ગુજરાતમાં નવું વર્ષ દિવાળી પછી જ કેમ ઊજવવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતમાં 20 ઑક્ટોબરે દિવાળી ઊજવાઈ અને હવે 22 ઑક્ટોબરે નવું વર્ષ ઊજવાઈ રહ્યું છે.
સાંસ્કૃતિક, ધાર્મિક, પ્રાકૃતિક અને ભૌગોલિક વૈવિધ્ય ધરાવતા ભારતમાં અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ દિવસે નવું વર્ષ ઊજવવામાં આવે છે. ગુજરાતમાં વસતાં વિવિધ સમુદાયોમાં પણ એક કરતાં વધુ નવાં વર્ષ ઊજવાય છે.
આ સિવાય ઐતિહાસિક ઘટનાઓ, હસ્તીઓ, શાસકીય- કાયદાકીય જરૂરિયાતોના આધારે વર્ષની ગણતરી બદલાતી રહે છે.
રાજ્યવાર અને અમુક કિસ્સાઓમાં ધર્મને આધારે પણ અલગ-અલગ દિવસે લોકો નવું વર્ષ ઊજવે છે. જેમ કે વૈશાખના પ્રથમ દિવસે પંજાબીઓનું નવું વર્ષ બૈસાખી ઊજવવામાં આવે છે તો ચૈત્ર મહિનાના પહેલા દિવસે મરાઠી અને કોંકણી લોકોનું નવું વર્ષ ગુડી પડવો ઊજવાય છે.
તો સવાલ એ થાય કે ગુજરાતીઓનું નવું વર્ષ કેમ દિવાળી પછી ઊજવવામાં આવે છે? આ લેખમાં આપણે તેના પરંપરાગત અને ખગોળીય ગણતરી સહિતના કારણોની ચર્ચા કરીશું. એ સિવાય આ વર્ષે દિવાળી અને નવા વર્ષ વચ્ચે એક દિવસ ખાલી કેમ રહ્યો તે પણ જાણીશું.
તિથિ, માસ, સંવતની ગુજરાતના નવા વર્ષ પર શું અસર થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
પરંપરાગત પંચાંગ પ્રમાણે, દિવાળી અને નવા વર્ષ વચ્ચેનો છોડી દેવાયેલો દિવસ 'ધોકા' કે 'પડતર દિવસ' તરીકે ઓળખાય છે અને આમ કરવા પાછળ ખગોળીય ગણતરી જવાબદાર હોય છે.
તિથિ, માસ અને વર્ષ એ કોઈપણ ઐતિહાસિક, રાજકીય, સાંસ્કૃતિક કે ખગોળીય ઘટનાને નોંધવા માટે અનિવાર્ય માહિતી છે.
પદ્ધતિસર સંવત અમલમાં આવ્યા તે પહેલાં રાજાના શાસનકાળના વર્ષ સાથે સમયને જોડવામાં આવતો, જેમ કે 'રાજાના શાસનના અમુકમાં વર્ષે', મૌર્યકાલીન રાજા અશોકના શિલાલેખો તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વૈદિકકાળથી પંચાંગના આધારે મિતિ નક્કી કરવાની ભારતમાં પરંપરા રહી છે. પંચાંગમાં તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ (ત્રીસ ઘડીના કાળનો એક એકમ) એમ પાંચ અંગ જણાવવામાં આવ્યા છે. આ ભારતીય પંચાંગો અને ધર્મશાસ્ત્રોમાં, સૌર, ચંદ્ર, સાયન અને નક્ષત્ર એમ ચાર પ્રકારના કાલમાનનું મિશ્ર સ્વરૂપ સ્વીકારાયેલું છે.
પૂનમ કે પૂર્ણિમા પછીના દિવસથી ચંદ્રનો ક્ષય થવા લાગે અને તેનો પ્રકાશ 15 દિવસ સુધી ઘટે એટલે તે અંધારિયા, કૃષ્ણપક્ષ, વદ કે વદી તરીકે ઓળખાય છે. પછીના પખવાડિયામાં ચંદ્રનો પ્રકાશ દિવસે-દિવસે વધતો રહે એટલે તે અજવાળિયાં, શુક્લ, શુક્લપક્ષ, સુદ કે સુદી તરીકે ઓળખાય છે.
આ પંદર દિવસો એકમ (પ્રતિપદા કે પડવો), બીજ, ત્રીજ (તૃતીયા), ચોથ (ચતુર્થી), પાંચમ, છઠ, સાતમ (કે સપ્તમી), આઠમ (કે અષ્ટમી), નોમ (કે નવમી), દસમી (કે દસમ), અગિયારસ (કે એકાદશી), બારસ (કે દ્વાદશી), તેરસ (કે ત્રયોદશી), ચૌદસ (કે ચતુર્દશી) તરીકે ઓળખાય છે.
જો ચંદ્ર ચડતી કળાએ હોય તો તિથિની આગળ 'સુદ' અને ઊતરતી કળાએ હોય તો 'વદ' પછી તિથિ લખવામાં આવે છે. સુદનો પંદરમો દિવસ 'પૂનમ' તથા વદનો પંદરમો દિવસ 'અમાસ' તરીકે ઓળખાય છે.
નવો માસ કે વર્ષ શરૂ કરવા માટે ભારતમાં 'અમાંત' અને પૂર્ણિમાંત. અમાંત શબ્દ એ 'અમાસ અને અંત'ની સંધિ છે, જ્યારે અને 'પૂર્ણિમાંત'નો અર્થ 'પૂર્ણિમાના દિવસે અંત' છે.
'અમાંત' પદ્ધતિમાં અમાસના દિવસે મહિનો પૂર્ણ થાય છે અને નવા માસની શરૂઆત સુદ એકમથી થાય છે. દાખલા તરીકે માગશર મહિનાની અમાસના બીજા દિવસે પોષ માસની સુદ-એકમ હશે.
જ્યારે 'પૂર્ણિમાંત' પદ્ધતિમાં પૂનમના દિવસે માસને પૂર્ણ માનવામાં આવે છે અને વદ એકમથી નવા માસની શરૂઆત થાય છે. આમ તેમાં પ્રથમ પખવાડિયું વદનું હોય છે. જેમ કે શ્રાવણ મહિનો પૂર્ણ થયેથી ભાદ્રપદ શરૂ થાય.
ગુજરાતમાં નવું વર્ષ અને ધોકો

ઇમેજ સ્રોત, Getty Images
બીજી નવેમ્બર, 2024નું નવું વર્ષ એ વિક્રમ સંવત પ્રમાણે, વર્ષનો પહેલો દિવસ છે. જે કારતક સુદ એકમથી શરૂ થાય છે. આ સંવતને 'વિક્રમ કાલ', 'માલવગણ' કે 'કૃત'ના નામથી પણ ઓળખવામાં આવે છે.
છેલ્લા લગભગ બે દાયકાથી કાર્તિકી પંચાંગના સંપાદનકાર્ય સાથે જોડાયેલા સનત પોપટે બીબીસી ગુજરાતીના સહયોગી જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું કે,
"ભારતના જુદા-જુદા પ્રદેશોમાં વ્યાવહારિક તેમજ ધાર્મિક ઉપયોગ માટે પ્રચલિત પંચાંગોમાં એકવાક્યતાનો અભાવ હોવાથી કોઈ જગ્યાએ શુક્લપક્ષમાં મહિનાની તો કોઈ સ્થળે કૃષ્ણપક્ષમાં માસની શરૂઆત થાય છે. કોઈ જગ્યાએ વિક્રમ સંવત જનમાન્ય છે તો કેટલાક પ્રદેશોમાં શાલિવહન શક પ્રચલિત છે."
"ભારતના ઉત્તરના ભાગોમાં પૂર્ણિમાંત હોય છે એટલે ચૈત્ર મહિનાના શુક્લપક્ષથી નવું વર્ષ શરૂ થાય છે. જ્યારે ગુજરાત-કાઠિયાવાડમાં કાર્તિક માસથી વર્ષનો આરંભ માનવામાં આવે છે. કાર્તિક માસના વર્ષારંભે 135 બાદ કરવાથી (સાત માસ ભુક્ત) તથા 57 બાદ કરવાથી (લગભગ 10 માસ ભુક્ત) ઈસવીસન આવે."
ઘણી વખત દિવાળીના પછીના દિવસથી નવું વર્ષ શરૂ ન થતાં એક દિવસ છોડીને પછી નવાવર્ષની ગણતરી શરૂ કરવામાં આવે છે. વચ્ચેના દિવસને 'ખાલી દિવસ', 'પડતર દિવસ' કે 'ધોકા' તરીકે પણ ઓળખવામાં આવે છે.
ટેકનિકલી આ દિવસ બંનેમાંથી એકપણ વર્ષના ભાગરૂપ નથી હોતો. હિંદુઓ ધોકાના દિવસે કોઈ માંગલિકકાર્ય નથી કરતા. આમ કરવા પાછળનો તર્ક સમજાવતા સનત પોપટ કહે છે,
"વિક્રમ સંવત પ્રમાણે આસો વદ અમાસના દિવસને દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. ધારો કે બીજા દિવસે છ વાગ્યા અને આઠ મિનિટે સૂર્યોદય થવાનો હોય, પરંતુ ચંદ્રની કળા-વિકળાની ગણતરી પ્રમાણે એ સમયે દિવાળી ચાલુ હોય તો એ દિવસથી નવું વર્ષ શરૂ ન થઈ શકે. ચાહે દિવાળી છ વાગ્યા અને નવ મિનિટે જ પૂર્ણ કેમ ન થતી હોય. એ દિવસ છોડી દેવામાં આવે છે."
ક્યારેક વૈષ્ણવ અને સ્વામીનારાયણ સંપ્રદાયના તહેવાર કે તિથિ નક્કી કરવા માટે વિક્રમ સંવતની તિથિ સાથે એકાદ દિવસનો ફેરફાર ઊભો થતો હોય છે.
જોકે, ગુજરાતના કચ્છમાં અષાઢી બીજે નવુંવર્ષ ઉજવવામાં આવે છે. એટલું જ નહીં કચ્છીઓ જ્યાં-જ્યાં જઈને વસ્યાં છે, ત્યાં-ત્યાં તેઓ દિવાળીના તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે, સાથે જ અષાઢી બીજના દિવસે નવવર્ષની શુભકામનાઓ પણ પાઠવે છે.
પ્રભાસ અને દક્ષિણ કાઠિયાવાડના કેટલાક વિસ્તારોમાં 'સિંહ સંવત્સર'ના નામે નવા સંવતનો ઉલ્લેખ જોવા મળે છે. (ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ, દેસાઈ, 172-173) જે જયસિંહ સિદ્ધરાજના સમયમાં ચાલુ થયો હોવાનું માનવામાં આવે છે. આજે તે વપરાશમાં નથી.
નવું વર્ષ, નવો હિસાબ

ઇમેજ સ્રોત, Getty Images
વેપાર-વાણિજ્ય સાથે જોડાયેલા ગુજરાતીઓ દિવાળીના દિવસે 'ચોપડાપૂજન' કરીને નવા વર્ષના રોજમેળ માંડે છે.
રાજકોટસ્થિત જયેશ શિંગાળા 30 વર્ષ કરતાં વધુ સમયથી એકાઉન્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે નામું લખવા માટે લાલ પૂંઠાં અને દોરીવાળા હિસાબી ચોપડાથી લઈને કમ્પ્યુટર સુધીનું પરિવર્તન જોયું છે.
વસંત સાથે વાત કરતા શિંગાળાએ જણાવ્યું હતું, "કમ્પ્યુટર આવવા છતાં પરંપરાગત ખાતાવહી ચોપડા હજુ પણ પ્રચલિત છે અને દિવાળીના દિવસે તેનું પૂજન પણ થાય છે. આ દિવસે જૂની ખાતાવહી બંધ કરવામાં આવે છે અને નવી ખાતાવહી શરૂ કરવામાં આવે છે."
વિક્રમ સંવતના બાર માસના નામ કારતક (કાર્તિક), માગશર (માર્ગશીર્ષ), પોષ, મહા (માઘ), ફાગણ (ફાલ્ગુન), ચૈત્ર, વૈશાખ (બૈશાખી), જેઠ (જ્યેષ્ઠ), અષાઢ, શ્રાવણ, ભાદરવા (ભાદ્રપદ), આસો (અશ્વિન) તરીકે ઓળખાય છે.
ચંદ્ર અને સૌરવર્ષની વચ્ચે સામંજસ્ય બેસાડવા માટે લગભગ અઢી વર્ષે 'અધિકમાસ' કે 'પુરુષોત્તમમાસ' ઉમેરવામાં આવે છે. આ સિવાય જ્વલ્લે જ બનતી ઘટનામાં ક્યારેક માસનો 'ક્ષય' પણ થાય છે.
નવું વર્ષ : કાયદાકીય અને શાસકીય

ઇમેજ સ્રોત, BBC Sport
ભારતમાં નાણામંત્રી દ્વારા તા. પહેલી ફેબ્રુઆરીના દિવસે દેશનું બજેટ રજૂ કરવામાં આવે છે. તે સંસદના નીચલાગૃહ લોકસભા તથા ઉપલાગૃહ રાજ્યસભામાં પસાર થયા બાદ કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે.
જોકે, દેશનું હિસાબી કે નાણાકીય વર્ષ પહેલી એપ્રિલે શરૂ થાય તથા પછીના ઈસવી સનની 31મી માર્ચે પૂર્ણ થાય. આ તારીખો સમગ્ર દેશમાં એકસમાન રીતે લાગુ થાય છે અને તે કાયદાકીય જરૂરિયાત બની રહે છે.
દેશમાં શાસકીય તથા રોજબરોજના વ્યવહારુ ઉપયોગમાં 'ઈસવી સન'નો ઉપયોગ થાય છે, જે 'ક્રાઇસ્ટ ઍરા' અને 'બિફૉર ક્રાઇસ્ટ ઍરા' અથવા 'કૉમન ઍરા' અને 'બિફૉર કૉમન ઍરા' તરીકે ઓળખાય છે. તેને ખ્રિસ્તીઓના કૅલેન્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમના તહેવાર આના આધારે નક્કી થાય છે. તે ભગવાન ઈસુના જન્મકાળ સાથે જોડાયેલું છે.
ભારતમાં કંપની સરકાર તથા એ પછી બ્રિટિશ શાસનકાળ દરમિયાન આ સંવત પ્રચલિત બન્યો. ગુજરાતમાં 19મી સદીના બીજા અને ત્રીજા દાયકા દરમિયાન તેનો ફેલાવો થયો હોવાનું માનવામાં આવે છે.
'ઈસવી સન' તા. પહેલી જાન્યુઆરીથી શરૂ થાય છે અને તા. 31મી ડિસેમ્બરે પૂર્ણ થાય છે. ઉદારીકરણ પછી દેશના ટિયર-ટુ અને ટિયર-થ્રી સિટીમાં પણ તા. 31મીની રાત્રે ન્યૂ યર પાર્ટીઓનું ચલણ વધ્યું છે અને રાત્રે 12 વાગતા નવા વર્ષને વધાવવામાં આવે છે.
જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઑગસ્ટ, ઑક્ટોબર અને ડિસેમ્બર મહિનો 31 દિવસના હોય છે, જ્યારે એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર 30 દિવસના હોય છે. ફેબ્રુઆરી મહિનો સામાન્ય રીતે 28 દિવસનો હોય છે, પરંતુ 'પ્લુત વર્ષ 'માં તે 29 દિવસનો હોય છે. જો પ્લુત વર્ષનો 100 વડે ભાગાકાર થઈ શકે તેમ હોય તો એ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 28 દિવસ જ હોય છે.
આંતરરાષ્ટ્રીય વ્યવહારોમાં સામંજસ્ય બેસાડવા માટે તથા વહીવટી એકરૂપતાને જાળવી રાખવા માટે સ્વતંત્રતા પછી પણ 'ઈસવી સન'નો ઉપયોગ ચાલુ રહેવા પામ્યો છે. આમ છતાં સરકારી ગૅઝેટોમાં તેની સાથે 'શક સંવત'નું પણ પ્રકાશન કરવામાં આવે છે.
અનુશ્રુતિ પ્રમાણે, શકોએ ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યના વંશજોને પરાજિત કરીને પોતાનો નવો સંવત શરૂ કર્યો હતો. જે વિક્રમ સંવતના લગભગ 135 વર્ષ પછી શરૂ થયો હતો. તે ઈસવી સન કરતાં 78-79 વર્ષ પાછળ છે.
દખ્ખણના પ્રતિષ્ઠાનપુરના (પૈઠણ) લોકપ્રિય પ્રાચીન રાજા શાલિવહનનું નામ આ સંવત સાથે જોડી દેવામાં આવ્યું એટલે તે 'શાલિવહન-કૃત શક' તરીકે ઓળખાતું. એ સમયે ઉજ્જૈન ભારતનું જ્યોતિષ તથા ખગોળવિજ્ઞાનનું કેન્દ્ર હતું એટલે તે વ્યાપક રીતે પ્રચલિત બન્યું. વિક્રમ સંવત નવમી સદીમાં અને શક સંવત 12મી સદી પછી પ્રચલિત થયા હોવાનું માનવામાં આવે છે.
ડીસી સરકારે તેમના પુસ્તક 'ઇન્ડિયન ઍપિગ્રાફી'માં (પેજનંબર 219-323) લખે છે કે નવેમ્બર-1952માં દેશના અલગ-અલગ સંવતનો અભ્યાસ કરીને સર્વસામાન્ય કૅલેન્ડર સૂચવવા માટે સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. જેણે વર્ષ 1955માં સુધાર સાથેનું શક કૅલેન્ડર સૂચવ્યું હતું, તા. 22મી માર્ચ 1957થી તેનો ઉપયોગ શરૂ થયો હતો.
વર્ષ : ધાર્મિક, પ્રાકૃતિક અને ઐતિહાસિક

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સાંસ્કૃતિક ઉપરાંત ધાર્મિક અને પ્રાકૃતિક વૈવિધ્ય ધરાવે છે. જેના આધારે પણ અલગ-અલગ સંવત અમલમાં આવ્યા. જેમાંથી અમુકનો ઉલ્લેખ સરકારે તેમના પુસ્તકમાં કર્યો છે.
ભારતમાં સલ્તનતકાળ દરમિયાન ઇસ્લામિક હિજરીસનનું ચલણ શરૂ થયું, જે મુઘલકાળ દરમિયાન ચાલુ રહેવા પામ્યું હતું. મુસ્લિમોના ધાર્મિક તહેવાર આના આધારે નક્કી થાય છે.
અકબરે 'દીન-એ-ઇલાહી' ધર્મની સ્થાપના કર્યા પછી 'ઇલાહી સન' નામથી નવો સન શરૂ કર્યો હતો. તેમાં અકબરના શાસનને પ્રથમ વર્ષ ગણવામાં આવ્યું. તેમાં 12 મહિના હતા 29, 30, 31 કે 32 દિવસના મહિના હતા. જોકે, દીન-એ-ઇલાહીની જેમ જ આ સંવત્સરને પણ લોકોની વ્યાપક સ્વીકાર્યતા મળી ન હતી.
હિજરીસનના ચંદ્રવર્ષ અને ભારતની ઋતુઓ વચ્ચે તાલમેળ ન રહેતો હોવાથી અકબરે 'ફસલીસન'ની (પાકઆધારિત વર્ષ) શરૂઆત કરાવી હતી, જેથી કરીને મહેસૂલ વસૂલવામાં સગવડ રહે. અમલી, શાહૂર, બંગાળી, વિલાયતી, ત્રિપુરા, મગી, મલ્લ, મવલૂદી વગરે તેના અલગ-અલગ સન સ્વરૂપ છે.
જૈનોના તહેવાર મહાવીર સંવતના આધારે નક્કી થાય છે. ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણથી આ સંવતની કાલગણના થયેલી છે.
ઈરાનથી ભારત આવીને સ્થાયી થયેલા પારસી કે જરથુષ્ઠો 'નવરોઝ' કે 'પતેતી'ને નવા વર્ષ તરીકે ઉજવે છે. તેમનું પોતાનું કેલેન્ડર છે.
કલિયુગ, બુદ્ધનિર્વાણ અને વીરનિર્વાણ જેવા સંવત બહુ વહેલા શરૂ થયા હોવા છતાં તેનું ચલણ એ પછીના અમુક સૌકાઓ બાદ શરૂ થયું હોવાનું જણાય છે. કલચૂરી અને ગુપ્ત-વલભી, ગુરૂના 12 વર્ષનું ચક્ર, હર્ષ, ગંગ (કે ગાંગેય), કૂચબિહાર, વગેરે જેવા સંવત સદંતર નાબૂદ થઈ ગયા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












