરવો શક્ય નથી.
સરકાર તરફથી આવી વિનંતી કરવામાં આવશે તો અરેતાઈ શું કરશે, એવા સવાલના જવાબમાં મણિ વેમ્બુ કહે છે, "અમારા યૂઝર્સ દેશના ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી નિયમોનું પાલન કરવાની સાથે તેમના ડેટા પર સંપૂર્ણ નિયંત્રણ જાળવી રાખે એવું કંપની ઇચ્છે છે."
તેઓ ઉમેરે છે, "એક વખત ઍન્ડ-ટુ-ઍન્ડ એન્ક્રિપ્શન શરૂ થઈ જશે પછી અમારી પાસે યૂઝરની વાતચીતની સામગ્રીનું એક્સેસ રહેશે નહીં. કોઈ પણ કાનૂની જવાબદારી બાબતે અમે અમારા યૂઝર્સ સાથે પારદર્શક રહીશું."
અનુભવ સૂચવે છે કે ખાસ કરીને વૉટ્સઍપ અને ફેસબુક જેવી બંધાણ બની ગયેલી જંગી ઍપ્સનું પ્રભુત્વ છે ત્યારે ભારતીય ઍપ્લિકેશન્સ માટે ચઢાણ કપરું હોય છે. અરેતાઈ તેમાંથી આરપાર નીકળીને આગળ વધશે કે અગાઉની ઍપ્સની માફક ઝાંખી પડી જશે તે જોવાનું રહે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન