You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની વધુ નજીક આવી સિસ્ટમ, આ જિલ્લાઓમાં હજી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ચોમાસું વધારે સક્રિય રહ્યું છે.
ગીર સોમનાથ, અમરેલી, દીવમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મહીસાગર, ખેડા, અરવલ્લી, દાહોદ, સુરત, ભરૂચ, નર્મદામાં ઘણો સારો વરસાદ પડી ગયો છે.
ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ નોંધાયો છે, જેમાં બનાસકાંઠાના ડીસામાં સૌથી વધુ બે ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં 1.89 ઇંચ, પાટણ-વેરાવળમાં 1.89 ઇંચ, તાલાળામાં 1.85 ઇંચ, બાવળામાં 1.65 ઇંચ, રાધનપુરમાં 1.7 ઇંચ, ધોળકામાં 1.57 ઇંચ, માંગરોળ (જૂનાગઢ)માં 1.46 ઇંચ, વીસાવદરમાં 1.42 ઇંચ, વઢવાણમાં 1.34 ઇંચ, ભેંસાણમાં 1.30 ઇંચ વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત ભચાઉ, કોડિનાર, દાંતીવાડા, મેંદરડા, કેશોદ, સાયલા, ચુડા, સાણંદ, ઉના, જાફરાબાદમાં પોણા ઇંચથી લઈને ઇંચ સુધી વરસાદ પડ્યો છે.
ગુજરાત નજીક ડિપ્રેશન યથાવત્
ગુજરાત નજીક અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન હજુ યથાવત્ છે. હવામાન વિભાગના ડેટા પ્રમાણે છેલ્લા છ કલાકથી આ ડિપ્રેશન સાત કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપૂર્વ દિશામાં ખસ્યું છે.
છેલ્લી સ્થિતિ પ્રમાણે તે વેરાવળના દરિયાકિનારાથી 480 કિમી અને મુંબઈથી 530 કિમીના અંતરે હતું. ગોવાના પણજીથી આ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તરમાં 630 કિમી દૂર અને લક્ષદ્વીપથી 840 કિમીના અંતરે આવેલું છે.
આ દરમિયાન ઉત્તરપૂર્વ રાજસ્થાન અને પડોશના વિસ્તારમાં સમુદ્રની સપાટીથી 3.1 કિમીથી 4.5 કિમીની ઊંચાઈ વચ્ચે એક અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે.
ગુજરાતમાં હવે ચાર દિવસ કયા જિલ્લામાં વરસાદ પડશે?
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 29 ઑક્ટોબર, બુધવારે અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ બે જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેતીવાડીને ભારે નુકસાન થયું છે અને ખેતરોમાં પાક પલળી ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બુધવારે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે.
આ ઉપરાંત રાજ્યના બાકીના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
30 ઑક્ટોબર, ગુરુવારે ભારે વરસાદનો વ્યાપ વધવાની આગાહી છે. હવામાન વિભાગ મુજબ ગુરુવારે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી છે.
આ ઉપરાંત આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, દ્વારકા, બોટાદમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યના બાકીના જિલ્લાઓમાં ગુરુવારે હળવાથી મધ્યમ વરસાદ પડશે અને પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાક સુધીની રહેશે.
31 ઑક્ટોબર, શુક્રવારે પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જિલ્લામાં છૂટીછવાઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ ઉપરાંત આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળો પર શુક્રવારે ભારે વરસાદ પડી શકે છે.
શનિવારે રાજ્યમાં ક્યાંય ભારે કે અતિ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે એવું હવામાન વિભાગ જણાવે છે.
ગુજરાત રાજ્યમાં 125 ટકા સુધી વરસાદ વરસી ગયો
ગુજરાતમાં આ વર્ષે દરેક ભાગમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ વરસાદ 125 ટકા સુધી પહોંચી ગયો છે જેમાં કચ્છમાં સૌથી વધુ 148 ટકા વરસાદ નોંધાયો છે.
જ્યારે ઉત્તર ગુજરાતમાં 123 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 123 ટકા અને સૌરાષ્ટ્રમાં સરેરાશ 117 ટકા વરસાદ પડ્યો છે. સાઉથ ગુજરાતમાં સરેરાશ વરસાદની સરખામણીમાં 130 ટકા કરતા વધુ વરસાદ પડી ગયો છે.
ગુજરાતમાં તાપમાનમાં ફેરફાર
હવામાન વિભાગનું બુલેટિન જણાવે છે કે હાલમાં ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદના કારણે તાપમાન ઘટ્યું છે, પરંતુ પાંચ દિવસ પછી મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થશે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી લઘુતમ તાપમાનમાં મોટા ઘટાડાની શક્યતા નથી.
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુતમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન