You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરેન્દ્રનગર : 'મારી દીકરી અપશુકનિયાળ હતી', માતાપિતા પર જ દીકરીની હત્યાનો આરોપ કેમ લાગ્યો?
- લેેખક, બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના કોરડા ગામે એક દોઢ વર્ષની બાળકીની હત્યા કરાઈ છે. પોલીસ અનુસાર, માતાપિતાએ બાળકીની હત્યા કરી છે.
પોલીસે બાળકીના માતાપિતાને પકડીને આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ દોઢ વર્ષની બાળકીનાં માતાપિતાએ તેની હત્યા એટલા માટે કરી દીધી કારણ કે તેઓ તેને ‘અપશુકનિયાળ’ માનતાં હતાં.
પરિવારજનો માને છે કે આ દંપતી ‘અંધશ્રદ્ધાના પ્રભાવમાં’ હતું તેને કારણે આ કૃત્ય કર્યું હતું. શરૂઆતમાં આ દંપતીએ પોતાનું આ કૃત્ય છુપાવ્યું હતું પરંતુ આખરે તેમણે દીકરીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
દીકરીને કારણે પિતાને લાગતું હતું કે તેમના ‘જીવનમાં ખરાબ’ ઘટે છે
સુરેન્દ્રનગર ખાતેના બીબીસી ગુજરાતીના સહયોગી સચિન પિઠવાએ આપેલી માહિતી અનુસાર આ દંપતીને સંતાનમાં પાંચ દીકરીઓ છે, જેનાથી પતી-પત્ની નાખુશ હતાં.
પોલીસમથકે નોંધાયેલ ફરિયાદ મુજબ, ચુડા તાલુકાના કોરડા ગામે પરિવાર સાથે રહેતા મનસુખભાઈ જોગરાજીયાને લગ્નજીવન દરમિયાન સંતાનમાં પાંચ દીકરી જન્મી હતી.
મનસુખભાઈ અને તેમના પત્ની પ્રકાશબહેન પોતાની દોઢ વર્ષની દીકરી રુહી સાથે બાઈક પર એક કામથી ખડગુંદા ગામે જઈ રહ્યાં હતાં. દરમિયાન હાઈવે પર એક હોટલ પાસે બાઈક સ્લીપ ખાઈ જતાં માતાપિતા અને બાળકી નીચે પટકાયાં હતાં.
આ અકસ્માત દરમિયાન તેમને અને તેમની પત્નીને ઈજા પહોંચી હતી જ્યારે કે પુત્રીને સહેજ પણ ખરોંચ આવી નહોતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેથી પોલીસના જણાવ્યા પ્રમાણે તેમને લાગ્યું કે મારી પુત્રી ‘અપશુકનિયાળ’ હોવાથી બાઈક સ્લીપ ખાઈ ગયું. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા મનસુખભાઈએ તેમની પુત્રીની ગળું દબાવીને હત્યા કરી નાખી. હત્યા નિપજાવ્યાં બાદ માતા પ્રકાશબહેને દીકરી રૂહીની લાશને હાઈવે પર શાપર ગામ પાસે નાળામાં અવવારું જગ્યાએ ફેંકી દીધી હતી. લાશ ફેંકીને બંને ત્યાંથી નાસી છૂટ્યાં હતાં.
“અંધશ્રદ્ધાને કારણે આમ બન્યું”
આ બનાવથી પરિવારના લોકો સ્તબ્ધ છે અને આ દંપતી અંધશ્રદ્ધાના પ્રભાવમાં હોવાનું પરિવારજનો કહે છે. પરિવારજનો કહે છે કે મનસુખભાઈ અને પ્રકાશબહેન તેમની દિકરી રૂહીને ખડગુંદા ગામે એક ભૂવાને બતાડવા લઈ જતાં હતાં.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કેટલીક જગ્યાએ લોકોમાં ‘ગેરમાન્યતા’ છે કે ‘ભૂવાઓ દાણા નાખીને તેમના પર આવેલી કથિત ઉપાધિઓનો ઉકેલ’ આપે છે.
મનસુખભાઈના પરિજન ત્રિકમભાઈ બીબીસી સહયોગી સચિન પિઠવાને જણાવે છે કે, “આ અંધશ્રદ્ધામાં બન્યું. આવું ન કરાય પણ થઈ ગયું તો હવે અમે શું કરી શકીયે. આવું કરો એવું કોઈ કહે ખરું? નહીં જ કરાય.”
મૃતક રુહીના કાકા અને મનસુખભાઈના ભાઈ વિક્રમભાઈ બીબીસી સહયોગી સચિન પિઠવાને જણાવે છે, “તેઓ ખડગુંદા નહીં પહોંચ્યા ત્યારે ખુલાસો થયો. પિતાજીએ પૂછ્યું, મારાં માતા રડવા લાગ્યાં. તેઓ રડતાં રડતાં કહેવા લાગ્યાં કે બંને પાછાં જતાં રહ્યાં છે અને દીકરી તેમની સાથે નથી.”
બનાવને જોતા ગામના આગેવાનો અને વિજ્ઞાન જાથાના સભ્યોએ લોકોને અંધશ્રદ્ધામાં દોરવાઈ ને કોઈ પણ પગલું લેવાથી દૂર રહેવાની અપીલ કરી હતી.
સ્થાનિક આગેવાન શેલાભાઈ સરવૈયા બીબીસી ગુજરાતીને જણાવે છે કે, “લોકો દાણા જોવડાવે છે, દોરા-ધાગા કરાવે છે. લોકોએ આવું ન કરવું જોઈએ. આ આધુનિક જમાનો છે. અંધશ્રદ્ધામાં રાચવું ન જોઈએ.”
“આમાંથી બહાર આવીને લોકો ઇલાજ માટે ડૉક્ટર પાસે જાય.”
રેશનલિસ્ટો માને છે કે ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ વારંવાર ઘટી રહી છે. સમાજે અંધશ્રદ્ધા સામે જાગૃત થવાની જરૂરિયાત પર તેઓ ભાર મૂકે છે.
તો અંધશ્રદ્ધા સામે આંદોલન ચલાવતા સંગઠન વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યા બીબીસી ગુજરાતીને જણાવે છે, “આ સંદર્ભે આપણને કરુણા ઉપજે. ગુજરાતમાં આ પ્રકારે અંધશ્રદ્ધાના બનાવો વધી રહ્યા છે. જેને કારણે આપણું માથું શરમથી ઝૂકી જાય છે. આપણે કઈ સદીમાં જઈ રહ્યા છીએ?”
“વિછીયામાં દંપતીએ પોતાની ‘બલિ’ ચઢાવી. તેમની માન્યતા પ્રમાણે તેમને મોક્ષ મળશે, પણ તેમના બે સંતાનોને નોંધારાં મૂકીને તેમણે આત્મહત્યા કરી. આ પ્રકારના આઘાતજનક કિસ્સાઓ વધી રહ્યા છે.”
“દ્વારકામાં આ જ પ્રકારે એક ભૂવાએ કહ્યું કે આ મહિલા કુટુંબને ભરખી જશે, એટલે તેને એટલો ઢોર માર મારવામાં આવ્યો કે તેનું મોત થયું.”
“રાપરમાં અંધશ્રદ્ધાની લહાયમાં સાત-આઠ વ્યક્તિઓને ઉકળતા તેલમાં હાથ બોળવામાં આવતા તેઓ દાઝી ગયાનો બનાવ નોંધાયો છે.”
“ભરૂચમાં એક બાળકને હવનકુંડમાં બેસાડવામાં આવ્યો હતો.”
પોલીસનુંં શું કહેવું છે?
સાયલા-ચોટીલા હાઈવે પર શાપર ગામ પાસે આવેલા નાળામાંથી શંકાસ્પદ અને બિનવારસી હાલતમાં દોઢ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ મામલે ચોટીલા પોલીસે તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે માતાપિતાએ જ બાળકીની હત્યા કરીને મૃતદેહ ફેંકી દીધો હતો.
ફોરેન્સિક તપાસમાં બાળકીની હત્યા થયાનું બહાર આવ્યું. પોલીસને પહેલા શંકા ગઈ જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા નિપજાવનાર માતાપિતાને ઝડપી પાડયાં હતાં.
લીંબડી પોલીસ સ્ટેશનના ડીવાયએસપી સીપી મુંધવાએ બીબીસી ગુજરાતીના સુરેન્દ્રનગર ખાતેના સહયોગી સચિન પિઠવાને જણાવ્યું, “આરોપી માતાપિતા મનસુખભાઈ જોગરાણિયા અને પ્રકાશબહેન જોગરાણિયા પોતાની પુત્રીને અપશુકનિયાળ માનતાં હતાં. જેને લીધે આવેશમાં આવી તેમણે યોજનાબદ્ધ રીતે તેને (દીકરી) ઘરથી દૂર લઈ જઈ ગળું દબાવી હત્યા કરી દીધી.”
“આરોપી મનસુખભાઈ આવેશમાં આવી ગયા હોવાનું જણાવે છે. તેમણે કબૂલ્યું હતું કે તેમની દીકરી અપશુકનિયાળ છે. તેને કારણે તેમના જીવનમાં બધું થાય છે.”
“તેને કારણે તેમણે તેનું ગળું દબાવીને તેનું મોત નિપજાવ્યું હતું. પોલીસ સામે તેઓ ભાંગી પડ્યાં હતાં. મરણજનાર બાળકી તેમનું દોઢ વર્ષનુ સંતાન હતી. અમે આ બાળકીના માતા-પિતા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.”