વીરપ્પનને મારવા નહીં, જીવતો પકડવા માગતા ફૉરેસ્ટ ઑફિસરની કહાણી જેની હત્યા કરી વીરપ્પને માથું ઉતરાવી લીધું હતું

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

નોંધ: અહેવાલના આગળના અમુક અંશ સંવેદનશીલ વાચકને વિચલિત કરી શકે છે. વાંચનારનો વિવેક અપેક્ષિત.

"હું શ્રીનિવાસની છાતીમાંથી લોહી નીકળતું જોવા માગતો હતો. શું બની રહ્યું છે, તેના વિશે એને ખબર પડે તે પહેલાં મેં બંદૂક કાઢી અને ગોળી મારી દીધી. મેં તેનું માથું વાઢી લીધું અને તેના હાથ કાપી નાખ્યા. આ હાથ મારી તરફ મશીનગન તાકવા માગતા હતા, મેં તેનું માથું યાદગીરી તરીકે રાખી લીધું."

હાથીદાંત અને ચંદનનાં લાકડાંની તસ્કરીના કુખ્યાત આરોપી વીરપ્પને ઇન્ડિયન ફૉરેસ્ટ ઑફિસર પંડિલાપલ્લી શ્રીનિવાસની હત્યા વિશે આ વાત કહી હતી.

વર્ષ 1991માં શ્રીનિવાસ અને વીરપ્પનની વચ્ચે છેલ્લી મુલાકાત થઈ, તેના લગભગ પાંચ વર્ષ પહેલાં બંનેનો આમનોસામનો થયો હતો. વીરપ્પનના મનમાં પોતાની બહેનનાં મૃત્યુને કારણે પણ શ્રીનિવાસની સામે વ્યક્તિગત રીતે ખુન્નસ હતું.

વીરપ્પનની ગોઠવાયેલી વ્યૂહરચનામાં શ્રીનિવાસ ફસાઈ ગયા હતા અને મૃત્યુ સમયે જે ચહેરો તેમની નજર સામે આવ્યો, તેની ઉપર તેઓ ખૂબ જ વિશ્વાસ કરતા હતા.

શ્રીનિવાસને ફરજ પ્રત્યે અપ્રતિમ નિષ્ઠા દેખાડવા બદલ તેમને શાંતિ સમયના બીજા સર્વોચ્ચ વીરતા પુરસ્કાર 'કિર્તી ચક્ર'થી નવાજવામાં આવ્યા હતા.

પાંચ વર્ષ પહેલાં...

નવેમ્બર-1986માં કર્ણાટકની રાજધાની બેંગ્લોર ખાતે 'સાર્ક'ની (સાઉથ એશિયન ઍસોસિયેશન ફૉર રિજનલ કૉર્પોરેશન) બેઠક મળી રહી હતી. શ્રીલંકાના રાષ્ટ્રપતિ જે. જયવર્ધને આવી રહ્યા હતા, એટલે વિશેષ સુરક્ષા ગોઠવવામાં આવી હતી. આ બાજુ શ્રીલંકામાં તામિલ ઉગ્રવાદી સંગઠન એલટીટીઈએ માથું ઊંચકવાનું શરૂ કરી દીધું હતું.

કોઈપણ મોટા કાર્યક્રમ પહેલાં બને તેમ, પોલીસે સુરક્ષાવ્યવસ્થા વધારી દીધી હતી. શકમંદોને રાઉન્ડઅપ કરવામાં આવી રહ્યા હતા. આવા સમયે બૅંગલુરુના બસસ્ટેશન પાસે એક શકમંદને અટકાવવામાં આવ્યો. 'તારું નામ શું છે?' , 'તું ક્યાંથી આવ્યો છે?' , 'તું બેંગ્લોર શા માટે આવ્યો છે?' , 'તું ક્યાં ઉતર્યો છે?' વગેરે જેવા મૂળભૂત સવાલોના તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.

વધુમાં તે કન્નડ ભાષા પણ જાણતો ન હતો, એટલે તેને શંકાના આધારે રાઉન્ડ-અપ કરી લેવામાં આવ્યો અને જયાનગર પોલીસ સ્ટેશન મોકલી દેવામાં આવ્યો. પૂછપરછ દરમિયાન તેની ઓળખ વીરપ્પન તરીકે પ્રસ્થાપિત થઈ.

વીરપ્પનનો જન્મ કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ગોપીનાથમ ગામ ખાતે ગરીબ પરિવારમાં થયો હતો. આ ગામ જંગલોની વચ્ચે આવેલું છે અને તેની આસપાસ ચંદનનાં વૃક્ષો મોટા પાયે જોવા મળતાં અને હાથીઓનાં ઝૂંડ ફરતાં. ચંદનનાં વૃક્ષો અને હાથી જ આગળ જતાં વીરપ્પનને કુખ્યાત બનાવનારાં હતાં.

તે તમિલનાડુની સરહદે આવેલું હોવાથી વીરપ્પન અને તેની ટોળકી એક રાજ્યમાં ગુનો આચરીને બીજા રાજ્યમાં નાસી છૂટતાં, જેના કારણે પગેરું દાબવા છતાં ધરપકડ ન થઈ શકતી. કર્ણાટક અને તામિલનાડુ પોલીસને લાંબા સમય પછી આ ભૂલ સમજાઈ હતી અને સંયુક્ત સ્પેશિયલ ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું.

વર્ષ 1972માં વાઇલ્ડલાઇફ પ્રૉટેક્શન ઍક્ટ પસાર થયો, તે પછી હાથીઓના નિરંકુશ શિકાર ઉપર ગાળિયો કસાયો હતો. વીરપ્પનનો હરીફ દાણચોર ધંધામાંથી રિટાયર્ડ થઈ ગયો હતો એટલે તેને મોકળું મેદાન મળી ગયું હતું.

વીરપ્પનની ધરપકડ ઔપચારિક રીતે દેખાડવામાં આવી ન હતી, કારણ કે આમ કરવામાં આવે તો કાયદાકીય જોગવાઈ મુજબ અદાલતમાં રજૂ કરવાની ફરજ પડે.

ફૉરેસ્ટ સેલે વીરપ્પનનો કબજો કરી લીધો હતો. ચામરાજનગરમાં તહેનાત ફૉરેસ્ટ ઑફિસર પી. શ્રીનિવાસે અગાઉ જ વીરપ્પન, તેની પ્રવૃત્તિ વિશે, તેના સંપર્ક વિશે ખૂબ જ સંશોધન કરી રાખ્યું હતું.

એટલે વીરપ્પનનો કબજો શ્રીનિવાસને સોંપી દેવામાં આવ્યો. વીરપ્પનની કથિત ચંદનની દાણચોરીના નેટવર્ક, તેની શિકારની પદ્ધતિ, ખરીદદારો, સંગ્રહસ્થાનો ઉપર રેડ કરવાની શરૂ કરી દીધી. આ કામ લગભગ એક મહિન સુધી ચાલતું રહ્યું. હજુ સુધી તેની ઔપચારિક ધરપકડ દેખાડવામાં આવી ન હતી.

બોડીપડ્ડગાના ફૉરેસ્ટ ગેસ્ટહાઉસમાં પોલીસ કૉન્સ્ટેબલ તથા ફૉરેસ્ટ ગાર્ડ્સની વીરપ્પન પર નજર હતી.

એક દિવસ શ્રીનિવાસ કોઈક કામસર બહાર ગયા. સંત્રીઓ ઢીલા પડતા જ તક જોઈને વીરપ્પનને નાસી છૂટવામાં સફળતા મળી. આ ઘટનામાં પ્રત્યક્ષ સંડોવણી ન હોવા છતાં તેમને ખૂબ જ આત્મગ્લાનિ થઈ.

વીરપ્પનની ધરપકડ અને નાસી છૂટવાનો કિસ્સો તેના જીવન ઉપર વ્યાપક સંશોધન કરનારા પત્રકાર સુનાદ રઘુરામે તેમના પુસ્તક 'વીરપ્પન: ઇન્ડિયાસ મૉસ્ટ વૉન્ટેડ મૅન'માં (પેજનંબર 35-37) લખ્યો છે.

શ્રીનિવાસ વિ. વીરપ્પન

તત્કાલીન આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા પી. શ્રીનિવાસના જીવન વિશે બહાર પાડવામાં આવેલી માહિતીપુસ્તિકા મુજબ, તા. 12 સપ્ટેમ્બર 1954ના તત્કાલીન આંધ્ર પ્રદેશના રાજામુંદ્રી ખાતે શ્રીનિવાસનો જન્મ થયો હતો.

શ્રીનિવાસે વર્ષ 1976માં આંધ્ર પ્રદેશ યુનિવર્સિટીમાં લાઇફ સાયન્સ વિષયમાં ગૉલ્ડ મૅડલ સાથે પાસ થયા. વર્ષ 1979માં તેમણે ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસની સેવા પાસ કરી. ચામરાજનગરમાં આસિસ્ટન્ટ કન્ઝર્વૅટર ઑફ ફોરેસ્ટ તરીકે તેમની નિમણૂક થઈ અને કાળક્રમે ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ પણ બન્યા.

તેમણે ચંદનતસ્કરોના નામ, તસ્વીરો, ગામ, ઉંમર, સાગરિતો, સપ્લાયરો વગેરે સહિતની માહિતી એકઠી કરવાનું શરૂ કરી દીધું. જંગલમાં સંચારવ્યવસ્થાને સુદ્રઢ કરવા માટે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસની વચ્ચે વાયરલૅસનું નેટવર્ક વિકસાવ્યું, જેથી કરીને તાત્કાલિક માહિતી મળી શકે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કેટલીક વખત જંગલવિભાગ, પૉલીસ કે સ્પૅશિયલ ટાસ્ક ફૉર્સના કર્મચારીઓ દ્વારા વીરપ્પન વિશે માહિતી કઢાવવા માટે ગ્રામજનો ઉપર અત્યાચાર ગુજારવામાં આવતાં, જેના કારણે તેમના મનમાં વીરપ્પન પ્રત્યેનું આકર્ષણ રહેતું. જોકે, વીરપ્પન દ્વારા પણ જેના ઉપર જંગલખાતા કે પોલીસવિભાગના બાતમીદાર હોવાની શંકા હોય તેનું માથું ધડથી અલગ કરીને ગામમાં તેને લટકાવી દાખલો બેસાડવાનો પ્રયાસ થતો.

પોલીસજવાનોથી વિપરીત વીરપ્પનને જંગલવિસ્તાર તેના નદી, ઝરણાં, પશુ-પક્ષી, વનસ્પતિ, ઔષધી અંગે પૂરતી માહિતી હતી. જેના કારણે તેને એસટીએફને થાપ આપવામાં સફળતા મળતી. આ જંગલવિસ્તાર એટલા ગાઢ હતા કે ક્યાંક તો કદાચ ક્યારેય સૂર્યપ્રકાશ જ નહોતો પડ્યો કે કોઈ માણસે કદાચ ક્યારેય ડગ નહોતાં માંડ્યા.

રઘુરામ લખે છે કે વર્ષ 1987માં શ્રીનિવાસની બદલી કૉફીથી સમૃદ્ધ કર્ણાટકના ચિકમંગલૂર વિસ્તારમાં થઈ. આમ છતાં તેનું પગેરું દાબવાનું ચાલુ રાખ્યું. તેઓ બસમાં ચામરાજનગર પહોંચી જતાં અને નવા-નવા બાતમીદારો વિકસાવતા તથા પૂરક માહિતી મેળવતા.

શ્રીનિવાસ વિ. વીરપ્પન અને રૉબિનહૂડ

તત્કાલીન આંધ્ર પ્રદેશના જંગલવિભાગ દ્વારા વનસંપત્તિની સુરક્ષામાં મૃત્યુ પામનારા કર્મચારીઓની સ્મૃતિમાં 'ફૉરેસ્ટ માર્ટયર્સ' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. બી.આર. રેડ્ડી દ્વારા સંપાદિત પુસ્તકના પેજનંબર (34) ઉપર જણાવ્યા પ્રમાણે, શ્રીનિવાસને ઉચ્ચ તાલીમ માટે યુએસએ મોકલવામાં આવ્યા હતા.

ઍપ્રિલ-1990માં વીરપ્પને તેનું પગેરું દાબી રહેલાં ત્રણ પોલીસવાળા અને એક કૉન્સ્ટેબલને કચડી નાખ્યા. આ ઘટના પછી કર્ણાટક અને તમિલનાડુની સરકારે સંયુક્ત ટાસ્કફૉર્સનું ગઠન કરવાનું નક્કી કર્યું. શ્રીનિવાસને આ ટાસ્કફૉર્સ માટે પસંદ કરવામાં આવ્યા અને તેઓ ભારત પરત ફર્યા અને મે-1990માં એસટીએફ સાથે જોડાઈ ગયા.

સ્થાનિકોમાં વીરપ્પનની છાપ 'રૉબિનહૂડ' જેવી હતી. જે અમીરો પાસેથી લૂંટીને અથવા તો તસ્કરી દ્વારા ગરીબોને મદદ કરે છે. જેના કારણે યુવાનોને વીરપ્પનની ટોળીમાં જોડાવું હતું. તેઓ વીરપ્પનની ટુકડીને બાતમી આપવાનું, તેમની અવરજવરને ગુપ્ત રાખવાનું અને તેમના સુધી ચીજવસ્તુઓ પહોંચાડવાનું કામ કરતા.

રઘુરામ તેમના પુસ્તકના ત્રીજા પ્રકરણમાં લખે છે કે શ્રીનિવાસને જોયું કે મૂળભૂત સેવાઓ અને આર્થિકતકોના અભાવે લોકો વીરપ્પનને સહકાર આપે છે અથવા તો તેની ગૅંગમાં જોડાઈ જાય છે. તેમણે ગ્રામજનોને રોજગાર મળે તે માટે નાની-નાની સહકારી મંડલીઓની સ્થાપના કરાવી જે વનપેદાશો વેચતી. તેમણે પોતાનાં હદવિસ્તારમાં ગામડાંમાં પાણી અને ગટરવ્યવસ્થા સુદ્રઢ કરાવડાવી.

તેઓ હિંસાના બદલે અહિંસાના માર્ગે હથિયાર મૂકાવડાવવા માગતા હતા. શ્રીનિવાસે વીરપ્પનના ગામમાં ડિસ્પૅન્સરી શરૂ કરી હતી. દાદા પાસેથી રાજામુંદ્રીમાં શીખેલા આયુર્વેદના પાઠના આધારે તેઓ ગ્રામજનોની શરદી, ઉધરસ, તાવ, ઝાડા જેવી બીમારીઓની સારવાર કરતા. સેવાકીય પ્રવૃત્તિઓ માટે તેઓ જરૂર પડ્યે ખિસ્સામાંથી અને મિત્રો પાસેથી લઈને કે ફાળો કરીને પણ કામ ચાલુ રાખતા.

આજે પણ અનેક ગ્રામજનો કહે છે કે બીમારીમાં શ્રીનિવાસ તેમને નજીકની હૉસ્પિટલે પોતાની જીપમાં બેસાડીને લઈ જતાં અથવા પ્રસૂતાઓને સલામત બાળજન્મ કરાવવામાં મદદ કરતા. વીરપ્પનની ગૅંગના લગભગ 20 જેટલા સભ્યો આત્મસમર્પણ કરી ચૂક્યા હતા. તેઓ પોતાના ગોપીનાથમમાં જ શ્રીનિવાસની સાથે રહેતાં. જેમાં વીરપ્પનનાં પત્ની મુથ્થુલક્ષ્મી, ભાઈ અર્જુનન, બહેન સહિત અનેક જૂના અને વિશ્વાસુ સાથી હતા.

વીરપ્પનનાં પત્ની મુથ્થુલક્ષ્મીના કથન પ્રમાણે, "તે બિલકુલ સારો માણસ ન હતો, તે સારો હોવાનું નાટક કરતો હતો. તે આ ગામમાં એ જાણવા માટે આવ્યો હતો કે ગ્રામજનો વીરપ્પનને શા માટે ભગવાનની જેમ માને છે તે જાણવા માટે અમારા ગામડે આવ્યો હતો. તેણે વિચાર્યું કે જે વીરપ્પન કરે છે એજ બધું હું કરું તો ગ્રામજનો વીરપ્પન ઉપર વિશ્વાસ કરશે કે મારી ઉપર ? આ વાત મારા પતિને ખૂબ જ ખટકી હતી."

રઘુરામ લખે છે કે શ્રીનિવાસે મરિયમ્મા મંદિરનું પુનઃનિર્માણ કરાવડાવ્યું હતું અને તેના પૂજારી તથા કર્મચારીઓને પગાર મળી રહે તે માટે રૂ. ત્રણ લાખની ડિપૉઝિટમાં પણ જમા કરાવ્યા હતા. આગળ જતાં આ જ શ્રીનિવાસના મોતનું નિમિત્ત બનવાનું હતું.

તેજોદ્વેષમાં તેજોવધ?

શ્રીનિવાસે તેમની ડિસ્પૅન્સરીમાં મરિયમ્માને કામ આપ્યું હતું. તેનાં પતિ જેલમાં બંધ હતાં અને તેમને ત્રણ સંતાન હતાં. મરિયમ્મા પાણી ગરમ કરવાનું, દવાની પડીકીઓ વાળી અપાવવાનું, વગેરે જેવાં કામ કરતાં. તેઓ વીરપ્પનનાં સૌથી લાડકાં બહેન હતાં.

શ્રીનિવાસ સ્પેશિયલ ટાસ્કફોર્સના સર્વેસર્વા હતા. તેમને વિશ્વાસ હતો કે વીરપ્પનની પાસે આત્મસમર્પણ કરાવડાવી શકાશે. એટલે તેમણે સાથીઓની ધરપકડને સરકારી ચોપડે દેખાડી ન હતી. તેઓ શ્રીનિવાસની સાથે રહેતાં અને મુક્ત રીતે હરીફરી શકતાં.

એક તબક્કે એસટીએફે વીરપ્પનને પકડવા તેના ગામથી નજીક ઘેરો ઘાલ્યો હતો, આ તબક્કે તેમણે વીરપ્પનને ગોળી નહીં મારવાની ટાસ્કફોર્સને સૂચના આપી હતી જેના કારણે જવાનોમાં શ્રીનિવાસ પ્રત્યે ભારે આક્રોશ હતો. વળી તેઓ પોલીસવિભાગમાંથી હતા અને શ્રીનિવાસ વનવિભાગમાંથી. સત્તાના ક્રમ પ્રમાણે, તેમણે શ્રીનિવાસને રિપોર્ટ કરવું પડતું.

એસટીએફમાં 'ટાઇગર' તરીકે ઓળખાતા અશોકકુમારના કહેવા પ્રમાણે, "ગ્રામજનો જોતાં કે સાંજે છ-સાત વાગ્યે શ્રીનિવાસ અને મરિયમ્મા જીપમાં સાથે બેસીને નીકળતાં. કૉન્સ્ટેબલ સુદ્ધાં બંને વચ્ચે સંબંધ હોવાની ચર્ચા કરવા લાગ્યા હતા."

સ્પેશિયલ ટાસ્ક ફૉર્સે છેલ્લા કેટલાક સમયથી વીરપ્પન સામે કોઈ નોંધપાત્ર સફળતા મળી ન હતી. એસટીએફના કમાન્ડન્ટે મુક્ત રીતે હરીફરી રહેલાં ગોપીનાથમના નિવાસીઓની ધરપકડ કરી લીધી અને તેમને છેટે મોકલી દેવામાં આવ્યા. આ વચનદ્રોહ હતો, જેના કારણે ગોપીનાથમમાં શ્રીનિવાસ વિશે ભારે આક્રોશ પ્રવર્તમાન હતો.

વીરપ્પનનાં પત્ની મુથ્થુલક્ષ્મી પોલીસની નજરકેદમાંથી નાસી છૂટ્યાં, જેમાં કથિત રીતે મરિયમ્માએ તેમને મદદ કરી હતી. આથી, શ્રીનિવાસ તેમની ઉપર ખૂબ જ નારાજ થયા.

રઘુરામ તેમના પુસ્તકમાં લખે છે કે મરિયમ્માને ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ મુથ્થુલક્ષ્મી વિશે બધી માહિતી નહીં આપે તો તેમને નિર્વસ્ત્ર કરીને વીજકરંટ આપવામાં આવશે. આ સાંભળીને મરિયમ્મા ગભરાઈ ગયાં.

મુથ્થુલક્ષ્મીનાં કહેવા પ્રમાણે, "વીરપ્પને તેની બહેનને પત્ર લખીને કહ્યું હતું કે હવે જો તે દેખાય તો તેની ઉપર ગરમ તેલ નાખીને તેને મારી નાખજે. અન્યથા તું મારી બહેન નહીં."

તત્કાલીન ફૉરેસ્ટ ઑફિસર બીકે સિંહના કહેવા પ્રમાણે, "એસટીએફના લોકો વીરપ્પનને લગતો એક પણ કેસ ઉકેલી શક્યા ન હતા, બીજી બાજુ, શ્રીનિવાસે એકલા હાથે 22 લોકોનાં આત્મસમર્પણ કરાવડાવ્યાં હતાં."

પડદો ઉઠ્યો, ખેલ પડ્યો

શ્રીનિવાસે તેમના વ્યક્તિગત સંબંધોનો ઉપયોગ કરીને જેલમાંથી અર્જુનની મુક્તિ કરાવડાવી હતી. તા. 12 સપ્ટેમ્બર 1991ના શ્રીનિવાસે તેમનો 37મો જન્મદિવસ ઉજવ્યો હતો. મરિયમ્માના મૃત્યુને કારણે વીરપ્પનમાં ખૂબ જ આક્રોશ ભરાયેલો હતો. પરંતુ શ્રીનિવાસ આ વાતથી અજાણ હતા.

એસટીએફમાં તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હતો, પરંતુ શ્રીનિવાસને આશા હતી કે જ્યારે અર્જુનન પરત ફરશે, ત્યારે તે કંઇક સારા સમાચાર લાવશે. એટલે જ તેમણે ઉચ્ચઅધિકારીઓ પાસેથી 15 દિવસનો સમય માગ્યો હતો.

શ્રીનિવાસને આપવામાં આવેલાં કીર્તિચક્રના લખાણ પ્રમાણે, એક દિવસ શ્રીનિવાસ કાલી મંદિરમાં પૂજા કરી રહ્યા હતા, ત્યારે અર્જુનને આવીને શ્રીનિવાસને કહ્યું કે વીરપ્પન હથિયાર ત્યજીને તેમના સમક્ષ સરેન્ડર કરવા માગે છે. તેણે શરત મૂકી હતી કે શ્રીનિવાસની સાથે કોઈ પોલીસવાળા ન હોવા જોઈએ. તા. નવમી નવેમ્બરના વહેલી સવારે તેઓ અર્જુનન સાથે ગોપીનાથમથી નીકળ્યા. શ્રીનિવાસન પાસે કોઈ હથિયાર ન હતું.

લગભગ છએક કિલોમીટર જેટલો પલ્લો કાપ્યા બાદ અર્જુનને ઝરણાંના કિનારે આરામ કરવા રોકાવા કહ્યું. વીરપ્પનના સાગરિત કોલાન્ડીએ તેમને ગોળી મારી. નાટક પરથી પડદો ખુ્લી ગયો હતો, વીરપ્પને જ તેના ભાઈ અર્જુનનો ઉપયોગ કર્યો હતો કે જેથી શ્રીનિવાસનને ફસાવીને બહેનનાં મૃત્યુનો કથિત બદલો લઈ શકાય.

શ્રીનિવાસનના અડધા શરીરને પેટ્રોલ છાંટીને આગ લગાડી દીધી. તેમનું માથું અને બંને હાથ ઉતારી લીધાં. આ રીતે વીરપ્પને પોતાના ગામમાં, જંગલખાતામાં અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. રઘુરામ તેમનાં પુસ્તકમાં લખે છે કે મુથ્થુલક્ષ્મીએ શ્રીનિવાસના માથાને લાત મારી હતી.

તા. 18 ઑક્ટોબર 2004ના તામિલનાડુ પોલીસની સ્પેશિયલ ટાસ્કફોર્સના હાથે વીરપ્પન તથા ત્રણ અન્ય સાથીઓનું અવસાન થયું. વીરપ્પનને પકડવા માટે બંને રાજ્યોની પોલીસે હજારો લોકોને કામે લગાડ્યા હતા અને કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

કેટલાક લોકોનું કહેવું છે કે વીરપ્પનને ચૂપ કરીને બંને રાજ્યના અનેક નેતાઓના રહસ્ય ઉપર હંમેશા માટે પડદો પાડી દેવામાં આવ્યો.

હાઈકોર્ટમાં મૃત્યુ મુદ્દે તપાસ હાથ ધરવાની માગ કરી. જેમાં વીરપ્પન તથા તેની ગૅંગ ઉપર લગભગ બે હજાર નર હાથી, 40 હજાર કિલોગ્રામ ચંદનની તસ્કરી, 124 લોકોનાં મૃત્યુના આરોપ હતા, જેમાંથી અડધોઅડધ વનકર્મી કે પોલીસકર્મી હતા. આ સિવાય કન્નડ ફિલ્મઅભિનેતા રાજકુમારનું અપહરણ કરવામા આવ્યું હોવાનું પણ હાઈકોર્ટને જણાવવામાં આવ્યું હતું અને સીબીઆઈ તપાસને નકારી કાઢી હતી.

મુથ્થુલક્ષ્મી, બીકે સિંહ અને અશોકકુમારના નિવેદન 'ધ હન્ટ ફૉર વીરપ્પન' ડૉક્યુસિરીઝના આધારે લેવામાં આવ્યાં છે.