વર્લ્ડકપ ફાઇનલનો એ ટર્નિંગ પૉઇન્ટ જ્યારે ભારતની હાર નિશ્ચિત બની ગઈ

વર્લ્ડકપ ફાઇનલમાં ભારતને છ વિકેટે હરાવીને ઑસ્ટ્રેલિયા છઠ્ઠી વાર ચૅમ્પિયન બન્યું.

ફાઇનલ મૅચમાં ભારતીય ટીમે 240 રન બનાવ્યા અને ઑસ્ટ્રેલિયાએ ટ્રેવિસ હેડની સદીના બળે 43 ઓવરમાં જ જીત હાંસલ કરી લીધી.

આ મૅચની શરૂઆતથી બધું ઠીક ચાલી રહ્યું હતું. રોહિત શર્મા પોતાના વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરી રહ્યા હતા.

ચાર ઓવરમાં 30 રન અને પાંચમી ઓવરમાં ઓપનર શુભમન ગિલના આઉટ થયા છતાં તેમણે આક્રમક વલણ દાખવવાનું ચાલુ રાખ્યું હતું.

10મી ઓવરના બીજા અને ત્રીજા બૉલે રોહિત એક છગ્ગો અને ચોગ્ગો ફટકારી ચૂક્યા હતા. આ તબક્કા સુધી 76 રન બની ચૂક્યા હતા અને રનરેટ આઠ કરતાં વધુ થઈ ચૂક્યું હતું.

ગ્લેન મૅક્સવેલ બૉલિંગ કરી રહ્યા હતા અને પાવરપ્લેની આ અંતિમ ઓવર પણ હતી ત્યારે રોહિત ફરીથી એક મોટો શૉટ રમવા માગતા હતા. જોકે, ઘણા લોકો હવે કહી રહ્યા છે કે રનરેટને જોતાં એ સમયે મોટો શૉટ રમવાની બિલકુલ જરૂર નહોતી.

જ્યારે સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો

રોહિતનો આ જ શૉટ મૅચનો સૌથી મોટો ટર્નિંગ પૉઇન્ટ આવ્યો જે અંતે તેમના હાથથી વર્લ્ડકપ જીતવાની તક જીતવાનું સૌથી મોટું કારણ બની ગયું.

મૅક્સવેલે રોહિતને ગુડલેંથ બૉલ ફેંક્યો. જેના પર રોહિત લૉન્ગ ઑફની ઉપરથી શૉટ ફટકારવા માગતા હતા, પરંતુ બૉલ બૅટની કિનારી પર વાગીને કવર તરફ હવામાં ઊછળ્યો.

પૉઇન્ટ પર ઊભેલા ટ્રેવિસ હેડે ત્યાંથી પાછળ તરફ ભાગવાનું શરૂ કર્યું અને એક અશક્ય જણાતો કૅચ ઝડપીને રોહિતને પેવેલિયન તરફ પાછા મોકલી આપ્યા.

ટ્રેવિસ હેડ આ વર્લ્ડકપની શરૂઆતમાં ઈજાગ્રસ્ત હતા. ફિટ થઈને ટીમમાં પરત ફર્યા ત્યારે 59 બૉલમાં સદી ફટકારીને ટીમને ન્યૂઝીલૅન્ડ સામે જીત અપાવી બાદમાં સેમિફાઇનલ અને હવે ફાઇનલમાં આ કૅચ બાદ રેકૉર્ડ સદી બનાવીને ન માત્ર પોતાની ટીમને મૅચ જિતાડી બલકે ‘પ્લેયર ઑફ ધ મૅચ’ પણ બન્યા.

રોહિતના આઉટ થવા પર કૉમેન્ટેટર અને ક્રિકેટ ઍક્સપર્ટ હર્ષ ભોગલેએ ટ્વીટ કરીને લખ્યું, “ઑસ્ટ્રેલિયા બતાવી રહ્યું છે કે એક મહત્ત્વના દિવસે ફિલ્ડિંગ કેટલો મોટો ભાગ ભજવે છે.”

તેમજ મૅચ બાદ ભૂતપૂર્વ ક્રિકેટરો સુનીલ ગાવસ્કર અને સંજય માંજરેકરે પણ માન્યું કે રોહિત શર્માનો કૅચ આ ફાઇનલનો ટર્નિંગ પૉઇન્ટ હતો.

રોહિત શર્માએ 151.61એ સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી અને જ્યાં સુધી તેઓ પીચ પર રહ્યા ટીમ કુલ સ્કોરના 62 ટકા રન તેમણે બનાવ્યા હતા.

ફાઇનલથી ઠીક એક દિવસ પહેલાં ઑસ્ટ્રેલિયાન કપ્તાને કહેલું કે તેમની ટીમ પોતાના પ્રદર્શનથી અમદાવાદમાં દર્શકોને ખામોશ કરી રાખશે અને રોહિત શર્માના આઉટ થયા બાદ થયું પણ કંઈક એવું જ.

મૅચ બાદ ભારતીય કોચ રાહુલ દ્રવિડે પણ કહ્યું કે ‘રોહિતની વિકેટ પડવી એ દુર્ભાગ્યપૂર્ણ બાબત હતી.’

જ્યારે મૅચ હાથમાંથી જવા લાગી...

કોચ દ્રવિડે એવું પણ કહ્યું કે અમે સતત વિકેટ ગુમાવતા રહ્યા અને સારી બેટિંગ ન કરી.

તો રાહુલ દ્રવિડ રોહિતની બિલકુલ બાદ શ્રેયસ અય્યરની વિકેટ પડવા અને વિરાટ કોહલીની વિકેટ બાદ રવીન્દ્ર જાડેજા અને કે. એલ. રાહુલના આઉટ થવા અંગે પણ વાત કરી રહ્યા હતા.

સત્ય તો એ છે કે જ્યાં વિરાટ કોહલીએ 63 બૉલ પર 54 રનની ઇનિંગ રમી તેમજ કે. એલ. રાહુલે 66 રન બનાવવામાં 107 બૉલ લીધા. આ દરમિયાન તેમનો સ્ટ્રાઇક રેટ માત્ર 61.68 રહ્યો.

આટલું જ નહીં રોહિત અને શ્રેયની વિકેટ બાદ ભારતીય ટીમ તરફથી આગામી 16 ઓવરમાં કોઈ બાઉન્ડ્રી સુધ્ધાં ન ફટકારી શક્યા અ જે રનરેટ આઠ રન કરતાં વધુ હતું એ લગભગ પાંચ રન પ્રતિ ઓવરનો થઈ ગયો.

તેમજ જ્યારે વિરાટ આઉટ થયા ત્યારે સૂર્યકુમારના સ્થાને આવેલા રવીન્દ્ર જાડેજા તો માત્ર 40.90ના સ્ટ્રાઇક રેટથી 22 બૉલમાં માત્ર નવ રન બનાવીને રનની ઝડપ એટલી ઘટાડી દીધી કે એક મોટા સ્કોરની આશા ક્ષીણ થઈ ગઈ. આખરે ટીમ સ્કોરબોર્ડ પર માત્ર 240 રન જ કરી શક્યા.

કોચ રાહુલ દ્રવિડ શું બોલ્યા?

જોકે, કોચ દ્રવિડે મૅચ બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન આ મૅચની ધીમી બેટિંગ અંગે કરાયેલા એક સવાલના જવાબમાં કહ્યું, “આ ટુર્નામેન્ટમાં અમે ગભરાઈને નથી રમ્યા. આ મૅચમાં પણ અમે દસ ઓવરમાં 80 રન બનાવ્યા. તમારે ફ્રન્ટ ફૂટ પર રમવું જ પડે. પરંતુ આ મૅચમાં જ્યારે પણ અમે વિચાર્યું કે થોડી આક્રમક રમતનું પ્રદર્શન કરાય ત્યારે વિકેટ પડતી રહી. જો તમારી વિકેટ સતત પડતી રહેશે તો તમારે થોડું ડિફેન્સિવ તો રમવું જ પડશે.”

તેમણે કહ્યું, “અમને ખ્યાલ છે કે અમે 30-40 રન ઓછા બનાવ્યા છે. પરંતુ અમે સતત વિકેટો ગુમાવતા રહ્યા. વિરાટ, જડ્ડુ અને પછી રાહુલની વિકેટ પડી તેથી અમે 30-40 રન ઓછા બનાવીને આઉટ થઈ ગયા. 280ની આસપાસના સ્કોરે મૅચનું પરિણામ કંઈક અલગ આવ્યું હોત.”

કપ્તાન રોહિત શર્માએ શું કહ્યું?

મૅચ હાર્યા બાદ ભારતીય કપ્તાન રોહિત શર્માએ પણ આ જ વાત ફરીથી કરી કે તેમને ઓછામાં ઓછા 280 રન બનાવવાની આશા હતી.

તેમણે કહ્યું, “આજે અમે સારું ન રમ્યા. પ્રામાણિકતાથી કહું તો જ્યારે વિરાટ અને રાહુલ પીચ પર હતા ત્યારે અમારા મગજમાં 270-280 રનનું લક્ષ્ય હતું પરંતુ અમારી વિકેટો ખૂબ ઝડપથી પડી. અમે ઓછામાં ઓછા 20-30 રન ઓછા બનાવ્યા.”

કમિન્સને ભારતીય ટીમ પાસેથી કેટલા રનના લક્ષ્યની આશા હતી?

રાહુલ દ્રવિડ કે રોહિત શર્મા ભલે કંઈ પણ કહે પરંતુ ઑસ્ટ્રેલિયન કપ્તાનના ઇરાદા કંઈક અલગ જ હતા. મૅચ બાદ પેટ કમિન્સે જે કહ્યું એના પરથી સ્પષ્ટ અંદાજ કાઢી શકાય કે તેમણે શું વિચારીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો અને તેઓ કેટલા સ્કોરની આશા કરી રહ્યા હતા.

ઑસ્ટ્રેલિયન કપ્તાન પેટ કમિન્સે કહ્યું, “અમને 300 રન બનવાની આશા હતી.”

એ વાતનો અંદાજ કાઢી શકાય કે આ કંગારુ ટીમ કેટલી ઝઝૂમનારી છે અને એક મોટી મૅચ અગાઉ તેમની તૈયારીનું સ્તર શું છે.

તેઓ પોતાના પ્રતિસ્પર્ધીને ક્યારે ઓછા આંકતા નથી અને આ જ કારણે આ વર્લ્ડકપમાં શરૂઆતની બે મૅચ ભારત અને દક્ષિણ આફ્રિકા સામે હાર્યા બાદ સતત સાત મૅચ જીતીને ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી.

તેમના નસીબ જુઓ કે સેમિફાઇનલમાં તેમને દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવવાની તક મળી જેની સામે તેમણે આ ટુર્નામેન્ટની પોતાની બીજી લીગ મૅચ હારી હતી.

તેમજ ફાઇનલમાં ટુર્નામેન્ટની પ્રથમ મૅચ જેની સામે હારી તેની સામે જીત હાંસલ કરી.

એટલે કે ભલે ભારત સતત દસ મૅચ જીત્યું હોય પરંતુ છતાં ઑસ્ટ્રેલિયન ટીમે છઠ્ઠી વખત વર્લ્ડકપ પર કબજો કરવામાં તમામ ટીમો હરાવીને પોતાની બાદશાહત કાયમ કરી છે.

જોકે, ફાઇનલ ગુમાવ્યા છતાં ભારતે પણ આ વર્લ્ડકપમાં ઘણું બધું હાંસલ કર્યું છે.