You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નાગપુર હિંસા: ફિલ્મ 'છાવા'એ લોકોની લોકોની લાગણીઓ ઉશ્કેરી? સ્થાનિકો શું કહી રહ્યા છે?
સોમવારે રાત્રે નાગપુરમાં જે બન્યું તે અનેક લોકોની સમજથી પર છે. આ શહેરમાં ધાર્મિક રમખાણોનો ઇતિહાસ બહુ ઓછો છે. અચાનક બે સમૂહો વચ્ચે પથ્થરબાજી થઈ હતી અને શહેરના મહલ વિસ્તારમાં આગજની અને હિંસાની ઘટનાઓ નોંધાઈ હતી.
પોલીસે બળપ્રયોગ કરીને સ્થિતિ નિયંત્રણમાં લાવવામાં સફળતા મેળવી છે.
ગત રાત્રે(17 માર્ચે) બનેલી આ ઘટના પછી પણ આ વિસ્તારના સ્થાનિક દુકાનદારોની દુકાનો બંધ છે અને ભીડ દ્વારા સળગાવી દેવામાં આવેલા વાહનો પડ્યા છે. જે ક્ષેત્રમાં આ ઘટના બની છે, ત્યાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે.
નાગપુરમાં ગાંધી ગેટથી લઈને અગ્રસેન ચોક, સક્કરદરા અને ગણેશપેઠ સુધીનો મધ્ય નાગપુરનો ભાગ એ બજાર ક્ષેત્ર છે. એટલા માટે અહીં કામ કરનારા તમામ વેપારીઓ અને મજૂરો પ્રભાવિત થયા છે.
સમગ્ર રાજ્યમાં તણાવનો માહોલ છે. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગરિકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. સાથે જ ફિલ્મ 'છાવા'ને કારણે લોકોની લાગણીઓ ઉશ્કેરાઈ હોવાનું જણાવ્યું હતું.
ફડણવીસ નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય છે.
પરંતુ નાગપુરમાં આવું કેમ થયું? આવી ઘટના કેમ બની? એ લોકો કોણ હતા જેમણે પથ્થરો ફેંક્યા અને આગ લગાવી? આ ઘટનાનું વાસ્તવિક કારણ શું હતું? પોલીસે આ મામલે શું મોડું કર્યુ છે અને અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવી?
'મેં મારા જીવનમાં આવું જોયું નથી'
હાલમાં નાગપુરના ભાલદારપુરા વિસ્તારમાં તંગદિલી પ્રવર્તે છે. અમે બંધ દુકાનો સામે બેઠેલા અબ્દુલ ખાલિક અને તેમના પાડોશી સન્ની દાવધરિયા સાથે વાત કરી હતી. બજાર બંધ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અબ્દુલ ખાલિક કહે છે, "મેં આખી જિંદગીમાં આવું ક્યારેય જોયું નથી. અમારા શહેરમાં આવું ક્યારેય બન્યું નથી. દેશમાં ગમે તે થાય, પણ અહીં કંઈ થયું નથી. ગઈ રાતના હોબાળાથી અમારી દુકાનો બંધ છે."
"અમે આખો દિવસ રોજા રાખીને નમાજ અદા કરવા ગયા હતા. અમે પાછા આવ્યા ત્યાં સુધીમાં બધે અરાજકતા હતી, જે પણ થયું તે ખૂબ જ ખોટું છે."
બાજુમાં બેઠેલા સની દાવધરિયાએ કહ્યું, "અમે આટલી ઉંમરે પહોંચી ગયા છીએ, પણ આવું પહેલાં ક્યારેય બન્યું ન હતું. જેમણે આ કામ કરવું હતું તેમણે કર્યું અને હવે અમે તેનો ભોગ બની રહ્યા છીએ."
"અમે ગઈકાલે આખી રાત ઊંઘી શક્યાં નથી. અમારાં પરિવારનાં મહિલાઓ અને બાળકો ડરી ગયાં છે. અમે દરરોજ પોતાનું પેટ ભરવા માટે કામ કરીએ છીએ. હવે અમને ખબર નથી કે આગળ શું થશે?"
સન્ની દેવધરિયાએ પણ કહ્યું કે તેમણે આવું પહેલીવાર જોયું છે.
તેમણે કહ્યું, "અમે હિંદુ અને મુસ્લિમ હંમેશા શાંતિથી સાથે રહીએ છીએ. અહીં કોઈ વિવાદ નથી. સોમવારે જે કંઈ પણ થયું તેમાં સ્થાનિક લોકો સામેલ નહોતા. આ માટે બહારના લોકો જવાબદાર છે. બહારથી આવેલા હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે."
17 માર્ચે નાગપુરમાં શું થયું?
હાલમાં, નાગપુર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. જ્યાંથી પથ્થરો ફેંકાયા હતા તે રસ્તાઓ શીટ મેટલના શેડથી બંધ કરી દેવામાં આવ્યા છે.
અહીં કેટલીક દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે, જ્યારે બે વાહનોને પણ સળગાવી દેવામાં આવ્યા છે. ટાયર સળગવાને કારણે તેનું તેલ રસ્તા પર ફેલાઈ ગયું હતું.
સ્થાનિક લોકોએ આપેલી માહિતી મુજબ કેટલાક લોકોના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એક ઘરના સીસીટીવી પણ તૂટી ગયા હતા.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં સત્ર દરમિયાન શું થયું તેની સંપૂર્ણ માહિતી આપી છે.
આ વિશે બોલતા તેમણે કહ્યું, "17 માર્ચ, 2025ના રોજ સવારે 11:30 વાગ્યે, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ નાગપુર શહેરના મહલ વિસ્તારમાં વિરોધપ્રદર્શન કર્યાં અને 'ઔરંગઝેબની કબર હઠાવો' જેવા નારા લગાવ્યા."
"આ વિરોધપ્રદર્શન કરતી વખતે, તેમણે ઘાસની સાદડીઓ વડે બનાવેલી પ્રતીકાત્મક કબરોને બાળી હતી. આના પગલે ગણેશ પેઠ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 299, 37(1), 37(3) તેમજ મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ બપોરે 3:09 વાગ્યે પ્રદર્શનકારીઓ સામે કેસ નોંધ્યો હતો."
ફડણવીસે કહ્યું, "ત્યારબાદ સાંજે એવી અફવા ફેલાઈ હતી કે સવારે વિરોધમાં જે કબરને સળગાવવામાં આવી હતી તેના પર ધાર્મિક લખાણ લખેલી ચાદર હતી. આ અફવા ફેલાતા સાંજની નમાજ પછી, ત્યાં બસો-ત્રણસો લોકોનું ટોળું એકત્ર થઈ ગયું અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા."
"આ લોકોએ હિંસક વાતો શરૂ કરી અને કહ્યું, 'ચાલો આમાં આગ લગાવી દઈએ.' જેના કારણે જ પોલીસ બળપ્રયોગ કર્યો."
મુખ્ય મંત્રી ફડણવીસે કહ્યું, "એ લોકોને પહેલાં ગણેશેપેઠ પોલીસસ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા, કારણ કે તેઓ બજરંગદળના કાર્યકર્તાઓની સામે ફરિયાદ દાખલ કરવાની માગ કરી રહ્યા હતા. જ્યારે તેમની ફરિયાદ અંગે ચર્ચા થઈ રહી હતી, ત્યારે હંસપુરી વિસ્તારમાંથી બસો-ત્રણસો લોકોએ હાથમાં ડંડા લઈને પથરાવ કર્યો હતો."
"તેમનો ચહેરો ઢાંકેલો હતો. આ ઘટનામાં 12 ટુ-વ્હીલર વાહનો ક્ષતિગ્રસ્ત થયા છે અને કેટલાક લોકો પર જીવલેણ હુમલો કરાયો છે."
મુખ્ય મંત્રી ફડણવીસે કહ્યું, "ત્રીજી ઘટના સાંજે સાડા સાત વાગ્યે ભાલદારપુરા વિસ્તારમાં બની હતી. ત્યાં 80થી 100 લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને પોલીસ પર હુમલો કર્યો. તેના પરિણામસ્વરૂપ પોલીસને ટિયરગૅસના શેલ છોડવા પડ્યા હતા. આ ઘટનામાં એક ક્રેન, બે જેસીબી અને ફૉરવ્હીલર વાહન સળગાવી દેવામાં આવ્યા હતા."
મુખ્યમંત્રીએ કહ્યું છે કે ધાર્મિક લખાણોવાળી ચાદર સળગાવી દેવાની વાત અફવા છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે આવું બન્યું હતું.
બીબીસી મરાઠી સાથે વાત કરતા ઍડ્વોકેટ રાકેશ દાવધારિયાએ કહ્યું હતું, "ગાંધીગેટ શિવાજીની પ્રતિમા પાસે જે કંઈ બન્યું તેની હું નિંદા કરું છું. મારે મારા ધર્મનું પાલન કરવા માટે બીજાના ધર્મનું અપમાન કરવાની જરૂર નથી."
"હું એક હિન્દુ હોઉં અને જ્યારે કોઈ મારી ગીતા સળગાવે કે રામાયણ સળગાવે તો મને ખોટું લાગશે. એવી જ રીતે ત્યાં એક ચાદર સળગાવવામાં આવી. ચાદરનું અપમાન કરવામાં આવ્યું અને આ વાત હિંદુ કે મુસલમાન કોઈને શોભા આપે તેવી નથી."
દાવધારિયાએ કહ્યું, "જો પ્રશાસને તેના પર તરત જ કાર્યવાહી કરી હોત, તો આ ઘટનાને ટાળી શકાય તેમ હતી. સવારે આવી ઘટના બની તે પછી પોલીસે નાકાબંધી કરી દેવાની જરૂર હતી. જો મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં પોલીસની તહેનાતી હોત, તો આ ઘટના ન બની હોત."
"મુસ્લિમ સમુદાય દ્વારા પોલીસ સામે નારેબાજી અને હુમલો કરવામાં આવ્યો એ પણ ખોટું હતું. પોલીસ પણ માણસ છે અને પોતાની ફરજ બજાવી રહ્યા હતા."
પોલીસે અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરી?
મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પોલીસ કાર્યવાહી અંગે ગૃહને માહિતી આપી હતી.
મુખ્ય મંત્રીએ કહ્યું, "આ સમગ્ર ઘટનામાં 33 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. તેમાંથી ત્રણ પોલીસકર્મીઓ ઉચ્ચ રૅન્કના છે, જેમાંથી એક પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. કુલ પાંચ નાગરિકો ઘાયલ થયા છે, જેમાંથી ત્રણને સારવાર બાદ રજા આપવામાં આવી છે અને બેની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમાંથી એક આઈસીયુમાં છે."
પોલીસ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી અંગે નાગપુરના પોલીસ કમિશનર રવિન્દ્ર સિંઘલે જણાવ્યું હતું કે, "અત્યાર સુધીમાં અમે પાંચ એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધી છે. આ સિવાય પચાસથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે."
પોલીસ દ્વારા લેવામાં આવેલા પગલાઓ વિશે બોલતા, મુખ્ય મંત્રીએ કહ્યું, "રાજ્યના પોલીસ મહાનિર્દેશકે તમામ પોલીસ કમિશનરોની બેઠક બોલાવી છે અને તેમને સમગ્ર રાજ્યમાં શાંતિ જાળવવા નિર્દેશ આપ્યા છે."
"સવારની ઘટના બાદ નાગપુરમાં સંપૂર્ણ શાંતિ હતી, પરંતુ મોડી સાંજે કેટલાક લોકોએ જાણીજોઈને હુમલો કર્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. પથ્થરોથી ભરેલી ટ્રૉલી મળી આવી છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ હુમલો જાણી જોઈને કરવામાં આવ્યો હતો."
મુખ્ય મંત્રી ફડણવીસે કહ્યું, "કેટલાક લોકો પથ્થરમારો કરતા જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. વાહનોને આગ લગાડવામાં આવી છે અને કેટલાક ઘરો અને સંસ્થાઓને નિશાન બનાવવામાં આવ્યાં છે. તેથી, આવા આયોજનબદ્ધ હુમલાઓ કરનારાઓ સામે ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે."
'ફિલ્મ છાવાએ લોકોની લાગણીઓ ઉશ્કેરી'
મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કહ્યું, "ફિલ્મ 'છાવા'એ છત્રપતિ સંભાજી મહારાજનો સાચો ઇતિહાસ આપણી સમક્ષ રજૂ કર્યો છે. તેનાથી રાજ્યના લોકોની લાગણીઓ ઉશ્કેરાઈ છે. ઔરંગઝેબ પ્રત્યેનો ગુસ્સો બહાર આવી રહ્યો છે."
"મહારાષ્ટ્ર એક પ્રગતિશીલ રાજ્ય છે. મોટી રકમનું રોકાણ આવી રહ્યું છે તેથી રાજ્યના લોકોને કાયદો અને વ્યવ્સ્થા જાળવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. જો કોઈની સામે કડક કાર્યવાહી કરવાની હોય તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે."
વિધાનસભાની બહાર બોલતા રાજ્યના નાયબ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ મીડિયાને કહ્યું, 'ઔરંગઝેબ મહારાષ્ટ્ર પર એક ડાઘ છે. એટલા માટે કેટલાક લોકો આ કલંકને દૂર કરવા માટે વિરોધ કરી રહ્યા છે. આ ખોટું નથી. મહારાષ્ટ્ર અન્યાય, અત્યાચાર અને ઔરંગઝેબના મહિમાને સહન કરશે નહીં. મહારાષ્ટ્ર આવા લોકોને માફ નહીં કરે."
મહારાષ્ટ્રભરમાં રાજકીય નેતાઓના નિવેદનો, પોલીસ કાર્યવાહી અને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ હજુ પણ ચાલુ છે, પરંતુ નાગપુરમાં રહેતા લોકોને એક પ્રશ્ન છે કે આ બધું શા માટે થયું અથવા કરવામાં આવ્યું?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન