પોરબંદર અને દ્વારકામાં એક દિવસમાં 20થી 25 ઇંચ, સૌરાષ્ટ્રમાં અચાનક આટલો અત્યંત ભારે વરસાદ કેમ પડ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા થોડાક દિવસોમાંથી ક્યાંક ભારેથી અતિભારે તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે.
તો કેટલાક વિસ્તારોમાં અલગઅલગ જગ્યાએ છૂટોછવાયો વરસાદ પણ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે કેટલાક જિલ્લામાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયાં છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
અગાઉ જૂનાગઢ બાદ હવે પોરબંદર જિલ્લામાં પણ અતિભારે વરસાદ વરસી રહ્યો છે.
તો આગામી દિવસોમાં હજુ પણ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદનું જોર ચાલુ રહેશે.
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં 20 જૂન આસપાસ ચોમાસું જામ્યું છે અને ત્યાર બાદ સતત અલગઅલગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.
કેટલાક જિલ્લામાં અતિભારે તો, કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતના હવામાન વિભાગે આપેલા 19 જુલાઈ સુધીના આંકડા પ્રમાણે છેલ્લા કલાકોમાં જૂનાગઢ, પોરબંદર, વલસાડ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ વગેરે જિલ્લામાં વધુ વરસાદ પડ્યો છે.
પોરબંદરમાં 24 ઈંચ, કલ્યાણપુરમાં 18 ઈંચ, દ્વારકામાં 13 ઈંચ, કેશોદમાં 14 ઈંચ વરસાદ પડ્યો છે. પોરબંદર સહિતાના પ્રભાવિત વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો છે. પોરબંદરમાં અત્યાર સુધી 35 ઈંચ વરસાદ વરસ્યો છે. બીજી બાજુ દ્વારકામાં શુક્રવારે 13 ઈંચ વરસાદ નોંધાયો હતો. અતિભારે વરસાદને પગલે વિસ્તારમાં જનજીવનને વ્યાપક અસર પહોંચી છે. જૂનાગઢ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. કેશોદમાં એક જ દિવસમાં 9 ઈંચ વરસાદ પડ્યો છે.
તો રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો છે.
દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડના ઉમરગામમાં 151 મિમી વરસાદ પડ્યો છે. પારડી, વાપી, વલસાડ તાલુકામાં પણ સારો વરસાદ થયો છે.

સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાનું કારણ શું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનું કારણ સર્જાયેલી વરસાદી સિસ્ટમ છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ બીબીસી સાથે વાત કરતા કહે છે, "હાલમાં જે સિસ્ટમ બનેલી છે એ ઉત્તર ગુજરાત, કચ્છ અને અરબી સમુદ્રની આસપાસ બનેલી છે, જેની સૌથી વધારે અસર સૌરાષ્ટ્રમાં થઈ હોવાથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે અને ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ થયો છે."
"દક્ષિણ ગુજરાતમાં શીઅર ઝોન અને ઑફ્ટર ટ્રફ (હવાનું હળવું દબાણ) રેખા જે દક્ષિણ ગુજરાતથી લઈને કર્ણાટક સુધી અરબી સાગરમાં બનેલી છે, તેના કારણે અહીં વરસાદ થયો છે.
તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઍગ્રોનૉમી વિભાગના વડા ડૉ. ધીમંત વઘાસિયા બીબીસીને કહે છે, "ચોમાસાની ધરી તેની સામાન્ય સ્થિતિથી દક્ષિણ બાજુ ઝૂકેલી છે. એના કારણે વરસાદનું પ્રમાણ મધ્ય ભારત, ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધુ છે."
"ઉત્તર ગુજરાત અને કચ્છની આજુબાજુમાં જે સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું હતું, તેના કારણે ભેજનું પ્રમાણ આ વિસ્તારમાં વધુ જોવા મળ્યું છે અને એટલે વરસાદનું પ્રમાણ દરિયાકાંઠાના વિસ્તારમાં વધારે જોવા મળ્યું છે."
હજુ કેટલા દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે?
હવામાન વિભાગ અનુસાર, આગામી ચાર-પાંચ દિવસમાં ગુજરાતમાં હજુ પણ વરસાદ પડી શકે છે.
20 જુલાઈની વાત કરીએ તો રાજકોટ, અમેરલી, જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
આ સિવાય કચ્છ, જામનગર, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
20 જુલાઈ બાદ સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, બોટાદ, આણંદ, વડોદરા જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
તો મોરબી, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ભારે વરસાદથી ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા ભારે વરસાદ અને તેનાથી થયેલા નુકસાન અંગે પત્રકારપરિષદ ભરી હતી.
તેમણે પણ જણાવ્યું કે આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
સરકારી તંત્ર અંગે તેમણે કહ્યું કે "જિલ્લાસ્તરે પણ કંટ્રોલરૂમ શરૂ કર્યા છે અને સતત ધ્યાન રાખી રહ્યા છે. રાહત માટે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ પણ જે તે જિલ્લામાં જરૂર લાગે તેટલી તહેનાત રાખી છે."
"અલગઅલગ જિલ્લામાં 45 લોકોનો વહીવટી તંત્ર દ્વારા બચાવાયા છે અને અંદાજે 400 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે."
વરસાદથી થયેલા નુકસાન અંગે તેમણે કહ્યું કે "છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદને કારણે 57 ગામો અસરગ્રસ્ત થયાં છે. 359 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો છે. જે પૈકીનાં 314 ગામોમાં વીજપુરવઠો પૂર્વવત્ કરવામાં આવ્યો છે અને 45 ગામોમાં કામગીરી ચાલુ છે."













