You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત કૅડરના IPS અધિકારી રવીન્દ્ર પટેલ કોણ છે જેમના વતન પહોંચી સેબીની ટીમ?
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી ડૉ. રવીન્દ્ર પટેલ હાલમાં સેબી (સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા)ની કાર્યવાહીના કારણે ચર્ચામાં આવ્યા છે.
ગુરુવારે સેબીની એક ટીમે રવીન્દ્ર પટેલના ખેડબ્રહ્મા સ્થિત નિવાસસ્થાને સર્ચ ઑપરેશન કર્યું હોવાના અહેવાલ આવ્યા છે.
એમબીબીએસનો અભ્યાસ કરીને ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયેલા ડૉ. રવીન્દ્ર પટેલ હાલમાં ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કૉર્પોરેશનમાં ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે.
તેમના કહેવા પ્રમાણે સેબીની ટીમ તેમના નિવૃત્ત પિતા ડાહ્યાભાઈ પટેલને લગતા એક કેસમાં આવી હતી જેની સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તેમના પિતા નિવૃત્ત આઈપીએસ અધિકારી છે.
આ કાર્યવાહી અંગે સેબી કે બીજી કોઈ એજન્સી દ્વારા સત્તાવાર નિવેદન અપાયું નથી.
શું છે સમગ્ર મામલો?
રવીન્દ્ર પટેલ શેરબજારમાં કથિત ગોટાળાના કારણે ચર્ચામાં રહ્યા છે અને સેબીએ તેમની સામે અગાઉ પણ કાર્યવાહી કરી છે.
પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે રવીન્દ્ર પટેલ સામે સાધના બ્રૉડકાસ્ટિંગ લિમિટેડના શેરના ભાવમાં ચેડા કરવાનો આરોપ હતો. સાધના બ્રૉડકાસ્ટિંગ એ યુટ્યૂબ બ્રૉડકાસ્ટર છે. તેમાં યુટ્યૂબ પર ગેરમાર્ગે દોરતા વીડિયો અપલોડ કરવાનો આરોપ હતો.
જુલાઈ અને સપ્ટેમ્બર 2022 વચ્ચે સેબીને કંપનીના શેરમાં ચેડા થતા હોવાની ફરિયાદો મળી હતી. ત્યાર પછી સેબીએ 2 માર્ચ 2023ના એક વચગાળાનો ઑર્ડર આપ્યો અને ત્યાર પછી વિસ્તૃત તપાસ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાન્યુઆરી 2024માં આઈપીએસ અધિકારી સહિત કેટલાક લોકોને શો કોઝ નોટિસ અપાઈ હતી અને તેમની સામે પેનલ્ટી કેમ લાદવામાં ન આવે તેનું કારણ પૂછાયું હતું.
સેબીની કાર્યવાહી પછી રવીન્દ્ર પટેલે 72.8 લાખ રૂપિયાની સેટલમેન્ટ રકમ ભરી હતી અને ગેરકાયદે મેળવાયેલી 1.90 કરોડની રકમ પરત કરી હતી. જોકે, તેમણે પોતાની સામેના આરોપોને સ્વીકાર કે ઇનકાર કર્યો ન હતો.
સેબીએ રવીન્દ્ર પટેલ પર શેરમાર્કેટમાં કોઈ પ્રવૃત્તિ કરવા સામે છ મહિનાનો પ્રતિબંધ મૂક્યો હતો જેને પટેલે સ્વીકાર્યો હતો. ત્યાર પછી સેબીની ઉચ્ચ અધિકાર ધરાવતી સમિતિએ સેટલમેન્ટની ભલામણ કરી હતી.
સેબી દ્વારા 27 ફેબ્રુઆરી 2025નો એક સેટલમેન્ટ ઑર્ડર અપાયો હતો જેમાં પુષ્ટિ કરવામાં આવી હતી કે આઈપીએસ અધિકારી રવીન્દ્ર પટેલે જરૂરી પેમેન્ટ કરી દીધું છે. જોકે, તેમાં જણાવાયું હતું કે આગળ તપાસમાં કોઈ ગરબડ જોવા મળે અથવા સેટલમેન્ટની શરતોનો ભંગ જોવા મળશે તો સેબી આ કેસ ફરીથી ખોલી શકે છે.
રવીન્દ્ર પટેલે શું ખુલાસો કર્યો
બીબીસીએ રવીન્દ્ર પટેલનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે સેબીની ટીમ તેમના પિતાને લગતા કોઈ કેસ માટે આવી હતી. તે કેસ સાથે મારે કોઈ લેવાદેવા નથી.
ડૉ. પટેલે જણાવ્યું કે, "સેબીએ મારા પિતાની શું પૂછપરછ કરી તેના વિશે હું કંઈ જાણતો નથી. સેબીની ટીમ મારા વતનમાં આવી હતી અને હું તો ગાંધીનગર છું."
તેમણે આ કેસ વિશે વધુ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
સાધના બ્રૉડકાસ્ટના શેરમાં મોટી ઊથલપાથલ
ઑગસ્ટ 2022માં સાધના બ્રૉડકાસ્ટના શેરનો ભાવ લગભગ 35 રૂપિયાની નજીક પહોંચી ગયો હતો.
પરંતુ આજે સેન્સેક્સ 530 પૉઇન્ટ કરતા વધારે વધ્યો હતો ત્યારે પણ સાધના બ્રૉડકાસ્ટનો શેર 0.36 ટકા ઘટીને 2.76 પર ચાલતો હતો.
સેબીની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સાધના બ્રૉડકાસ્ટના શેર વેચનારાઓ પૈકી કેટલાક લોકો ચોક્કસ યુટ્યૂબ ચેનલ્સ સાથે સંકળાયેલા છે. તેમાં શેર વિશે ખોટી અને વધારે પડતી ચઢાવીને માહિતી આપવામાં આવતી હતી અને ગેરમાર્ગે દોરતા વીડિયો અપલોડ કરવામાં આવતા હતા. આની પાછળનો હેતુ લોકોને ચોક્કસ કંપનીઓના શેર ખરીદવા માટે લલચાવવાનો હતો.
અગાઉ પણ વિવાદમાં રહ્યા
આઈપીએસ રવીન્દ્ર પટેલને વિવાદો સાથે જૂનો નાતો છે. વર્ષ 2024માં તેઓ પાટણના એસપી હતા ત્યારે અમદાવાદમાં ફળોના એક વેપારી અતુલ પ્રજાપતિએ ગુજરાત હાઇકોર્ટમાં તેમની સામે અરજી કરી હતી.
વેપારીએ આરોપ મૂક્યો હતો કે રવીન્દ્ર પટેલના કહેવાથી પોલીસ કર્મચારીઓ દ્વારા તેમનું અપહરણ કરાયું હતું અને ધમકાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પોલીસે તેમની ફરિયાદ પણ લીધી ન હતી જેથી તેમણે હાઇકોર્ટમાં જવું પડ્યું હતું.
આ મામલો કોર્ટમાં જતા પાટણના ચાર પોલીસકર્મી સામે એફઆઈઆર દાખલ થઈ હતી.
પ્રજાપતિએ પાટણના એસપી સામે આરોપો મૂક્યા હતા અને તેમની સામે ઍક્શન લેવાય તેવી માંગણી કરી હતી. તે વખતે હાઇકોર્ટના જસ્ટિસ નિઝર્ર દેસાઈએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ઝાટક્યા હતા અને રવીન્દ્ર પટેલને બચાવવા બદલ પોલીસની ટીકા કરી હતી.
હાઇકોર્ટે એવું પણ કહ્યું હતું કે પોલીસ કર્મચારીઓ ગુનામાં સામેલ હોય તેવા કેસ વધતા જાય છે. તેમની સામે કેસ ન નોંધાય, કોઈ ઍક્શન ન લેવાય, તેનાથી ખોટો મેસેજ જાય છે.
અતુલ પ્રજાપતિ ફળોના વેપારની સાથે શેરબજારનું કામ પણ કરતા હતા. તેમણે આરોપ મૂક્યો હતો કે રવીન્દ્ર પટેલના કહેવાથી પાટણ પોલીસના પોલીસ કર્મચારીઓ તેમને કારમાં ઉઠાવી ગયા હતા અને ધમકી આપી હતી. સરકારે કોર્ટને જણાવ્યું હતું કે આ કેસની તપાસ ડીસીપીને સોંપાઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન