You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કંગના રનૌતનાં કયાં-કયાં નિવેદનો પર થઈ ચૂક્યો છે વિવાદ
ભાજપનાં સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે એવું નિવેદન આપ્યું છે જેને કારણે વિવાદ થયો છે.
ભાજપનાં સાંસદ કંગના રનૌતના હાલના નિવેદનથી તેમની જ પાર્ટીએ કિનારો કરી લીધો છે. પાર્ટીએ કંગનાને ચેતવણી પણ આપી છે અને કહ્યું છે કે નીતિગત મામલાઓ પર નિવેદનો આપવા માટે કંગના અધિકૃત નથી.
તો બીજી તરફ કૉંગ્રેસે કંગનાને પાર્ટીમાંથી બરખાસ્ત કરવાની માગ કરી છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, “ખેડૂતોને કરેલા વાયદાઓ પૂરા કરવામાં નાકામ રહેલી મોદી સરકારનું દુષ્પ્રચાર તંત્ર સતત ખેડૂતોનું અપમાન કરવામાં જોતરાયેલું છે.”
તેમણે કહ્યું, “378 દિવસ ચાલેલા સંઘર્ષ દરમિયાન 700 સાથીઓના બલિદાન આપનારા ખેડૂતોને ભાજપ સાંસદ દ્વારા બળાત્કારી અને વિદેશી તાકતો સંચાલિત કહેવા એ ભાજપની ખેડૂત વિરોધી નીતિ અને નિયતનો પુરાવો છે.”
હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી લોકસભાનાં સાંસદ કંગના રનૌતે એક અખબારને આપેલા નિવેદનમાં ખેડૂત આંદોલન પર નિવેદન આપ્યું હતું. તેમણે આ આંદોલનને બાંગ્લાદેશની ઘટના સાથે જોડ્યું હતું.
કંગનાએ દાવો કર્યો હતો કે ભારતમાં ચીન અને અમેરિકા જેવી વિદેશી શક્તિ કામ કરે છે.
બીજેપીએ કંગનાને સલાહ આપતા કહ્યું કે તેઓ ભવિષ્યમાં આ પ્રકારનાં નિવેદનો આપવાથી બચે.
ભાજપની કેન્દ્રીય મીડિયા વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે ભાજપનાં સાંસદ કંગના રનૌતે ખેડૂત આંદોલન પર આપેલાં નિવેદનો સાથે પાર્ટી સંમત નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કંગનાએ કયું નિવેદન આપ્યું હતું?
કંગના રનૌત અભિનેત્રી પણ છે. તેઓ ઘણીવાર તેમનાં નિવેદનોને કારણે વિવાદમાં રહે છે.
ભાજપે આ વર્ષે લોકસભા ચૂંટણીમાં તેમને હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ચૂંટણી લડાવી હતી અને તેઓ જીત્યાં પણ હતાં.
તેઓ લોકસભામાં પહેલીવાર સાંસદ બન્યાં છે.
કંગનાએ એક અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું હતું, “બાંગ્લાદેશમાં જે થયું તે અહીં ભારતમાં પણ થતાં વાર ન લાગત જો આપણું નેતૃત્વ સશક્ત ન હોત.”
કંગનાએ બાંગ્લાદેશમાં હાલમાં થયેલા આંદોલન અને સત્તા પરિવર્તનને ભારતના ખેડૂત આંદોલન સાથે જોડ્યું. તેમણે કહ્યું, “અહીં જે ખેડૂત આંદોલનો થયાં, ત્યાં મૃતદેહો લટકતા હતા, ત્યાં રેપ થતા હતા...”
“ખેડૂતોનું બહુ મોટું આયોજન હતું. જે પ્રકારે બાંગ્લાદેશમાં થયું. આ પ્રકારનું ષડયંત્ર. તમને શું લાગે છે ખેડૂતો...? ચીન, અમેરિકા...આ પ્રકારની વિદેશી શક્તિઓ કામ કરતી હતી.”
કંગના રનૌત દ્વારા ખેડૂત આંદોલન મામલે આપવામાં આવેલાં નિવેદનોથી ભાજપ ખફા છે.
ભાજપે કંગના રનૌતને ચેતવણી આપતા કહ્યું છે કે આ પ્રકારનાં નિવેદનો તેઓ ભવિષ્યમાં ન આપે.
ભાજપના કેન્દ્રીય મીડિયા વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસનોટમાં કહેવામાં આવ્યું, “ભાજપનાં સાંસદ કંગના રનૌત દ્વારા ખેડૂત આંદોલન દરમિયાન આપવામાં આવેલાં નિવેદનો પાર્ટીનો મત નથી.”
ભાજપે કહ્યું છે, “ભાજપ કંગનાનાં નિવેદનો સાથે સહમત નથી. પાર્ટી તરફથી, પાર્ટીના નીતિગત વિષયો પર બોલવા માટે કંગના રનૌતને ન તો પરવાનગી છે, ન તેઓ આ પ્રકારનાં નિવેદનો આપવા માટે અધિકૃત છે.”
પાર્ટીએ વધુમાં જણાવ્યું છે કે, “ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ તથા સામાજિત સમરસતાના સિદ્ધાંતો પર ચાલવા માટે સંકલ્પિત છે.”
ત્રણ કૃષિ કાયદાઓને લઈને ખેડૂતો દ્વારા થયેલાં આંદોલનો દરમિયાન કંગનાનાં અનેક નિવેદનોથી વિવાદ થયો હતો.
કંગનાના આ નિવેદન પર પણ થયો હતો વિવાદ
લોકસભાનાં સાંસદ બન્યાં બાદ દિલ્હી આવી રહેલાં કંગના રનૌતને મોહાલી ઍરપૉર્ટ પર સીઆઈએસએફની એક મહિલા કૉન્સ્ટેબલ દ્વારા કથિત રીતે થપ્પડ મારવામાં આવી હતી.
કુલવિન્દરકૌર નામનાં આ મહિલા કૉન્સ્ટેબલનું કહેવું હતું કે કંગનાએ ખેડૂત આંદોલનો દરમિયાન જે નિવેદનો આપ્યાં હતાં તેનાથી તેઓ નારાજ હતાં.
ખેડૂત આંદોલન દરમિયાન તથા અન્ય ઘણા પ્રસંગોએ કંગનાએ વિવાદિત નિવેદનો કર્યાં હતાં. જોઈએ તેમનાં કેટલાંક વિવાદિત નિવેદનો.
1. ખેડૂત આંદોલનકારીઓ પર આપેલાં નિવેદનો
ડિસેમ્બર, 2020માં બીબીસીએ 88 વર્ષનાં મહિલા ખેડૂત મહિન્દરકૌરનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. મહિન્દર ઝૂકેલી કમર છતાં ખેડૂતોના આંદોલનનો ઝંડો લઈને પંજાબના ખેડૂતો સાથે માર્ચ કરતાં નજરે પડ્યાં હતાં.
મહિન્દર કૌરની આ તસવીરને સોશિયલ મીડિયામાં શાહીન બાગ પ્રદર્શન દરમિયાન આગેવાની કરનારાં મહિલા બિલકીસ દાદી સાથે કરવામાં આવી.
તે સમયે કંગના રનૌતે બિલકીસ અને મહિન્દરકૌર એમ બંનેની તસવીરોને સાથે ટ્વીટ કરીને કટાક્ષ કર્યો હતો કે, “હા હા. આ એ જ દાદી છે, જેમને ટાઇમ મેગેઝિનની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યાં છે. અને તેઓ 100 રૂપિયામાં ઉપલબ્ધ છે.”
સીઆઈએસએફની મહિલા કૉન્સ્ટેબલે દાવો કર્યો હતો કે કંગના દ્વારા આપવામાં આવેલા આ જ નિવેદનને કારણે તેઓ તેનાથી નારાજ હતા. આ આંદોલનમાં તેમનાં માતા પણ સામેલ થયાં હતાં.
2. રાહુલ ગાંધી પર ટિપ્પણી
જુલાઈ મહીનાના સંસદના સત્ર દરમિયાન કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શિવ અને મહાભારતની કથાના ચક્રવ્યૂહનો ઉલ્લેખ કર્યો હતો.
કંગના રનૌતે રાહુલ ગાંધી પર નિવેદન આપ્યું હતું કે, “તેઓ જે પ્રકારની બકવાસ વાતો કરે છે તે જોતાં તેમનો ટેસ્ટ કરવામાં આવે કે તેઓ કોઈ ડ્રગ્સ લે છે કે નહીં.”
તેમણે તેમના આ નિવેદનને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યું હતું.
3. શંકરાચાર્ય ઉપર ઉઠાવ્યા સવાલ
ભાજપનાં સંસદસભ્ય કંગના રનૌતે જુલાઈ મહિનામાં શંકરાચાર્ય ઉપર સવાલ ઉઠાવ્યા હતા.
મહારાષ્ટ્રમાં રાજકીયદળોમાં ભંગાણ તથા એકનાશ શિંદના મુખ્ય મંત્રી બનવા વિશે કંગનાએ લખ્યું હતું કે, 'રાજનેતા રાજકારણ નહીં રમે તો શું પાણીપુરી વેચશે?'
સોશિયલ મીડિયા ઍક્સ ઉપરની પોસ્ટમાં આ વિશેની એક પોસ્ટમાં કંગનાએ લખ્યું, "શંકરાચાર્યજીએ મહારાષ્ટ્રના માનનીય મુખ્ય મંત્રી વિશે ગદ્દાર, વિશ્વાસઘાતી જેવી અપમાનજનક શબ્દાવલીનો ઉપયોગ કરીને અમારાં બધાંની લાગણીઓ દુભાવી છે. શંકરાચાર્ય આ પ્રકારની તુચ્છ અને ક્ષુલ્ક વાત કરીને હિંદુ ધર્મની ગરિમાને આઘાત પહોંચી રહ્યા છે."
આ ટિપ્પણી પછી કંગનાના સમર્થક અને વિરોધીઓ સોશિયલ મીડિયા ઉપર બાખડી પડ્યા હતા.
4. 'ખરી સ્વતંત્રતા 2014માં મળી'
વર્ષ 2021માં એક ટેલિવિઝન કાર્યક્રમ દરમિયાન કંગના રનૌતે કહ્યું હતું કે 'વર્ષ 1947માં ભારતને ભીખમાં સ્વતંત્રતા મળી હતી અને દેશને ખરી સ્વતંત્રતા વર્ષ 2014માં મળી.'
વાસ્તવમાં તા. 15 ઑગસ્ટ, 1947ના રોજ લાંબા સંઘર્ષ અને બલિદાનો પછી દેશને સ્વતંત્રતા મળી હતી. જ્યારે નરેન્દ્ર મોદી વર્ષ 2014માં પહેલી વખત દેશના વડા પ્રધાન બન્યા હતા. કંગનાના આ નિવેદનને પગલે પણ ભારે વિવાદ થયો હતો.
5. પન્નુ-ભાસ્કરને બી-ગ્રૅડ અભિનેત્રી કહ્યાં
કંગના રનૌતે એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મ અભિનેત્રી તાપસી પન્નુ તથા સ્વરા ભાસ્કરને બી-ગ્રૅડ અભિનેત્રી કહ્યાં હતાં. તેમની આ ટિપ્પણીથી સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચા ચાલુ થઈ ગઈ હતી.
કંગનાએ ખેડૂતો વિશે તાજેતરમાં જે નિવેદન આપ્યું, તેના કારણે પણ કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટી જેવા પક્ષોને ભાજપ ઉપર વળતો પ્રહાર કરવાની તક મળી ગઈ હતી.
ભાજપ પર વિપક્ષનો વાર
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, અહીંથી મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલનમાં સામેલ થયા હતા. આ સિવાય આગામી કેટલાક દિવસોમાં હરિયાણામાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાશે. અહીંના ખેડૂતો પણ તેમની માંગણીઓ તરફ ધ્યાન ખેંચવા માટે આંદોલન કરી ચૂક્યા છે.
કૉંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે એક પત્રકાર પરિષદ કરીને કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ ઉપર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે તે અમેરિકા તથા ચીનની ભૂમિકા વિશે જણાવે, જો તે ખોટું હોય, તો જેણે આવું નિવેદન કર્યું છે, તેને પાર્ટીમાંથી હાંકી કાઢે.
સુપ્રિયા શ્રીનેતના કહેવા પ્રમાણે, ભારતમાં ખેડૂતો ઉપર ક્યારેય કોઈએ આવી ટિપ્પણી નથી કરી તથા ભાજપ 'આ પાર્ટીનું નિવેદન નથી' એમ કહીને છટકી ન શકે.
એવામાં કંગનાના નિવેદન બાદ ભાજપે પહેલી વખત તેમને સાર્વજનિક રીતે કડક શબ્દોમાં ચેતવણી આપી છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)