ઍક્ઝિટ પોલ : દિલ્હી મ્યુનિ. કોર્પોમાં 15 વર્ષ બાદ ભાજપની સત્તા જશે અને આપને મળશે પૂર્ણ બહુમતી

દિલ્હી નગરનિગમ (મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ દિલ્હી - એમસીડી)ની ચૂંટણીનાં પરિણામો 7 ડિસેમ્બરે જાહેર થશે.

આ અગાઉ વિવિધ મીડિયાગૃહો દ્વારા જાહેર કરવામાં આવેલા ઍક્ઝિટ પોલનાં તારણોમાં જોવા મળે છે કે છેલ્લાં 15 વર્ષથી એમસીડીમાં સત્તા સ્થાને રહેલો ભાજપ હારી જાય તેવી શક્યતા છે.

એટલું જ નહીં, દિલ્હી રાજ્યમાં સરકાર ધરાવતી આમ આદમી પાર્ટી (આપ)ને સત્તા મળે તેવી શક્યતા છે.

એમસીડીમાં કુલ 250 વૉર્ડ છે અને ઇન્ડિયા ટુડે વેબસાઈટ પર પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર આઈટીજી-ઍક્સિસ માય ઇન્ડિયા દ્વારા થયેલાં સર્વેક્ષણમાં આમ આદમી પાર્ટી (આપ) આ ચૂંટણીઓમાં 149થી 171 વૉર્ડમાં જીત મેળવીને એમસીડીમાં સત્તા મેળવે તેવી શક્યતા છે.

તો કૉંગ્રેસને 3-4 બેઠકોથી સંતોષ માનવો પડે તેમ છે, જ્યારે ભાજપને 69-91 વૉર્ડ મળે તેવી શક્યતાઓ છે.

ટાઇમ્સ નાઉ ઈટીજી-ટીએનએન દ્વારા જાહેર કરવામાં આવેલા ઍક્ઝિટ પોલમાં આપને 146-156 વૉર્ડ અને ભાજપને 84-94 વૉર્ડમાં જીત મળવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

કૉંગ્રેસને 6-10 વૉર્ડ મળે તેવી સંભાવનાઓ છે.

બીબીસી પોતાની નીતિ અંતર્ગત ચૂંટણી પહેલાં કે પછી સ્વતંત્ર રીતે પોતે અથવા તો કોઈ સંસ્થા દ્વારા કોઈ પણ પ્રકારના કોઈ સરવે નથી કરાવતું. ભૂતકાળમાં એક કરતાં વધુ વખત બીબીસીના નામે ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ પર બનાવટી સરવે ફરતા થયા છે.

નોંધપાત્ર બાબત એ છે કે દિલ્હીના મતદારોમાં સત્તાવિરોધી (એન્ટિ ઇન્કમ્બન્સી) વલણ જોવા મળ્યું છે, જે ભાજપ માટે આઘાત સમાન છે.

એમસીડીની ચૂંટણીમાં આપનું પ્રદર્શન ખૂબ જ મજબૂત રહેવાનાં તારણો આ ઍક્ઝિટ પોલમાં જોવા મળે છે.

એનડીટીવી ડૉટ કૉમના અહેવાલમાં જણાવ્યા અનુસાર એમ જણાય છે કે, અરવિંદ કેજરીવાલનો એમસીડીમાંથી ભ્રષ્ટાચારને દૂર કરવાનો સંદેશ દિલ્હીમાં કામ કરી ગયો છે.

જ્યારે ભાજપે દિલ્હીની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ’નો સંદેશ અને રાષ્ટ્રીય મુદ્દા સાથે દિલ્હીના મતદારોને આકર્ષવાની વ્યૂહ રચના અપનાવી હતી. જોકે, એ કામ કરી શકી નથી.

જોકે અહીં પણ નોંધવું જોઈએ ગુજરાત ચૂંટણી બાદ જાહેર થયેલા વિવિધ ઍક્ઝિટ પોલમાં ફરી ભાજપની સરકાર બને તેવું અનુમાન લગાવામાં આવ્યું છે.