You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘મોંઘી કાર અને આલિશાન ઘર’, ચીન માટે કથિત જાસૂસી કરનારાં અમેરિકન અધિકારીની કહાણી
- લેેખક, સૅમ કૅબ્રલ
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકાના ન્યૂયૉર્ક રાજ્યની સરકારમાં એક ઉચ્ચ અધિકારી પર ચીન માટે જાસૂસી કરવાનો અભિયોગ ચલાવાઈ રહ્યો છે.
લિન્ડા સન પર આક્ષેપ છે કે તેમણે કોવિડ દરમિયાન ન્યૂયૉર્ક રાજ્યની સત્તાવાર ઑનલાઇન મીટિંગનું ઍક્સેસ ચીનની સરકારને આપ્યું હતું.
આક્ષેપ પ્રમાણે તે વખતે લિન્ડા સન ચીનનાં જાસૂસ તરીકે અમેરિકામાં અંડરકવર એજન્ટ તરીકે કામ કરતાં હતાં. તેઓ આશરે 14 વર્ષથી અમેરિકામાં કામ કરી રહ્યાં છે. આ દરમિયાન તેઓ ન્યૂયૉર્કના ગર્વનરનાં ડેપ્યુટી ચીફ ઑફ સ્ટાફના પદ સુધી પહોંચી ગયાં હતાં.
સરકારી વકીલે જણાવ્યું કે 41 વર્ષનાં લિન્ડા સુને ચીનના અધિકારીઓની મદદ કરવા માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો.
લિન્ડા સન પર આરોપ છે કે તેમણે તાઇવાનના રાજદ્વારીઓને ન્યૂયૉર્ક રાજ્ય સરકારનો સંપર્ક કરતા અટકાવ્યાં હતાં અને બેઇજિંગ સાથે ખાનગી કાગળો શૅર કર્યા હતા.
કામના બદલામાં ચીને કથિત રીતે લિન્ડા સન અને તેમના પતિ ક્રિસ્ટોફર હુને લાખો ડૉલરની મોંઘી ભેટસોગાદ આપી હતી.
'સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે'
સરકારી વકીલે જણાવ્યું કે ચીનથી મળેલા પૈસાની મદદથી લિન્ડા સને ન્યૂયૉર્કમાં 41 લાખ ડૉલરનું આલિશાન ઘર ખરીદ્યું છે.
કોર્ટના દસ્તાવેજો અનુસાર દંપતી અમેરિકાના હવાઈ રાજ્યના હોનોલુલુમાં પણ સંપત્તિ ધરાવે છે, જેની કિંમત 21 લાખ ડૉલર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોંઘાદાટ ઘર ઉપરાંત દંપતી પાસે ફેરારી રોમા સ્પૉર્ટ્સ કારના નવા મૉડલ સહિત ઘણી લક્ઝરી કારો પણ છે.
લિન્ડા સન અને તેમના પતિ પર વિદેશી એજન્ટ તરીકે નોંધણી નહીં કરવા બદલ, વિઝા છેતરપિંડી અને મની લૉન્ડરિંગ સહિતના આરોપો મૂકવામાં આવ્યા છે. બ્રુકલિનની ફેડરલ કોર્ટમાં મંગળવારે સુનાવણી દરમિયાન બંનેએ તમામ આરોપોને ફગાવી દીધા હતા.
અમેરિકાના કાયદા પ્રમાણે બીજા દેશો, રાજકીય પક્ષો અથવા તેમનાં હિતો માટે કામ કરતા લોકો માટે વિદેશી એજન્ટ તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે.
સરકારી વકીલે જણાવ્યું હતું કે લિન્ડાએ જાણીજોઈને એ હકીકત છુપાવી હતી કે તેઓ ચીની અધિકારીઓ અને પ્રતિનિધિઓ માટે કામ કરતાં હતાં.
લિન્ડા સામે મુખ્ય આરોપ એ છે કે સાલ 2020માં કોવિડ રોગચાળા દરમિયાન તેમણે ચીનના કૉન્સ્યુલેટના અધિકારીઓનો ન્યૂયૉર્ક સ્ટેટના નેતાઓ સાથે પરિચય કરાવ્યો હતો.
સરકારી વકીલે જણાવ્યું કે લિન્ડાએ કોવિડ માટેની બેઠકમાં ગુપચુપ રીતે ચીનના એક અધિકારીને સામેલ કર્યા હતા.
ન્યૂ યૉર્કના પૂર્વ સરકારી વકીલ હોવર્ડ માસ્ટરે બીબીસીને જણાવ્યું, ''ન્યૂજર્સીના પૂર્વ સૅનેટર બૉબ મેનેન્ડેઝ સહિતના વરિષ્ઠ અધિકારીઓ પર વિદેશી સરકારો પાસેથી ભેટસોગાદ લેવાનો આક્ષેપ છે. આ આક્ષેપો ચિંતાજનક છે."
લિન્ડા સામે રજૂ કરાયેલા સરકારી દસ્તાવેજોમાં એવું કહેવામાં આવ્યું છે કે તેમણે તાઇવાનના પ્રતિનિધિઓની અમેરિકન સરકાર સાથેના વાટાઘાટના પ્રયાસોમાં પણ અવરોધ ઊભા કર્યા હતા.
તાઇવાનના એક કાર્યક્રમમાં ન્યૂયૉર્કના એક મહત્ત્વના રાજકારણીને હટાવ્યા બાદ સાલ 2016માં લિન્ડા સને ચીનના અધિકારીને એક સંદેશમાં જણાવ્યું હતું, "આ બધું યોગ્ય રીતે કરવામાં આવ્યું છે.''
સાલ 2019માં તાઇવાનના રાષ્ટ્રપતિની ન્યૂયૉર્કની મુલાકાત દરમિયાન પણ લિન્ડા બેઇજિંગ તરફી વિરોધપ્રદર્શનમાં ભાગ લેતા જોવાં મળ્યાં હતાં.
વીગર મુસ્લિમોનો ઉલ્લેખ દૂર કર્યો
જાન્યુઆરી 2021 સુધી તેમણે ચીનના શિનજિયાંગમાં પ્રાંતમાં રહેતા વીગર મુસ્લિમોને ચીનમાં અટકાયતમાં લેવાના કોઈ પણ ઉલ્લેખને પણ દૂર કર્યો હતો.
ચાઇનીઝ નવા વર્ષ માટે ચીનના અધિકારીઓએ લિન્ડાને ન્યૂ યૉર્કના ગવર્નરનો સંદેશ નોંધવા માટે વિનંતી કરી હતી. લિન્ડાએ પૂછ્યું હતું કે ગવર્નર પાસેથી શું સંદેશ લેવાનો છે?
ચીની અધિકારીઓએ લખ્યું, "રજાઓ માટે શુભકામનાઓ, મિત્રતા અને સહયોગની અપેક્ષા. કંઈ પણ વધુ રાજકીય નહીં."
લિન્ડા સને બાદમાં એક ચીની અધિકારીને જણાવ્યું હતું કે ગવર્નરના ભાષણમાંથી 'વીગર મુસ્લિમનો ઉલ્લેખ' દૂર કરવાને લઈને ભાષણ લખનાર વ્યક્તિ સાથે તેમની ઉગ્ર ચર્ચા થઈ હતી.
સાલ 2023માં ન્યૂયૉર્ક લેબર ડિપાર્ટમેન્ટ માટે કામ કરતી વખતે લિન્ડાએ ગવર્નર કેથી હોચુલને નવા વર્ષ માટેનું ભાષણ પહેલેથી જ આપી દીધું હતું. આ ભાષણ ચીનના અધિકારી દ્વારા લખવામાં આવ્યું હતું.
આ ભાષણ ગવર્નર હોચુલની પરવાનગી વગર લખવામાં આવ્યું હતું.
ચીને આપ્યાં મોંઘાદાટ ભેટસોગાદો
સરકારી વકીલ અનુસાર ચીની અધિકારીઓએ લિન્ડા અને તેમના પતિને જાસૂસીના બદલામાં ઘણા પૈસા આપ્યા હતા. જે ભેટ આપવામાં આવી હતી તેમાં દંપતીની ચીનયાત્રાનો તમામ ખર્ચ પણ સામેલ હતો. તેમને મોટા શો, સંગીત કાર્યક્રમ અને રમતગમતના કાર્યક્રમોની ટિકિટો પણ આપવામાં આવ્યા હતા.
ઉપરાંત લિન્ડાના પિતરાઈ ભાઈ માટે ચીનમાં નોકરીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચીનના સરકારી અધિકારીના અંગત રસોઈયા દ્વારા રાંધવામાં આવતી નૉનજિંગ સૉલ્ટેડ ડક ડીશ (બતકના માંસમાંથી બનેલી વાનગી)ની હોમ ડિલિવરી પણ કરવામાં આવી હતી.
કોર્ટના દસ્તાવેજો પ્રમાણે બતકની આ ખાસ વાનગી લિન્ડાનાં માતાપિતાના ઘરે 16 વખત મોકલવામાં આવી હતી.
મંગળવારે સવારે જ્યારે ફેડરલ એજન્ટ લિન્ડા અને તેમના પતિ લૉંગ આઇલૅન્ડના ઘરે પહોંચ્યાં ત્યારે 10 ગુનાહિત મામલામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
એપી ન્યૂઝે લિન્ડાનાં વકીલ ઝારોફ સોરફને ટાંકીને જણાવ્યું, ''અમે કોર્ટમાં આ આરોપોનો સામનો કરવા માટે તૈયાર છીએ. અમારા અસીલ આ આરોપો દાખલ થવાથી ચિંતિત છે.''
જે બાદ કોર્ટે બંનેને જામીન પર મુક્ત કર્યાં છે. પરંતુ દંપતી અમેરિકાનાં માત્ર ત્રણ રાજ્યોમાં જ મુસાફરી કરી શકશે.
સાથે કોર્ટે લિન્ડાને આદેશ આપ્યો છે કે તેઓ ન્યૂ યૉર્કસ્થિત ચાઇનીઝ કૉન્સ્યુલેટના પ્રતિનિધિઓનો સંપર્ક ન કરે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન