‘ગદર 2’ : 22 વર્ષોમાં ભારત અને સિનેમા કેટલાં બદલાઈ ગયાં?

    • લેેખક, વંદના
    • પદ, સિનિયર ન્યૂઝ એડિટર, બીબીસી

"આપકા પાકિસ્તાન ઝિંદાબાદ હૈ ઇસમેં હમેં કોઈ એતરાઝ નહીં, લેકિન હમારા હિંદુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હૈ ઔર ઝિંદાબાદ રહેગા. હિંદુસ્તાન ઝિંદાબાદ. ઇસ મુલ્ક (પાકિસ્તાન) સે ઝ્યાદા મુસલમાન હિંદુસ્તાન મેં હૈ, ઉનકે દિલોં કી ધડકન યહી કહતી હૈ કિ હિંદુસ્તાન ઝિંદાબાદ. તો ક્યા વો પક્કે મુસલમાન નહીં?"

ફિલ્મ 'ગદર' વર્ષ 2001માં રિલીઝ થઈ હતી ત્યારે થિયેટરમાં સની દેઓલના આ ડાયલૉગ પર ખૂબ તાળીઓ પડી હતી. ફિલ્મમાં આ દૃશ્ય 1947નાં કેટલાંક વર્ષો બાદનું છે, જ્યારે ભારતનું વિભાજન થઈ ચૂક્યું હતું.

સરહદની બંને બાજુ નફરત છે. આ દૃશ્યમાં એક હિંદુસ્તાની સની દેઓલ (તારાસિંહ) પોતાની પત્ની અમીષા પટેલ (સકીના)ને શોધવા પાકિસ્તાન આવે છે જ્યાં તેમની સામે એ શરત રખાઈ છે કે જો તારાસિંહ પોતાની પત્નીને ઇચ્છતા હોય તો તેમણે તેમનો ધર્મ અને વતન છોડવાં પડશે.

એક તરફ ગદર એ સમયની સુપરહિટ ફિલ્મ છે, તો બીજી બાજુ ઘણા લોકોએ એના પર પાકિસ્તાનવિરોધી ફિલ્મ હોવાનો અને મુસલમાનવિરોધી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

એન્ટિ-નેશનલ કે રાષ્ટ્રવાદી?

હવે જ્યારે ‘ગદર પાર્ટ 2’ ફિલ્મ રિલીઝ થઈ છે, તો મનમાં એક સવાલ આવે છે કે જ્યારે તારાસિંહ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’નો નારો પોકારે છે તો શું આજના માહોલમાં તેઓ ઍન્ટિ-નેશનલ કહેવાય? અથવા તો જ્યારે તેઓ હિંદુસ્તાન વિરુદ્ધ એક પણ શબ્દ સહન નથી કરતા તો શું તેઓ રાષ્ટ્રવાદી કહેવાયા હોત?

વરિષ્ઠ ફિલ્મ વિવેચક રામાચંદ્રન શ્રીનિવાસન કહે છે, “આજે કોઈ પોતાની ફિલ્મમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ કહે તો તેને જરૂરથી ઍન્ટિ-નેશનલ કહેવામાં આવશે. ખાસ કરીને એક સંવાદને સંદર્ભથી બહાર જોવામાં આવશે.”

ઈરા ભાસ્કર જેએનયૂમાં સિનેમા સ્ટડીઝનાં પ્રોફેસર છે. તેઓ કહે છે, “આજની તારીખમાં જો ફિલ્મમાં પાકિસ્તાન ઝિંદાબાદનો સંવાદ હોય તો તેને ઍન્ટિ-નેશનલ કહેવામાં આવશે. પરંતુ આ બધું એ વાત પર નિર્ભર કરે છે કે તમે ફિલ્મ કઈ રીતે બનાવી છે.”

“’પઠાન’ ફિલ્મ જેમાં અભિનેત્રીને આઈએસઆઈ અને પાકિસ્તાન સાથે સાંકળીને દર્શાવાઈ છે, જે હિંસાના વિરોધમાં છે.”

“આ ફિલ્મ હિટ થઈ. સંદેશો આપવો હોય તો ઘણા રસ્તા હોય છે. ગદરમાં જે ડાયલૉગ હતા, આજના સમયમાં ટ્રૉલ કરનારાઓ તેનો સ્વીકાર નહીં કરે.”

‘ગદર’ વિભાજનની જટિલતા દર્શાવી શકી?

‘ગદર 1’ અને ‘ગદર 2’ વચ્ચે 22 વર્ષનું અંતર છે. આ 22 વર્ષોમાં ભારત કેટલું બદલાયું અને સિનેમા કેટલું બદલાયું?

સિનેમા અને સિનેમા માટે લેવામાં આવતી ક્રિએટિવ છૂટનો અવકાશ કેટલો છે? ફિલ્મ ‘ગદર’ 2001માં રિલીઝ થઈ હતી ત્યારે ફિલ્મનાં કેટલાંક દશ્યોને લઈને ભોપાલ, અમદાવાદ સહિતનાં શહેરોમાં હિંસા પણ થઈ હતી.

એ સમયે બીબીસી સાથેની વાતચીતમાં શબાના આઝમીએ કહ્યું હતું, “આ ફિલ્મ રાષ્ટ્રવાદ, ધર્મ અને ઓળખના મુદ્દાઓને ભ્રમિત કરે છે અને વિભાજનના દર્દની જટિલતાને દર્શાવવામાં નિષ્ફળ રહી છે. આ ફિલ્મ ઉશ્કેરણીવાળી છે જે મુસલમાનોને પારકાની જેમ રજૂ કરે છે.”

ઈરા ભાસ્કર અને રામાચંદ્રન શ્રીનિવાસ બંનેનો મત અલગ અલગ છે.

રામાચંદ્રન શ્રીનિવાસન કહે છે, “હું આની સાથે સંપૂર્ણ રીતે સંમત નથી. વિભાજન સમયે જે રાજકીય માહોલ હતો, જે ભયાવહ પરિસ્થિતિ હતી અને જે લોકોની લાગણી હતી તેને લેખક શક્તિમાને ફિલ્મ ‘ગદર’માં દર્શાવ્યાં હતાં.”

“જે રીતે વિભાજન થયું તેમાં પાકિસ્તાનને ઇસ્લામિક દેશ અને હિંદુસ્તાનને હિંદુ દેશ માનવામાં આવ્યો. હિંદુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે નફરતનો સિલસિલો શરૂ થયો. બંને તરફના લોકોએ ઘર અને પરિવાર ગુમાવ્યાં હતાં જે ફિલ્મમાં બતાવવાની કોશિશ કરવામાં આવી છે. હું એ વાતે સંમત નથી કે કોઈનું દર્દ ઓછું બતાવાયું હતું.”

યશ ચોપડાએ વિભાજન કઈ રીતે દર્શાવ્યું હતું?

ઈરા ભાસ્કર કહે છે, “ફિલ્મ ગદરમાં સંતુલન સાધવાની કોશિશ કરવામાં આવી છે. ફર્સ્ટ હાફ એ વધુ માનવીય લાગે છે પરંતુ સેકન્ડ હાફમાં કેટલીક સમસ્યા છે. પાકિસ્તાનની છબી નકારાત્મક દર્શાવાઈ છે. એવું લાગે છે કે બધી હિંસા મુસ્લિમ સમુદાયે જ શરૂ કરી. અંતમાં કટ્ટર રાષ્ટ્રવાદી થઈ જાય છે. ‘ગદર’ ‘વીરઝારા’ જેવી નથી. વીરઝારામાં બંને દેશોને જોડતી સુંદર પ્રેમકહાણી દર્શાવાઈ છે.”

“યશ ચોપરાએ ભારત-પાકિસ્તાન અને ધર્મને લઈને ઘણી સંવેદનશીલ ફિલ્મ બનાવી છે. ‘ધૂલ કા ફૂલ’ અને ‘ધર્મપુત્ર’.” (ધર્મપુત્રમાં એક એવા હિંદુ યુવકની કહાણી બતાવાઈ હતી જે વિભાજન પહેલાં લોકો સાથે કામ કરે છે. જે ઇચ્છે છે કે મુસલમાન ભારત છોડીને જતા. પરંતુ બાદમાં માલૂમ પડે છે કે હિંદુ પરિવારમાં ઉછરેલા આ બાળકનાં માતાપિતા મુસલમાન છે.)

“સેન્સર બોર્ડને ધર્મપુત્ર ફિલ્મ મામલે સંશય હતો. જ્યારે બીઆર ચોપરા અને યશ ચોપરાએ પંડિત નહેરુને આ ફિલ્મ બતાવી તો તેમણે કહ્યું હતું કે આ ફિલ્મને દરેક કૉલેજમાં બતાવવી જોઈએ. આજની સરકારોમાં આવું નથી થતું.”

આમના હૈદર પાકિસ્તાનમાં 'સમથિંગ હૉટે' નામની યુટ્યૂબ ચૅનલ ચલાવે છે અને સિનેમાની ખબરોમાં તેમની રૂચિ છે. તેમનું કહેવું છે, “રાજકીય ધ્રુવીકરણના કારણે આજની તારીખમાં બંને દેશોમાં ફિલ્મકારો માટે ભારત-પાક થીમ પર ફિલ્મ બનવી મુશ્કેલ થઈ ગઈ છે. ફિલ્મ તો ઠીક એકબીજાનાં પાત્રો લેવાં પણ મુશ્કેલ છે અને લઈએ તો પણ અવિશ્વાસ અને શંકાનો માહોલ બની જાય છે.”

“જોકે એ જોઈને ઘણું સારું લાગે છે કે ભારતમાં પાકિસ્તાનની ડ્રામાને આટલો પ્રમે મળે છે અથવા તો 'કમલી' અને 'જૉયલૅન્ડ' જેવી ફિલ્મોની સરાહના કરવામાં આવી રહી છે. એ જ રીતે પાકિસ્તાનમાં બોલીવૂડનો ઘણો ક્રેઝ છે અને રણવીરસિંહના ચાહકો એ વેતરણમાં લાગેલા છે કે કઈ રીતે 'રૉકી ઔર રાની કી પ્રેમકહાણી' તેઓ જુએ. (પાકિસ્તાનમાં હિંદી ફિલ્મો હાલ નથી દર્શાવાઈ રહી)”

‘શિખ, હિંદુ, મુસલમાન ચાલતીફરતી લાશો છે..’

ગદરની ટીકા થઈ પણ કેટલીક જગ્યાએ તેને ભારત પાકિસ્તાનના ભાગલાથી તારતાર થયેલા પરિવારોની વ્યક્તિના દર્દની તકલીફ વર્ણવતી ફિલ્મ પણ કહેવામાં આવી છે. જેમ કે રમખાણો વચ્ચે અમીષા પટેલ (સકીના) તોફાની તત્ત્વોથી ઘેરાઈ જાય છે પણ તારાસિંહ (સની દેઓલ) આવીને એમને બચાવી લે છે.

સકીના આત્મહત્યા કરવાની કોશિશ કરે છે ત્યારે સની દેઓલને સવાલ કરે છે તે 'તમે પણ તો મુસલમાનોને મારો છો, તો મને કેમ છોડી દીધી?' તેઓ જવાબ આપે છે કે, “આ માત્ર વિભાજનની કહાણી માત્ર તમારી અને મારી નથી. એ હજારો શીખ, હિંદુ, મુસલમાનો છે, જે હાલતીચાલતી લાશો છે.”

તેઓ ખુદ રમખાણોમાં પોતાનો શીખ પરિવાર ખોઈ ચૂક્યા છે. ફિલ્મમાં કદાચ અમીષા જ એકલાં છે જે ધર્મના નામ પર થતી હિંસા પર સવાલ કરવાની હિંમત ધરાવે છે. તેઓ કહે છે, “કોઈને હિંદુસ્તાન જોઈએ છે, તો કોઈને પાકિસ્તાન. નેતાઓ સમુદાયો વચ્ચે અંતર ઊભું કરી રહ્યા છે અને સામાન્ય માણસ તે ભોગવી રહ્યો છે.”

ગદરમાં 'વલી' નામનું એક પાત્ર પણ છે. તે પાગલ વ્યક્તિ છે. તે વિભાજન બાદ પાકિસ્તાનની નાગરિક બની જાય છે પરંતુ તેને એમ જ લાગતું હોય છે કે એ ગાંધીના હિંદુસ્તાનમાં જ રહે છે. લાહોર હવાઈમથક પર બૅન્ડબાજા સાથે જુલૂસ નીકળે છે ત્યારે એ પૂછે છે કે શું – નહેરુજી આવી રહ્યા છે? અંગ્રેજો પાછા જાવ.

કારગીલ યુદ્ધ પછી આવી 'ગદર'

વલીનું આ પાત્ર મંટોની વાર્તા ટોબા ટેકસિંહના પાત્ર બિશનસિંહની યાદ અપાવે છે.

જો તમે જાણતા ન હોવ તો, વિભાજન પછી બિશનસિંહને લાહોર પાગલખાનામાંથી ભારતીય પાગલખાનામાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ તેણે તે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કે હવે તેનું શહેર ટોબા ટેકસિંહ પાકિસ્તાનમાં છે અને તેઓ તેને એક નવા દેશ ભારતમાં મોકલી રહ્યા છે.

ગદરના વલીને પણ લોકો પાગલ જ માને છે, પણ સમજુ લોકોના સમૂહમાં કદાચ તર્કની વાતો કરનાર એ જ છે.

આજે પણ આ ફિલ્મ વિશે અભિપ્રાય વહેંચાયેલા છે, પરંતુ એ વાતને નકારી શકાય નહીં કે તેણે તે સમયગાળામાં કમાણીના ઘણા રેકોર્ડ તોડ્યા હતા. ફિલ્મના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો 'ગદર' કારગીલ યુદ્ધનાં બે વર્ષ પછી જ્યારે રિલીઝ થઈ હતી.

આવા વાતાવરણમાં જ્યારે 'ગદર' આવી ત્યારે કદાચ પ્રેક્ષકો એક ભારતીયને સરહદ પર બધાની સામે લડતા જોવા માટે તૈયાર જ હતા.

'લગાન' અને 'ગદર'ની દેશભક્તિ

'ગદર' અને 'લગાન' એક જ દિવસે રિલીઝ થઈ હતી. મને ભોપાલના એ દિવસો યાદ છે જ્યારે લોકો 'લગાન'ના શૉમાંથી નીકળી 'ગદર' જોવા જતાં અને 'ગદરના' શૉમાંથી નીકળી 'લગાન' જોવા.

બંને ફિલ્મો દેશભક્તિની ભાવનાથી દોરાયેલી હતી પરંતુ તેમ છતાં ઘણી અલગ હતી. 'લગાન'ની દેશભક્તિ એકતાની લાગણીમાં ડૂબી ગઈ હતી જ્યાં હિંસા નહીં પણ ક્રિકેટને હથિયાર બનાવવામાં આવ્યું હતું.

જ્યારે 'ગદર'ની દેશભક્તિ લાઉડ અને આક્રમક મૉડની હતી, જેના કેન્દ્રમાં એક પ્રેમકથા હતી.

'ગદર'ની સફળતા પાછળનું રહસ્ય

ખામીઓ હોવા છતાં 'ગદર-1'ને લોકોએ ખુલ્લા દિલે સ્વીકારી હતી.

ઈરા ભાસ્કર કહે છે, "ફિલ્મની શાનદાર સફળતાનાં ઘણાં કારણો છે. 'ગદર' ભાગલાની વાર્તા છે અને તેમાં એક ખૂબ જ મીઠી પ્રેમકથા બતાવવામાં આવી હતી. હિંસા અને નફરત વચ્ચે અલગ-અલગ ધર્મના બે લોકોની નાજુક પ્રેમકથા ખૂબ જ મજબૂત રીતે બહાર આવી હતી. ભાગલાની ઘણી ફિલ્મોની જેમ, તે દુ:ખદ નહીં પણ સુખદ અંતવાળી ફિલ્મ હતી. આ ફિલ્મને એ પણ ફાયદો થયો કે 'ગદર'માં રાષ્ટ્રવાદી સંદેશ હતો જ્યાં ભારતને પાકિસ્તાન ઉપર હાવી થતાં દર્શાવવામાં આવ્યું છે - આ તમામ પરિબળોએ ફિલ્મને હિટ બનાવવામાં મદદ કરી."

સની દેઓલના 'અઢી કિલોના હાથ' દ્વારા હેન્ડપંપને ઉખાડી નાખવો, તેમને પાકિસ્તાની સેનાનો એકલા સામનો કરતા જોવા અને તેમાં રહેલી પ્રેમકથા અને આત્યંતિક રાષ્ટ્રવાદની છટા આ બધાંએ 'ગદર'ને સફળ બનાવી. બાકીનું કામ સંગીતે કરી દીધું.

આનંદ બક્ષીનાં ગીતો અને ઉત્તમસિંહનું સંગીત ફિલ્મનું હિટ થવાનું કારણ બન્યું.

જ્યારે સાંસદ સનીએ કહ્યું કે, આખરે તો બધું આ જ માટીનું છે

થિયેટરમાં ફિલ્મના ડાયલૉગ પર સીટીઓ અને તાળીઓનો ગડગડાટ થતો હતો. જમકે, જ્યારે તારાસિંહનો પાર્ટનર દરમ્યાનસિંહ પાકિસ્તાન જાય ત્યારે ટોણો મારે છે કે 'દીકરો દીકરો હોય છે અને પિતા પિતા હોય છે. '

આમ તો દરમ્યાનસિંહ સાઈડ રૉલમાં છે, પરંતુ આ નામ એક રીતે ફિલ્મ 'ગદર'ની અસલ રૂહ દર્શાવે છે - બે દેશો વચ્ચેના અંતરમાં ફસાયેલા લોકોની વાર્તા.

સવાલ એ જ છે જે શરૂઆતમાં હતો, કે આજના તારાસિંહ કેવાં હશે - જે દેશની ઈજ્જત માટે કંઈ પણ કરી શકે તેવા, જે ધાર્મિક હિંસામાં ખૂન કરે તેવા, જે ભારત અને પાકિસ્તાન બંનેની વાત કરે તેવા, પ્રેમ માટે પોતાનો ધર્મનો પણ ત્યાગ કરે તેવા? અથવા આ બધાની વચ્ચે ક્યાંક.

'ગદર-2'ની રિલીઝ પહેલાં તારાસિંહ એટલે કે ઍક્ટર અને બીજેપી સાંસદ સની દેઓલનું લેટેસ્ટ સ્ટેટમેન્ટ માનવામાં આવે તો, "બધી જ વાત માનવતાની છે. સરહદની બંને બાજુ એટલો જ પ્રેમ છે. આ એક રાજકીય રમત છે જે તિરસ્કાર સર્જે છે. જનતા ઇચ્છતી નથી કે લોકો એકબીજા સાથે લડે. છેવટે, છે તો બધા આ માટીના જ ને!"

ફિલ્મ વિશે ખબર નથી, પરંતુ આ નિવેદન માટે, તેમનું ટ્રૉલિંગ ચોક્કસપણે શરૂ થઈ ગયું હતું.