ગુજરાત : કેશુભાઈ પટેલને ત્રણ વાર જિતાડ્યા પછી તેમના પુત્રને હરાવનારા વીસાવદરના લોકો પેટાચૂંટણી વિશે શું કહી રહ્યા છે?

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા, વીસાવદરથી

જૂનાગઢના વીસાવદર શહેરમાં જૂનાગઢ રોડ પર આમ તો સવાર-સાંજ રત્નકલાકારોની અવરજવર સૌથી વધારે હોય છે. દિવસભર આ રોડ પર આવેલ હીરા ઘસવાનાં કારખાનામાં સરાણ પર હીરા ઘસતી વખતે ઉત્પન્ન થતા "કી..ઈ...." જેવા અવાજ ગુંજ્યા કરે છે.

જોકે, જૂન મહિનાની શરૂઆતથી વીસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની કામગીરી ચાલુ થઈ ત્યારથી રાજકીય પ્રવૃત્તિઓએ રત્નકલાકારો, ખાતર બિયારણ અને ખેતઓજારો ખરીદવા આવતા ખેડૂતોની અને રાણાબાપાની આંબલીવાળા શાકમાર્કેટમાં શાકભાજી ખરીદવા આવતી મહિલાઓની અવરજવરને દેખાવા દીધી નથી.

અનુક્રમે ભગવી, પીળી-અને-વાદળી અને તિરંગાના રંગોવાળા ખેસો ખભે ધારણ કરેલ ભારતીય જનતા પક્ષ, આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસના કાર્યકર્તાઓએ, નેતાઓએ અને તેમની મોટી અને મોંઘી ગાડીઓએ આ રોડનો કબજો લઈ લીધો છે. અહીં ચૂંટણીનો પ્રચાર કરવા માટે લાઉડસ્પીકર સિસ્ટમ ભરેલાં અને એલ.ઈ.ડી. સ્ક્રીન ધરાવતાં વાહનોની અવરજવર વધી છે.

જૂનાગઢ રોડ પર એકાદ કિલોમીટરની અંદર જ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને કૉંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાએ તેમનાં મુખ્ય ચૂંટણી કાર્યાલયો ખોલી દીધાં છે.

સવાર પડે એટલે ભાજપ તેમના કાર્યકર્તાઓ અને સમર્થકોને જૂનગાઢ જિલ્લાના અન્ય ભાગોમાંથી ચૂંટણી કાર્યાલયે ઉતારે છે અને પછી તેમને વીસાવદરના વિવિધ ભાગોમાં પ્રચારકાર્યમાં મોકલે છે.

ગોપાલ ઇટાલિયાના ચૂંટણી કાર્યાલયમાં બે મોટાં ઍરકુલર દ્વારા ફેંકાતી હવાના સૂસવાટા વચ્ચે કાર્યાલયે આવતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકો એક રજિસ્ટારમાં પોતાનું નામ, ગામ અને મોબાઇલ નંબર લખીને તેમની હાજરી પુરાવે છે.

જો કોઈ સમર્થક કે મુલાકાતીનું આ રજીસ્ટર પર ધ્યાન ન પડે તો ત્યાં હાજર આપના વીસાવદર શહેર એકમના ઉપપ્રમુખ કૈલાશ વાઘેલા તેમનું ધ્યાન દોરે છે.

આ બધી ગતિવિધિઓનું જાણે નિરીક્ષણ કરી રહ્યું હોય તેવું એક પૂતળું આપની ઑફિસની અંદર મુકાયું છે. આ પૂતળું છે ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી અને પાટીદારોના કદાવર નેતા દિવંગત કેશુભાઈ પટેલનું. આમ આદમી પાર્ટીએ એક તંબુમાં ખોલેલા આ કાર્યાલયનું નામ આપ્યું છે 'વીસાવદર ભવન.'

થોડા આગળ વધીએ તો હર્ષદ રિબડીયાનું કાર્યાલય આવે છે અને તેના બોર્ડ પર 'ધારાસભ્ય' શબ્દ આગળ 'પૂર્વ' ઉમેરાયું છે પણ તે શબ્દ તેટલો નાનો છે કે રોડ પરથી પસાર થતા લોકો ભાગ્યે જ તેને વાંચી શકે.

ત્યાંથી થોડે જ આગળ રાણીપરિયાના કાર્યાલયમાં 2022માં ભાજપનાં નેતા અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજા સામે જામનગર ઉત્તર વિધાનસભા સીટ પરથી ચૂંટણી હારી ગયેલા કૉંગ્રેસના નેતા બિપેન્દ્રસિંહ જાડેજા બૂથ કમિટીના સભ્યોની એક મીટિંગને સંબોધી રહ્યા છે અને કૉંગ્રેસના કાર્યકર્તાઓને બોગસ મતદાન બાબતે સચેત રહેવા તાકીદ કરે છે.

દરમિયાન કૉંગ્રેસના સિનિયર નેતા પુંજાભાઈ વંશ ત્યાં પહોંચી જાય છે અને તેઓ પણ ચર્ચામાં જોડાય છે.

વીસાવદરની સમસ્યા કઈ?

બીબીસી ગુજરાતીએ આ મતવિસ્તારમાં આવતા વીસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાનાં ગામોમાં પ્રવાસ કર્યો અને જોયું કે ગ્રામ્ય વિસ્તારોના બધા જ રોડ પાકા તો છે, પરંતુ સાવ તૂટી ગયેલી હાલતમાં છે.

વીસાવદરના મોટા કોટડા ગામનાં શારદાબહેન દાફડા બીબીસી સાથે વાત કરતાં કહે છે, "અમારા ગામમાં રોડ-રસ્તાની તકલીફ છે. બજારમાં અમારાં વાહનો ન ચાલી શકે. ભેંસાણ જવું હોય અને વાહનમાં બેસીએ તો ગમે ત્યારે પડી જવાય. આવી સ્થિતિ દોઢ-બે વર્ષથી છે."

શારદાબહેને ગામમાં એક જ દિવસે યોજાયેલા બે પાર્ટીનાં સંમેલનમાં ભાગ લીધો અને ત્યાં ભોજનનો પણ લાભ લીધો હતો.

ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પ્રચાર માટે વીસાવદરના પિરવડ ગામે પહોંચ્યા ત્યારે ગામનાં રહેવાસી ભારતીબહેન કથીરિયાએ ભાજપનો ખેસ પહેરી લીધો.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "ગામમાં સરકારી બસ નથી આવતી. બાળકોને ભણવામાં બહુ મુશ્કેલી પડે છે. અહીં બસ શરૂ કરાવવી જોઈએ."

ભેંસાણ ગામના વેપારી કાળુભાઈ કપુરિયા જૂનાગઢ જિલ્લા સહકારી બૅન્ક સાથે જોડાયેલી મંડળીઓના માધ્યમથી ભેંસાણ તાલુકાના વાંદરવડ, છોડવડી, ધારી-ગુંદાળી અને મેંદપરા ગામના ખેડૂતોની જાણ બહાર તેમના નામે થયેલા લોન કૌભાંડથી નારાજ છે.

આપના ટેકેદાર કાળુભાઈ કહે છે, "જે ખેડૂતોને ચાર લાખની લોન પણ મળવાપાત્ર નથી તેના નામે વીસ-વીસ લાખની લોન બારોબાર અપાઈ ગઈ. ખેડૂતોને તો ત્યારે ખબર પડી જ્યારે બૅન્કે લોન ભરવાની નોટિસ મોકલી. આ પૈસા કોણ લઈ ગયું? કોઈ ખેડૂત આ વિશે બોલે તો તેનો અવાજ દબાવી દેવામાં આવે છે."

કેટલાક લોકો વીસાવદરમાં પક્ષપલટોના ઘટનાક્રમથી નારાજ છે.

બીસીએ ભણેલાં કાનાવડલા ગામનાં 21 વર્ષીય ઋતિ પટોળીયા કહે છે, "ખરેખર આ ન થવું જોઈએ. તેનાથી અગવડ ઊભી થાય છે."

બલિયાવડ ગામના એક ખેડૂત પોતાનું નામ ન જણાવવાની શરતે કહે છે, "બોલીને ફરી જાય તેને સાંખી ન લેવાય. આ વિસ્તારના મતદાતાઓએ કેશુભાઈને ત્રણ વાર જિતાડ્યા, પરંતુ પક્ષપલટો કર્યો એટલે તેમના દીકરા ભરતને પણ જાકારો આપી દીધો હતો."

તેઓ કહે છે, "હર્ષદ રિબડીયાના પણ એ જ હાલ થયા અને ભૂપત ભાયાણી ચૂંટણી લડ્યા હોત તો તેમની દશા પણ એ જ થવાની હતી. તમારાથી કામ ન થાય તો વાંધો નથી, પણ બોલીને ફરી ન જાવ."

વીસાવદરમાં 2012થી વિપક્ષના ધારાસભ્યો જ ચૂંટાય છે

2012થી વીસાવદરમાં વિપક્ષના ધારાસભ્યો જ ચૂંટાય છે. તેના કારણે શું આ વિસ્તાર સાથે કિન્નાખોરી થાય છે?

ભારતીબહેન કહે છે, "એવું તો નથી."

પરંતુ, કૉંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા આ વિસ્તારના લોકોની સમસ્યા માટે ભાજપ અને આપ દોષનો ટોપલો ઢોળે છે.

તેઓ કહે છે, "ભાજપની તો એવી ચાલ છે. જે ગામોમાં તલાટી મંત્રી નથી આવતા તે ગામોમાં અત્યારે કૅબિનેટ મંત્રીઓએ આવવું પડે છે. શું કામ? એ જ કૅબિનેટ મંત્રી અને કેટલાય નેતાઓ અહીં મોંઘી ગાડી લઈને રખડે છે. તેમણે ખરેખર તેમના હૃદય પર હાથ રાખીને તેમના આત્માને પૂછવું જોઈએ કે વીસાવદર-ભેંસાણની જનતા કેવા ખરાબ રસ્તા પર ચાલે છે."

આ સ્થિતિ માટે જવાબદાર કોણ?

તેના જવાબમાં રાણપરિયા કહે છે, "અહીં આપના ધારાસભ્ય હતા જે ભાજપમાં જતા રહ્યા. આ ધારાસભ્ય આપમાં હતા ત્યારે તે પાર્ટીના પ્રમુખ તો ગોપાલ ઇટાલિયા હતા. તો પછી પાર્ટી પ્રમુખ તરીકે આ વિસ્તારની સમસ્યા ઉકેલવાની જવાબદારી તો તેમની પણ હતી. તે વખતે ગોપાલ ઇટાલિયાએ આંદોલન કેમ ન કર્યું?"

બીજી તરફ રાણપરિયાના આરોપનો જવાબ આપતા ઇટાલિયા દોષનો ટોપલો ભાજપ પર ઢોળે છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગોપાલ ઇટાલિયા કહે છે, "સરકારની સાથે રહેશો તો કામ થઈ જશે (તેવો પ્રચાર ભાજપ કરે છે) તો પછી જિલ્લા પંચાયત હસ્તકના તમામ રોડ તૂટેલા કેમ છે? જિલ્લા પંચાયત તો ભાજપની છે, સાંસદ ભાજપના છે, તો કેમ કોઈ ગામમાં જતા નથી? તાલુકા પંચાયત ભાજપની છે તો કેમ કોઈ કામ થતાં નથી?"

વીસાવદરની પેટાચૂંટણીમાં 16 ઉમેદવારો ઊભા છે

કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લા સહકારી બૅન્કના પ્રમુખ છે અને થોડા સમય પહેલાં સુધી જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ પણ હતા.

તેઓ દરેક જગ્યાએ પ્રચારમાં કહે છે કે આ પેટાચૂંટણીમાં 16 ઉમેદવારો છે, પરંતુ તેમાંથી 12 તો એવા છે જેઓ વીસાવદર વિધાનસભામાં મતદાતા તરીકે નોંધાયેલા નથી.

ઇટાલિયા ભાવનગરના વાતની છે, પરંતુ સુરતમાં રહે છે. રાણપરિયા ભેંસાણના વતની છે જે વિધાનસભા બેઠકના વિસ્તારમાં આવે છે. કિરીટ પટેલ જૂનાગઢ શહેરમાં રહે છે જે વીસાવદર વિધાનસભા સીટમાં નથી આવતું. પરંતુ, જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામની મતદાર યાદીમાં તેમનું નામ છે અને આ ગામ વીસાવદર વિધાનસભા ક્ષેત્રમાં આવે છે.

કિરીટ પટેલે તેમના ઉમેદવારીના ફૉર્મ સાથે જોડેલ સોગંદનામામાં માહિતી આપી છે કે તેઓ 2018 થી આણંદપુરમાં ખેતીની જમીન પણ ધરાવે છે.

પ્રચાર દરમિયાન તેઓ લોકોને જણાવે છે કે માત્ર તેઓ, રાણપરિયા, શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર કિશોરભાઈ કાનગડ અને એક અપક્ષ ઉમેદવાર જ આ વિધાનસભામાં મતદાર તરીકે નોંધાયેલા છે.

કિરીટ પટેલ વીસાવદરના કાનાવડલા ગામે પ્રચાર કરવા પહોંચતા ત્યાંના રહેવાસીઓ પાઘડી અને બંડી પહેરાવીને તેમનું સ્વાગત કરે છે. પછી ઘોડા પર બેસાડીને ગામની સમાજવાડીએ લઈ જાય છે.

અહીં ગામલોકોને સંબોધન કરતા કિરીટ પટેલ કહે છે, "તમે મને કહો, તમે મને ઓળખો છો ને બધાય?"

મોટા ભાગનાએ એક સાથે "હા..." કહેતા પટેલે ઉમેર્યું, "બધાય ઓળખો છો ને? ... નખથી માથા સુધી ઓળખો છો ને?"

હકારમાં જવાબ મળતા પટેલ કહે છે, "આ ચૂંટણીમાં 16 ઉમેદવારોએ ફૉર્મ ભર્યાં એમાંથી માત્ર ચાર ઉમેદવારો આપણી વિધાનસભાના મતદારો છે, બાકીના કોઈ ભરૂચથી, ભાવનગરથી, અમરેલીથી, સુરતથી કે પછી ગાંધીનગરથી આવ્યા છે..."

2017માં પણ કિરીટ પટેલ અહીં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ કૉંગ્રેસના હર્ષદ રિબડિયા સામે તેમનો પરાજય થયો હતો.

2022ની વિધાનસભાની ચૂંટણીને બે મહિનાની વાર હતી ત્યારે રિબડિયા કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા. ભાજપે ચૂંટણીમાં ટિકિટ આપી, પણ આપના ભૂપત ભાયાણી સામે રિબડિયા 7063 મતોથી હારી ગયા હતા.

ભાયાણી પણ ડિસેમ્બર, 2023માં આપના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી, પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા જેના કારણે આ પેટાચૂંટણી આવી છે.

પેટાચૂંટણી દરમિયાન ત્રણેય પક્ષના ઉમેદવારો સોશિયલ મીડિયા પર પણ જોરદાર પ્રચાર કરી રહ્યા છે અને એક બીજા સામે આરોપો મૂકે છે.

કાનાવડલા ગામની સભામાં આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરતા ભાજપના કિરીટ પટેલ કહે છે, "આ બધા બે મહિનાથી બહારથી આવીને ગોકીરો કરે છે... જ્યારથી મને ટિકિટ મળી ત્યારથી સવારથી સાંજ સુધી મને એટલી ગાળો આપે, ખરાબ વીડિયો મૂકે, મારા વિશે ગમે તેમ બોલે, મારા પરિવાર વિશે બોલે, મારા બા-બાપુજી વિશે બોલે.. છતાં હું ગરમ થતો નથી, કારણ કે તમારા બધાયના મને આશીર્વાદ છે. આ સોશિયલ મીડિયા આધારિત પાર્ટી છે, આ કૅન્સરને આપણા વિસ્તારમાં ઘૂસવા દેવાનું નથી."

ચૂંટણી ટાણે જ નર્મદાનું પાણી વહેવા લાગ્યું

વીસાવદરનાં ગામોમાં પ્રચાર કરતી વખતે પટેલ પોતે સ્થાનિક હોવા ઉપરાંત લોકોને કહે છે કે રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપનું શાસન છે અને તેઓ પણ ભાજપના ઉમેદવાર છે.

પિરવડ ગામે નદીને કાંઠે એક સભાને સંબોધતા પટેલ કહે છે, "અઢી વરસ તો આપણાં ગયાં. હજી આપણે અઢી વરસ બગાડવાં છે?... 2012થી આ સીટ છે, સરકાર ભાજપની બને અને આપણે વિરુદ્ધમાં હોઈએ. 2012થી આજદિન સુધી આપણે જે કામો કરવાં હતાં-- આ તો જે કામ થયાં તે રૂટિન થયાં પરંતુ સરકારનું પ્રતિનિધત્વ હોય તો વધારે કામો થાય."

ગુજરાતના સૌરાષ્ટ્રમાં એક પણ બારમાસી નદી નથી. પરંતુ પિરવડ ગામે ભાજપના ઉમેદવાર જયારે સભાને સંબોધી રહ્યા હતા ત્યારે માત્ર સોએક ફૂટ દૂર પિરવડ નદીમાં ભર ઉનાળે પાણી વહી રહ્યું હતું અને ગામની મહિલાઓ તેમાં નિરાંતે કપડાં ધોઈ રહી હતી.

પિરવડના ખેડૂત અતુલ કિકાણી બીબીસી ગુજરાતીને જણાવે છે, "ગઈ કાલે (આઠ જૂન, 2025) તેમણે નદીમાં સૌની પાઇપલાઇનમાંથી નર્મદાનું પાણી છોડવાનું ચાલુ કર્યું. દોઢેક મહિના પહેલાં પણ થોડા દિવસ માટે પાણી છોડ્યું હતું.. બે વર્ષથી અમને નર્મદાનું પાણી મળતું થયું છે."

અતુલ કિકાણી વધુમાં કહે છે, "જેની સરકાર હોય તેને જ મત અપાય."

વીસાવદરમાં કથિત લોન કૌભાંડની ચર્ચા

કથિત લોન કૌભાંડ વિશે કિરીટ પટેલ પોતાનો બચાવ કરતા કહે છે, "ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવીશું. હું ચૅરમૅન બન્યો તેને માત્ર બે જ વર્ષ થયાં છે. આ 2012થી જે ગોટાળા ચાલતા હતા, મને ધ્યાનમાં આવ્યું. એટલે મેં જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર આ ત્રણેય જિલ્લાની લગભગ સાતથી આઠ મંડળી ઉપર મેં નહીં, પરંતુ અમારા બોર્ડ ઑફ ડિરેક્ટરોના સંયુક્ત નિર્ણયથી તેના પર એફઆઈઆર કરી."

"જેમણે આ ગોટાળા કર્યાં હતા તેઓ જેલમાં ગયા છે. બધાની સંપત્તિઓ કબજે કરવાની કાર્યવાહી ચાલે છે અને તેમાં અમારા ખેડૂતભાઈઓનો કોઈ વાંક નથી પરંતુ તે ભલા-ભોળા છે. તેને છેતરવાનું કામ આ ટોળકીએ કર્યું છે. મેં તો ખેડૂતોના પૈસા બચાવવાનું કામ કર્યું છે."

વીસાવદરનું શું છે ગણિત?

વીસાવદરમાં પાટીદાર સમાજના મતદાતાઓનો દબદબો છે.

લઘુમતી સમાજ, અને દલિત સમાજના મતદાતાઓની સંખ્યા પણ ગણનાપાત્ર છે.

1962થી શરૂ કરીને વીસાવદર સીટ પર બે પેટાચૂંટણી સહિત કુલ પંદર ચૂંટણી યોજાઈ છે. તેમાંથી પાંચમાં કૉંગ્રેસનો (1962, 1972, 1985 , 2014 અને 2017) અને ચારમાં ભાજપનો (1995, 1998, 2002 અને 2007) વિજય થયો હતો.

તેનો અર્થ એ કે છ ચૂંટણીમાં મુખ્ય રાજકીય પાર્ટીઓ સિવાયની પાર્ટીઓના ઉમેદવારોનો વિજય થયો છે.

1995માં કેશુભાઈ પટેલે આ સીટ પરથી ઝંપલાવતા તેઓ વિજેતા થયા હતા.

આ સીટ પરથી ભાજપની આ પ્રથમ જીત હતી અને ગુજરાતમાં ભાજપે પ્રથમવાર સરકાર બનાવી હતી અને કેશુભાઈ મુખ્ય મંત્રી બન્યા હતા.

શંકરસિંહ વાઘેલાએ બળવો કરતા કેશુભાઈને રાજીનામું આપવાની ફરજ પડી હતી અને છેવટે વિધાનસભા ભંગ થતા 1998માં રાજ્યમાં ફરી વાર ચૂંટણી યોજાઈ હતી. તે વખતે પણ કેશુભાઈ આ સીટ પરથી વિજેતા થયા હતા અને બીજી વાર મુખ્ય મંત્રી બન્યા હતા. પરંતુ, તેઓ બીજી વાર પણ તેમનો કાર્યકાળ પૂરો કરી ન શક્યા.

2001માં કચ્છમાં આવેલ ભૂકંપ બાદ રાહતકાર્યોમાં સરકારની શિથિલતાના આક્ષેપો વચ્ચે તેમને રાજીનામું આપવું પડ્યું હતું અને સરકારનું સુકાન નરેન્દ્ર મોદીને સોંપવામાં આવ્યું હતું.

કેશુભાઈ ત્યાર પછીની બે ચૂંટણી ન લડ્યા. તેથી આ સીટ પરથી ભાજપના કનુભાઈ ભાલાળાનો 2002 અને 2007માં વિજય થયો હતો અને તેઓ રાજ્યના કૃષિ મંત્રી પણ બન્યા હતા.

પરંતુ, પાટીદારોને ભાજપ યોગ્ય પ્રતિનિધત્વ નથી આપતો તેવા આક્ષેપો વચ્ચે કેશુભાઈએ 2012માં ભાજપથી અલગ પડી ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)ની સ્થાપના કરી.

કેશુભાઈ રાજકોટના રહેવાસી હતા પરંતુ તેમના રાજકીય જીવનની સળંગ ત્રીજી અને અંતિમ ચૂંટણી લડવા તેઓ 2012માં ફરી એકવાર વીસાવદર આવ્યા અને જીપીપીના ઉમેદવાર તરીકે જીત્યા પણ ખરા. જોકે, જીપીપીને રાજ્યમાં માત્ર બે જ સીટ મળી હતી અને મોદીના નેતૃત્વમાં ભાજપે ચૂંટણી જીતતા મોદી ત્રીજી વાર મુખ્ય મંત્રી બન્યા હતા.

સપ્ટેમ્બર 2013માં ભાજપે નરેન્દ્ર મોદીને 2014ની લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન તરીકેના ઉમેદવાર જાહેર કર્યા તેના ચાર મહિના બાદ કેશુભાઈએ જીપીપીને ભાજપમાં ભેળવી દીધી અને તેમણે પોતે વીસાવદરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું.

વર્ષ 2014માં જ યોજાયેલી અહીંની પેટાચૂંટણીમાં ભાજપે કેશુભાઈના દીકરા ભરત પટેલને ઉમેદવાર બનાવ્યા જયારે કૉંગ્રેસે હર્ષદ રિબડિયાને ટિકિટ આપી હતી. તે ચૂંટણીમાં રિબડિયાએ ભરત પટેલને હરાવતા કૉંગ્રેસનો વીસાવદરમાં લગભગ ત્રીસ વર્ષ પછી વિજય થયો હતો.

છાલડા ગામે પ્રચાર કરતી વખતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ગોપાલ ઇટાલિયા ભાજપના "સ્થાનિક અને બહારના ઉમેદવારની" લાઇન પર થઈ રહેલા પ્રચારને કોઈ મુદ્દો જ ન હોવાનું જણાવે છે.

તેઓ કહે છે, "વીસાવદર-ભેંસાણ વિધાનસભામાં ભાજપના સાંસદ છે તે સ્થાનિક છે. પંદર વરસથી એક જ વ્યક્તિ સાંસદ છે. વીસાવદર અને ભેંસાણના સો ગામડાઓમાં જઈને મેં પૂછ્યું કે ક્યારેય સાંસદ અહીં આવ્યા છે? લોકોએ ઘસીને ના પડી દીધી. સ્થાનિક સાંસદ છે, પંદર વર્ષથી એક્નોએક માણસ સાંસદ છે અને કોઈ ગામના લોકોએ એને ક્યારેય જોયાંય નથી તો સ્થાનિક હોય કે ન હોય, શું ફરક પડે છે? હું જ્યાંનો હાઉ ત્યાંનો, અમેરિકાનો તો નથી, આફ્રિકાનો તો નથી! ગુજરાતનો છું, એમાંય કાઠિયાવાડનો છું…કોણ ક્યાંનો છે અને ક્યાંનો નથી એ ચૂંટણીનો મુદ્દો હોવો જ ન જોઈએ. મુદ્દો એટલો જ હોવો જોઈએ કે કોણ કામનો છે અને કોણ નાકામનો છે," ઇટાલીયાએ કહ્યું.

"મંત્રીઓ આજે તમારા ગામના અવેડે તમને બોલાવે છે"

ઇટાલિયા હાલમાં વીસાવદર વિધાનસભામાં આવતા 157 ગામોમાં તેમની મુલાકાતનો બીજો રાઉન્ડ કરી રહ્યા છે અને 'સત્તાધારી પક્ષની સાથી રહીએ તો કામ વધારે થાય' તેવા ભાજપના પ્રચારનો જવાબ આપે છે.

વડાળા દેસાઈ ગામે એક જનસભાને સંબોધતા ઇટાલિયા ભેસાણના ગામોમાં લોનોનું કથિત કૌભાંડ, સરકારી ખરીદકેન્દ્રો પર મગફળી વેચવા જતા ખેડૂતોએ ખરીદી કરતી મંડળીઓના મજૂરોને કથિત રીતે આપવી પડતી લાંચ, ડીએપી ખાતરની કથિત તંગી, વન્યપ્રાણીઓ દ્વારા ખેતીના પાકોને થતું નુકસાન વગેરે મુદ્દાઓ ઉછાળે છે અને દાવો કરે છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારની તાકાતને કારણે રાજ્ય સરકારના મંત્રીઓએ વીસાવદરમાં ધામા નાખ્યા છે.

ગોપાલ ઇટાલિયા કહે છે, "વીસાવદરની ચૂંટણીમાં છેલ્લાં પંદર વર્ષમાં મુખ્ય મંત્રી, પ્રદેશ પ્રમુખ અને 10 મંત્રી પ્રચાર કરતા હોય તેવું ક્યારે જોયું? ઘણા મોટી ઉંમરના લોકો અહીં બેઠા છે. જિંદગીમાં તમે વીસાવદરમાં મુખ્ય મંત્રી નહીં જોયા હોય. આ પહેલી વાર લઈ આવ્યા. શું કામ? હું લઈ આવ્યો, ઢસડીને (અને કહ્યું) કે હાલો, બજારે ચડો. જો મંત્રીને આમ રોડે ચડાવી શકતો હોઉં તો ચાર રોડ નવા ન બનાવી શકું?"

બાજુના રબારીકા ગામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકો ઇટાલિયાનું સ્વાગત કરી તેને ટ્રેકટરમાં બેસાડે છે અને રેલી સ્વરૂપે ગામના ચોરા સુધી લઈ જાય છે.

ઇટાલિયા કહે છે, "આખો પ્રવાહ ભાજપમાં ભળી જવાનો ચાલે છે એવા ટાણે હું ભાજપની સામે ઊભો છું... મને હરાવવા ભાજપે 400 નેતાઓની ફોજ ઉતારી છે અહીં વીસાવદરમાં. જે ગામમાં તલાટીમંત્રી નથી ફરકતા ત્યાં આજે કેબિનેટ (મંત્રી) રખડે છે. ગામમાં અવેડે કેબિનેટ આંટા મારે છે."

તેઓ ઉમેરે છે, "હવે એટલું કરી શકતા હોય અને તો પણ જો આ ચૂંટણીમાં મારું બટન નો દબાય તો મને હાર્ટઍટેક ન આવે, પણ મારું મોઢું તો પડી જાય."

નેતા નહીં, બેટા થવા મતની માંગણી

વીસાવદરમાં હોર્ડિંગ, બૅનર, ધજા વગેરેમાં આપ અને ભાજપ છવાયેલા છે. કૉંગ્રેસ બહુ દૃષ્ટિગોચર થતી નથી. રાણપરિયા નાની નાની મીટિંગો કરે છે, લઘુમતી તેમ જ દલિત મતદાતાઓના વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. 10 જૂનની સાંજે ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ મોટા કોટડા ગામે યોજાયેલા 'સમસ્ત દલિત સંમેલન' નામની ચૂંટણીસભાને સંબોધતા કહે છે: "બે ઉમેદવારો એવા છે જે નેતા બનવા મત ગામે છે અને આ નીતિન રાણપરિયા તમારો બેટા થવા મત માંગે છે."

સભાને સંબોધતા વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણી ત્યાં હાજર લોકોને યાદ અપાવે છે કે કૉંગ્રેસની રાજીવ ગાંધીની સરકારે દલિતોના રક્ષણ માટે ઍટ્રોસિટીનો કાયદો ઘડ્યો હતો અને ઉના, હાથરસ જેવી ઘટનાઓ સમયે પણ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પીડિત પરિવારોને મળીને તેમને ટેકો જાહેર કર્યો હતો.

મેવાણી કહે છે અને રાણપરિયાને પોતાના ભાઈ ગણાવી તેમને મત આપવા અપીલ કરે છે કે, "કાળી રાતે તમારી સાથે જીગ્નેશ મેવાણી ઊભો રહેશે, કોઈ ભાજપનો કે સાવરણાવાળો નહીં આવે."

પેટાચૂંટણીનું મતદાન 19મી જૂને અને મતગણતરી 23મી જૂને થવાની છે.

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન