વાયુપ્રદૂષણથી જ્યારે લંડનમાં હજારોનાં મૃત્યુ થયાં અને કૉફિન ખૂટી ગયાં

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

દિવાળી પછીના દિવસે એટલે કે શુક્રવારે દિલ્હીમાં હવાની ગુણવત્તાનું સ્તર 'બહુ ખરાબ' કૅટગરીમાં નોંધાયું. ગુજરાતનાં શહેરોની હવાની સ્થિતિ પણ દિવાળી પછીના દિવસે કોઈ ખાસ સારી નહોતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વેબસાઇટ પર આપેલા આંકડા અનુસાર, દિલ્હીમાં સૌથી પ્રદૂષિત હવા આનંદવિહાર વિસ્તારમાં રહી. શુક્રવારે સવારે છ વાગ્યે આનંદવિહારમાં એક્યૂઆઈ 395 નોંધાયો હતો. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ હવાની ગુણવત્તા પ્રમાણસર એટલે કે 'મૉડરેટ' રહી હતી અને એક્યૂઆઈ 113 થી 226 નોંધાયો છે.

આ તો વાત થઈ દિલ્હી, અમદાવાદની, પણ દાયકાઓ પહેલાં બ્રિટનના લંડનમાં પણ પાંચ દિવસ માટે ભયાનક વાયુપ્રદૂષણ ફેલાયું હતું. દિલ્હીના વાયુપ્રદૂષણ માટેનાં જવાબદાર કારણોમાંથી એક ત્યાં પણ જવાબદાર હતું.

હજારો લોકોએ પ્રદૂષણને કારણે જીવ ગુમાવ્યા હોવાનો સત્તાવાર આંકડો બહાર આવ્યો હતો, પરંતુ અનૌપચારિક રીતે એથી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે. એક સમયે લોકોની અંતિમવિધિ માટે કૉફિન ખૂટી ગયાં હતાં.

દૂષિત હવાને કારણે પશુઓને પણ માસ્ક પહેરાવા પડ્યા હતા, છતાં ખેતરમાં ગાયોનાં પણ મૃત્યુ થયાં હતાં. આગળ જતાં આવી ઘટનાઓ ફરી ન ઘટે તે માટે એક કાયદો પસાર કરવામાં આવ્યો, પરંતુ તે અપૂરતો નીવડ્યો હતો.

એક દાયકા પછી ફરી સેંકડો લોકોનાં મૃત્યુ થયાં હતાં અને હવામાં ફેલાતા પ્રદૂષણને અટકાવવા માટે વધુ એક કાયદો પસાર કરવાની જરૂર ઊભી થઈ હતી.

નવેમ્બર-ડિસેમ્બરમાં એ પાંચ દિવસમાં શું થયું હતું?

શિયાળામાં જોવા મળતાં ધુમ્મસને અંગ્રેજીમાં 'ફૉગ' તથા પ્રદૂષક ધુમાડાને 'સ્મૉક' કહેવામાં આવે છે. જ્યારે ઠંડીના વાતાવરણમાં ધુમ્મસની સાથે પ્રદૂષિત હવા ભળે છે, ત્યારે તેને 'સ્મૉગ' કહેવામાં આવે છે.

17મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ પછી લંડનની આસપાસ અનેક ફૅક્ટરી સ્થપાઈ હતી, જેની ચીમનીમાંથી નીકળતો ધુમાડો શહેરની હવાને પ્રદૂષિત કરતો હતો. સામાન્ય રીતે યુકેમાં સફેદ રંગનું ધુમ્મસ જોવા મળે છે, પરંતુ પ્રદૂષકોને કારણે તે પીળા કે ભૂખરા રંગનું થઈ જતું.

મોટા ભાગે ઠંડીના મહિનાઓમાં આ સમસ્યા વિકરાળ બની રહેતી અને સમગ્ર શહેરને તેના ભરડામાં લઈ લેતી, છતાં તેની સૌથી વધુ અસર પૂર્વના નીચાણવાળા વિસ્તાર પર પડતી. અનેક ફૅક્ટરી અને ઘરોને કારણે પ્રદૂષિત હવાને વિખેરાઈ જવામાં મુશ્કેલી પડતી.

નવેમ્બર-ડિસેમ્બર 1952માં ભારે ઠંડી પડી હતી અને આ વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ હતી. એ સમયે ઘરોને ગરમ રાખવા માટે કોલસાનાં તાપણાંની વ્યવસ્થા હતી. ઠંડીથી બચવા માટે લોકોએ મોટા પાયે કોલસો સળગાવ્યો હતો, જેનું પ્રદૂષણ ચીમની મારફત લંડનની હવામાં ફેલાયું હતું.

સામાન્ય સંજોગોમાં પ્રદૂષિત હવા વાતાવરણમાં ફેલાઈ અને વિખેરાઈ ગઈ હોત, પરંતુ એ સમયે 'ઍન્ટિ-સાઇક્લોન'ની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેના કારણે સામાન્ય સંજોગોથી વિપરીત ઊંચાઈની સરખામણીમાં નીચેની હવા વધારે ઠંડી હતી.

એટલે ઘરો અને ચીમનીઓમાંથી નીકળતો ધુમાડો અને પ્રદૂષકો નીચે બેસી ગયા હતા. પૂર્વ તરફથી આવતી હવાને કારણે ફૅક્ટરીઓની પ્રદૂષિત હવા પણ શહેરની ઉપર છવાઈ ગઈ હતી.

વર્ષો પછી બીબીસીના કાર્યક્રમ 'વિટનેસ'માં એ દિવસોને યાદ કરતા ડૉ. બ્રાયને કહ્યું હતું, "પ્રદૂષણ એટલું ભયાનક હતું કે વ્યક્તિ તેના પગ પણ જોઈ ન શકે. એક વખત એવું બન્યું કે મારે ક્યાંક જવું હતું, પરંતુ આગળ કશું દેખાતું ન હતું. મેં ચાલવાનું શરૂ કર્યું. લગભગ દસેક મિનિટ ચાલ્યો હોઈશ કે જ્યાંથી શરૂ કર્યું હતું, ત્યાં જ પહોંચી ગયો હતો."

"તેમાંથી ગંધ આવતી હતી અને તેનો સ્વાદ ઍસિડિક હતો. તે પીળા રંગનો પી-સૉપર હતો. હૃદય તથા અસ્થમાની બીમારીથી પીડિત લોકો માટે એકદમ કપરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. લંડનમાં એક લાખ લોકો બીમાર થઈ ગયા હતા."

"આબાલવૃદ્ધ સૌને તકલીફ પડી રહી હતી. જે લોકોને ધૂમ્રપાન કરવાની આદત હતી તેમની શ્વાસનળી પર સોજા ચડી ગયા હતા. અમુક લોકોએ મોઢું ખોલીને શ્વાસ લેવાનો પ્રયાસ કરતો, જેથી કરીને તેમના ફેફસાં સુધી વાયુ પહોંચે."

ડૉ. બ્રાયનના કહેવા પ્રમાણે, લંડનમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે અંતિમવિધિ કરવા માટેનાં કૉફિન ખૂટી ગયાં હતાં. પાંચમીથી શરૂ થયેલી પરિસ્થિતિ નવમી ડિસેમ્બર સુધી યથાવત્ રહી હતી.

હવા બની હત્યારી

યુકેના હવામાન ખાતાએ તત્કાલીન પરિસ્થિતિનું વિશ્લેષણ કરતા લખેલું કે પાંચમી ડિસેમ્બરની સવારે લંડનનું આકાશ સ્વચ્છ હતું. મંદ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો હતો અને જમીનની નજીકની હવામાં ભેજ હતો. વિકિરણીય ધુમ્મસ સર્જાવા માટે આ આદર્શ પરિસ્થિતિ હતી.

જ્યારે ભેજવાળી હવા જમીનની નજીક પહોંચી ત્યારે 100થી 200 મીટરની ઊંચાઈ સુધી તે ઘટ્ટ થવા લાગી. લંડનની અસંખ્ય ચીમનીઓમાંથી ધુમ્મસનાં પાણીનાં ટીપાં ટપકતાં હતાં.

દરરોજ હવામાં અંદાજે એક હજાર ટન ધૂમ્રકણ, બે હજાર ટન કાર્બન ડાયૉક્સાઇડ, 140 ટન હાઇડ્રોક્લોરાઇડ ઍસિડ અને 14 ટન ફ્લોરિન ભળી રહ્યાં હતાં.

આ સિવાય 370 ટન સલ્ફર ડાયૉક્સાઇડ ભળ્યું હતું, જે આઠસો ટન સલ્ફ્યુરિક ઍસિડ બની ગયું હતું. જે કદાચ સૌથી વધુ ઘાતક સાબિત થયું હતું.

લોકોએ પ્રદૂષણથી બચવા માટે બન્ની માસ્કનો આશરો લીધો હતો, પરંતુ તે એટલો કારગત નહોતો. પશુઓને વ્હિસ્કી અને પાણીમાં ઝબોળેલા શણનાં માસ્ક પહેરાવ્યાં હતાં, જ્યારે પીઠ પર પણ શણ ઓઢાડવામાં આવ્યું હતું.

થેમ્સ નદીમાં બોટનું પરિવહન અને હવાઈ પરિવહન સ્થગિત થઈ ગયાં હતાં. શહેરના વાહન-વ્યવહારને ચાલુ રાખવા માટે પોલીસે દિવસ દરમિયાન પણ હાથમાં સળગતાં લાકડાં લઈને ફરજ બજાવવી પડતી. રસ્તા પર મોટી સંખ્યામાં કારો ન હોવા છતાં માર્ગ અકસ્માતો વધી ગયા હતા.

ટ્રેનના ચાલકો માટે સિગ્નલ જોવાં મુશ્કેલ હતાં, એટલે તેમણે કાન પર ભરોસો રાખવો પડતો. લોકો મોટી સંખ્યામાં બહાર નીકળવા માગતા હતા એટલે ટ્રેનો ભરાયેલી હતી. આ સિવાય રેલવેના કર્મચારીઓએ હાથમાં સળગતાં લાકડાં લઈને સિગ્નલ આપતાં.

વાયુપ્રદૂષણને કારણે અંદાજે 4 હજાર લોકોનાં મોત

જ્યારે પરિસ્થિતિ સુધરી ત્યાં સુધીમાં ભારે નુકસાન થઈ ગયું હતું. લગભગ ચાર હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે વાસ્તવિક આંકડો આથી વધારે હોવું અનુમાન મૂકવામાં આવે છે. અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા ઊભી થઈ હતી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સ્મિથફિલ્ડમાં શ્વાસ રુંધાવાને કારણે ગાયોનાં મૃત્યુ થયાં હતાં.

એક વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો મૃત્યુદર બમણો થઈ ગયો હતો. ન્યુમોનિયાના કારણે થનાર મૃત્યુ ચાર ગણાં વધી ગયાં. જેમને શ્વાસનળી પર સોજા હતા, તેમનામાં મૃત્યુદર નવ ગણો વધી ગયો હતો.

વર્ષ 1955માં લંડન ખાતે વાયુપ્રદૂષણનો અભ્યાસ કરવા માટે સંશોધન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું હતું તથા ડૉ. બ્રાયન તેના ત્રણ સ્થાપકસભ્યમાંના એક હતા.

પ્રદૂષણ ફેલાવતાં ઈંધણનો ઉપયોગ ન થાય કે ઘટે તે માટે 'ક્લિન ઍર ઍક્ટ' પસાર કરવામાં આવ્યો. ચીમનીઓને લગતા નિયમ પણ બનાવાયા હતા. ઘરને ગરમ રાખવા માટેના હીટરમાં કુદરતી ગૅસ તથા ઇલેક્ટ્રિસિટી વગેરેનો ઉપયોગ વધ્યો હતો.

ઇમ્પિરિયલ કૉલેજ દ્વારા એવા ટચૂકડા સાધનની શોધ કરવામાં આવી હતી, જે હવામાં રહેલા પ્રદૂષણનો આંક તથા તેમાં કેવા પ્રકારના પ્રદૂકો છે, તે દર્શાવતું હતું.

વર્ષ 1962માં ફરી એક વખત પ્રદૂષણ ફેલાયું હતું, જેમાં 750 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

વર્ષ 1968માં હવાની ગુણવત્તા સુધરે તે માટે વધુ એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો, તેના કારણે સ્થિતિ સુધરી અને વર્ષ 1952 જેવી ભયાનક સ્થિતિ ફરી સર્જાઈ ન હતી.

દાયકાઓ સુધી આ કાયદા યથાવત્ રહ્યા હતા, પરંતુ સમય સાથે જે પુરાણા થઈ ગયા હતા. ચળવળકારો નવા અને સજ્જડ કાયદાની માગ કરી રહ્યા હતા. છેવટે વર્ષ 2021માં 'ઍન્વાયરમૅન્ટ ઍક્ટ' પસાર કરવામાં આવ્યો. જેમાં આગામી 20 દરમિયાન પ્રદૂષણ અને પ્રદૂષકોને ઘટાડવાની સરકાર પર કાયદાકીય જવાબદારી નાખવામાં આવી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.