હોળીનાં ગીતો અને તહેવાર જીવન સાથે કેવી રીતે વણાયેલાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ગુજરાતી
હોળીના દિવસોમાં જીવાતા જીવનની વાતો વર્ષોથી સાહિત્યમાં ચર્ચાતી અને સંભળાતી આવે છે. આ એક એવો તહેવાર છે, જેમાં જીવનના રંગોની વાત એક ઉત્સવરૂપે આવે છે.
ઉત્તર ભારતમાં વિશેષ મહત્ત્વ ધરાવતો આ તહેવાર ગુજરાતમાં પણ ધામધૂમથી ઊજવાય છે અને ગુજરાતી સાહિત્યમાં પણ તેની અસર ઝીલાઈ છે.
હોળી પ્રસંગે નાયિકા પૂછે છે: પતિદેવ મારા માટે શું ખરીદી લાવ્યા? પતિ કહે છે કે 'હું તો સોળવલું સોનું લાવ્યો.' નાયિકા કહે છે કે, 'હું એકલી કઈ રીતે ધારણ કરું? મારે નણંદ અને ભોજાઈ પણ છે, અમે બધા વહેંચીને ધારણ કરીશું. પહેરીશું ને મહાલશું.'
જાણીતા સંશોધક-સંપાદક ડૉ. બળવંત જાનીએ 'ગુજરાતી ભીલીગીત: સ્વરૂપવિમર્શ અને આસ્વાદ' સંશોધન લેખમાં હોળીગીતમાં પરિવાર સંકલ્પનાનો આ રીતે પરિચય કરાવ્યો છે.
આ હોળીગીતમાં કુટુંબજીવન અને સામૂહિક ભાવનાનો એક હૃદયસ્પર્શી અંશ છુપાયેલો છે-
'પેંરણા હું હું વોરી લાયો રે
લાઓ હોનું હોળમું રે
પેંરણા હું કેમ પેરુ એકલી રે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમે નણદીન પોઝાઈ
વોટી વેંચીને પેરીએ રે...'
હોળી-ધુળેટીના આગલા દિવસથી ગામમાં છાણાં-લાકડાં વગેરે લાવીને છોકરાંઓ હોલિકાદહનની તૈયારી આરંભી દે. આખા ગામમાં એક ઉત્સાહનો માહોલ છવાતો અને સૌ કૌઈ તેમાં મન ભરીને ભાગ લેતા.
ગુજરાતનાં ઘણાં ગામો-શહેરોમાં એક સમયે હોળીની ઉજવણી કંઈક આ રીતે થતી. આજે પણ ઘણી જગ્યાએ પરંપરાગત હોળી ઊજવાય છે.
જોકે હવે સમય જતાં હોળીના રંગોમાં નવા નવા રંગો ઉમેરાયા પણ છે.
ખજૂર-દાળિયા-ધાણી વગેરે લાવીને પ્રગટાવેલી હોળી પર નાખે અને લોકો ફરતે ઘૂમે. ગુજરાતમાં આ રીતે ઠેરઠેર યોજાતી હોળી આદિવાસી સમાજમાં જરા નોખી રીતે ઉજવાય છે.
હોળીના તહેવારને સાહિત્યમાં પણ નોખું સ્થાન મળ્યું છે અને અનેક કવિઓએ તેનાં ગીતો લખ્યાં છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં હોળીનું પર્વ લોકોનાં જીવન સાથે પણ એટલું જ વણાયેલું છે.
ગુજરાત અને હોળી

ઇમેજ સ્રોત, ANI
ગુજરાતના જાણીતા સંશોધક ભગવાનદાસ પટેલ બીબીસી સાથે વાત કરતા કહે છે કે ગુજરાતમાં હોળીની અસર રાજસ્થાનથી આવી છે.
આદિવાસી સમાજને હોળી સાથે સાંકળતા તેઓ કહે છે, "હોળીનો ઉત્સવમાં અહીં દસથી પંદર દિવસ ચાલે છે. હોળિકાના દહનથી પછી લોકો એકબીજાને આમંત્રણ આપે છે. મળે છે. પશુબલિ પણ ચડાવે છે."
"આમ તો તેઓ (આદિવાસી સમાજ) કોઈ દિવસ કોઈ પાસે કંઈ માગે નહીં, પણ હોળીના દિવસે હોળીની ગોઠ માગે છે. આ એમનો મોટોમાં મોટા તહેવાર છે."
તેઓ એમ પણ કહે છે કે હોળીના જાતભાતના સામાજિક અને ધાર્મિક વેશો કાઢે અને આખી રાત આ રીતે આનંદ કરતા હોય છે."
"ધાર્મિક ગીતોમાં હોળીમાતાને આમંત્રણ આપે છે. પ્રાર્થના કરે છે. પછી સામાજિક ગીતો પણ છે. તેમાં તેઓ ગાળો પણ બોલતા હોય છે. પણ આ એમના જીવનનો ભાગ છે. આ સહજ અને સ્વાભાવિક આનંદ છે."
જોકે હવે આ પરંપરાનું ચલણ ઓછું થતું જાય છે. તેઓ કહે છે કે હવે આ પરંપરા જોઈએ એટલી સચવાઈ નથી. ઘણું પરિવર્તન આવી ગયું છે.
આદિવાસીઓના મુખ્ય દેવ ધાન

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હોળીની ઉજવણી અને તહેવાર આદિવાસી સમાજમાં નોખી રીતે ઉજવાય છે અને આ તહેવાર તેમના જીવન સાથે વણાયેલો છે.
ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાભવનના ઍસોસિએટ પ્રોફેસર ડૉ. આનંદ વસાવા બીબીસી સાથે વાત કરતા કહે છે, "આદિવાસીઓનું હોળી ઊજવવાનું મુખ્ય કારણ પ્રકૃતિ અને જીવન સાથે જોડાયેલું છે. આ સિઝનમાં આદિવાસીઓ ખેતરમાં જે ફસલ થાય એને કુળદેવીને અર્પણ કરે છે."
"મોટા ભાગના આદિવાસીઓની માતા કે દેવ એટલે દેવમોગરા માતા. આદિવાસીઓની મુખ્ય દેવી કે મુખ્ય દેવ એ ધાન છે. એમના માટે એનાથી મોટો કોઈ ભગવાન નથી. કોઈ પણ શુભ કે અશુભ પ્રસંગે ધાનની ઉપસ્થિતિ અનિવાર્ય માનવામાં આવે છે. ખેતરમાંથી લાવેલા ધાનને ઘરમાં લાવતા પહેલાં આદિવાસી લોકો દેવને અર્પણ કરે છે. આ આખી પ્રક્રિયાને 'હોબ' કહેવામાં આવે છે."
હોળીની ઉજવણી અંગે તેઓ કહે છે, "પાનખરમાં બધાં ઝાડપાન ખરી પડે પછી નવાં પાન ઊગે છે. આ મહિનો પીલવણનો મહિનો કહેવાય છે. ઝાડને નવાં પાન ઊગે છે, ઝાડ નવપલ્લિત થાય છે. એટલે આદિવાસી માટે આ નવું વર્ષ ગણાય છે."
તેઓ કહે છે કે આદિવાસી માટે હોળીની ઉજવણી કોઈ તિથિ કે તારીખ પ્રમાણે ઊજવાતી નથી. ગામલોકો નક્કી કરતા હોય છે કે હોળી ક્યારે ઊજવવી છે. પછી એ પ્રમાણે ઉજવણી થતી હોય છે. પ્રકૃતિ આદિવાસી સમાજ સાથે કેવી અભિન્ન રીતે જોડાયેલી છે, એ આ તહેવારમાં પ્રતીત થાય છે.
હોળીનાં ગીતો

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં અનેક કવિઓએ ઋતુગીતો લખ્યાં છે અને તેમાં હોળી-ફાગણ-વસંત વગેરેને પણ આવરી લીધાં છે. આ ગીતોમાં માનવજીવન અને પ્રકૃતિનો શો સંબંધ છે એ પણ દર્શાવ્યું છે.
કવિ બાલમુકુન્દ દવે લખે છે-
રંગ રંગ હોળી
ગુલાલ રંગ હોળી
ખેલોજી થોડી થોડી
હો લાલ રંગ હોળી
ગુલાલ રંગ હોળી
તો કવિ સુન્દરમ્ કહે છે-
મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ કો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
તો ઝવેરચંદ મેઘાણી ફાગણને વર્તમાન પરિસ્થિતિ સાથે જોડીને જરા જુદી રીતે મૂલવે છે.

અમદાવાદ એસ.એલ.યુ. આર્ટ્સ ઍન્ડ એચ. ઍન્ડ પી. ઠાકોર કૉમર્સ કૉલેજ ફૉર વિમેન કૉલેજમાં ગુજરાતી ભાષાનાં અધ્યાપક અને કવયિત્રી વર્ષા પ્રજાપતિ એક ગીતમાં કહે છે-
વસંત કેરી ડાળે ટહુકે, કોકિલ પંચમ ઢાળ કે ફાગણ આયોજી
નટખટ નટવર છેલછબીલો કરે કાંકરીચાળ કે ફાગણ આયોજી
ગોકુળની ગલીઓમાં ગુંજે રંગભરી પિચકારી
શ્યામબ્હાવરી જોતાં પેલો છળી ગયો ગિરધારી
શ્યામરંગ મનભાવન, ગોરી ઘૂંટે અંતરિયાળ કે ફાગણ આયોજી
તો કવિ ભાવેશ ભટ્ટ કંઈક નોખી રીતે વાત મૂકે છે. તેઓ કહે છે.
જુદી અમારી હોળી ભઈલા,જુદી અમારી હોળી
જાતને કાયમ પરસેવાના કાદવમાં રગદોળી
રંગો ને પિચકારી તો અમને સ્હેજે ના ખપતાં
અમે ભભકતી 'લૂ'માં લબકારાની સાથે રમતા
લઈ જાતી ઘરમાંથી ખેંચી નિશ્વાસોની ટોળી
હોળીનું માહાત્મ્ય અને વર્ણન

ઇમેજ સ્રોત, ANI
ગુજરાત વિશ્વકોશ પ્રમાણે, ઋતુચક્રની દૃષ્ટિએ વસંતઋતુની અશોકાષ્ટમીથી આરંભાયેલા ઉત્સવોના ચક્રમાં ફાલ્ગુન માસની પૂર્ણિમાએ આવતો ઉત્સવ હોલિકા કે હોલકા નામે ઓળખાય છે.
ઉત્તર ભારતમાં આ ઉત્સવ સ્વાતંત્ર્ય અને આનંદનો ઉત્સવ બની રહે છે. મુગલયુગમાં રાજદરબારમાં પણ આ ઉત્સવ ઊજવાતો હોવાનું અબૂલ ફઝલ નોંધે છે.
મુસ્લિમ ગ્રંથોમાં ઈદ-ઇ-ગુલાબી અને અબ-ઇ-પશી તરીકે આ ઉત્સવ ઓળખાવાયો છે. તેમાં પરસ્પર ગુલાબજળનું આદાનપ્રદાન થતું હતું. ઉત્તર ભારતમાં હોરી અને હોલી નામે ગીત-સંગીતનું આયોજન થતું હતું.
'વિનાયકાદિસર્વપૂજાપદ્ધતિ'માં દક્ષિણમાં હોલાકા અને તેના આરાધનને પરશુરામ સાથે સાંકળી વીંછી અને અન્ય ઝેરી જંતુઓને હોળીમાં પધરાવવા જણાવાયું છે.
બીજા દિવસે હોળીની રાખ અંગે ચોળી બપોરે સ્નાન કરવાની પ્રથા નોંધાઈ છે. આથી તે ધુળેટી કહેવાય છે. વળી હોળીના અંગારા બીજે દિવસે લાવી ઘરે રસોઈ બનાવવાની પરંપરા પણ નોંધાઈ છે.
આમ કરવાથી વર્ષ દરમિયાન આફતોમાંથી મુક્ત રહેવાય, તંદુરસ્તી જળવાઈ રહે એવી માન્યતા છે.
નરસિંહ મહેતા પૂર્વેથી ફાગનું ચલણ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રાચીન ગુજરાતમાં વસંત આવતાં વસંતનાં લોકગીતો ગાવાની પ્રથાના અનેક ઉલ્લેખો મળે છે. એ લોકગીતો સ્ત્રી અને પુરુષો દાંડિયારાસ સાથે ગાતાં. મારવાડમાં હજુય આ પ્રથા ચાલુ છે.
ફાગણનો આરંભ થતાં જ રાજસ્થાનના નગરનગર અને ગામેગામમાં ચોકમાં આ લોકગીતનૃત્યો (ધિન્નડ) હજુય મુક્તપણે ગવાય છે અને લોકવાણીમાં 'ફાગ' કહેવાય છે. આ લોકગીતોમાં ફાગણ માસમાં-વસંતમાં-સ્ત્રીપુરુષોનો વિહાર વર્ણવેલો હોય છે.
નરસિંહ મહેતાના સમય પહેલાં ગુજરાતમાં ફાગુકાવ્યો લખાતાં હતાં. આ ફાગુમાં વસંતનાં વર્ણનો જોવા મળે છે. તેમજ વસંતની માનવમન પરથી માદક અસરનું ચિત્રણ, હોળી ખેલવાની તથા શૃંગારક્રીડાની વાતો આવે છે.
આ પ્રકારનાં કાવ્યોમાં પ્રથમ વસંતનું વર્ણન આવતું અને પ્રકૃતિના મદીલા વાતાવરણનો માનવમનને કેવો નશો ચઢે છે તે દર્શાવાતું. તેમાં વિરહી સ્ત્રીને પ્રકૃતિ કેવી રીતે દુ:ખી કરે છે તે દર્શાવાતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












