ગોપાલ ઇટાલિયાને કારણે વીસાવદરની પેટાચૂંટણી જીતવી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ, કડીમાં શું છે સ્થિતિ?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દીધી છે પરંતુ રાજકારણનો પારો ઊંચે ચડ્યો છે. કારણ છે વીસાવદર અને કડીમાં યોજાયેલી પેટાચૂંટણી. આ બંને બેઠકો પર સત્તારૂઢ ભાજપ, મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ થયો.

વીસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપેલા રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી. જ્યારે કે કડીના ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી.

જાણકારો કહે છે કે આ બંને બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. વીસાવદર બેઠક ભાજપે છેલ્લે વર્ષ 2007માં મેળવી હતી અને વર્ષ 2012 પછી અહીં વિપક્ષના ઉમેદવારો જ ચૂંટાતા આવ્યા છે. છેલ્લે ભાજપના કનુભાઈ ભલાળા 2007માં અહીંથી ચૂંટાયા હતા.

1995થી 2007 સુધીમાં ભાજપને અહીં સળંગ વિજય મળ્યો તેમાં 1995 અને 1998માં ભાજપના દિવંગત નેતા કેશુભાઈ પટેલ ચૂંટાયા હતા. પરંતુ કેશુભાઈ પટેલને મુખ્ય મંત્રીપદેથી હઠાવ્યા બાદ અહીંથી કનુભાઈ ભલાળાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તેમણે 2002 અને 2007માં વિજય મેળવ્યો હતો.

જ્યારે કે કડી એ ભાજપનો ગઢ છે. ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલનો આ ગઢ મનાય છે. જોકે, જાણકારોના મત મુજબ નીતિન પટેલને અહીંથી ટિકિટ નથી મળી છતાં આ પેટાચૂંટણીમાં તેમની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગેલી છે.

કડીનું રાજકીય ગણિત આમ તો ભાજપ અને કૉંગ્રેસ એમ બંને માટે લગભગ સરખું રહ્યું છે, જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોથી ભાજપનો હાથ ઉપર રહ્યો છે.

ગુજરાત રાજ્ય બન્યા બાદ અહીં 6 વખત કૉંગ્રેસ, જનસંઘ તથા સ્વતંત્ર પાર્ટી એક-એક અને ભાજપે છ વખત મેદાન માર્યું છે.

કડીમાં છેલ્લી પાંચ ચૂંટણીમાં ત્રણ વખત ભાજપ જ્યારે કે બે વખત કૉંગ્રેસ જીત્યું છે.

ગુજરાતની આ બંને બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું જેની મતગણતરી 23મી જૂનના રોજ યોજાશે.

આ બધા ઘટનાક્રમ વચ્ચે ત્રણેય પાર્ટીઓ દાવો કરે છે કે બંને બેઠકો પર તેમની જ જીત થશે. આમ છતાં બીબીસી ગુજરાતીએ એ સમજવાનો પ્રયત્ન કર્યો કે આ બંને બેઠકો ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન કેમ બની ગઈ છે?

વીસાવદર ભાજપ માટે કેમ છે પડકાર?

વીસાવદરની પેટાચૂંટણીના પરિણામ પર તમામની ખાસ નજર છે કારણકે આપે અહીંથી તેના આક્રમક છબિ ધરાવતા નેતા અને તેના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે જૂનાગઢ સહકારી બૅન્કના પ્રમુખ અને જૂનાગઢ જિલ્લાના પૂર્વ પ્રમુખ કિરીટ પટેલને ઉમેદવાર બનાવ્યા હતા. કૉંગ્રેસે નીતિન રાણપરિયાને ઉમેદવાર બનાવ્યા હતા.

કૉંગ્રેસનું ધારાસભ્યપદ છોડીને ભાજપમાં આવેલા હર્ષ રિબડિયા અને આપનું ધારાસભ્યપદ છોડીને ભાજપમાં આવેલા ભૂપત ભાયાણીને ભાજપે ટિકિટ આપી નહોતી.

વીસાવદરમાં 2017માં હર્ષદ રિબડિયા કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. ત્યાર પછી ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી અગાઉ ઑક્ટોબર મહિનામાં તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા.

ડિસેમ્બર 2022માં ચૂંટણી થઈ ત્યારે ભાજપના ઉમેદવાર તરીકે હર્ષદ રિબડિયા હારી ગયા અને આમ આદમી પાર્ટીની ટિકિટ પર ભૂપત ભાયાણીની જીત થઈ. ભૂપત ભાયાણી પણ મૂળ ભાજપમાંથી જ આવેલા હતા.

હર્ષદ રિબડિયાએ ભૂપત ભાયાણી પર ફૉર્મમાં ખોટી વિગત આપવાનો આરોપ મૂકીને તેમની જીતને હાઇકોર્ટમાં પડકારી હતી.

આ દરમિયાન ભૂપત ભાયાણી આપને છોડીને ફરી ભાજપમાં જોડાઈ ગયા, પરંતુ કોર્ટ કેસ ચાલતો હોવાથી વીસાવદરમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજી શકાઈ ન હતી.

માર્ચ 2025માં હર્ષદ રિબડિયાએ હાઇકોર્ટમાંથી પિટિશન પરત લેતા ચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો.

જાણકારો કહે છે કે ભાજપ માટે વીસાવદર મોટો પડકાર છે. તેમના મત પ્રમાણે ખુદ ભાજપે જ વીસાવદર બેઠકને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધી છે.

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "2022ની વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ભાજપનો જયજયકાર થયો હતો. તેણે 156 બેઠકો જીતી હતી પરંતુ વીસાવદર પરથી તેમના ઉમેદવાર હારી ગયા હતા. તેનો તેને રંજ હતો."

"આ બેઠક પર ભાજપ વિરોધી લાગણી જોવા મળી હતી. તેથી ભાજપે આ વખતે તેને રણભૂમિ બનાવી દીધી છે. તેને જીતવા એડી-ચોડીનું જોર લગાવ્યું છે. આ પેટાચૂંટણી જીતીને ભાજપ પોતાની તાકાત બતાવવા માગે છે જેથી વિપક્ષ પર મનોવૈજ્ઞાનિક અસર પડે."

રાજકોટથી નીકળતા વર્તમાનપત્ર ગુજરાત હેડલાઇનના ગ્રૂપ ઍડિટર જગદીશ મહેતા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, "વીસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીતે તો ભાજપ માટે વિધાનસભામાં મુશ્કેલી પેદા કરી શકે છે. તેથી જ ભાજપે અહીં કોળી સમાજને રિઝવવા માટે હીરા સોલંકી અને કુંવરજી બાવળિયા, આહીરો મતોને અંકે કરવા માટે રાજેશ ચુડાસમા અને પાટીદારોને મનાવવા માટે જયેશ રાદડિયાને જવાબદારી સોંપી છે. મુખ્ય મંત્રી સહિત અડધી સરકાર મેદાનમાં છે."

તેઓ એમ પણ કહે છે કે જો ગોપાલ ઇટાલિયા જીતી જશે તો ભૂપેન્દ્ર પટેલ સરકાર પર અને ભાજપના સંગઠન પર પણ તેને કારણે પરિવર્તનની અસર જોવા મળી શકે છે.

આમ આદમી પાર્ટી પણ આરોપ લગાવે છે કે તેમના ઉમેદવારને હરાવવા માટે ભાજપની સરકાર વીસાવદરમાં સામ-દામ-દંડ-ભેદનો ઉપયોગ કરી રહી છે.

જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "ભાજપ અને કૉંગ્રેસ બંને પાર્ટી નથી ઇચ્છતી કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં જીતીને આવે. કારણકે જો ગોપાલ ઇટાલિયા જીતીને આવશે તો 2027ની ચૂંટણીમાં ભાજપને ભારે પડશે અને કૉંગ્રેસ માટે પણ મુશ્કેલી ઊભી કરશે."

કૉંગ્રેસ આપના આરોપોનો જવાબ આપતા કહે છે કે આપ અને ભાજપ એક જ છે.

કૉંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "કૉંગ્રેસ આપ અને તેના બાપ ભાજપને હરાવવા કટિબદ્ધ છે. વીસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ નથી પરંતુ મુખ્ય ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જ છે."

ભાજપ જવાબ આપતા કહે છે કે વીસાવદરમાં તેની જીત પાકી છે.

ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમાર બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "ગોપાલ ઇટાલિયા પણ તેના ગુરુ અરવિંદ કેજરીવાલની જેમ સ્ટંટબાજ છે. આમ આદમી પાર્ટીનું સર્જન કૉંગ્રેસના ભ્રષ્ટાચારની સામે જ થયું હતું. જનતાની આંખમાં ધૂળ નાખીને દિલ્હીમાં સત્તા પ્રાપ્ત કરીને શીશ-મહેલમાં આળોટવા લાગ્યા. જનતાએ તેમને પાઠ ભણાવ્યો છે. ગુજરાતની જનતા પણ અહીં તેમને ઓળખી ગઈ છે."

'ગોપાલ ઇટાલિયા વિપક્ષ માટે આશાનું કિરણ'

જગદીશ મહેતા કહે છે, "ગોપાલ ઇટાલિયા સક્ષમ છે અને તે વિધાનસભામાં ભાજપને ઘેરવામાં સક્ષમ સાબિત થઈ શકે તેમ છે તેથી વિપક્ષ માટે તેઓ આશાનું કિરણ છે."

જગદીશ આચાર્ય કહે છે કે "આ પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા હારી જાય કે ભાજપ હારી જાય તો વિધાનસભામાં કોઈ ઝાઝો ફરક પડવાનો નથી. પરંતુ જો ગોપાલ ઇટાલિયા વીસાવદરમાં જીતી જાય તો ભાજપને મોટો ઝટકો જરૂર પડશે અને જો ગોપાલ હારી જાય તો વિપક્ષ માટે મોટો ઝટકો હશે."

વરિષ્ઠ પત્રકાર જયેન્દ્ર બ્રહ્મભટ્ટ બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "ગુજરાતમાં ક્યારેય ત્રીજા પક્ષનો મતદારે સ્વીકાર કર્યો નથી, આ તર્કને આગળ કરીએ તો આમ આદમી પાર્ટી માટે મુશ્કેલ છે."

જગદીશ મહેતા પોતાનો તર્ક રજૂ કરતા જણાવે છે, "જો ગોપાલ ઇટાલિયા અહીંથી જીતી જાય તો ભાજપના ઘણા અસંતુષ્ટ નેતાઓ સાથે મળીને 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હંફાવવાનો પ્રયાસ કરી શકે છે તેવો ભાજપને ભય સતાવે એવું લાગે છે. તેથી આવું ભાજપ નહીં થવા દે. પરિણામે ભાજપ તેમને હરાવવા માટે એડીચોટીનું જોર લગાવે છે."

આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડૉ. કરણ બારોટ જણાવે છે, "વીસાવદરમાં ભાજપના જે ઉમેદવાર છે તેના પર ખુદ ભાજપના જ નેતાઓએ સહકારી બૅન્કમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ લગાવ્યો છે."

તેઓ વધુમાં કહે છે, "ગોપાલ ઇટાલિયાની ઉમેદવારીથી ભાજપ ગભરાઈ ગયો છે. તેથી તેણે તેની આખી ફોજ મેદાનમાં ઉતારી છે."

જોકે, ભાજપના નેતાઓ કહે છે કે તેઓ ક્યારેય કોઈ ચૂંટણીને સહજતાથી લેતા નથી.

જયરાજસિંહ પરમાર કહે છે, "અમારે માટે આ પ્રતિષ્ઠાનો જંગ નથી પરંતુ લોકતંત્રનો ઉત્સવ છે. અમે હંમેશાં ઇલેક્શન મોડમાં હોઈએ છીએ. સરકાર અને સંગઠન તેનું કામ કર્યે જ જાય છે. કૉંગ્રેસના નેતાઓ માત્ર ચૂંટણી આવે છે ત્યારે જ જમીન પર જોવા મળે છે."

કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણી તેનો જવાબ આપતા કહે છે, "ભ્રષ્ટાચારી અને માફિયારાજ ચલાવતી આ ભાજપ સરકારને જનતા જરૂરથી જાકારો આપશે તેવી અમને આશા છે."

ગોપાલ ઇટાલિયા પર બહારના ઉમેદવાર હોવાનો આરોપ પણ લાગ્યો છે.

જ્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પ્રચાર કરતા હતા ત્યારે આ જ પ્રકારનો આરોપ લગાવતા હતા.

તેઓ કહેતા, "વીસાવદરની પેટાચૂંટણીમાં કુલ 16 ઉમેદવાર છે, પરંતુ તેમાંથી 12 તો એવા છે જેઓ વીસાવદર વિધાનસભામાં મતદાતા તરીકે નોંધાયેલા નથી."

આપના ઉમેદવાર ઇટાલિયા ભાવનગરના વતની છે પરંતુ સુરતમાં રહે છે. કૉંગ્રેસના ઉમેદવાર રાણપરિયા ભેંસાણના વતની છે. ખુદ કિરીટ પટેલ જૂનાગઢના તાલાળાના વતની છે.

જોકે, આપના પ્રવક્તા ડૉ. કરણ બારોટ આ મામલે જવાબ આપતા કહે છે, "અમે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલની માફક પ્રદેશ પ્રમુખને બિન-ગુજરાતી નિયુક્ત નથી કર્યા. તેઓ માહોલ બનાવવા માટે આ પ્રકારની વાતો કરે છે."

ગોપાલ ઇટાલિયાની જીતથી કૉંગ્રેસને શું છે નુકસાન?

જાણકારો કહે છે કે વીસાવદર એ કૉંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ છે.

જગદીશ મહેતા કહે છે, "વીસાવદર ભાજપ માટે સાખનો સવાલ છે, કૉંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ છે અને આમ આદમી પાર્ટી માટે પાયો નાખવાની તક છે."

જાણકારોના મત પ્રમાણે જો ગોપાલ ઇટાલિયા અહીંથી જીતી જાય તો કૉંગ્રેસના ગુજરાતમાં મુખ્ય વિપક્ષ પાર્ટી તરીકેના અસ્તિત્વ પર પણ ભવિષ્યમાં અસર કરી શકે છે.

જયેન્દ્ર બ્રહ્મભટ્ટ કહે છે, "વીસાવદર ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ કરતાં પણ સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસ અને આપને નામશેષ કરવાની લડાઈ છે."

"ભાજપ નહીં ઇચ્છે કે ગોપાલ ઇટાલિયા અહીંથી જીતીને ગુજરાતમાં આપ માટે એક મંચ ઊભું કરે."

જગદીશ મહેતા કહે છે, "કૉંગ્રેસ ન ઇચ્છે કે ગોપાલ ઇટાલિયા જીતે અને આપ સક્ષમ થાય કારણકે તેનાથી તેના અસ્તિત્વને જોખમ છે."

કડીનાં શું છે સમીકરણ?

ભાજપે કડીમાં રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી હતી જેઓ મહેસાણાના જોટાણાના રહેવાસી છે અને અર્થશાસ્ત્ર સાથે બીએની ડિગ્રી ધરાવે છે. 1985માં રાજેન્દ્ર ચાવડા ભાજપના ઉમેદવાર તરીકે જોટાણામાં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ કૉંગ્રેસના માનસિંહ જાદવ સામે પરાજય થયો હતો.

કૉંગ્રેસે કડીમાં રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા હતા.

રમેશ ચાવડા 2012ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હિતુ કનોડિયાને હરાવીને વિજયી બન્યા હતા.

69 વર્ષના રમેશ ચાવડા કડીના ભૂતપૂર્વ ધારાસભ્ય છે અને 2012થી 2017 વચ્ચે તેઓ એમએલએ હતા. તેમણે રાજકારણને પોતાના વ્યવસાય તરીકે ઓળખાવ્યો છે અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ થયા છે.

2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપના હિતુ કનોડિયાને 1217 મતના માર્જિનથી પરાજય આપ્યો હતો. પરંતુ 2017માં તેઓ ભાજપના કરશન સોલંકી સામે હારી ગયા હતા.

આમ આદમી પાર્ટીએ પાર્ટીએ કડીમાં જગદીશ ચાવડાને ટિકિટ આપી હતી. તેઓ આપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે. આ ઉપરાંત તેઓ રાષ્ટ્રીય દલિત મંચ સાથે પણ સંકળાયેલા છે.

કડીમાં જાણકારો કહે છે કે ભલે અહીં ત્રિપાંખિયો જંગ છે પંરતુ ભાજપ રેસમાં આગળ છે. ભલે આપ રેસમાં હોવાનો દાવો કરે છે પરંતુ જાણકારોના મતે કડીની પેટાચૂંટણીમાં મુખ્યત્વે લડાઈ ભાજપ અને કૉંગ્રેસ વચ્ચેની જ છે.

જગદીશ મહેતા કહે છે કે કડીમાં 'કડી' ટક્કર છે. પરંતુ તેઓ એમ પણ કહે છે, "ભાજપનું સંગઠન કૉંગ્રેસ કરતાં વધારે મજબૂત છે તેથી તેનો હાથ ઉપર છે. મતદાતાઓને બૂથ સુધી પહોંચાડવામાં તેનું મિકેનિઝમ કૉંગ્રેસ કરતાં ઘણું આગળ છે."

જયેન્દ્ર બ્રહ્મભટ્ટ જણાવે છે, "કડી એ ભાજપનો ગઢ મનાય છે અને અહીં તેનું સંગઠન મજબૂત છે. તેથી તેના માટે ચિંતાનું કોઈ કારણ નથી."

તેઓ જણાવે છે કે કૉંગ્રેસના નેતાઓ પણ ભાજપને ટક્કર આપી રહ્યા છે.

જયેન્દ્ર બ્રહ્મભટ્ટ આ વિશે વધુમાં વાત કરતા કહે છે, "બનાસકાંઠાનાં સાંસદ ગેનીબહેન ઠાકોર, બળદેવજી ઠાકોર, જિજ્ઞેશ મેવાણી પણ કૉંગ્રેસની જીત માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે."

જગદીશ મહેતા કહે છે, "નીતિન પટેલનો આ ગઢ છે. અહીં આપ ચિત્રમાં નથી. આ બેઠક પર ઠાકોર અને ક્ષત્રિય તથા પાટીદાર મતદાતા વધારે છે. દલિતોની પણ ખાસ્સી એવી સંખ્યા છે. ભાજપની પકડ દલિત અને લઘુમતી મતદાતા સિવાય અન્ય સમુદાયમાં ઘણી છે."

જયેન્દ્ર બ્રહ્મભટ્ટ કહે છે, "કૉંગ્રેસ પાસે ગેનીબહેન ઠાકોર, બળદેવજી ઠાકોર જેવા ઠાકોર સમાજના નેતાઓ છે. જ્યારે ભાજપ પાસે ઠાકોર સમાજના નેતાઓ છે પરંતુ કદાવર નેતાઓનો અભાવ છે. એટલે કઈ દિશામાં મતદાન થાય તેના પર ઘણો મદાર રહેલો છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન