You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શશી થરૂરે મોદીનાં વખાણ કેમ કર્યા? કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાનું વિચારે છે?
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
ભૂતપૂર્વ ડિપ્લોમેટ, કેરળના સંસદસભ્ય અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે ફરી એક વખત એવું નિવેદન આપ્યું છે જેને પાર્ટીલાઇનની વિરુદ્ધ ગણવામાં આવે છે.
દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન શશી થરૂરે રશિયા-યુક્રેન યુદ્ધ અને ભારતની કૂટનીતિ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું, "મારે સ્વીકારવું પડશે કે 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ભારતના વલણની ટીકા કરવા બદલ મારે ક્ષોભ અનુભવવો પડ્યો. મોદીએ બે અઠવાડિયાના ગાળામાં યુક્રેનના રાષ્ટ્રપતિ અને રશિયાના રાષ્ટ્રપતિ બંનેને ગળે લગાવ્યા અને બંને જગ્યાએ તેમને સ્વીકારવામાં આવ્યા."
થરૂરની આ ટિપ્પણી પછી ભાજપે કહ્યું કે થરૂરને 'મોડે મોડે પણ જ્ઞાન થયું છે', જ્યારે કૉંગ્રેસ આ મામલે મૌન છે.
કૉંગ્રેસના કોઈ પ્રવક્તા અથવા નેતાએ આ વિશે જાહેર ટિપ્પણી નથી કરી.
કેરળના સંસદસભ્ય અને રાજ્યમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ કોડીકુન્નીલ સુરેશે બીબીસીને કહ્યું, "પાર્ટી થરૂરની આ ટિપ્પણીને મહત્ત્વ નથી આપતી અને તેના પર ટિપ્પણી પણ નથી કરતી."
શશી થરૂરના નિવેદન પર ભાજપે શું કહ્યું?
બીબીસીએ આ વિષય પર કૉંગ્રેસના અન્ય નેતાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પ્રતિસાદ મળી શક્યો નહીં.
જ્યારે ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય રવિશંકર પ્રસાદે મીડિયા સાથે વાત કરતી વખતે કહ્યું, "મોડે મોડે પણ સમજાયું છે... શશી થરૂરે જે રીતે સ્વીકાર્યું છે, કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ આવું કરવું જોઈએ."
કેરળ ભાજપના અધ્યક્ષ સુરેન્દ્રને શશી થરૂરના આ નિવેદનને સ્વીકાર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું કે, "થરૂરે સત્યનો સ્વીકાર કર્યો છે. કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી માટે આ તમાચા સમાન છે. રાહુલ હંમેશાં ભારતીય વિદેશનીતિની ટીકા કરે છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવે છે."
કે સુરેન્દ્રને બીબીસીને કહ્યું કે, "શશી થરૂર દ્વારા બોલવામાં આવેલા સત્ય પર કૉંગ્રેસ મૌન છે કારણ કે આનાથી રાહુલ ગાંધીની પોલ ખુલી ગઈ છે, જેઓ હંમેશાં કહે છે કે વૈશ્વિક સ્તરે ભારતનું કદ ઘટી રહ્યું છે."
રશિયા-યુક્રેન યુદ્ધ અને ભારતની તટસ્થ નીતિ
ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી ચાલતા યુદ્ધ પર ભારતે તટસ્થ વલણ અપનાવ્યું છે. દુનિયાભરના દેશોએ રશિયાના આક્રમણની નિંદા કરી હતી જ્યારે ભારતે રશિયાની ટીકા નથી કરી.
શશિ થરૂરે હવે સ્વીકાર્યું કે તેમણે અગાઉ ભારતના વલણની ટીકા કરી હતી, પરંતુ હવે તેમને લાગે છે કે તે યોગ્ય વિદેશનીતિ હતી અને તે પ્રભાવશાળી રહી. થરૂરે ભારતની સંતુલિત વિદેશનીતિનાં વખાણ કર્યાં છે.
થરૂરે પોતાની ટિપ્પણીમાં જણાવ્યું કે વડા પ્રધાન મોદી યુક્રેન ગયા ત્યારે ત્યાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને ગળે લગાવ્યા હતા. તેનાથી અગાઉ તેઓ મૉસ્કોમાં પુતિનને ગળે લાગ્યા હતા. બંને જગ્યાએ મોદીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે ભારતે જે રીતે સંઘર્ષથી અંતર જાળવ્યું તે એક સારો મધ્યસ્થી બની શકે અને જરૂર પડે તો યુક્રેનમાં શાંતિ સેના પણ મોકલી શકે છે.
શશી થરૂર એક ભૂતપૂર્વ ડિપ્લોમૅટ અને પૂર્વ વિદેશ રાજ્યમંત્રી પણ છે. તેમની ટિપ્પણીને મોદીની વિદેશ નીતિ માટે ટેકા સમાન ગણવામાં આવે છે.
ભારતની વિદેશ નીતિ અને કૉંગ્રેસનું વલણ
આમ તો વિદેશ નીતિ પર વિરોધપક્ષ કૉંગ્રેસ મોટા ભાગે મૌન રહે છે અથવા સરકારની નીતિને સમર્થન આપે છે, પરંતુ ગાઝામાં ચાલતા સંઘર્ષના મામલે કૉંગ્રેસના નેતાઓએ ખુલ્લેઆમ ભારતની નીતિ વિરુદ્ધ વલણ અપનાવ્યું છે.
કૉંગ્રેસનાં સંસદસભ્ય પ્રિયંકા ગાંધી ઘણી વખત પેલેસ્ટાઇનના સમર્થનમાં બોલી ચૂક્યાં છે અને ઇઝરાયલની આક્રમકતા પર તેમણે સવાલ ઉઠાવ્યા છે. આ વલણ ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ મામલે ભારતની વર્તમાન નીતિ વિરુદ્ધ છે.
ભારતે માર્ચ 2022માં સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા-યુક્રેન યુદ્ધ પર મતદાન કરવાથી દૂર રહી હતી. ત્યારબાદના ભાષણમાં રાહુલ ગાંધીએ દલીલ કરી હતી કે આ મુદ્દે ભારતનું મૌન વૈશ્વિક બાબતોમાં તેની નૈતિક સ્થિતિને નબળી પાડે છે.
ભારત-ચીન સરહદ પર ચીનની આક્રમકતાના મામલે કૉંગ્રેસ પાર્ટી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ પર પણ સવાલો ઉઠાવી રહી છે.
ડિસેમ્બર 2024માં કૉંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે ભારત પ્રતિક્રિયાશીલ વિદેશ નીતિને અનુસરી રહ્યું છે અને ભારતની વિદેશ નીતિ દક્ષિણ એશિયામાં પોતાનો પ્રભાવ ગુમાવી રહી છે.
આવી સ્થિતિમાં શશી થરૂરે મોદી સરકારની વિદેશ નીતિનું ખુલ્લેઆમ સમર્થન કરતા કૉંગ્રેસ માટે મુંઝવણભરી સ્થિતિ સર્જાઈ છે.
થરૂરે મોદી સરકારની વિદેશ નીતિનાં વખાણ કર્યા હોય તેવું આ પહેલી વખત નથી.
જોકે, વિશ્લેષકો આને ભારતની વિદેશનીતિનાં વખાણના બદલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ તરીકે વધારે જોઈ રહ્યા છે.
વરિષ્ઠ પત્રકાર વિનોદ શર્મા કહે છે, "કોઈપણ રાષ્ટ્ર પોતાના હિતને સર્વોપરી રાખીને તેની વિદેશ નીતિ બનાવે છે. ભારતે રશિયા-યુક્રેન યુદ્ધના મામલામાં પણ આવું જ કર્યું છે અને પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને તટસ્થ નીતિ બનાવી છે. આ નીતિથી ભારતને બેશક ફાયદો થયો છે. પરંતુ થરૂરે ભારતની વિદેશનીતિનાં વખાણ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ ખાસ લીધું હતું. આના પરથી લાગે છે કે તેઓ ભાજપને ઈશારો કરી રહ્યા છે."
વિનોદ શર્મા કહે છે, "શશી થરૂરના નિવેદનના આધારે એટલું જ કહી શકાય કે તેઓ બદલાયા છે. થરૂર એક રાજનેતા છે અને તેઓ જે પણ કહી રહ્યા છે, તે વિચારીને કહી રહ્યા છે. તેઓ જે કહે છે તે કૉંગ્રેસમાં પોતાનું કદ વધારવા અથવા ભાજપની નજીક જવાની નીતિનો એક ભાગ હોઈ શકે છે."
થરૂરના આ નિવેદનના કારણે ભાજપને કૉંગ્રેસ સામે સવાલ ઉઠાવવાની તક મળશે. બીજી તરફ કૉંગ્રેસે રાજકારણને લઈને સવાલોનો સામનો કરવો પડશે.
કેરળમાં યુડીએફના સંયોજક એમએમ હસને કેરળ કૉંગ્રેસના નેતૃત્વને આ નિવેદનથી દૂર રાખ્યું અને મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું કે તે રાષ્ટ્રીય નેતૃત્વના દાયરામાં આવે છે.
આવતા વર્ષે કેરળમાં ચૂંટણી છે
વર્ષ 2026માં કેરળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિશ્લેષકો માને છે કે શશી થરૂર કેરળમાં કૉંગ્રેસનો ચહેરો બનવા માંગે છે.
વરિષ્ઠ પત્રકાર વિનોદ શર્મા કહે છે, "થરૂરના નિવેદન પાછળ રાજકીય હેતુ હોવાનું જણાય છે. તેઓ માત્ર વિદેશનીતિનાં વખાણ નથી કરી રહ્યા પરંતુ ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કરી રહ્યા છે. તેનું અલગ રીતે અર્થઘટન કરી શકાય છે. કેરળમાં ચૂંટણીઓ આવી રહી છે. થરૂરની એવી મહત્ત્વાકાંક્ષા રહી છે કે કૉંગ્રેસ તેમને મુખ્ય મંત્રી પદના ચહેરા તરીકે જાહેર કરે, જેની ચૂંટણી આવે તે અગાઉ શક્યતા નથી."
વિનોદ શર્મા કહે છે, "થરૂરે એમ પણ કહ્યું હતું કે આંતરિક સર્વેમાં સામે આવ્યું છે કે હું મુખ્ય મંત્રીપદનો પ્રબળ દાવેદાર બની શકું છું. એક રીતે, થરૂર પોતાનાં વખાણ કરી રહ્યા છે."
શશી થરૂરની ડિપ્લોમૅટ તરીકેની કારકિર્દી લાંબી છે અને 2009થી તેઓ સતત સંસદસભ્ય છે. 2014માં ભાજપની લહેર હતી ત્યારે પણ થરૂર એવા કૉંગ્રેસી નેતાઓમાં હતા જેમણે પોતાની બેઠક બચાવી હતી. તેઓ છેલ્લી ચાર વખતથી સતત પોતાની સીટ પર જીતી રહ્યા છે.
વિશ્લેષકો માને છે કે થરૂર તેમની મહત્ત્વાકાંક્ષા વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ તેમણે કાળજીપૂર્વક આગળ વધવું પડશે.
વિનોદ શર્મા કહે છે, "થરૂર એક લોકપ્રિય નેતા છે એ વાતમાં કોઈ શંકા નથી. તેઓ એક પ્રભાવશાળી નેતા છે અને કૉંગ્રેસ ચૂંટણી જીતે અને તેમને મુખ્ય મંત્રી બનાવે તો તે એક સારો વિકલ્પ છે. પરંતુ કેરળમાં કૉંગ્રેસ પાસે સ્થાનિક નેતૃત્વ પણ છે, જેઓ લાંબા સમયથી કામ કરી રહ્યા છે. મને લાગે છે કે જે પ્રકારનું આંતરિક રાજકારણ તેઓ કરે છે તે કૉંગ્રેસ કે થરૂર કોઈના માટે યોગ્ય નથી."
ભાજપમાં થરૂર માટે જગ્યા છે?
વિશ્લેષકોના મતે થરૂરના નિવેદન પરથી બે સંકેત મળે છે. કાં તો તેમણે પક્ષ છોડવાનું નક્કી કરી લીધું છે, અથવા તેઓ કૉંગ્રેસના નેતૃત્વ પર પોતાનું કદ વધારવા દબાણ કરી રહ્યા છે.
પરંતુ સવાલ એ છે કે ભાજપમાં તેમના માટે કેવી જગ્યા હશે. વિનોદ શર્માના મતે થરૂર ભાજપમાં જોડાય તો ભાજપને ફાયદો થશે.
તેઓ કહે છે, "થરૂર ભાજપમાં જોડાશે તો ભાજપને કેરળમાં એક મોટો ચહેરો મળી જશે. ભાજપને કેરળમાં એક જાણીતા ચહેરાની શોધ છે. ભાજપે રાજીવ ચંદ્રશેખરને કેરળમાં ઉતાર્યા. બીજા ઘણા ચહેરા લાવવામાં આવ્યા, પરંતુ કેરળમાં ભાજપને એક પણ કરિશ્માઈ ચહેરો નથી મળ્યો. થરૂર જો ભાજપની સાથે રહે તો રાજ્યમાં તેને મોટો ચહેરો મળી શકે છે."
પરંતુ ભાજપ થરૂરનું સ્વાગત કરવા માટે તૈયાર છે? બીબીસીના આ સવાલ પર કેરળ ભાજપના અધ્યક્ષ સુરેન્દ્રન કહે છે, "હજુ આ અપરિપક્વ વિચાર છે."
જોકે, સુરેન્દ્રન એટલું જરૂર કહે છે કે, "થરૂરને શું જોઈએ છે તે તેમના પર નિર્ભર છે. અમે અત્યારથી શું કહીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન