માર્ક કાર્ની બન્યા કૅનેડાના નવા વડા પ્રધાન, બે ભાષામાં લીધા શપથ - ન્યૂઝ અપડેટ્સ

કૅનેડાની લિબરલ પાર્ટીના નેતૃત્વની ચૂંટણી જીત્યા બાદ કેન્દ્રીય બૅન્કર માર્ક કાર્ની હવે કૅનેડાના નવા વડા પ્રધાન બન્યા છે. તેમણે કૅનેડાની પરંપરા અનુસાર વડા પ્રધાન તરીકે અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં શપથ લીધા છે.
તેમની સાથે નવી કૅબિનેટના મંત્રીઓએ પણ શપથ લીધા છે.
માર્ક કાર્નીએ નવ વર્ષ સુધી કૅનેડાના વડા પ્રધાનપદે રહેલા જસ્ટિન ટ્રુડોનું સ્થાન લીધું.
ટ્રુડોએ પોતાની પાર્ટીમાં જ દબાણ વધતા જાન્યુઆરીમાં રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ ત્યાં સુધી પદ પર રહેશે જ્યાં સુધી લિબરલ પાર્ટી નવા નેતા પસંદ નથી કરી લેતી.
થોડા સમયથી ભારત અને કૅનેડાના સંબંધ સારા નથી. ત્યારે સૌની નજર માર્ક કાર્ની પર રહેશે. કાર્ની શપથવિધિ બાદ સમર્થકોને સંબોધિત કરવાના છે, જેમાં તેઓ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ અને તેમની સરકારની નીતિઓ વિશે પણ સ્પષ્ટતા કરે તેવી શક્યતા છે.
આઈપીએલ 2025 : દિલ્હી કૅપિટલ્સના કપ્તાન બન્યા અક્ષર પટેલ, ફ્રેન્ચાઇઝીએ કરી જાહેરાત

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હી કૅપિટલ્સે જાહેરાત કરી છે કે આઈપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2025 દરમિયાન ભારતીય ટીમના ઑલરાઉન્ડર અક્ષર પટેલ તેની ટીમનું નેતૃત્વ કરશે. આઈપીએલની ટીમે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર આ વાતની જાહેરાત કરી હતી.
આ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાતી મૂળના ક્રિકેટર અક્ષર પટેલે લખ્યું, "તમામ લોકોએ મને સપોર્ટ કર્યો છે. એ જોઈને મને વધુ સારું લાગી રહ્યું છે. તેઓ મારી ઉપર મારી જાત કરતાં વધુ વિશ્વાસ મૂકી રહ્યા છે. મને જે ભૂમિકા મળી છે, તેના માટે હું ઉત્સાહિત છું."
અક્ષર પટેલે ક્રિકેટ ફેન્સ માટે કહ્યું કે દિલ્હીવાળા તમારો કપ્તાન સજ્જ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિલ્હી કૅપિટલ્સના ચૅરમૅન કિરણ કુમાર ગાંધીએ કહ્યું, "અક્ષર પટેલને દિલ્હી કૅપિટલ્સના સુકાની બનાવીને અમે ખૂબ જ ખુશ છીએ."
"અક્ષર પટેલ વર્ષ 2019થી કૅપિટલ્સ પરિવાર સાથે જોડાયેલા છે. તેઓ બે સિઝન દરમિયાન ઉપ-કપ્તાનપદે પણ રહ્યા છે. હવે તેઓ ટીમનું નેતૃત્વ કરશે."
"હું તેમને (અક્ષર પટેલ) તેમની નવી ભૂમિકા બદલ શુભકામનાઓ પાઠવું છું. મને વિશ્વાસ છે કે તેઓ પાર ઉતરશે."
ગાંધીએ ઉમેર્યું, "અક્ષર પટેલને અમારા કોચિંગ સ્ટાફ તથા અનુભવી નેતૃત્વનો પૂરેપૂરો સહયોગ મળશે."
ઉલ્લેખનીય છે કે અક્ષર પટેલે વર્ષ 2019થી અત્યારસુધીમાં દિલ્હી કૅપિટલ્સ વતી 82 મૅચ રમ્યા છે. તેમણે ગત છ વર્ષ દરમિયાન ટીમ માટે 967 રન બનાવ્યા છે અને 62 વિકેટ લીધી છે.
દિલ્હી કૅપિટલ્સની ટીમમાં લોકેશ રાહુલ પણ છે, પરંતુ તેમના સ્થાને અક્ષર પટેલને કૅપ્ટનની જવાબદારી સોંપાઈ છે.
IPL 2025ની શરૂઆત આગામી 22 માર્ચથી થઈ રહી છે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ 25 મે, 2025ના રોજ રમાશે. સૌથી પહેલી મૅચ 22 માર્ચે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચૅલેન્જર બૅંગ્લુરુ વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે રમાશે.

રાજકોટના એક ઍપાર્ટમેન્ટમાં આગ, ત્રણનાં મોત

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજકોટના 150 ફૂટ રોડ પર આવેલા ઍટલાન્ટિસ ઍપાર્ટમેન્ટમાં આજે આગ લાગવાની ઘટના ઘટી હતી. જેમાં ત્રણ લોકોનાં ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજ્યાં છે. જ્યારે કે એક વ્યક્તિને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આગ છઠ્ઠા માળે લાગી હતી પરંતુ તેની ઉપના માળના લોકો ફસાઈ ગયા હતા.
ફાયર બ્રિગેડના ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.
બીબીસી ગુજરાતીના રાજકોટ ખાતેના સહયોગી બિપીન ટંકારિયાના જણાવ્યા અનુસાર આ ફસાયેલા લગભગ 25થી વધારે લોકોનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું હતું."
આગ લાગવાનું કારણ હજુ બહાર આવ્યું નથી. આગ લાગવા મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજકોટના એસીપી બી. જે. ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે, " આગનું કારણ જાણી શકાયું નથી, એફએસએલ અધિકારી દ્વારા તપાસ કર્યા બાદ જ કારણ બહાર આવી શકે છે. ત્રણનાં મૃત્યુ થયાં છે. એક વ્યક્તિ દાઝ્યા છે તેમને હાલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગ સવારે સાડા નવ વાગ્યાની આસપાસ લાગી હતી અને જેવી અમને જાણ થઈ કે તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડ અહીં પહોંચી હતી અને લોકોને રૅસ્ક્યૂ કર્યા હતા.
પોલીસે એમ પણ જણાવ્યું કે હાલ આગ નિયંત્રણમાં આવી ગઈ છે અને તમામ લોકો રૅસ્ક્યૂ કરી દેવામાં આવ્યા છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે હોળી પર હિંદુ સમુદાયને કયો સંદેશો આપ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે હોળીની શુભકામનાઓ પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર દેશના હિંદુ સમુદાયને હોળીની શુભકામનાઓ આપી.
તેમણે ઍક્સ પર લખ્યું, "હું પાકિસ્તાનમાં રહેતા અમારા હિંદુ સમુદાયને હોળીના પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ આપું છું."
"આ ઉત્સવની આસપાસ ઉપસ્થિત ઉર્જા એ વસંતના આગમન અને પ્રેમનું પ્રતીક છે. આ બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે."
તેમણે લખ્યું, "આ પળ નવી શરૂઆત અને સંબંધોને મજબૂત બનાવવાનો તહેવાર છે. આ એ તક છે જે વિભિન્નતાનાં મહત્ત્વ અને એક સંગઠિત રાષ્ટ્ર બનાવવામાં સમાવેશિતાનાં મહત્ત્વ પર પ્રકાશ પાડે છે."
"રંગોનો આ તહેવાર તમારા જીવનને ખુશી, સ્વાસ્થ્ય, સફળતા અને સમૃદ્ધિથી ભરી દે."
"હૅપી હોલી"
ગ્રીનલૅન્ડ પર કબજો કરવાને લઈને હવે શું બોલ્યા ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ કૉન્ફરન્સમાં ગ્રીનલૅન્ડ પર કબજો કરવા મામલે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમણે આ સવાલના જવાબમાં કહ્યું, "મને લાગે છે કે આવું થશે."
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે તેમણે કહ્યું, "હું માત્ર આવું વિચારી રહ્યો છું. મેં આ વિષય મામલે વધારે વિચાર્યું નથી. પરંતુ હું જે વ્યક્તિ સાથે બેઠો છું, તેઓ આ મામલે પ્રભાવી ભૂમિકા ભજવી શકે છે."
ટ્રમ્પ સાથે તે વખતે નાટોના જનરલ સેક્રેટરી માર્ક રૂટે બેઠા હતા. તેમણે કહ્યું, "માર્ક તમે જાણો છો કે અમને આંતરરાષ્ટ્રીય સુરક્ષા અંતર્ગત આવું કરવાની જરૂર છે. અમારા ઘણા સહયોગી છે. જે તટની આસપાસ મંડરાય છે. અમારે સાવધાન રહેવું પડશે. અમે તમારી સાથે આ મામલે વાત કરીશું."
ઉલ્લેખનીય છે કે ગ્રીનલૅન્ડ ઉત્તર અમેરિકાથી યુરોપ જવાના રસ્તા પર બનેલો મોટા રૂટ પર આવેલો એક દ્વીપ છે. આ દુનિયાનો સૌથી મોટો દ્વીપ છે. આ અમેરિકાની સ્પેસ સુવિધાનું કેન્દ્ર પણ છે. અમેરિકા ઘણા લાંબા સમયથી ગ્રીનલૅન્ડને રણનીતિક પ્રકારે મહત્ત્વપૂર્ણ ગણે છે. તેમાં દુર્ગભ ખનીજોનો ભંડાર પણ છે જે બૅટરી અને અન્ય ડિવાઇસ બનાવવા કામ આવી શકે તેમ છે.
લદ્દાખના કારગિલમાં ભૂકંપ, 5.2ની તીવ્રતાનો આંચકો

ઇમેજ સ્રોત, Getty Images
લદ્દાખના કારગિલમાં શુક્રવારની સવારે ભૂકંપનો ઝટકો મહેસૂસ થયો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી.
ભૂકંપના આંચકા જમ્મુ અને કાશ્મીરમાં પણ મહેસૂસ કરવામાં આવ્યા. આ ભૂકંપનું કેન્દ્ર સવારે 2.50 વાગ્યે 15 કિલોમીટર અંદર હતું.
રવિવારે તિબેટમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર દસ કિલોમીટર અંદર હતું.
રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન સાથે યુદ્ધવિરામ માટે કઈ શરતો મૂકી?

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે યુક્રેનમાં યુદ્ધવિરામ માટે તેઓ તૈયાર છે. પરંતુ કેટલાક સવાલો હજુ ઊભા છે. જેમ કે કેટલાક દિવસો માટે થનારી સંધિ કેવી રહેશે?
પુતિને તેની સામે કેટલીક કઠોર શરત મૂકી છે.
પુતિને કહ્યું છે કે વિવાદનો એક વિસ્તાર કુર્સ્ક છે. જ્યાં ગત વર્ષે યુક્રેન સૈનિકોએ ઘૂસણખોરી કરી હતી.
આ દરમિયાન યુક્રેને કેટલોક વિસ્તાર કબજે કર્યો હતો.
પુતિને કહ્યું કે રશિયાએ કુર્સ્ક પર નિયંત્રણ કરી લીધું છે અને યુક્રેન સૈનિકોને અલગ કરી દીધા છે.
પુતિને કહ્યું કે "કુર્સ્કમાં યુક્રેન પાસે બે વિકલ્પો છે. ક્યાં તો શરણાગતિ અથવા તો મોત."
આ પહેલાં યુક્રેન સાથે અમેરિકાની વાતચીત દરમિયાન ત્રીસ દિવસો માટે યુદ્ધવિરામ કરવાની યોજના પર સહમતિ બની હતી.
રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધવિરામની સમજૂતિ સાથે જોડાયેલી વાતો યુક્રેનના જવાબના સંદર્ભમાં કહી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલન્સ્કીએ પુતિનની યોજનાને 'ષડયંત્રકારી' ગણાવી. યુક્રેની રાષ્ટ્રપતિએ રશિયા પર વધુ પ્રતિબંધો લગાવવાની માગ કરી.
આ વચ્ચે અમેરિકાએ રશિયા પર ઑઇલ, ગૅસ અને બૅન્કિંગ સેક્ટરને લઈને વધુ પ્રતિબંધો લાદ્યા છે.
મૉસ્કોમાં ગુરુવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં પુતિને યુદ્ધવિરામની ઘોષણાને લઈને કહ્યું, "વિચાર તો સારો છે. અમે તેનું સમર્થન કરીએ છીએ. પરંતુ કેટલાક સવાલો છે જેના પર ચર્ચા કરવાની જરૂર છે."
"અમે અમારા અમેરિકન સહયોગી સાથે વાતચીત કરવાની જરૂર છે. થઈ શકે કે હું ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરું. આ યુદ્ધવિરામથી શાંતિ સ્થાપિત થવી જોઈએ. આ સંકટનું મૂળ કારણ દૂર થવું જોઈએ."
પુતિને કહ્યું કે આ 30 દિવસનો યુદ્ધવિરામ યુક્રેન માટે સારું રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












