ઍનિમલ: કુહાડી સાથે દુશ્મનો પર તૂટી પડનાર યોદ્ધો 'અર્જન વેલી' કોણ છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

બોલીવૂડની ફિલ્મ 'ઍનિમલ' બૉક્સ-ઑફિસ પર 'ઍનિમલ સ્પિરિટ' સાથે નિતનવા કીર્તિમાન પ્રસ્થાપિત કરી રહી છે અને તેનાં ગીત યૂટ્યૂબ, એફએમ રેડિયો સ્ટેશન તથા મ્યુઝિક સ્ટ્રિમિંગ સાઇટ્સ પર ડિમાન્ડમાં છે.

તેમાં પણ પંજાબની ઢાડી-વાર શૈલીમાં ગવાયેલા લોકગીત 'અર્જન વેલી...' ગીતે લોકોમાં ન કેવળ આકર્ષણ, પરંતુ કુતૂહલ પણ ઊભું કર્યું છે.

ગીતમાં ઉલ્લેખાયેલા 'અર્જન વેલી' કોણ છે, તેના વિશે લોકો ઇન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે. અનેક લેખ અને વીડિયોમાં ચર્ચિત અર્જન વેલીને શીખ સામ્રાજ્યના જનરલ હરિસિંહ નલવાના દીકરા અર્જનસિંહ સાથે જોડવામાં આવે છે. કેટલાકના મતે અર્જન વેલી એક નહીં, પરંતુ અનેક છે અને તે નામ નહીં વિચારને રજૂ કરે છે.

બહુચર્ચિત ગીતના ગીતકારે પણ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન અર્જન વેલી વિશે ખુલાસો કર્યો છે અને તેમાંથી શીખવાની વાત કહી છે.

'વાઘમાર' હરિસિંહ નલવાના પુત્રનો ગીત સાથે સંબંધ?

વર્ષ 1802માં શીખ શાસક રણજિતસિંહે ખાલસારાજની સ્થાપના કરી હતી. જેની સરહદો ખૈબર ઘાટ, ઉત્તરમાં તિબેટ અને દક્ષિણમાં સિંધ સુધી વિસ્તરેલી હતી. આને પગલે તેમણે 'મહારાજા'ની ઉપમા ધારણ કરી હતી.

શીખ સામ્રાજ્યની સ્થાપના અને જાળવી રાખવામાં શીખ જનરલ હરિસિંહ નલવાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી, જેમણે અનેક મહત્ત્વપૂર્ણ યુદ્ધ લડ્યાં અને જીત્યા હતાં. યુવાવસ્થામાં નલવાએ વાઘને માર્યો હોવાથી મહારાજા રણજિતસિંહે તેમને 'વાઘમાર'ની ઉપમા આપી હતી, જે ઇતિહાસમાં તેમના નામ સાથે જોડાઈ રહેવાની હતી. અર્જનસિંહ (પંજાબીમાં અરજણસિંહ) તેમના દીકરા હતા. કેટલાક રિપોર્ટ્સમાં ફિલ્મ 'ઍનિમલ'ના આ ગીતને તેમની સાથે જોડવામાં આવે છે.

બીબીસી પંજાબી સેવાના ઍડિટર ખુશાલસિંહ લાલીના કહેવા પ્રમાણે, "પંજાબી ભાષામાં 'વેલી' શબ્દ એ ગામના માથાભારે બદમાશ પ્રકારના શખ્સ માટે વાપરવામાં આવે છે. અર્જનસિંહના પિતા હરિસિંહ નલવા ખાલસારાજ દરમિયાન સેનામાં જનરલ હતા. આજે પણ તેમનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે. અંગ્રેજો અને શીખો વચ્ચેના બીજા યુદ્ધ દરમિયાન તેઓ શીખસેના વતી લડ્યા હતા એટલે તેમના માટે આવો શબ્દપ્રયોગ ન થયો હોય. આ લોકગીત સંદર્ભે લેખિત કે દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ નથી."

વર્ષ 1935માં અવતારસિંહ સંધુએ શીખ યૌદ્ધાના જીવન ઉપર 'જનરલ હરિસિંહ નલવા' નામનું પુસ્તક લખ્યું હતું. આ જીવનવૃત્તાંતમાં તેમણે નલવાની સૈન્ય સિદ્ધિઓ, તેમનાં અભિયાનો, મહારાજા રણજિતસિંહ સાથે સંબંધ તથા વ્યક્તિગત જીવન ઉપર પ્રકાશ પાડ્યો છે. સંધુએ (પેજનંબર 107-109) ઉપર હરિસિંહ નલવાનાં પુત્રો-પત્નીઓ વિશે લખ્યું છે, જે મુજબ :

પ્રથમ પત્ની રાજકોર થકી હરિસિંહ નલવાને જવાહરસિંહ અને ગુરદીતસિંહ પુત્ર હતા, જ્યારે બીજાં પત્ની દેસણકોર થકી અર્જનસિંહ અને પંજાબસિંહનો જન્મ થયો હતો. સાવકાભાઈઓ વચ્ચે બોલચાલના વ્યવહાર પણ ન હતા. હરિસિંહ નલવાના મૃત્યુ પછી અર્જનસિંહ તથા પંજાબસિંહે હવેલીનો કબજો સંભાળ્યો, જ્યારે શહેર પર જવાહરસિંહ તથા તેમના ભાઈનું પ્રભુત્વ હતું.

જનરલ નલવાના અવસાન પછી સાવકાભાઈઓ વચ્ચેના ઝગડા એટલી હદે વધી ગયા હતા કે વર્ષ 1838માં તેમની ગુજરાનવાલાની જાગીર મિસર બેલી રામ તથા હજારાની જાગીર સરદાર તેજાસિંહને આપી દેવામાં આવી હતી. હાલમાં બંને વિસ્તાર પાકિસ્તાનમાં આવેલા છે.

અર્જનસિંહ, જવાહરસિંહ, પંજાબસિંહ અને ગુરદીતસિંહને અનુક્રમે રૂ. 6,500, 5,500, 5,400 તથા 2, 200ની જાગીર આપવામાં આવી હતી.

બીજી ઍંગ્લો-શીખ લડાઈ દરમિયાન ઑક્ટોબર-1848માં અર્જનસિંહ અંગ્રેજો સામે પડ્યા. ગુજરાનવાલા ખાતેની હવેલીમાં પોતાના 100-150 સમર્થકો સાથે ભરાયા હતા. તેમને લાહોર દરબારમાં હાજર કરવાના પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. જ્યારે બીજી મોટી સૈન્યટુકડી મોકલવામાં આવી, ત્યારે તેઓ ગુજરાનવાલા છોડીને નાસી છૂટ્યા અને પછી થોડા સમયમાં જ તેમનું મૃત્યુ થયું. અર્જન વેલી સંદર્ભના લોકગીતોમાં તેઓ સરકાર અને પોલીસને ગાંઠતા ન હોવાના ઉલ્લેખ છે.

અર્જનસિંહના મૃત્યુ સુધી પંજાબમાં અંગ્રેજોનું શાસન સ્થપાયું ન હતું એટલે 'અંગ્રેજ સરકાર' કે 'પોલીસ' માટે માથાનો દુખાવો બનવાની વાત સમયસંગત નથી જણાતી. તેમના નામ સાથે 'ખાલસા' કે 'નલવા' શબ્દ જોડાયા હતા.

બહારવટિયા અર્જન વેલી?

બીબીસી પંજાબીના સહયોગી સુરિન્દર હોન પણ તેમના અહેવાલમાં અલગ-અલગ અર્જન વેલી વિશે ઉલ્લેખ કરે છે.

વર્તમાન પંજાબના મોગા જિલ્લાના દાઉધર ગામના અર્જનની વાત છે.જેઓ સંધુ ખાનદાનના શોભાસિંહ અને ચંદાસિંહના વંશજ હતા. તેઓ પોતાના ભાઈ બચ્ચનસિંહની હત્યાનું વેર લેવા માટે સરકારની સામે બહાવટે ચઢ્યા હતા અને બે વખત તેમનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું.

ગામના 82-વર્ષીય વૃદ્ધ જયસિંહે ઘરમાં પિતા-દાદાના સમયમાં અર્જન વેલીની વાતો સાંભળી છે. જે મુજબ ગામના લગ્નપ્રસંગ દરમિયાન અર્જનના પરિવાર અને વિરોધીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં ગોળી લાગવાથી બચ્ચનસિંહનું મૃત્યુ થયું હતું. આ ઝગડામાં ખાંડા, લાકડી અને કિરપાણનો ઉપયોગ થયો હતો. જ્યારે અર્જન વેલી ગંડાસી (કુહાડી જેવું હથિયાર) સાથે લડ્યા હતા. તેઓ તનમનથી મજબૂત હતા અને ત્યાંથી જ લોકગીતની એ કડી આવી છે.

અર્જન બહારવટે ચઢતાં ગામમાં પોલીસ ચોકી ઊભી કરવી પડી હતી. તેઓ બહેનો-દીકરીઓની આબરૂ માટે લડતા હતા અને તેમનાં લગ્ન માટે પૈસા પણ આપતાં. અર્જન ધનવાનો પાસેથી પૈસા લૂંટીને ગરીબોને મદદ કરતા.

અર્જનસિંહ તથા તેમના સાથી રૂપસિંહને દગાથી ઝેર આપવામાં આવ્યું હતું, જેમાં બંનેનાં મૃત્યુ થયાં હતાં. આગળ જતાં તેઓ 'બાબા અર્જનસિંહ' તરીકે લોકોમાં વિખ્યાત થયા હતા.

પંજાબના લુધિયાણાના જિલ્લાના રુડકા ગામ ખાતે વિર્ક પરિવારના જોગિંદરપાલસિંહનો દાવો છે કે અર્જન વેલી તેમના પરદાદા હતા. તેઓ ગંડાસી પોતાની સાથે રાખતા. એક વખત તેમણે જોયું કે પોલીસવાળો એક ગરીબને કનડી રહ્યો છે, એટલે તેમણે પોલીસવાળાનો હાથ ભાંગી નાખ્યો હતો. ત્યારથી તેમના નામ સાથે 'વેલી' જોડાઈ ગયું, જોકે તેમણે ક્યારેય સારા માણસોની કનડગત નહોતી કરી.

વર્ષ 1947માં ભારત-પાકિસ્તાન વિભાજનને પગલે કોમી રમખાણો ફાટી નીકળ્યાં, ત્યારે તેમણે અનેક મુસ્લિમોને સલામત રીતે પાકિસ્તાન પહોંચવામાં મદદ કરી હતી. એક મુસ્લિમ મિત્રે વિશ્વાસ રાખીને તેનાં ઢોર અને ઘરેણાં અર્જનસિંહને સોંપ્યાં હતાં અને કહ્યું હતું કે યોગ્ય સમયે તેઓ પાછા લઈ જશે. વર્ષો પછી જ્યારે મુસ્લિમ મિત્રનો દીકરો સરદાર ખાન આવ્યો, ત્યારે તેમણે બધી કિંમતી ચીજવસ્તુઓ અને ઢોર-ઢાંખર સોંપી દીધાં હતાં. સ્વતંત્રતા પછી અર્જનસિંહના વારસદારો પજાબના મલેરકોટડામાં આવીને રહેવા લાગ્યા હતા.

પરિવારનો દાવો છે કે ફિરોઝપુર બંદીગૃહમાં તેમણે જેલવાસ ભોગવ્યો હતો. એ પછી તેઓ અમૃતધારી શીખી બની ગયા હતા. પંજાબ સરકારે તેમને તામ્રપત્ર પણ એનાયત કર્યું હતું. વર્ષ 1968માં પટિયાલાની હૉસ્પિટલમાં અર્જનસિંહનું અવસાન થયું. હાલમાં તેમના વારસદારો કૅનેડામાં રહે છે.

...તો ખરેખર અર્જન વેલી કોણ?

'ઍનિમલ' ફિલ્મનું ગીત 'અર્જન વેલી' મનન ભારદ્વાજે ઢાડી-વાર શૈલીમાં કમ્પોઝ કર્યું છે. કહેવાય છે કે શીખોના 10મા અને અંતિમ ગુરૂ ગોબિંદસિંહ ખાલસાઓમાં જોમ ભરવા માટે પોતે આ શૈલીમાં ગીત ગાતા. અગાઉ પણ બોલીવૂડ કે પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આ ગીતના અલગ-અલગ વર્ઝન બન્યાં છે.

'ઍનિમલ'ના ક્રૅડિટ-રૉલમાં ભૂપિંદર બબ્બલને આ ગીતકાર તરીકે શ્રેય આપવામાં આવ્યો છે અને તેમણે જ આ ગીતને ગાયું છે. મીડિયા સાથે વાત કરતા બબ્બલે કહ્યું હતું:

'હું લોકગીત અને સંગીતનો માણસ છું. મારાં ગીતોમાં ભાંગડા અને ઢોલ રહ્યા છે. ગામ, ખેતર, માટી અને જમીન સાથે જોડાયેલાં ગીત રજૂ કરું છું. છેલ્લાં કેટલાંક વર્ષોથી મને કામ ન હોતું મળતું. આ ગીતથી પંજાબી ડાયરેક્ટરો પણ મારો સંપર્ક કરવા લાગ્યા છે.'

ગીતના ચર્ચિત નામ વિશે તેમનું કહેવું છે, 'પંજાબમાં એક નહીં અનેક અર્જન વેલી થઈ ગયા છે. આ ગીત કોઈ એકનું નથી. જેઓ સત્યને ખાતર સરકાર સામે બહારવટે ચઢ્યા હતા. લોકોએ પણ પરિવારની રક્ષા અને ઉન્નતિને કાજે 'અર્જન વેલી' બનવું જોઈએ. શરીરને કસાયેલું રાખવું જોઈએ અને રમત-ગમતમાં ભાગ લેવો જોઈએ.'

'ઍનિમલ' ફિલ્મની લંબાઈ, તેમાં દેખાડવામાં આવેલી હિંસા, લોહિયાળ દૃશ્યો, મહિલા સાથે દુર્વ્યવહારનાં દૃશ્યો અંગે મતભેદ હોય શકે, પરંતુ બલબીર બબ્બલે 'વિચાર' તરીકે અર્જન વેલી માટે જે કંઈ કહ્યું, તેના વિશે કદાચ જ કોઈ વાદ હોય શકે!