વીરપ્પનની શોધમાં સામેલ એ પોલીસ અધિકારીની કહાણી, જેઓ હજી પણ માથામાં ગોળી સાથે જીવે છે

    • લેેખક, એમ. સુબા ગોમતી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભારતના ઇતિહાસના મોસ્ટ વૉન્ટેડ ગુનેગાર પૈકીના એક વીરપ્પનને પકડવાના પ્રયાસમાં એક વિશાળ દળ સામેલ હતું.

વીરપ્પનને પકડવા માટે બે રાજ્યોની પોલીસ તલપાપડ થઈ રહી હતી પરંતુ આ દરમિયાન વર્ષો સુધી પોલીસને હાથ ન આવનાર વીરપ્પનની ક્રૂરતાનો શિકાર બંને રાજ્યોનાં સુરક્ષાદળોના સભ્યો બનતા રહ્યા હતા.

કેટલાક પોલીસ અધિકારીઓ ગાઢ જંગલોમાં છુપાતા ફરતા વીરપ્પનના હુમલામાં મૃત્યુ પામ્યા હતા તો અનેક ઈજાગ્રસ્ત થયા હતા.

વીરપ્પનની શોધ માટે હાથ ધરવામાં આવેલા અભિયાન દરમિયાન 1996ની 17 ફેબ્રુઆરીએ વીરપ્પનને પકડવા અને તેને ખતમ કરવા માટે તામિલનાડુ ઍક્શન ફોર્સમાં જોડાયેલા યુવાનોની એક ટુકડી તામિલનાડુ-કર્ણાટકની સરહદે ઓસુર નજીક પેટ્રોલિંગ ડ્યુટી પર હતી.

વીરપ્પનના સાથીઓ ઓસુર નજીકના અરબિયાલમ વન વિસ્તારમાં છુપાયેલા હોવાની બાતમી સાંજે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ મળી ત્યારે ટાસ્ક ફોર્સના દસેક સભ્યો સ્થળ પર દોડી આવ્યા હતા.

ટાસ્ક ફોર્સને જોઈને વીરપ્પનના સાથીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્યને ગંભીર ઈજાઓ સાથે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

લોયોલા ઇગ્નેશિયસ તે કમાન્ડો ઑપરેશનનો હિસ્સો હતા અને હવે તેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે. તે ઘટનાને યાદ કરતાં લોયોલાએ કહ્યું, "ત્રણ-ચાર પ્રકારની બંદૂકો સાથે 15 લોકો હતા. મારા માથાના પાછળના ભાગમાં ગોળી વાગી હતી."

"મને લાગ્યું હતું કે હું મરી ગયો છું. હું બેભાન થઈ ગયો હતો. ભાનમાં આવ્યો ત્યારે હું મૈસુરની બસપ્પા હૉસ્પિટલમાં હતો. હું ત્રણ દિવસ પછી ભાનમાં આવ્યો હતો."

માથા પર ગોળી વાગ્યાનું નિશાન

લોયોલા 32 વર્ષની વયે, લગ્નનાં થોડાં વર્ષ પછી સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં જોડાયા હતા. એ સમયે મોટાભાગના પરિણીત લોકો તામિલનાડુ સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં જોડાવા રાજી ન હતા.

ફેબ્રુઆરી, 1977ના કમાન્ડો ઑપરેશન દરમિયાન પીઠમાં ઘૂસી ગયેલા એક બુલેટ સાથે લોયોલા આજે પણ જીવે છે.

તેમણે કહ્યું, "શરૂઆતમાં મેં તબીબી તપાસમાં સહકાર આપ્યો ન હતો. માથામાં ખૂબ દુખાવો થતો હતો. ગોળી મારી ખોપરીને વીંધીને મગજની નજીક પહોંચી ગઈ હતી. ડૉક્ટરોએ કહ્યું હતું કે ગોળીને બહાર કાઢવી જોખમી છે."

લોયોલાએ ઉમેર્યું, "હું ખુદને બહુ નસીબદાર માનું છું. મારા મગજને કોઈ નુકસાન કર્યા વિના ગોળી મારા માથામાં જ હતી એ જાણીને ડૉક્ટરોને આશ્ચર્ય થયું હતું."

ડૉક્ટરોએ તેમને કહ્યું હતું કે આવા અકસ્માતમાંથી બચવું બહુ દુર્લભ હોય છે.

એ વખતે તેઓ દોઢ વર્ષના એક બાળકના પિતા હતા અને તેમનાં પત્નીને બીજા સંતાનનો દોઢ મહિનાનો ગર્ભ હતો. અખબારમાં સમાચાર હતાઃ ‘વીરપ્પનના સાથીદારોએ પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી.’ એ વાંચીને લોયોલા ચોંકી ઉઠ્યા હતા.

તેમના જણાવ્યા મુજબ, એ સમાચાર જોયા પછી તેમનાં પત્ની બીજી માહિતી મેળવવા માટે રોકાયાં ન હતાં અને સીધા સત્યમંગલ પહોંચ્યાં હતાં.

લોયોલાએ કહ્યું, "મારાં પત્ની હેલન મારી શોધમાં સત્યમંગલ ગયાં હતાં, પરંતુ ત્યાંથી મૈસુર અને પછી ચેન્નઇ, મારા સુધી પહોંચવામાં હેલનને ત્રણ દિવસ લાગ્યા હતા. એ ઘટનાની મારા કરતાં હેલન પર વધારે અસર થઈ હતી."

ઈજાને કારણે ફરી તેમને સ્પેશિયલ ઑપરેશન ફોર્સમાં સ્થાન ન મળ્યું

વીરપ્પનની શોધ 1989માં શરૂ કરવામાં આવી હતી અને તામિલનાડુ સરકાર દ્વારા વૉલ્ટર દેવરામના નેતૃત્વ હેઠળ 1993માં સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી.

લોયોલા 1993માં સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં જોડાયા હતા અને તેમણે 1996માં ઘવાયા ત્યાં સુધી તેમાં ફરજ બજાવી હતી.

એ દિવસે કમાન્ડો ઑપરેશનમાં ગ્રેડ-1 કૉન્સ્ટેબલ સેલ્વરાજનું મૃત્યુ થયું હતું. તમિલ સેલ્વન, મોહન નવાઝ, રઘુપતિ અને ઇલાંગોવન સહિતના પોલીસકર્મીઓ ઘવાયા હતા.

જે સ્થળે અથડામણ થઈ હતી તે એક નાનું ગામ હતું. ત્યાંથી ટેલિફોન મારફત વાત કરવી એ મોટો પડકાર હતો.

લોયોલાએ કહ્યું, "રેસ્ક્યુ ટીમને મધનેશ્વર હિલ્સ પર કર્ણાટક હૅડક્વાર્ટરનો સંપર્ક કરવામાં ત્રણ કલાક થયા હતા."

"એ અથડામણમાં ગોળી મારા માથાના ભાગમાં પાછળથી વાગી હતી અને ખોપરી વીંધીને મગજની બાજુમાં પહોંચી ગઈ હતી. મને ભાનમાં આવતાં ત્રણ દિવસ થયા હતા."

લોયોલાના જણાવ્યા મુજબ,"હૉસ્પિટલમાં સઘન સારવાર બાદ ઘરે પાછા ફર્યાને દોઢ મહિનો થઈ ગયો હતો."

"તેમણે વારંવાર વિનંતી કરી હતી, છતાં માથામાં ગંભીર ઈજાને કારણે તેમને સ્પેશિયલ ઑપરેશન ફોર્સમાં ફરી સ્થાન આપવામાં આવ્યું ન હતું."

"બાદમાં લોયોલાએ પોલીસ સબ-ઇન્સપેક્ટર તરીકે કામ કર્યું હતું."

માથામાં ગોળી સાથે સામાન્ય જીવન જીવ્યા

બાદમાં વર્ષ 2000માં તેમને પોલીસ ઇન્સપેક્ટર તરીકે, 2010માં નાયબ પોલીસ અધિક્ષક તરીકે અને 2014માં એડિશનલ પોલીસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે બઢતી આપવામાં આવી હતી.

લોયોલાએ કહ્યું, "તત્કાલીન મુખ્ય પ્રધાન જયલલિતાએ જાહેરાત કરી હતી કે 1996ની ઘટનામાં ફરજ બજાવી હતી તે કૉન્સ્ટેબલોને બઢતી આપવામાં આવે, પરંતુ શાસન બદલાયા પછી પણ કોઈને બઢતી આપવામાં આવી ન હતી. 2001માં જયલલિતા ફરી સત્તા પર આવ્યાં ત્યાર પછી મોટા પ્રમાણમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઑપરેશન્શ હાથ ધરવામાં આવ્યાં હતાં."

તેમણે ઉમેર્યું હતું, "વીરપ્પનને શોધવાના અભિયાનમાં સામેલ કૉન્સ્ટેબલોને બઢતી આપવામાં આવી હતી. એ ઉપરાંત 2004માં વીરપ્પન માર્યો ગયો પછી કૉન્સ્ટેબલોનું સન્માન કરવામાં આવ્યું હતું."

"તેમને બઢતી ઉપરાંત આવાસ પણ આપવામાં આવ્યાં હતાં. વીરપ્પન પકડાયો ત્યારે હું ટાસ્ક ફોર્સમાં કામ કરતો ન હતો, છતાં મને આ કલ્યાણ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો."

સ્પેશિયલ ટાસ્ક ફોર્સ પછીના જીવન વિશે વાત કરતાં લોયોલાએ જણાવ્યું હતું કે 1997 સુધી તેમના ક્યારેક માથામાં પીડા થતી હતી. એ પછી જીવન સામાન્ય થઈ ગયું હતું.

તેમણે કહ્યું, "એ પછી મેં ક્યારેય પીડા અનુભવી નથી. મેં 10 વર્ષ સુધી ડૉક્ટરે લખી આપેલી દવાઓ લીધી હતી. પછી જાતે દવા લેવાનું બંધ કર્યું."

"મારી તબિયત સારી છે. હું ટાસ્ક ફોર્સમાં હતો ત્યારે 32 વર્ષનો હતો. એ પછી મેં તિરુનેલવેલી, રામનાથપુરમ, શિવગંગાઈ, થૂથુકુડી, ચેન્નાઈ અને કૃષ્ણગિરીમાં 26 વર્ષ ફરજ બજાવી. મેં ઘણા ક્ષેત્રોમાં કામ કર્યું છે. નિવૃત્તિ પછી હું તિરુનેલવેલીમાં મારા પરિવાર સાતે સંતુષ્ટ છું."