ભારતના પાડોશી દેશો બીસીસીઆઈથી નારાજ છે?

    • લેેખક, જાહ્નવી મૂળે
    • પદ, બીબીસી સંવાદદાતા

વન ડે ઈન્ટરનેશનલ વર્લ્ડકપ સ્પર્ધા પૂરી થઈ ગઈ છે. ભારતીય ટીમ વિજેતા તો ન બની, પરંતુ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેનું પ્રભુત્વ રહ્યું હતું.

ટુર્નામેન્ટમાં મેદાન પર ભારત અને ઑસ્ટ્રેલિયાની શક્તિ જોવા મળી તેની સાથે ક્રિકેટ સમુદાયમાંનાં કેટલાંક ઘર્ષણ પણ બહાર આવ્યાં.

નોંધપાત્ર વાત એ છે કે બોર્ડ ઑફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિ્યા (બીસીસીઆઈ)ની પણ ટીકા થઈ હતી. તેના સંદર્ભમાં સવાલ થાય કે ભારતના પાડોશી દેશો બીસીસીઆઈથી નારાજ છે?

અફઘાનિસ્તાન અને નેપાળને બાદ કરતાં દક્ષિણ એશિયાના મુખ્ય ત્રણ દેશો પાકિસ્તાન, શ્રીલંકા તથા બાંગ્લાદેશના ભૂતપૂર્વ ખેલાડીઓ તેમજ વહીવટકર્તાઓએ તાજેતરમાં બીસીસીઆઈ સંદર્ભે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે અથવા તેમણે નારાજગી વ્યક્ત કરી છે.

શું થયું છે તેના પર નજર કરીએ.

અર્જુન રણતુંગાએ જય શાહની ટીકા કરી

શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર અર્જુન રણતુંગાએ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પર શ્રીલંકા ક્રિકેટ બોર્ડ(એસએલસી)ની આંતરિક બાબતોમાં દખલ કરવાનો આક્ષેપ કર્યો હતો.

એ પછી શ્રીલંકા સરકારે ઔપચારિક માફી માગી હતી અને સ્પષ્ટતા કરી હતી.

એસએલસીમાં થોડા સમયથી ઉથલપાથલ ચાલી રહી છે, પરંતુ વિશ્વ કપમાં તેની ટીમના કંગાળ પ્રદર્શનને પગલે ત્યાં હોબાળો થયો, સરકારી હસ્તક્ષેપ થયો અને તેના પરિણામે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઈસીસી) શ્રીલંકાના ક્રિકેટ બોર્ડને તમામ ક્રિકેટિંગ બાબતોમાંથી સસ્પેન્ડ કરી નાખ્યું.

સમગ્ર મામલા વિશે ટિપ્પણી કરતાં રણતુંગાએ કહ્યું હતું, "એસએલસીના અધિકારીઓ અને જય શાહ વચ્ચેના સંબંધને કારણે બીસીસીઆઈ એવું માને છે કે તેઓ એસએલસીને નિયંત્રિત કરી શકે છે. જય શાહના કારણે એસએલસી બરબાદ થઈ રહ્યું છે."

"ભારતની એક વ્યક્તિ શ્રીલંકન ક્રિકેટને બરબાદ કરી રહી છે. તે માત્ર તેના પિતાને કારણે જ શક્તિશાળી છે, જેઓ ભારતના ગૃહપ્રધાન છે."

જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ પણ છે.

રણતુંગાની ટિપ્પણી પછી તરત જ શ્રીલંકા સરકારે ઔપચારિક માફી માગી હતી.

શ્રીલંકાના પ્રધાન કંચના વિજસેકરાએ આ બાબતે સંસદમાં વાત કરી હતી. તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આપણી સંસ્થાઓના દોષનો ટોપલો એશિયન ક્રિકેટ કાઉન્સિલ(એસીસી)ના પ્રમુખ કે અન્ય દેશોના માથે ઢોળી શકાય નહીં.

‘બીબીસીઆઈની ટુર્નામેન્ટનો આઈસીસી વર્લ્ડકપ?’

આઈસીસીની ઈવેન્ટમાં સામાન્ય રીતે વિશ્વભરના ચાહકો તેમની ટીમને સમર્થન આપવા મોટી સંખ્યામાં આવતા હોય છે, પરંતુ અનેક પાકિસ્તાની ચાહકોને 14 ઑક્ટોબરે ભારત સામેની પાકિસ્તાનની મેચ માટે વિઝા મળ્યા ન હતા. પરિણામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘બ્લુનો દરિયો’ જોવા મળ્યો હતો.

આ સંબંધે ટિપ્પણી કરતાં પાકિસ્તાનના ટીમ ડિરેક્ટર મિકી આર્થરે કહ્યું હતું, "પ્રમાણિકપણે કહીએ તો એ આઈસીસીની ઇવેન્ટ જેવી નહીં, પરંતુ બીસીસીઆઈની ઇવેન્ટ જેવી, દ્વિપક્ષીય શ્રેણી જેવી લાગતી હતી."

પાકિસ્તાન માટે રમતનું સ્તુતિ ગાન બની ગયેલા ગીતનો ઉલ્લેખ કરતાં આર્થરે કહ્યું હતું, "માઈક્રોફોન પર દિલ દિલ પાકિસ્તાન પણ બહુ ઓછી વખત સાંભળવા મળ્યું હતું."

થોડા દિવસ પછી પાકિસ્તાની ટીમ અફઘાનિસ્તાન સામે હારી ગઈ ત્યારે ઇંગ્લૅન્ડના આ ભૂતપૂર્વ કૅપ્ટને કટાક્ષ કર્યો હતો કે "ચેન્નઈમાં દિલ દિલ પાકિસ્તાન વગાડવામાં ન આવ્યું હોવાને લીધે આવું થયું હશે એવું હું માનું છું."

એ ઉપરાંત કેટલાક ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરોએ ટૉસ અથવા પિચની રચનામાં કાવતરાની વાતો પણ કરી હતી અને ભારતને અયોગ્ય લાભ મળ્યો હોવાના આક્ષેપ કર્યા હતા. એ દાવાઓ સાબિત થયા નથી.

ભારત અને પાકિસ્તાનના ક્રિકેટરોમાં આ પ્રકારની ચડભડ નવી વાત નથી.

અલબત, તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓ ઉપ-મહાદ્વીપના બે સૌથી મોટા ક્રિકેટ બોર્ડ વચ્ચેનું શક્તિ સંતુલન દર્શાવે છે.

આઈસીસીમાં પૈસાની વહેંચણી કેવી રીતે કરવામાં આવે છે તે બાબતે વધારે સ્પષ્ટતાની માગ અગાઉ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) કરી હતી. પીસીબીના તત્કાલીન વડા નજમ સેઠીએ સ્વીકાર્યું હતું કે ક્રિકેટનું મોટું નાણાકીય એન્જિન હોવાને કારણે ભારતને સૌથી મોટો હિસ્સો મળવો જોઈએ. તેમણે સૂચિત રેવેન્યુ મોડેલ બાબતે અસંતોષ વ્યક્ત કર્યો હતો.

એશિયાકપ અને પીસીબીની મુશ્કેલી

વર્લ્ડકપ પહેલાં એશિયા કપ બાબતે બન્ને પાડોશી ક્રિકેટ બોર્ડ વચ્ચે તણાવ વધ્યો હતો.

એશિયા કપનું આયોજન ગયા વર્ષે પાકિસ્તાનને સોંપવામાં આવ્યું હતું, પરંતુ બીબીસીઆઈએ સલામતીના કારણોસર પાકિસ્તાન જવાનો ઈનકાર કર્યો હતો.

આ વર્ષે 28 મેએ બીસીસીઆઈએ શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખોને આઈપીએલની ફાઈનલમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપ્યું હતું. તેમણે કોન્ટિનેન્ટલ ટ્રોફી અને એસીસી સંબંધી બાબતોની ચર્ચા પણ કરી હતી, પરંતુ તેમાં પીસીબીને નોતરવામાં આવ્યું ન હતું.

આખરે એશિયા કપનો કાર્યક્રમ બદલવામાં આવ્યો હતો. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈની પડખે રહ્યું હતું અને પીસીબીને એસીસીમાંથી કોઈનો ટેકો મળ્યો ન હતો.

પીસીબીએ શરૂઆતમાં એવું સૂચન કર્યું હતું કે તે ટૂર્નામેન્ટ સંયુક્ત આરબ અમિરાતમાં પીસીબીના સહ-યજમાન તરીકે યોજવી જોઈએ, પરંતુ શ્રીલંકા અને બાંગ્લાદેશે સંયુક્ત આરબ અમિરાતમાં જોરદાર ગરમીનું કારણ આપીને તેનો વિરોધ કર્યો હતો. પરિણામે પીસીબીને શ્રીલંકા સાથે સહ-યજમાન તરીકે ટૂર્નામેન્ટ યોજવાની ફરજ પડી હતી.

પીસીબીના ભૂતપૂર્વ વડા નજમ સેઠીએ પણ શ્રીલંકાના પ્રાધાન્ય આપવા બદલ એસીસીના વડા અને બીસીસીઆઈના સેક્રેટરી જય શાહને એક લાંબી ટ્વિટર પોસ્ટમાં જવાબદાર ઠેરવ્યા હતા.

જય શાહે એક નિવેદન બહાર પાડીને પ્રતિભાવ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું, “તમામ સભ્યો, મીડિયા અધિકાર ધારકો અને ઈન-સ્ટેડિયા અધિકાર ધારકો શરૂઆતથી જ પાકિસ્તાનમાં સમગ્ર ટૂર્નામેન્ટના આયોજન માટે ખચકાતા હતા. તે ખચકાટનું કારણ પાકિસ્તાનની પ્રવર્તમાન સલામતી તથા આર્થિક પરિસ્થિતિ હતી.”

તેમણે એમ પણ જણાવ્યું હતું કે પીસીબીમાં અનેક નેતૃત્વ પરિવર્તનના પરિણામે જાતજાતની વાતો થઈ હતી.

એ પછી પીસીબીના વડા ઝકા અશરફે કોલંબોમાં મેચો રમી ન શકાઈ એ માટે એસીસી પાસે વળતરની માગણી કરી હતી. આ સમગ્ર ઘટનાને કારણે એશિયાના બે ક્રિકેટ દિગ્ગજો વચ્ચેના સંબંધને વધુ નુકસાન થયું હતું.

બાંગ્લાદેશી સમીકરણ

આ જ ટુર્નામેન્ટ સંબંધે એશિયા કપ દરમિયાન બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) ભારત અને પાકિસ્તાન વચ્ચે સપડાયું હતું.

બીસીબી ક્રિકેટ ઑપરેશન્શના અધ્યક્ષ જલાલ યુનુસે, તેમના ખેલાડીઓએ ટુર્નામેન્ટ દરમિયાન શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે પ્રવાસ કરવો પડ્યો તે બદલ નારાજગી વ્યક્ત કરી હતી.

કોલંબોમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનની સુપર ફોર મૅચ માટે રિઝર્વ ડેની જોગવાઈ એસીસીએ કરી એ બદલ બાંગ્લાદેશના હેડ કોચ ચંડિકા હથુરુસિંઘાએ નારાજગી વ્યક્ત કરી હતી અને તેને ચોક્કસ હેતુસરનો નિર્ણય ગણાવ્યો હતો.

રિઝર્વ ડેની જોગવાઈની નિર્ણયની કેટલાક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ પણ ટીકા કરી હતી, પરંતુ તે નિર્ણય ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ચારેય ટીમની સંમતિથી લેવામાં આવ્યો હતો, એવી સ્પષ્ટતા તત્કાળ કરીને બીસીબી તથા એસએલસીએ તે ચર્ચાને વિરામ આપ્યો હતો.