You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચાઇના કૌભાંડ જે ચીનથી નહીં પણ છેક દૂર આઇલ ઑફ મૅન દ્વીપથી ચાલતું
- લેેખક, ગ્લોબલ ચાઇના યુનિટ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
કૌભાંડકર્તાઓએ આઇલ ઑફ મેનમાંની સમુદ્રતટ પરની એક હોટલ અને બૅન્કની ભૂતપૂર્વ ઑફિસોનો ઉપયોગ ચીનના લોકોને છેતરીને કરોડો ડૉલર્સ પડાવવા માટે કર્યો હોવાનું બીબીસી વર્લ્ડ સર્વિસના ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું છે.
અમને જણાવવામાં આવ્યું હતું કે ડગ્લાસ ખાતેની સીવ્યૂ હોટલના ડાઇનિંગ રૂમ અને લાઉન્જમાં ઝડપી બ્રૉડબૅન્ડ સાથે જોડાયેલાં કમ્પ્યુટરો પર ડઝનેક ચીની કર્મચારીઓ કામ કરતા હતા. હોટલના રસોડામાં એક ખાસ પ્રકારનું મોટું વૉક હોબ પણ પહોંચાડવામાં આવ્યું હતું.
ચીની કોર્ટના દસ્તાવેજો અનુસાર, જાન્યુઆરી 2022 અને જાન્યુઆરી 2023 વચ્ચે કરવામાં આવેલી આ છેતરપિંડી માટે ‘પિગ-બુચરિંગ’ તરીકે ઓળખાતી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ રીતે પહેલા લોકોને વિશ્વાસમાં લેવામાં આવે છે અને પછી તેમની ખાનગી માહિતી કે પૈસા લેવામાં આવે છે. તેમાં લોકોનો વિશ્વાસ મેળવવો એ સફળતાની શરત છે.
બ્રિટિશ ક્રાઉન પર આધારિત અને સ્વતંત્ર સરકાર ધરાવતા આ ટાપુમાં રોકાણ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું હતું તે સ્થાપિત કરવા માટે બીબીસીએ લગભગ એક વર્ષ તપાસ કરી હતી.
આઈરિશ સમુદ્રની સામે અદ્યતન ઑફિસ સંકુલ બનાવવાની બૉસ લોકોની કેવી મહત્ત્વાકાંક્ષા હતી, તેના જેવી અન્ય વિગતોનો પર્દાફાશ પણ અમે કર્યો છે.
પિગ બુચરિંગ એટલે શું?
કોર્ટના કાગળિયા મેળવવાની સાથે અમે લીક થયેલા દસ્તાવેજો પણ મેળવ્યા હતા અને કંપનીના જાણભેદુઓ સાથે પણ વાત કરી હતી.
કંપનીના ભૂતપૂર્વ કર્મચારી જૉર્ડને (સાચું નામ નથી) અમને જણાવ્યું હતું કે તેઓ આઈલ ઑફ મેન પહોંચ્યા ત્યારે તેમને ખબર ન હતી કે તેઓ કેવી ભેદી દુનિયામાં પ્રવેશી રહ્યા છે. એક સ્થિર વહીવટી નોકરી મળી હોવાનું જાણીને તેમને રાહત થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અલબત્ત, પોતાનો નવો નોકરીદાતા રહસ્યપ્રિય હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું. દાખલા તરીકે, કંપનીના સામાજિક કાર્યક્રમોમાં તેમને અને તેમના સાથીદારોને ફોટા લેવાની મનાઈ હતી. જૉર્ડનને એ સમજાયું ન હતું કે તેના ઘણા ચીની સાથી કર્મચારીઓ કૌભાંડ કરનારા હતા.
2021ના અંતમાં લગભગ 100 લોકોને એક કંપનીમાં નોકરી કરવા માટે આઇલ ઑફ મૅનમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. કંપનીનો ઉલ્લેખ ચીની કોર્ટના દસ્તાવેજોમાં એમઆઈસી તરીકે કરવામા આવ્યો છે.
એમઆઈસીનો અર્થ મેન્ક્સ ઇન્ટરનેટ કૉમર્સ થતો હોવાનું બીબીસીએ શોધી કાઢ્યું હતું. એ લોકો ફિલિપાઇન્સથી આવ્યા હતા. તેમણે ફિલિપાઇન્સમાં એક અન્ય કૌભાંડકારી કંપની માટે કામ કર્યું હતું.
આઇલ ઑફ મૅન પરની એમઆઈસી ઍસોસિએટેડ કંપનીઓનો એક હિસ્સો હતી અને બધાની માલિક એક જ વ્યક્તિ હતી.
તેમાં કિમ ગેમિંગ દ્વારા ચલાવવામાં આવતો કેસિનો સૌથી વધુ પ્રખ્યાત હતો. મેઇનલૅન્ડ ચાઇનામાં જુગાર ગેરકાયદે છે. જૂથના સંચાલકો દ્વારા સમગ્ર વિશ્વના કેન્દ્રમાં કંપની સેટ કરવાનો હેતુ ચીની ગ્રાહકોને નિશાન બનાવવાનો હતો. એ ઉપરાંત આઇલ ઑફ મૅનમાં ઓછા ગેમ્બલિંગ ટૅક્સનો લાભ પણ મળતો હતો.
ડગ્લાસની સીવ્યૂ હોટલમાંથી થોડો કામ કર્યા બાદ એમઆઈસીના કર્મચારીઓને શહેરની પૂર્વ બાજુએ આવેલી એક ભૂતપૂર્વ બૅન્કની ઑફિસમાં ખસેડવામાં આવ્યા હતા.
જૉર્ડનના જણાવ્યા મુજબ, એ સ્થળે કર્મચારીઓ ચાર-ચારના જૂથમાં કામ કરતા હતા અને ત્યાં તેમને તેમના નવા સાથીદારો પાસેથી ક્યારેક-ક્યારેક ખુશીની ચિચિયારી સાંભળવા મળતી હતી. જૉર્ડન હવે માને છે કે એ કર્મચારીઓ લગભગ 5,000 માઈલ દૂર કોઈ પીડિત સાથે સફળતાપૂર્વક છેતરપિંડી કરવાની ખુશાલી આ રીતે વ્યક્ત કરતા હતા.
કોને કોને દોષી ઠેરવવામાં આવ્યા?
ડગ્લાસ ખાતે એમઆઈસીમાં કામ કરનાર છ લોકોને, તેઓ ચીન પાછા ફર્યા પછી, ચીની નાગરિકો વિરુદ્ધ રોકાણ કૌભાંડ આચરવાના આરોપસર દોષિત ઠેરવવામાં આવ્યા છે.
આ કેસોની સુનાવણી 2023ના અંતમાં કરવામાં આવી હતી અને તેમાં પૈસાના ગેરકાયદા પ્રવાહનું વિવરણ છે. ચીની કોર્ટના દસ્તાવેજો મુજબ, પ્રતિવાદીઓ દ્વારા પીડિતોને આઈલ ઑફ મેન અને ફિલિપાઇન્સમાંથી લલચાવવામાં આવ્યા હતા.
દસ્તાવેજો જણાવે છે કે વૉટ્સઍપ જેવી જ લોકપ્રિય ચીના ઇન્સન્ટ મૅસેજિંગ સર્વિસ ક્યુક્યુ પર ગ્રૂપ ચેટ્સમાં જોડાવા માટે ચીની રોકાણકારોને આકર્ષવા પ્રતિવાદીઓ જૂથોમાં કામ કરતા હતા. એક કૌભાંડકર્તા રોકાણ ‘શિક્ષક’ની ભૂમિકા ભજવતો હતો અને અન્યો રોકાણકાર હોવાનો દેખાડો કરતા હતા.
બીબીસીએ કોર્ટના દસ્તાવેજો સહિતના જે પુરાવા જોયા છે તેમાં ફિલિપાઇન્સથી ડગ્લાસ આવેલા અનેક લોકો કૌભાંડમાં સામેલ હતા તેનો પણ સમાવેશ થાય છે. બધા એક જ કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હતા અને પોતાના કામ માટે ક્યુક્યુ પર નિર્ભર હતા. કેટલાક મૅનેજરોને બાદ કરતાં બધાનું પદ સમાન હતું.
નકલી રોકાણકારો ‘શિક્ષક’ની પૈસા કમાવવાની કુશળતા બાબતે અતિશયોક્તિ અને ઉત્તેજનાનું વાતાવરણ સર્જતા હતા અને પછી પીડિતને ચોક્કસ રોકાણ પ્લૅટફૉર્મમાં પૈસા રોકવાનું કહેવામાં આવતું હતું, એવું ચીની કોર્ટને જાણવા મળ્યું હતું.
અતિશયોક્તિથી અંજાઈ જતા પીડિતો તેમણે કરેલા સૂચનોનું પાલન કરતા હતા અને કૌભાંડકર્તાઓ તેમના પૈસા પડાવી લેતા હતા. કૌભાંડકર્તાઓ આ પ્લૅટફૉર્મને નિયંત્રિત કરતા હતા અને પડદા પાછળથી હાથચાલાકી કરતા હતા.
ચીની અદાલતે જણાવ્યું હતું કે પીડિતોને કુલ કેટલું નુકસાન થયું છે તેનો આંકડો મેળવવો મુશ્કેલ છે, પરંતુ ઓછામાં ઓછા 12 પીડિતો પાસેથી 38.87 મિલિયન રેન્મિબી (41.7 લાખથી 50.3 લાખ પાઉન્ડ) પડાવી લેવામાં આવ્યા હતા.
પ્રતિવાદીઓની કબૂલાત, તેમના પ્રવાસની નાણાકીય રેકૉર્ડ્ઝની વિગતો અને ચેટ લોગ સહિતના પુરાવાને આધારે કોર્ટે છ પ્રતિવાદીઓને દોષિત ઠેરવ્યા હતા.
કોર્ટના દસ્તાવેજો જણાવે છે કે આ એક નફાકારક જ નહીં, પરંતુ એક અત્યાધુનિક કૌભાંડ પણ હતું, જેમાં ફ્રન્ટલાઇન ટીમોએ “પિગ-બુચરિંગ” ટેકનિક્સનો ઉપયોગ કરવાનો હતો અને પીડિતોને રોકાણ કરવા મનાવવાના હતા.
બધી કંપનીઓનો એક જ લાભાર્થી કોણ?
બીબીસીએ કંપનીઓના એકમાત્ર લાભાર્થીની ઓળખ શોધી કાઢી છે. તેનું નામ વહીવટી પેપરવર્કમાં છુપાયેલું હતું.
એમઆઈસી અને તેની સહયોગી કંપનીઓ “બિલ મોર્ગન” નામની વ્યક્તિએ સ્થાપેલા એક ટ્રસ્ટની માલિકીની હતી. દસ્તાવેજો જણાવે છે કે બિલ મોર્ગન લિયાંગ લિંગફેઈ તરીકે પણ ઓળખાતો હતો. જૉર્ડનના કહેવા મુજબ, કર્મચારીઓ તેમને બૉસ લિયાંગ કહેતા હતા.
ચીની કોર્ટના દસ્તાવેજોમાં લિયાંગ લિંગફેઈ નામની એક વ્યક્તિનો ઉલ્લેખ છે, જે આઈલ ઑફ મેન પર સ્થાપવામાં આવેલી એમઆઈસીનો સહ-સ્થાપક છે.
કંપનીને “કૌભાંડકારી પ્રવૃત્તિઓ કરવા માટે સ્થાપવામાં આવેલા સંપૂર્ણ ગુનાહિત સંગઠન” તરીકે વર્ણવવામાં આવી હતી. જેમની સામે અદાલતી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમાં લિયાંગ લિંગફેઈનો સમાવેશ થતો ન હતો. તેમનું પ્રતિનિધિત્વ પણ કોઈએ કર્યું ન હતું.
કોર્ટે જણાવ્યુ હતું કે લિયાંગ લિંગફેઈ ફિલિપાઇન્સમાં કૌભાંડકારી સંસ્થાના સહ-સ્થાપક પણ હતા. એમઆઈસીના ઘણા કર્મચારીઓને આઈલ ઑફ મેનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા એ પહેલાં તેઓ ફિલિપાઇન્સમાં કામ કરતા હોવાના પુરાવા બીબીસીએ જોયા છે.
અમારી તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે લિયાંગ લિંગફેઈએ આઇલ ઑફ મૅનમાં ઇન્વેસ્ટમૅન્ટ વિઝા મેળવ્યા હતા અને ટાપુ પર યોજાયેલા કંપનીના અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમનાં પત્ની ટાપુના ઍરપૉર્ટ નજીકના બલ્લાસલ્લા શહેરમાં એક ઘરની માલિકી પણ ધરાવે છે.
મહત્ત્વાકાંક્ષી કંપનીઓની યોજના
આઇલ ઑફ મૅન પરનું કંપનીઓનું જૂથ મહત્ત્વાકાંક્ષી હતું. આ જૂથે નૌકાદળના ભૂતપૂર્વ પ્રશિક્ષણ બેઝના સ્થળે પાર્કલૅન્ડ કૅમ્પસ નામનું ચમકદાર હેડક્વાર્ટર બનાવવા માટે ગયા વર્ષના અંતમાં પ્લાનિંગ ઍગ્રિમેન્ટ પર સહીસિક્કા કર્યા હતા. ડેવલપર્સના પ્રવક્તાએ તેને “આઈલ ઑફ મેનમાંનું સૌથી મોટું સિંગલ પ્રાઇવેટ ઇન્વેસ્ટમૅન્ટ” ગણાવ્યું હતું.
આર્કિટેક્ટ્સ ઇમેજીસમાં ડગ્લાસના દરિયાકિનારે એક ટેકરી પર સ્થિત ઑફિસ બિલ્ડિંગ્ઝ દર્શાવવામાં આવ્યાં હતાં. તેમાં એક પેન્ટહાઉસ એપાર્ટમેન્ટ, એક સ્પા, બહુવિધ બાર અને કરાઓકે લાઉન્જના નિર્માણની વિગત પણ હતી.
એ કૅમ્પસનો ઉપયોગ એમઆઈસીના કર્મચારીઓ અને એમઆઈસી “સંલગ્ન” કંપનીઓ માટે કામ કરતા કર્મચારીઓ કરવાના હતા. તેમાં ઑનલાઇન ગેમ્બલિંગમાં સામેલ લોકોનો પણ સમાવેશ થાય છે, એવું પ્લાનિંગના દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે.
મધ્યમસરના ઓછા અંદાજ મુજબ, “પિગ-બુચરિંગ” ઉદ્યોગની વૈશ્વિક વાર્ષિક આવક 60 અબજ ડૉલરથી વધારે છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની ડ્રગ્સ ઍન્ડ ક્રાઇમ ઑફિસના દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રતિનિધિ મસૂદ કરીમીપુરે કહ્યુ હતું, “પશ્ચિમી દેશમાંથી આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવો આ પહેલો કિસ્સો છે.”
તેમના જણાવ્યા મુજબ, આવા કૌભાંડોને રોકવા તે એકાદ છીંડું પૂરવા જેવી છે અને આ રમતમાં અત્યારે “સંગઠિત અપરાધ જગત જીતી રહ્યું છે,” કારણ કે ગુનેગારો કાનૂની છટકબારીઓ અને થોડીક બેદરકારી હોય તેવા ક્ષેત્રોમાં “જ્યુરિશડિક્શન શૉપિંગ” કરે છે.
આઈલ ઑફ મેન પરના કંપનીઓના જૂથની કાયદેસરની કે અન્ય કોઈ મહત્ત્વાકાંક્ષાનો અંત આવી ગયો હોય એવું લાગે છે.
પોલીસે એપ્રિલમાં બૅન્કની ભૂતપૂર્વ ઑફિસો પર દરોડા પાડ્યા હતા. પોલીસે કોર્ટ ઑફ જસ્ટિસ બિલ્ડિંગની બાજુમાં આવેલી એક ઇમારતને પણ નિશાન બનાવી હતી. ઇમારતના પહેલા માળની બારીઓમાંથી પ્રવેશવા માટે પોલીસે વહેલી સવારે સીડીઓનો ઉપયોગ કર્યો હતો.
થોડા સમય બાદ જ બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં પોલીસે જણાવ્યુ હતું કે કિંગ ગેમિંગ લિમિટેડ આઈઓએમ સંબંધી વ્યાપક છેતરપિંડી અને મની લૉન્ડરિંગની તપાસ સંદર્ભે આ દરોડા પાડવામાં આવ્યા હતા. સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
એ પછી વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આઈલ ઑફ મેનના એટર્ની જનરલની વિનંતીને પગલે એમઆઈસી અને કિંગ ગેમિંગ લિમિટેડ આઈઓએમ સહિતની ગ્રૂપ કંપનીઓ માટે આ મહિનાની શરૂઆતમાં રિસિવર્સની નિમણૂક કરવામાં આવી હતી.
આઇલૅન્ડના ગેમ્બલિંગ રેગ્યુલેટરે એમઆઈસી સંબંધી કંપનીઓનાં લાઇસન્સ છીનવી લીધાં છે.
પાર્કલૅન્ડ કૅમ્પસ સાઇટ પરનાં વૃક્ષોને કાપી નાખવામાં આવ્યાં હતાં, પરંતુ રિડેવલપમૅન્ટ ક્યારે થશે તે અનિશ્ચિત છે.
બીબીસીએ આ કૌભાંડમાં સામેલ કંપનીઓ તેમજ બિલ મોર્ગન, લિયાંગ લિંગફેઈ અને કંપનીના ડિરેક્ટર્સનો કૉમ્યુનિકેશનની વિવિધ પદ્ધતિઓ દ્વારા સંપર્ક સાધવાનો પ્રયાસ વારંવાર કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિભાવ મળ્યો નથી.
અમે સીવ્યૂ હોટલના સંપર્કનો પ્રયાસ પણ કર્યો તો, પરંતુ કોઈ પ્રતિભાવ મળ્યો નથી. જોકે, હોટલ પરિસરમાં થતી ગેરકાયદે પ્રવૃત્તિ બાબતે કોઈ વાકેફ હોવાના સમાચાર નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન