ક્લાઇમેટ ચેન્જને કારણે જ્યાં પાણીમાં તેલનું પ્રદૂષણ થતાં લોકો 'તરસ્યા મરી રહ્યા છે'

    • લેેખક, મૌરા અજક અને સ્ટેફની સ્ટાફોર્ડ
    • પદ, બીબીસી આફ્રિકા આઈ

ક્લાઇમેટ ચેન્જને કારણે દુનિયાના અનેક દેશોમાં લોકો પીવાના પાણી માટે સંઘર્ષ કરે છે પણ આ એવા લોકોની કહાણી છે જેમની પાસે પ્રદૂષિત પાણી પીવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

દક્ષિણ સુદાનના ઘાસનાં મેદાનોમાં એક નાનકડા તળાવમાંથી ગંદું પાણી કાઢી રહેલા ચરવૈયાઓને એ વાતનો પૂરો અંદાજો છે કે આ પાણી પીવાથી તેમને કેટલો ખતરો છે.

"પાણી ગંદું છે, કારણ કે આ જગ્યાએ ઑઇલ છે. તેમાં રસાયણો છે." તેમના વડા ચિલ્હોક પુઓટ કહે છે.

યુનિટી રાજ્યમાંના ઑઇલ ક્ષેત્રના આ કેન્દ્રીય વિસ્તારમાં પશુપાલન કરતા સમુદાયનાં મહિલા ન્યાતાબા ઉમેરે છે, "તમે આ પાણી પીઓ તો સતત ઉધરસ આવે અને હાંફ ચડે."

"અમે જાણીએ છીએ કે આ ખરાબ પાણી છે, પરંતુ અહીં બીજે ક્યાંય પાણી નથી અને અમે તરસે મરી રહ્યા છીએ."

ભૂતપૂર્વ ઑઇલ એન્જિનિયર ડેવિડ બોજો લેજુએ બીબીસીને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પૂરને લીધે પાણીના સ્રોત પ્રદૂષિત થઈ રહ્યા છે.

અભૂતપૂર્વ પૂર પછી રાજ્યનો મોટો હિસ્સો ઘણા વર્ષોથી પાણીમાં છે, જે વિજ્ઞાનીઓનું કહેવું છે કે આબોહવા પરિવર્તનને કારણે પરિસ્થિતિ વકરી છે.

બોજો લેજુના કહેવા મુજબ, પૂર એ "આપત્તિ" છે અને ઑઇલ ક્ષેત્રોમાં ગેરવ્યવસ્થાને લીધે સમગ્ર રાજ્યમાં ફેલાતું પ્રદૂષણ "સાયલન્ટ કિલર" બન્યું છે.

દક્ષિણ સુદાન વિશ્વનો સૌથી વધુ યુવા અને સૌથી વધુ ગરીબ દેશ છે. તેની સરકાર ઑઇલની આવક પર નિર્ભર છે.

કઈ રીતે પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે?

યુનિટી સ્ટેટ એક મુખ્ય ઑઇલ ઉત્પાદક રાજ્ય છે. ત્યાં કાયમ મોસમી પૂર આવે છે, પરંતુ 2019માં અતિશય વરસાદને કારણે પ્રલય જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ગામડાં, ઘાસનાં મેદાનો અને જંગલોમાં પાણી ફરી વળ્યું હતું. એ પછીનાં વર્ષોમાં પણ સતત વરસાદ પડતો રહ્યો છે. વરસાદમાં પડતા પાણીનો જથ્થો માટીમાં સંઘરાયેલો અને ઉત્તરોત્તર વધતો રહ્યો છે.

યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ(ડબલ્યુએફપી)ના જણાવ્યા મુજબ, 2022માં એક સૌથી ખરાબ તબક્કે યુનિટી સ્ટેટનો બે-તૃતિયાંશ હિસ્સો પાણીમાં ડૂબી ગયો હતો અને અત્યારે પણ તેનો 40 ટકા હિસ્સો પાણી હેઠળ છે.

બોજો લેજુએ ઑઇલ કન્સોર્શિયમ ગ્રેટર પાયોનિયર ઑપરેટિંગ કંપની (જીપીઓસી) માટે આઠ વર્ષ સુધી કામ કર્યું છે. જીઓપીસી ભારતીય અને ચીની ઑઇલ કંપનીઓનું સંયુક્ત સાહસ છે. તેમાં દક્ષિણ સુદાન સરકારનો પણ પાંચ ટકા હિસ્સો છે.

પાંચ વર્ષ પહેલાં એક મોટી પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું પછી બોજો લેજુએ યુનિટી સ્ટેટમાંના ઑઇલવાળા પાણીના પૂલ્સ અને કાળી માટીઓના ઢગલાનું ફિલ્માંકન શરૂ કર્યું હતું. તેમાં રોરિયાક નજીકનાં સ્થળોનો પણ સમાવેશ થાય છે. એ વિસ્તારમાં પશુપાલકો રહે છે.

બોજો લેજુના કહેવા મુજબ, ઑઇલના કૂવાઓ અને પાઇપલાઇનમાંથી વારંવાર ઑઇલ છલકાતું રહે છે અને તેઓ દૂષિત માટીને રસ્તાઓથી દૂર લઈ જવાના કામમાં સામેલ હતા. દૂષિત માટી દેખાય નહીં એટલા માટે તેને દૂર લઈ જવામાં આવે છે.

બોજો લેજુએ આ બાબતે ઑઇલ કંપનીના સંચાલકો સમક્ષ રજૂઆત કરી હતી. તેના નિરાકરણના થોડા પ્રયાસ પણ થયા હતા, પરંતુ "માટીને દૂષણમુક્ત કરવાની કોઈ યોજના ન હતી."

બોજો લેજુના જણાવ્યા મુજબ, ઓઈલ કાઢવામાં આવે ત્યારે જમીનમાંથી છૂટતા પાણી એટલે કે "ઉત્પાદિત પાણીમાં" ઘણીવાર હાઇડ્રોકાર્બન્સ અને અન્ય પ્રદૂષકો હોય છે. આવા પાણીનું યોગ્ય રીતે શુદ્ધીકરણ કરવામાં આવતું નથી.

તેઓ કહે છે, "ઉત્પાદિત પાણીમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણો કરતાં પણ વધુ પ્રમાણમાં ઑઇલ હોવાના અહેવાલો અમારી રોજ સવારની મીટિંગમાં આવતા હતા. એ પાણી ફરીથી પર્યાવરણમાં ધકેલવામાં આવે છે."

તેઓ કહે છે, "આ પાણી વહીને ક્યાં જાય છે? લોકો જ્યાંનું પાણી પીવે છે તે નદીમાં, પાણીના સ્રોતમાં અને લોકો માછીમારી કરે છે તે તળાવ સુધી જાય છે."

બોજો લેજુના કહેવા મુજબ, "કેટલાંક ઑઇલ કેમિકલ્સ ભૂગર્ભજળમાં ભળી જાય છે અને ત્યાંથી બોરવેલમાં પહોંચે છે. બધું પાણી પ્રદૂષિત છે."

કોણ જવાબદાર?

2019માં જોરદાર વરસાદ પડવો શરૂ થયો ત્યારે જમીન પર છલકાતા ઓઈલની આસપાસ અર્થ ડાઈક્સની વ્યવસ્થા કરવામાં આવી હતી, "પરંતુ પાણીના જથ્થાને અટકાવી રાખવા માટે તે પૂરતી ન હતી."

રોરિયાકમાં પશુપાલકો જે પાણી પીવે છે તેની ગુણવત્તા વિશેનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી, પરંતુ પ્રદૂષણને લીધે તેમના પશુઓ બીમાર પડી રહ્યાં હોવાનો તેમને ડર છે.

પશુપાલકોના કહેવા મુજબ, માથા અથવા અંગો વગરના વાછરડા જન્મે છે.

યુનિટી સ્ટેટના કૃષિ પ્રધાન માને છે કે છેલ્લાં બે વર્ષમાં એક લાખથી વધારે પશુઓના મોત માટે પૂર ઉપરાંત ઑઇલ પ્રદૂષણ પણ જવાબદાર છે.

રોરિયાક નજીકના જંગલમાં સ્ત્રીઓ અને પુરુષોનું એક જૂથ કોલસા બનાવવા માટે વૃક્ષોને કાપી નાખે છે.

તેમણે જંગલમાં પહોંચવા માટે પૂરના પાણીથી ઘેરાયેલા કાચા રસ્તાઓ પર આઠ કલાક ચાલવું પડે છે.

તેમના કહેવા મુજબ, અહીં જે પાણી મળે છે તે પ્રદૂષિત છે.

ન્યાકલ નામનાં એક મહિલા કહે છે, "તે પાણી પીવાથી પેટમાં દુખાવો અને ઝાડા થાય છે."

ન્યાદા નામનાં એક અન્ય મહિલાએ આંસુ લૂછતાં જણાવ્યું કે તે કોલસો વેચીને ગુજરાન ચલાવે છે, પરંતુ તેનાં સાત બાળકો વિશે ચિંતિત છે.

ન્યાદા કોલસો મેળવવા માટે તેના સંતાનોને એક અઠવાડિયાથી તેમની માતા પાસે છોડીને આવ્યાં છે.

ન્યાદા કહે છે, "મારાં માતાની પાસે પણ કશુ જ નથી."

યુનિટી સ્ટેટની રાજધાની બેન્ટિયુ નજીકની એક ઝૂંપડપટ્ટીમાં ન્યાદા રહે છે. તેમાં 1.40 લાખ લોકો રહે છે, જેઓ સંઘર્ષ અથવા પૂરથી ભાગીને આવ્યા છે. આ વિસ્તાર પૂરના પાણીથી ઘેરાયેલો છે અને અર્થ ડાઇક્સથી સુરક્ષિત છે.

આ વિસ્તારના લોકોને થોડી ખાદ્ય સહાય મળે છે, પરંતુ ઘણા લોકો વૉટર લીલી રૂટ્સ અને માછલી ખાઈને પેટનો ખાડો પૂરે છે.

નિષ્ણાતો શું કહે છે?

સલામત પાણીની અછત છે. ન્યાદા બોરવેલના પાણીનો ઉપયોગ વાસણ-કપડાં-સ્નાન અને રસોઈ માટે કરે છે, પરંતુ પીવાનું પાણી તેમણે પૈસા ચૂકવીને ખરીદવું પડે છે.

આ વિસ્તારના આરોગ્ય વ્યવસાયિકો અને રાજકારણીઓએ બીબીસીને જણાવ્યું હતું કે પ્રદૂષણ અને સ્વચ્છ પાણીની અછતની માનવ સ્વાસ્થ્ય પર માઠી અસર થાય છે.

બેન્ટિયુની એક હૉસ્પિટલમાં એક માતાએ હમણાં જ બાળકને જન્મ આપ્યો છે. એ નવજાત બાળકનું નાક અને મોં જોડાયેલાં છે.

બાળકની સંભાળ રાખતા ડૉક્ટર્સ પૈકીના એક ડૉ. સેમ્યુઅલ પુઓટ કહે છે, "તેમની પાસે શુદ્ધ પાણી ઉપલબ્ધ નથી. તેઓ ફક્ત નદીનું પાણી જ પીવે છે. નદીના પાણીમાં ઑઇલ ભળેલું હોય છે. તે સમસ્યાનું કારણ હોઈ શકે છે."

ડૉ. સૅમ્યુઅલ પુઓટના જણાવ્યા મુજબ, યુનિટી સ્ટેટની ઉત્તરે આવેલા ઑઇલ ઉત્પાદક વિસ્તાર બેન્ટિયુ અને સ્વંગમાં પણ કોઈ અંગ વિનાના કે માથું નાનું હોય તેવા ઘણા ઍબ્નૉર્મલ બાળકો જન્મે છે. એવાં ઍબ્નૉર્મલ બાળકો દિવસો કે મહિનાઓમાં મૃત્યુ પામે છે.

આવી જન્મજાત ખામીનાં કારણોનો તાગ જેનેટિક ટેસ્ટિંગ દ્વારા પામી શકાય, પરંતુ હૉસ્પિટલમાં તેવા ટેસ્ટિંગની સુવિધા નથી અને પરીક્ષણનું પરિણામ મોટા ભાગે નિર્ણાયક હોતું નથી.

ડૉ. પુઓટ ઇચ્છે છે કે સરકારે આવા કેસીસનું રજિસ્ટર રાખવું જોઈએ.

વિગત વ્યવસ્થિત રીતે નોંધાયેલી નથી. તેથી એ સ્પષ્ટ નથી કે આ વાસ્તવિક રિપોર્ટ્સ જન્મજાત ખામીઓનું પ્રમાણ ઊંચું હોવાનો સંકેત આપે છે કે કેમ.

યેલ યુનિવર્સિટીના પર્યાવરણીય સ્વાસ્થ્ય નિષ્ણાત ડૉ. નિકોલ ડેઝીલ કહે છે, "ઑઇલ સંબંધી પ્રદૂષણ જન્મજાત ખામીના જોખમમાં ફાળો આપતું હોય તે સમજી શકાય તેવું છે."

ડૉ. ડેઝીલના જણાવ્યા મુજબ, આનુવાંશિકતા, માતાની વય, ચેપ અને પોષણ ઉપરાંત પર્યાવરણીય પ્રદૂષણ પણ જન્મજાત ખામી માટે જોખમી પરિબળ છે.

તેઓ ઉમેરે છે કે ઑઇલના ઉત્પાદન દરમિયાન બહાર પડતા કેટલાક સંયોજનો ગર્ભના વિકાસને અસર કરી શકે છે.

તેઓ કહે છે, "સંબંધિત રિપોર્ટ્સ પર્યાવરણીય સ્વાસ્થ્ય સમસ્યાઓના મહત્ત્વપૂર્ણ સૂચક તરીકે સેવા આપી શકે છે," પરંતુ વ્યવસ્થિત ડેટા સંગ્રહ વિના, આ બન્ને વચ્ચે સંબંધ હોવાનું પૂરવાર કરવું મુશ્કેલ છે.

'સુદાનને આ ઉદ્યોગ વારસામાં મળ્યો'

જર્મનીસ્થિત બિન-સરકારી સંસ્થા સાઇન ઑફ હોપએ યુનિટી સ્ટેટમાં અન્ય ઑઇલ ક્ષેત્રોની નજીકના વિસ્તારોમાં 2014 અને 2017માં અભ્યાસ હાથ ધર્યો હતો.

ઑઇલના કૂવાઓ નજીકના પાણીમાં વધતી ખારાશ તથા હેવી મૅટલ્સનું ઊંચુ પ્રમાણ હોવાનું જાણવા મળ્યું હતું તેમજ માનવ વાળના નમૂનાઓમાં સીસા તથા બેરિયમની ઊંચી સાંદ્રતા જોવા હતી.

સંશોધકોએ તારણ કાઢ્યું હતું કે આ બધા ઑઇલ ઉત્પાદનથી સર્જાતા પ્રદૂષણના સંકેતો છે.

સરકારે ઑઇલ ઉદ્યોગની અસરનું પર્યાવરણીય ઑડિટ શરૂ કર્યું છે, પરંતુ અપેક્ષા કરતાં એક વર્ષ વધુ થયું હોવા છતાં તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી.

શાસક પક્ષના વરિષ્ઠ રાજકારણી મૅરી અયેન માજોક એક દાયકાથી વધુ સમયથી ઑઇલના પ્રદૂષણ બાબતે ચિંતા વ્યક્ત કરતાં રહ્યાં છે.

તેઓ સરકારના સભ્ય છે અને દક્ષિણ સુદાનની સંસદના ઉપલા ગૃહમાં ડૅપ્યુટી સ્પીકર છે. તેઓ રુવેંગનાં છે.

તેમના જણાવ્યા મુજબ, તેમના પોતાના એક સંબંધીને ત્યાં જન્મજાત ખામીવાળું બાળક જન્મ્યું છે. તેઓ માને છે કે કલંકના ડર અને તબીબી સુવિધાના અભાવને કારણે આવા ઘણા કિસ્સા નોંધાતા નથી.

મૅરી અયાન મજોકના કહેવા મુજબ, સુદાનથી 2011માં દક્ષિણ સુદાનને સ્વતંત્રતા મળી પછી દેશની રચના કરવામાં આવી ત્યારે દેશને "આ ખરાબ પ્રથાઓ પર આધારિત ઉદ્યોગ વારસામાં મળ્યો હતો."

2013માં દેશમાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો હતો, જે પાંચ વર્ષ ચાલ્યો હતો. તેમના કહેવા મુજબ, સંઘર્ષનો સામનો કરતા અને ઓઈલની આવક પર જ નિર્ભર કોઈ દેશ માટે પર્યાવરણીય જવાબદારી "અગ્રતાક્રમમાં છેક છેલ્લે હોય છે."

કાયદાઓ બનાવવામાં આવ્યા છે અને સંસ્થાઓની રચના કરવામાં આવી છે, પરંતુ "જવાબદારી નક્કી કરવાનું કામ મજબૂત રીતે થતું નથી," તેઓ કહે છે.

બોજો લેજુ કહે છે, "ઑઇલ વિશે વાત કરવી એ સરકારની દુખતી રગને સ્પર્શવા જેવું છે."

બોજો લેજુને સ્વીડનમાં રાજ્યાશ્રય આપવામાં આવ્યો છે અને તેમણે સ્વીડનમાં બીબીસી સાથે વાત કરી હતી.

ઑઇલના પ્રદૂષણ સંબંધે સરકાર પર કેસ કરવા ઇચ્છતા દક્ષિણ સુદાનના વકીલોએ 2020માં બોજો લેજુનો સંપર્ક કર્યો હતો.

તેઓ સાક્ષી તરીકે જુબાની આપવા સંમત થયા હતા, પરંતુ સુરક્ષા કર્મચારીઓએ તેમને અટકાયતમાં લીધા હતા, તેમના માથા પર પિસ્તોલ ફટકારી હતી અને પોતાના પુરાવાનું સ્વયં ખંડન કરતા દસ્તાવેજો પર સહી કરવાની ફરજ પાડવામાં આવી હતી.

પૂર ક્યારેય ઓસરશે ખરું?

એ પછી તરત જ તેઓ દેશ છોડીને ભાગી ગયા હતા અને વકીલોએ તેમનો કેસ ચલાવ્યો ન હતો.

બીબીસીએ જીઓપીસી અને દક્ષિણ સુદાનના રાષ્ટ્રપતિની ઓફિસને આ અહેવાલો બાબતે ટિપ્પણી કરવા વિનંતી કરી હતી, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.

યુનિટી સ્ટેટમાં આવેલા પૂર ક્યારેય ઓસરશે કે કેમ તેની વિજ્ઞાનીઓને ખાતરી નથી.

સાન્ટા બાર્બરા ખાતેની યુનિવર્સિટી ઓફ કેરોલિનાના ક્લાઈમેટ હેઝાર્ડ્સ સેન્ટરના ડિરેક્ટર ડૉ. ક્રિસ ફંકના કહેવા મુજબ, પશ્ચિમ હિંદ મહાસાગરમાં 2019માં દરિયાની સપાટીનું વિક્રમી તાપમાન જોવા મળ્યું હતું, જે "આબોહવા પરિવર્તન વિના અશક્ય હતું."

ગરમ હવા વધુ ભેજ જાળવી શકે છે અને તેમના જણાવ્યા મુજબ, પૂર્વ આફ્રિકામાં 2019માં ભારે વરસાદ અને આ દરિયાઈ તાપમાન વચ્ચે "મજબૂત સંબંધ" હતો.

ડૉ. ફંકના જણાવ્યા મુજબ, દક્ષિણ સુદાનને પાણી પૂરું પાડતા લેક વિક્ટોરિયા બેસિન પર છેક ત્યારથી વરસાદ ચાલુ જ છે, પરંતુ આ સ્થાયી નવી પેટર્ન છે કે કેમ તે સ્પષ્ટ નથી.

દક્ષિણ સુદાનમાં તાપમાનમાં વધારો થયો છે અને તેમાં ઉત્તરોત્તર વધારાની અપેક્ષા છે.

ડો. ફંકના કહેવા મુજબ, તેનો અર્થ એ થાય કે “વધુ આત્યંતિક વરસાદ પડશે”. વૈશ્વિક ગરમાટાની કેટલીક પરિસ્થિતિમાં અત્યંત ગરમી અને ભેજનો અર્થ એ પણ થાય કે દેશના કેટલાક ભાગો “રહેવા યોગ્ય નહીં હોય,” ડો. ફંક કહે છે.

અલબત, પૂર અને પ્રદૂષણની આશંકા હોવા છતાં અહીંના કેટલાક લોકો પ્રાણીઓ ઉછેરવા અને જીવવા અહીં પાછા આવવા ઈચ્છે છે.

રોરિયાકમાં બાળકો જમીન પરની માટીમાં એક નાનકડા ગામનું ચિત્ર દોરી રહ્યાં છે. તેમાં ઝૂંપડીઓ અને ગાયો છે.

નજીકના બેન્ટિયુમાં એક વૃદ્ધા પૂરના પાણીની બાજુમાં વૉટર લીલીના મૂળને પીસી રહ્યાં છે. તેઓ કહે છે કે એક દિવસ હું એક ગાય પાળીશ.

તેઓ ઉમેરે છે, "પાણી વર્ષો ઓસરશે પછી હું ખેતી કરીને અનાજ ઉગાડીશ. ભલે ગમે તેટલાં વર્ષ થાય."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.