You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એવું કબ્રસ્તાન જ્યાં દફનવિધિ માટે પહેલેથી જગ્યા અનામત રખાય છે
- લેેખક, તુલસીપ્રસાદ રેડ્ડી
- પદ, બીબીસી માટે
71 વર્ષના એક ખ્રિસ્તી એક કબ્રસ્તાનમાં શેડની નીચે એક પથ્થર પર બેઠા છે. તેઓ નજીકમાં પોતાની પત્નીની કબરને જોઈ રહ્યા છે. થોડી થોડી વારે તેઓ ત્યાં આવે છે અને પત્નીની કબરને નિહાળે છે. તેમણે પત્નીની કબરની નજીકમાં પોતાની જગ્યા રિઝર્વ કરાવેલી છે.
આંધ્ર પ્રદેશના કડપ્પામાં રિમ્સ હૉસ્પિટલ પાસે આ કબ્રસ્તાન આવેલું છે જેને "ગાર્ડન ઑફ ક્રિશ્ચિયન ગ્રેવ્સ' કહેવામાં આવે છે.
ચાર એકરની સાફ-સુથરી જગ્યા પર અડધા કરતાં વધારે કબરો પહેલેથી જ બનેલી છે. અંદર જતાં જ તમને 'લાસ્ટ વિઝન મંદિર' જોવા મળશે.
મૃતદેહને કબ્રસ્તાન લાવવામાં આવ્યા પછી અંતિમવિધિ કરવામાં આવે છે અને મૃતદેહને બગીચામાં દફનાવાય છે. ત્યાર પછી ત્યાં એક કબર ચણવામાં આવે છે.
71 વર્ષીય સીએચ નૅલ્સન કડપ્પાના વતની છે. તેમણે 15 વર્ષ સુધી ભારતીય વાયુસેનામાં ફરજ બજાવી. ત્યાર પછી તેમણે કડપ્પામાં એલઆઈસીમાં કામ કર્યું.
નવ વર્ષ અગાઉ તેમનાં પત્ની પીપી વેદમણિ કુસુમાકુમારીનું 61 વર્ષની વયે બીમારીથી અવસાન થયું હતું.
નૅલ્સન કડપ્પામાં એકલા રહે છે અને તેમનાં સંતાનો વિદેશમાં વસે છે. તેમણે અહીં જમીનનો એક ટુકડો અનામત રાખ્યો છે જેથી પોતાના મૃત્યુ પછી પત્નીની કબરની બાજુમાં તેમને પણ સ્થાન મળી શકે.
બાળકોને તકલીફ પડવી ન જોઈએ...
બાળકો વિદેશમાં સૅટલ થયા પછી નૅલ્સને બે માળની એક ઇમારત ભાડે રાખી છે અને તેમાંથી એક માળમાં પોતે રહે છે. તેઓ કબ્રસ્તાન જાય છે જે તેમના ઘરથી લગભગ 10 કિમીના અંતરે આવેલું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનાં પત્ની મૃત્યુ પામ્યાં ત્યારે કડપ્પામાં આરઆઈએમએસ નજીક કબ્રસ્તાનના સંચાલકોએ કહ્યું કે તેઓ પોતાની પત્ની માટે કબર બનાવવા નજીકમાં જગ્યા અનામત રખાવી શકે છે. તેથી તેમણે તે વખતે 10 હજાર રૂપિયા ચૂકવ્યા અને પત્નીની કબર નજીક જગ્યા રિઝર્વ કરાવી લીધી.
નૅલ્સને કહ્યું કે તેમણે પોતાની જગ્યા એટલા માટે અનામત રખાવી જેથી તેમનાં સંતાનોએ અહીં આવવાનું થાય તો તેઓ એક જ જગ્યા પર બંનેને શ્રદ્ધાંજલિ આપી શકે.
તેઓ કહે છે, "લગ્નનાં 37 વર્ષ પછી મારી પત્નીનું અચાનક અવસાન થયું. આ નવ વર્ષ પહેલાંની વાત છે. તેમણે મને કહ્યું કે 10 હજાર રૂપિયા ચૂકવીશ તો તેઓ જગ્યા અનામત રાખશે. મેં તરત 10 હજાર રૂપિયા ચૂકવી દીધા અને જગ્યા રિઝર્વ કરાવી લીધી. મારી દીકરી યુકેમાં રહે છે અને તે ક્યારેક આવે તો પિતા અને માતાની કબર અલગ-અલગ જગ્યાએ હશે તો તેને તકલીફ પડશે. અમે બંને એકબીજાની નજીક હોઈશું તો તેઓ ક્યારેક આવીને ફૂલ ચઢાવી શકે છે. અમારા સગાંસંબધી પણ અહીં આવી શકે છે."
નૅલ્સને 2016માં પોતાની પત્નીની કબરની બાજુમાં પોતાના માટે જગ્યા રિઝર્વ કરાવી હતી. તેઓ કહે છે કે "હવે અહીં કબર માટે જગ્યા રિઝર્વ કરાવી શકાતી નથી."
તમારે કાયમ માટે મરવું પડે...
ઘણા લોકો પૂછે છે કે તેમણે પોતાના માટે જગ્યા અનામત કેમ રખાવી?
તેના વિશે તેઓ કહે છે, "ઘણા લોકોએ પૂછ્યું કે આટલી જલદી જગ્યા ખરીદવાની શી જરૂર હતી. આપણે બધાએ એક દિવસ મરવાનું તો છે ને. તેથી મેં વિચાર્યું કે મારી પત્નીની નજીક જગ્યા ખરીદવી યોગ્ય રહેશે. ત્યાંના લોકોએ મને તે તક આપી તેથી મેં તેને ખરીદી લીધી. શરૂઆતમાં તો મારાં સંતાનો તેના માટે રાજી ન થયાં. તેમણે કહ્યું, પપ્પા તમે આવું કેમ કરો છો? તે એક લાગણી હતી."
કબર પર ફૂલની પાંખડીની ચાદર
ત્યાર પછી નૅલ્સને પોતાની પત્નીની કબર પાસે રિઝર્વ જગ્યાને ઢાંકવા માટે ચાદરોથી એક શેડ બનાવ્યો.
જે જગ્યાએ કબર ચણવામાં આવી હતી, ત્યાં બેસવા માટે એક મંચ જેવી વ્યવસ્થા કરવામાં આવી.
કબરની ચારે બાજુ છોડ વાવવામાં આવ્યા, કારણ કે તેમનાં પત્નીને હરિયાળી પસંદ હતી.
તેમાં ચમેલીના છોડ પણ સામેલ છે.
તેઓ કહે છે, "તેને ઝાડ અને છોડ બહુ પસંદ હતાં. તેથી મેં ચારે બાજુ છોડ વાવ્યા અને એક શેડ બનાવ્યો. જ્યારે કોઈ કબર ખોદે છે, ત્યારે તેઓ ત્યાં આવીને બેસે છે. તેઓ ત્યાં ભોજન કરે છે. મેં કબર માટે જગ્યા નક્કી કરી હતી. ત્યાં બેસવા માટે એક પથ્થર રાખી દીધો છે. તેઓ કહે છે કે ત્યાં ઠંડક રહે છે."
તેઓ કહે છે કે મેં વિચાર્યું પણ ન હતું કે 37 વર્ષથી સાથ આપનાર તેમનાં પત્ની અચાનક મૃત્યુ પામશે. આ કારણથી જ તેઓ ક્યારેક ક્યારેક તેમની કબર પર જાય છે.
નૅલ્સને કહ્યું, "હું તેના જન્મદિવસે જાઉં છું. તેની મૃત્યુતિથિ પર જાઉં છું. હું નિયમિત રીતે બીજી નવેમ્બરે જાઉં છું જે અમારા વડીલોનો દિવસ છે. ત્યાં ત્રણ કબરો છે, બધી એક સરખા રંગની છે. ત્યાં મારી પત્ની, મારી બહેન અને મારા ભાઈની કબર છે. અમે સાથે ભણ્યા હતાં."
જગ્યા રિઝર્વ રાખવા વિશે લોકો શું માને છે?
કડપ્પામાં સરકારે જાતે 2016માં ખ્રિસ્તીઓ માટે ચાર એકર જમીન કબ્રસ્તાન માટે ફાળવી હતી. તે વખતે કેટલાક લોકોએ પોતાની કબરો માટે ત્યાં જગ્યા રિઝર્વ કરાવી લીધી હતી.
જોકે, હવે ત્યાં કોઈ સ્થાન આરક્ષિત નથી.
તાજેતરમાં જ એક કબ્રસ્તાનમાં જગ્યા અનામત રખાઈ હોવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી. તેના કારણે બીજા લોકોને પણ રસ પડ્યો.
બીબીસીએ જ્યારે કડપ્પામાં ખ્રિસ્તી કબ્રસ્તાનની મુલાકાત લીધી અને તેનું નિરીક્ષણ કર્યું, તો એવું જાણવા મળ્યું કે નૅલ્સનની જેમ 26 લોકોએ પોતાની કબર માટે જગ્યા રિઝર્વ રખાવી હતી.
ઘણા સ્થાનિક લોકો આ રીતે કબરની જગ્યા અનામત રાખવામાં આવે તેના પર આશ્ચર્ય વ્યક્ત કરે છે.
સ્થાનિક વિજય ભાસ્કરે કહ્યું કે કડપ્પામાં આવું જોવું નવાઈની વાત છે.
તેમણે કહ્યું કે "અમે મોટા ભાગે કેટલીક ઇમારતો અને ઍપાર્ટમેન્ટ માટે જમીન રિઝર્વમાં રાખવામાં આવે તેવું સાંભળ્યું છે. પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કબરની જમીન આરક્ષિત કરવામાં આવે તે નવાઈની વાત છે. કડપ્પામાં આવું થયું તે વાતનું મને આશ્ચર્ય છે."
અમે આ માટે આવું કર્યું?
કડપ્પા સ્થિત સીએચઆઈ ચર્ચ અને ખ્રિસ્તી કબરો ખખડધજ હાલતમાં છે. બીબીસીએ સીએસઆઈ ચર્ચના સચિવ મનોહર સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું કે તેમણે 2016માં કેટલાક લોકો માટે જગ્યાએ અનામત રાખી હતી, પરંતુ ત્યાર પછી આવું બંધ કરી દીધું.
મનોહરે જણાવ્યું કે કડપ્પામાં બ્રિટિશ કાળમાં દોરાલા ઘોરી નામનું એક કબ્રસ્તાન હતું. રજાકારો અને વિદેશીઓના શાસનમાં મૃત્યુ પામનારાઓને અહીં દફનાવવામાં આવતા હતા. ખ્રિસ્તીઓની પણ અહીં જ દફનવિધિ થતી હતી. 2025-16 દરમિયાન દોરાલા ઘોરી નામના કબ્રસ્તાનની આખી જગ્યા ભરાઈ ગઈ હતી. અમે જિલ્લા કલેક્ટરને આ વાત જણાવી ત્યારે તેમણે અમને રિમ્સ પાસે ચાર એકર જગ્યા આપી. અમે 2016થી અહીં મૃતકોને દફનાવીએ છીએ.
મનોહરે જણાવ્યું કે મકબરા માટે સ્થાન અનામત રાખવાનો વિચાર કેવી રીતે આવ્યો અને હાલમાં તેને કેમ બંધ કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, "અમારા વૃદ્ધ બિશપના નિધન પછી અમે સૌથી પહેલાં તેમને તેમની પત્નીની કબર પાસે દફનાવ્યા. ખ્રિસ્તીઓનું માનવું છે કે પતિનું મૃત્યુ થાય તો તેમનાં પત્નીને પણ તેમની કબરની નજીક દફનાવવા જોઈએ. અમે તેમને જગ્યા આપી કારણ કે તેમને જગ્યા આપવી યોગ્ય રહેશે એવું અમને લાગ્યું. કારણ કે આ તેમના જીવનનો અડધો હિસ્સો છે. કેટલાક દિવસો પછી અમે આ કામ બંધ કરી દીધું. હવે અમે કોઈને નથી આપતા. અમે તેને સાવ બંધ કરી દીધું છે. કારણ કે કબ્રસ્તાનની સારસંભાળમાં ઘણો ખર્ચ આવે છે. આપણી પાસે જે જગ્યા છે તે લગભગ ખતમ થઈ ગઈ છે."
જે લોકોએ અહીં કબર રિઝર્વ કરાવી છે, તેમાં એવાં સંતાનો પણ સામેલ છે જેમણે પોતાનાં માતાપિતા નજીક રહે તે માટે જગ્યા આરક્ષિત કરાવી છે.
સ્થાનિક રહેવાસી વિજય ભાસ્કરે કહ્યું કે ધાર્મિક વિશ્વાસ અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમના કારણે તેમણે આ જગ્યા રિઝર્વ કરાવી છે.
તેમણે કહ્યું કે, "આ જગ્યાને કબર માટે આરક્ષિત રાખવી એ તેમની ધાર્મિક માન્યતા છે. તે તેમનો અંગત પ્રેમ અને સ્નેહ હોઈ શકે છે. પોતાનાં માતાપિતા અથવા પત્ની અને બાળકો પ્રત્યે તેમનો લગાવ હોઈ શકે છે. બહારની દુનિયા માટે આ આશ્ચર્યજનક બાબત છે. પરંતુ આ માનવામાં ન આવે તેવું સત્ય છે. મારો મિત્ર ત્યાં છે અને મને પૂછ્યા વગર જગ્યા રિઝર્વ કરાવી લીધી તે વાત આશ્ચર્યજનક છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન