ભારત ઑસ્ટ્રેલિયા ટી20 : વર્લ્ડકપમાં ન રમી શકેલા અક્ષર પટેલે ભારતને સિરીઝ કેવી રીતે જિતાડી દીધી?

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મૅચોની ટી-20 શ્રેણી ભારતે 3-1થી જીતી લીધી છે.

રાયપુરમાં રમાયેલી શ્રેણીની ચોથી મૅચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 20 રને પરાજય આપ્યો હતો.

યુવા ખેલાડી સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતે પહેલી સિરીઝ જીતી છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી, રોહિત શર્મા, બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓને આ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે.

મૅચ શરૂ થાય તે પહેલા રાયપુરનું શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ સતત વિવાદમાં રહ્યું હતું. છેલ્લાં પાંચ વર્ષથી વીજળીનું બિલ ભરાયું ન હોવાને કારણે સ્ટેડિયમના કેટલાક ભાગમાં વીજળી જ નહોતી. જોકે, અંતે સત્તાવાળાઓ મૅચનું આયોજન કરવામાં સફળ નીવડ્યા હતા.

ભારતનું બેટિંગમાં સાધારણ પ્રદર્શન

શ્રેણીની આ ચોથી મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી હતી.

યુવા ઓપનિંગ બૅટ્સમૅન યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડે ભારતને સારી શરૂઆત અપાવી હતી. યશસ્વીએ 28 બૉલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 37 રન ફટકાર્યા હતા.

પરંતુ તેમના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલા શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવ અનુક્રમે 8 રન અને 1 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

જોકે, રિંકુ સિંઘ અને પોતાની કારકિર્દીની માત્ર ચોથી મૅચ રમી રહેલા વિકેટકીપર બૅટ્સમેન જીતેશ શર્માએ લડખડાયેલી ભારતની ઇનિંગ્સને આધાર આપ્યો હતો.

રિંકુ સિંહના 46 રન અને જીતેશ શર્માના આક્રમક 19 બૉલમાં 35 રનને કારણે ભારત 174ના સ્કોર સુધી પહોંચી શક્યું હતું.

જીતેશ શર્માએ ફટકારેલા એક શોટથી અમ્પાયર અનંત પદ્મનાભન માંડ માંડ બચ્યા હતા. ઈજાથી બચવા તેમણે બૉલનો કૅચ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

ભારતે છેલ્લા નવ બૉલમાં જ પાંચ વિકેટો ગુમાવી હતી. ઑસ્ટ્રેલિયા તરફથી ડ્વાર્શિયસે સૌથી વધુ ત્રણ વિકેટો ઝડપી હતી.

અક્ષર પટેલની ધમાલ

જીતવા માટે 175 રનના પડકારનો પીછો કરવા ઊતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમને ટ્રેવિસ હૅડે આક્રમક શરૂઆત અપાવી હતી. તેણે 16 બૉલમાં જ 31 રન ફટકાર્યા હતા.

રવિ બિશ્નોઈએ ભારતને પહેલી સફળતા ફિલિપને આઉટ કરીને અપાવી હતી. જોકે, પછી આવેલા કોઈ બૅટ્સમૅનને અક્ષર પટેલે ટકવા દીધા નહીં.

ટ્રેવિસ હૅડ, આરોન હાર્ડી અને બૅન મૅક્ડરમોટની ત્રણ વિકેટો અક્ષર પટેલે લીધી હતી અને ઑસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટે 87 રન થઈ ગયો હતો. હાર્ડી અને મૅક્ડરમોટને તેણે બૉલ્ડ કર્યા હતા.

પછી ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅનોએ પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ નિયમિત અંતરે તેમની વિકેટો પડતી રહી હતી. દીપક ચહરે પણ બે વિકેટો ઝડપી હતી.

અક્ષર પટેલે માત્ર 16 રન આપીને 3 વિકેટ ઝડપતાં તેમને 'પ્લેયર ઑફ ધી મૅચ' જાહેર કરવામાં આવ્યા હતા.

ઑસ્ટ્રેલિયાની અડધી ટીમ પરત ફરી ગઈ

શ્રેણીની ચોથી મૅચ નિર્ણાયક હોવા છતાં આ મૅચ પહેલા જ ગ્લૅન મેક્સવેલ, સ્ટોઇનિસ, સ્ટીવ સ્મિથ અને એડમ ઝામ્પા ઑસ્ટ્રેલિયા પરત ફર્યા હતા.

વર્લ્ડકપની ટીમમાં હોય તેવા એકમાત્ર ખેલાડી ટ્રેવિસ હૅડ જ આ શ્રેણીમાં રમી રહ્યા છે.

શ્રેણીની આખરી ઔપચારિક મૅચ હવે 3 ડિસેમ્બરે બેંગલુરુમાં રમાશે.