You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ચલો તમને ભગવાન પાસે લઈ જઉં', અને સેંકડો લોકોએ આત્મહત્યા કરી લીધી
- લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
- પદ, .
તાજેતરમાં કેન્યામાં એક સંપ્રદાયના 80થી વધુ અનુયાયીઓના મૃતદેહ સાથેની કબર મળી આવી હતી. આ લોકોને તેમના નેતાએ ભૂખે મરવા અને “સાંસારિક જીવન” ત્યજી દેવા પ્રેરિત કર્યા હોવાનું માનવામાં આવે છે. આ ઘટના મેસીઅનિક પ્રચારકોના પ્રભાવ અને ચાતુર્યને છતું કરે છે.
ભયંકર પરિણામ સાથેની આવી ઘટનાઓ છેલ્લા દાયકાઓમાં કમનસીબે વારંવાર બનતી રહી છે.
અહીં અમે ત્રણ આઘાતજનક ઘટના રજૂ કરીએ છીએ, જેમાં વિશ્વના અંતની કલ્પિત કથાઓ તથા તેમાંથી મુક્તિ મેળવવાની ઉપદેશકોએ આપેલી ખાતરીને કારણે તેમના અનુયાયીઓએ સામૂહિક આત્મહત્યા કરી હતી.
ધ પીપલ્સ ટેમ્પલ, ગુયેના, 1978
પીપલ્સ ટેમ્પલ નામના ધાર્મિક જૂથની સ્થાપના 1950ના દાયકામાં કરવામાં આવી હતી. તેની આસપાસ રહસ્યનું આવરણ લપેટાયેલું હતું અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા જીન જોન્સ તેનું નેતૃત્વ કરતા હતા.
જીમ જોન્સ એક ‘સમાજવાદી સ્વર્ગ’ની રચના કરવા ઇચ્છતા હતા, જેમાં જાતિ અને રાષ્ટ્રીયતાની કોઈ સીમા હોય. જોકે, એ સપનું તેમના દેશમાં સ્વીકાર્ય ન હતું.
જીમ જોન્સે 1975માં તેમના લગભગ 900 અનુયાયીઓને વેનેઝુએલાની બાજુમાં આવેલી ભૂતપૂર્વ બ્રિટિશ વસાહત ગુયાનામાં સ્થાયી થવા સમજાવ્યા હતા. ગુયાનામાં તેમણે જોનેસ્ટાઉન તરીકે ઓળખાતા સ્વપ્નસેવી સમુદાયની સ્થાપના કરી હતી.
મોટા ભાગે જીમ જોન્સના મોહક ભાષણને કારણે મંદિરના સભ્યો તેમના ભણી આકર્ષાયા હતા. એ મોહ ટૂંક સમયમાં વફાદારીમાં પરિવર્તિત થયો હતો અને બાદમાં તે કટ્ટરતામાં ફેરવાઈ ગયો હતો. આખરે બધું વ્યક્તિપૂજામાં પરિણમ્યું હતું.
ધીરેધીરે જીમ જોન્સનું વ્યક્તિત્વ વિચિત્ર થવા લાગ્યું હતું. તેઓ તેમનાં લાંબાં ભાષણોમાં અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએ તરફથી તેમના કથિત સ્વર્ગ પર જોખમ હોવાની વાતો કરતા હતા અને સીઆઈએના એજન્ટ્સ “દેશદ્રોહી” અને “મૂડીવાદી ડુક્કર” હોવાનો આક્ષેપ તેઓ કરતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સંપ્રદાયના સભ્યો સાથે દુર્વ્યવહાર કરવામાં આવતો હોવાના અહેવાલો પણ હતા. કહેવાતી “સફેદ રાતે” તેમણે સામૂહિક આત્મહત્યા કરી હતી.
એ માહિતી અમેરિકન સંસદના કૅલિફોર્નિયાના સભ્ય લીઓ રાયનના કાને પહોંચી હતી. તેમણે પરિસ્થિતિની તપાસ માટે જોન્સટાઉનની યાત્રાનું આયોજન કર્યું હતું, પરંતુ પીપલ્સ ટેમ્પલના સભ્યોએ લીઓ રાયન તથા તેમના કેટલાક સાથીઓને ઠાર માર્યા હતા અને એ મિશનનો દુઃખદ અંત આવ્યો હતો.
એ પછી જીન જોન્સે તેમના સમુદાયના તમામ સભ્યોને એકઠા થવાનો આદેશ આપ્યો હતો, જેને તેમણે ‘સફેદ રાત’ ગણાવી હતી.
એફબીઆઈની તપાસમાં મળી આવેલા એક રેકૉર્ડિંગમાં જીન જોન્સ એવું કહેતા સંભળાય છે કે “ચાલો આનો અંત કરીએ. ચાલો, આ પીડા પર પૂર્ણવિરામ મૂકીએ.”
300 બાળકો સહિતના મંડળના કેટલાક સભ્યો પૈકીના કેટલાકે સ્વૈચ્છાએ અને કેટલાકે બળજબરીપૂર્વક સાયનાઇડ ભેળવેલી સોડા પીધી હતી. કુલ 900 મૃત્યુ પામ્યા હતા. જૂજ લોકો બચી ગયા હતા. જીમ જોન્સ માથામાં ગોળી લાગવાથી મૃત્યુ પામ્યા હતા.
આ હત્યાકાંડને ઇતિહાસનો સૌથી મોટો સામૂહિક આત્મહત્યાકાંડ ગણવામાં આવે છે.
બ્રાન્ચ ડેવિડિયન, વાકો, ટેક્સસ, 1993
બ્રાન્ચ ડેવિડિયન ટેક્સાસ નજીકના વાકોસ્થિત એક સંપ્રદાય હતો. તેની સ્થાપના 1955માં કરવામાં આવી હતી અને તે સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ બ્રાન્ચ ડેવિડિયન ધાર્મિક જૂથની અલગ થયેલી શાખા હતી.
વેરવિખેર પરિવારનો હર્નોન હોવેલ નામનો અને સગીર સાથે જાતીય સંબંધ બાંધવાનો ગુનાહિત રેકૉર્ડ ધરાવતો એક યુવાન 1981માં ડેવિડિયન પંથમાં જોડાયો હતો.
સંપ્રદાય પર વર્ચસ્વના સંઘર્ષ પછી હર્નોલ હોવેલ ડેવિડિયનોનો સર્વોચ્ચ નેતા બન્યો હતો અને યહૂદીઓના કિંગ ડેવિડ તથા પર્શિયાના મહાન સાયરસ સાથે પોતાને દૈવી જોડાણ હોવાનું સાબિત કરવા હોવેલે ડેવિડ કોરેશ નામ ધારણ કર્યું હતું.
તેમણે ખુદને છેલ્લા પ્રબોધક જાહેર કર્યા હતા. ઈસુ ખ્રિસ્તે ધર્મદીક્ષા લીધી ત્યારે તેમને જે પ્રેરણા મળી હતી એવી જ પ્રેરણા પોતાને મળી હોવાનો દાવો કરીને તેઓ મસીહાની ભૂમિકા ભજવવા લાગ્યા હતા.
બાઈબલ આધારિત વિશ્વ-વિનાશના તેમના પ્રવચનોને કારણે લોકો મોટી સંખ્યામાં તેમના ભણી આકર્ષાયા હતા. તેમના પ્રવચનોમાં બૂક ઑફ રેવેલેશન્શ અને ધ સેવન સીલ્સના તેમના પોતાના અર્થઘટનનો પણ સમાવેશ થતો હતો. એ પ્રવચનોમાં તેમણે વિશ્વ-વિનાશના પ્રારંભની ઘટનાઓની આગાહી કરી હતી.
એ વિનાશનો સામનો કરવા માટે કોરેશે આર્મી ઑફ ગોડની સ્થાપના કરી હતી અને માઉન્ટ કાર્મેલ તરીકે ઓળખાતા ડેવિડિયન સંકુલમાં શસ્ત્રો એકઠાં કરવાનું શરૂ કર્યું હતું.
તેમણે તેમના સંપ્રદાયની તમામ વયની સંખ્યાબંધ મહિલાઓ સાથે ‘આધ્યાત્મિક લગ્ન’નો વિચાર પણ રમતો મૂક્યો હતો. તેમની સાથે 10થી વધુ બાળકો હોવાનું માનવામાં આવે છે.
જાતીય શોષણ અને શસ્ત્રોની ગેરકાયદે હેરફેરના આરોપને પગલે અમેરિકાના ન્યાય વિભાગે લશ્કરી તાલીમ પામેલા 76 અધિકારીઓ તેમજ તપાસ અને ધરપકડના વોરંટ સાથે ડેવિડિયન સંકુલને ઘેરી લીધું હતું.
એ સંકુલને 51 દિવસ સુધી ઘેરી રાખવામાં આવ્યું હતું. પ્રારંભિક વાટાઘાટ અને કેટલાક સગીર સહિતના પંથના કેટલાક સભ્યોને 19 એપ્રિલે મુક્ત કરવામાં આવ્યાં હતાં. એ પછી સત્તાવાળાઓએ સંકુલની અંતિમ ઘેરાબંધી શરૂ કરી હતી.
તેમણે ટીયરગૅસ છોડ્યો હતો. સામસામા ગોળીબાર થયા હતા અને થોડા કલાક પછી સંકુલમાં જબરી આગ લાગી હતી. ગણતરીની મિનિટમાં જ માઉન્ટ કાર્મેલ રાખના ઢગલામાં ફેરવાઈ ગયું હતું અને તેમાંથી 79 ડેવિડિયનના મૃતદેહ મળી આવ્યા હતા.
આગ કઈ રીતે લાગી હતી એ જાણી શકાયું ન હતું. કોરેશ માથામાં ગોળી વાગવાને કારણે મૃત્યુ પામ્યા હતા, પરંતુ તેમણે આત્મહત્યા કરી હતી કે કોઈએ તેમના પર ગોળીબાર કર્યો હતો એ જાણી શકાયું નથી.
જોકે, એક સત્તાવાર અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ દુર્ઘટનાની અંતિમ જવાબદારી કોરેશ અને તેમના અનુયાયીઓની છે. આગ તેમણે લગાડી હતી. જોકે, એ ઘટનામાં સામેલ સરકારી એજન્સીઓના નિર્ણયો તથા તેમણે લીધેલા પગલાની ભારે ટીકા કરવામાં આવી હતી.
હેવન્સ ગેટ, રાન્ચો સાન્તા ફે, કેલિફોર્નિયા, 1997
હેવન્સ ગેટને ઇન્ટરનેટ યુગના સૌપ્રથમ ધાર્મિક સંપ્રદાયો પૈકીનો એક ગણવામાં આવે છે.
એ પંથના અનુયાયીઓએ તેમનો સંદેશ અનેક લોકો સુધી પહોંચાડવા અને આવક ઊભી કરવા માટે ડિજિટલ ટેક્નોલૉજીનો ઉપયોગ કર્યો હતો.
માર્શલ એપલવ્હાઈટ અને તેમનાં પત્ની બોની નેટલ્સ દ્વારા 1970ના દાયકાની શરૂઆતમાં આ સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી હતી. બોની નેટલ્સ પરિચારિકા હતાં અને માર્શલ સાથે તેમની મુલાકાત એક સંસ્થામાં થઈ હતી.
તેમણે તેમના અનુયાયીઓની ભરતી માટે અમેરિકાનો પ્રવાસ કર્યો હતો અને આખરે દક્ષિણ કૅલિફોર્નિયામાં સ્થાયી થયા હતા. 1985માં નેટલ્સનું અવસાન થયું પછી એપલવ્હાઈટે તેનું નેતૃત્વ સંભાળ્યું હતું.
આ ગ્રૂપની ફિલસૂફી પ્રેસ્બીટેરન ચર્ચના સિદ્ધાંતો તથા અનઆઇડેન્ટિફાઈડ ઓબ્જેક્ટ્સ (યુફો) વિશેની માન્યતાનું મિશ્રણ હતી. એપલવ્હાઈટ તેમના અનુયાયીઓને એવો ઉપદેશ આપતા હતા કે તેઓ ઈસુ ખ્રિસ્તના આગમનનો સંકેત છે, ભગવાન પરગ્રહવાસી વ્યક્તિ છે અને વિશ્વનો અંત નજીક છે.
તેમણે તેમના ઉપદેશોમાં ઓલ્ડ ટેસ્ટામેન્ટ સાથે વિજ્ઞાન કથાઓનું મિશ્રણ કર્યુ હતું. તેઓ અનુયાયીઓને એવો ઉપદેશ આપતા હતા કે “શરીરરૂપી વાહનમાંથી બહાર નીકળવા માટે આનુવંશિક સ્પંદનો પર નિયંત્રણ મેળવવું જોઈએ, જેથી તેમના આત્માઓ અવકાશયાન પર ફરી ઊભરી શકે અને માનવ ઉત્ક્રાંતિના નવા સ્તરે પહોંચી શકે.”
તેઓ તેમના અનુયાયીઓને વોડકાના શૉટ્સ સાથે એપલસોસ અને બાર્બિટ્યુરેસનું સેવન કરવાની સલાહ પણ આપતા હતા.
તેમના ઉપદેશ મુજબ, આવું કરવાથી મુક્ત થયેલા અનુયાયીઓના આત્મા, એ વખતે પૃથ્વી પાસેથી પસાર થઈ રહેલા હેલ-બોપ ધૂમકેતુના અવકાશયાનમાં સવાર થઈ જશે અને તેમને નવા ઘરમાં લઈ જશે.
1997ની 26 માર્ચે પોલીસે એપલવ્હાઈટ સહિતના 39 લોકોના મૃતદેહ શોધી કાઢ્યા હતા. એ બધા જાંબલી વસ્ત્રોમાં ઢંકાયેલા હતા. તેમના માથા પર પ્લાસ્ટિકની કોથળીઓ વીંટાયેલી હતી અને એ બધાએ શ્વેત-શ્યામ સ્વેટ શર્ટ અને નાઈકીના સ્નીકર્સ પહેર્યાં હતાં.