You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દુનિયાભરમાં બીબીસીના સૌથી વધુ દર્શકો-વાચકો ભારતમાં
તાજેતરના આંકડા દર્શાવે છે કે દર્શકો અને વાચકોની સંખ્યા મામલે ભારત બીબીસી માટે સૌથી પહેલા નંબરે છે.
ભારતમાં બીબીસીનું કૉન્ટેન્ટ આઠ કરોડથી વધુ લોકો સુધી પહોંચી રહ્યું છે.
આમાં દર્શક, વાચક અને શ્રોતા સામેલ છે જે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર બીબીસીનું કૉન્ટેન્ટ અલગ-અલગ પ્લૅટફૉર્મ પર જુએ છે, વાંચે છે અથવા સાંભળે છે.
બુધવારે જાહેર કરવામાં આવેલા નવા આંકડા મુજબ, ભારત બીબીસી ન્યૂઝ માટે છેલ્લાં વર્ષોની જેમ આ વર્ષે પણ સૌથી વધુ ઑડિયન્સવાળો દેશ બન્યો છે.
ભારતમાં બીબીસીના કૉન્ટેન્ટને જોનાર અને વાંચનારની સંખ્યામાં પાછલા વર્ષની સરખામણીએ સાત ટકાનો વધારો થયો છે.
ગત વર્ષની સરખામણીએ ભારતમાં બીબીસીનું કૉન્ટેન્ટ જોવા, વાંચવા અને સાંભળનારા લોકોની સંખ્યામાં 52 લાખથી વધુ નવા લોકો જોડાયા છે.
બીબીસીનું કૉન્ટેન્ટ હિન્દી અને અંગ્રેજી સહિત ગુજરાતી, તમિળ, પંજાબી, મરાઠી, તેલુગુ, ઉર્દૂ અને બાંગ્લા જેવી ભારતીય ભાષામાં પણ ઉપ્લબ્ધ છે.
તાજેતરના આંકડા એમ પણ સૂચવે છે કે ભારત પછી દર્શકો સુધી પહોંચવાની સંખ્યાના મામલે બીજા નંબરે અમેરિકા અને ત્રીજા નંબરે નાઇજીરિયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી વર્લ્ડ સર્વિસ જે ભાષામાં ન્યૂઝ કૉન્ટેન્ટ ઉપલબ્ધ કરાવે છે તેમાં દર્શકોની સંખ્યાની દૃષ્ટિએ બીબીસી ન્યૂઝ હિંદી પહેલા નંબરે છે, તે પાછલાં ત્રણ વર્ષથી પહેલા નંબર પર છે.
બીબીસીની ગ્લોબલ ઑડિયન્સ મેઝર (ગેમ)ના આંકડા પ્રમાણે બીબીસી ન્યૂઝ હિંદીના દર્શકોની સંખ્યામાં 27 ટકાનો વધારો થયો છે.
હિંદી સહિત ગુજરાતી અને તેલુગુ જેવી ભારતીય ભાષાનાં ઑડિયન્સની સંખ્યા પણ વધી છે.
બીબીસી ગુજરાતીના કૉન્ટેન્ટને જોવા અને વાંચનારની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ (તમામ પ્લૅટફૉર્મ પર) 14 ટકાનો વધારો થયો છે.
તો બીબીસી ગુજરાતી વેબસાઇટમાં ગત વર્ષની સરખામણીએ વાચકોની સંખ્યામાં 54 ટકાનો વધારો થયો છે.
પબ્લિક સર્વિસ બ્રૉડકાસ્ટર
બીબીસી ડાયરેક્ટર જનરલ ટિમ ડેવીએ તાજેતરના આંકડા વિશે કહ્યું કે, “બીબીસીનું લક્ષ્ય બહુ જ સ્પષ્ટ છે, પબ્લિક સર્વિસ કૉન્ટેન્ટ અને સેવાઓ ઉપલબ્ધ કરાવવી જે બધાં સુધી પહોંચી શકે, જે બધાં માટે સુધારો લઈને આવે, અમે જે પણ કરીએ છીએ એમાં સૌથી વધુ ધ્યાન એ વાત પર રહે છે કે અમે પબ્લિક સર્વિસ બ્રૉડકાસ્ટરના ફાયદા લોકો સુધી પહોંચાડતા રહીએ.”
બીબીસીએ પોતાની કેટલીક પ્રાથમિકતા રાખી છે જેમાં દુનિયાભરમાં લોકોને સમાચારને સમજવામાં મદદ કરવી, વિવિધતાથી ભરેલા સંસારમાં તમામ લોકોને નિષ્પક્ષ સમાચાર આપવા, નીડર પત્રકારિતા કરવી, રચનાત્મકતા અને અલગ ઓળખને દરેક કામના કેન્દ્રમાં રાખવું સામેલ છે.
દુનિયાભરમાં 42 અલગ-અલગ ભાષા થકી બીબીસીનું કવરેજ કરોડો લોકો જુએ છે.