યુવાનોમાં હૃદયરોગનું જોખમ કેમ વધ્યું? બચવા માટે શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આમિર અહમદ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
તમારા શરીરને યોગ્ય રીતે ચલાવવા માટે તમારું હૃદય તંદુરસ્ત હોવું ખૂબ જ જરૂરી છે. હૃદય લોહીને પંપ કરે છે, જેનાથી શરીરના દરેક ભાગમાં ઓક્સિજન અને જરૂરી પોષકતત્ત્વો પહોંચે છે.
વિશ્વ આરોગ્ય સંગઠન(WHO) મુજબ,દુનિયામાં સૌથી વધારે મોત હાર્ટઍટેકથી થાય છે. દર વર્ષે લગભગ 1.80 કરોડ લોકો આના લીધે પોતાનો જીવ ગુમાવે છે.
દુનિયામાં દર પાંચમાંથી ચાર મૃત્યુ હાર્ટઍટેક અને સ્ટ્રોકને કારણે થાય છે.
હૃદયરોગના નિષ્ણાતો જણાવે છે કે તમે ઇચ્છો તો દરરોજ થોડું થોડું કરીને તમારા હૃદયનું ધ્યાન રાખી શકો છો.
નિષ્ણાતોના કહેવા મુજબ એક તંદુરસ્ત પુખ્ત વયની વ્યક્તિ માટે રેસ્ટિંગ હાર્ટ રેટ 60થી 100 ધબકારા પ્રતિ મિનિટ હોય છે.
અમેરિકાના હૃદયરોગ નિષ્ણાત ડૉ. ઇવાન લેવિનના કહેવા મુજબ, "શરૂઆતથી જ સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ કરવામાં આવે અને તમાકુનું સેવન ટાળવામાં આવે તો હૃદયને નુકસાન થતું અટકાવી શકાય છે."
પરંતુ શું માત્ર તંદુરસ્ત હૃદય હોવાથી હાર્ટઍટેકને રોકી શકાય કે તેનો ખતરો ઘટાડી શકાય છે?
હાર્ટઍટેક શું હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
જો તમને લાગે કે હાર્ટઍટેક આવવાનો છે, તો તરત જ ડૉક્ટરને બતાવો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હૃદય સુધી ઓક્સિજન પહોંચાડનાર લોહીનો પૂરવઠો અટકી જાય ત્યારે હાર્ટઍટેક આવે છે.
આવામાં હૃદયના સ્નાયુઓમાં નુકસાન થઈ શકે અથવા તે કામ કરવાનું બંધ કરી શકે છે. સમયસર તબીબી સારવાર ન મળે તો હૃદયને કાયમી નુકસાન થઈ શકે છે.
હૃદયનો મોટો હિસ્સો આ રીતે અસરગ્રસ્ત થાય તો તેના ધબકારા બંધ પડી જાય છે જેને કાર્ડિયાક અરેસ્ટ એટલે કે 'હૃદયરોગનો હુમલો' કહેવાય છે અને આનાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.
હાર્ટઍટેકથી થતા લગભગ અડધાં મૃત્યુ તેનાં લક્ષણ શરૂ થયાના શરૂઆતના ત્રણથી ચાર કલાકમાં થઈ જાય છે. તેથી હાર્ટઍટેકનાં લક્ષણ દેખાતા જ ડૉક્ટરને બતાવવું જરૂરી છે.
હાર્ટઍટેકનું સૌથી મોટું કારણ કોરોનરી હૃદય રોગ છે. આવા રોગમાં એક તરલ પદાર્થ ધમનીઓમાં જામીને એકઠો થઈ જાય છે, જેનાથી ધમનીઓ સંકોચાઈ જાય છે અને રક્તપ્રવાહમાં અવરોધ થવા લાગે છે.
અમેરિકામાં દર વર્ષે લગભગ 8 લાખ 5 હજાર લોકોને હાર્ટઍટેક આવે છે. તેમાંથી 6 લાખ 5 હજાર લોકો પહેલી વખત તેનો સામનો કરતા હોય છે અને બે લાખ લોકો પહેલાં પણ હાર્ટઍટેકનો સામનો કરી ચૂક્યા હોય છે.
યુએસ સેન્ટર ફૉર ડિઝીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનના આંકડા મુજબ દર 40 સેકન્ડે એક વ્યક્તિને હાર્ટઍટેક આવે છે.
હાર્ટઍટેક આવવાનો છે તેની ખબર કેવી રીતે પડે?

ઇમેજ સ્રોત, Getty Images
હાર્ટઍટેકના સમયે છાતીથી ખભા સુધી દુ:ખાવાનો અનુભવ થઈ શકે છે.
હાર્ટઍટેક આવે ત્યારે તેનાં ઘણાં લક્ષણો જોવા મળે છે, પરંતુ છાતીનો દુ:ખાવો તેનું સામાન્ય લક્ષણ છે. આ દુ:ખાવો ઘણી વખત તીવ્ર નથી હોતો, પરંતુ છાતીના ભાગે ભારે દબાણ અને જકડાવ જેવો અનુભવ થાય છે.
ઘણી મહિલાઓને છાતીના ભાગથી લઈને ગરદન અને બંને ખભા સુધી પણ આવો દુ:ખાવો અનુભવાય છે.
કૅલિફૉર્નિયાના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ. એલિન બારસેઘિયન કહે છે કે હાર્ટઍટેકની શરૂઆત ઘણીવાર ઍસિડિટી જેવી હોય છે. જોકે, ઍસિડિટીની તુલનામાં હાર્ટઍટેકમાં શરીરનાં બીજાં અંગો, જેવા કે ડાબા હાથ, જડબું, પીઠ અને પેટમાં પણ દુ:ખાવો થઈ શકે છે.
આ ઉપરાંત ચક્કર આવવા, માથું ફરવું, વધારે પડતો પરસેવો આવવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, વગેરે લક્ષણોનો પણ સમાવેશ થાય છે.
અમુક હાર્ટઍટેક અચાનક આવે છે, પરંતુ ઘણી વાર આનાં લક્ષણો થોડા કલાકો અથવા થોડા દિવસો પહેલાં જોવા મળે છે.
કોઈ વ્યક્તિને છાતીમાં દુ:ખાવો થઈ રહ્યો હોય અને આરામ કરવાથી પણ રાહત ન મળે તો તે એક ચેતવણી હોઈ શકે છે.
ડૉ. એલિન બારસેઘિયન કહે છે કે "ત્રણ કલાકની અંદર લોહીનો પ્રવાહ વ્યવસ્થિત ન થાય તો હાર્ટના અસરગ્રસ્ત સ્નાયુઓ મરવા લાગે છે. મારી સલાહ છે કે ઍમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી એક ઍસ્પિરિનની ગોળી લો."
નિષ્ણાતો મુજબ તમને હાર્ટઍટેક આવી રહ્યો છે એવું લાગે તો તરત ડૉક્ટરનો સંપર્ક કરો.
અમેરિકાના હૃદયરોગના નિષ્ણાંત ડૉ. ઇવાન લેવિનનું કહેવું છે કે વ્યક્તિને પોતે પોતાને આવનારા જોખમોથી પરિચિત હોવું જોઈએ.
તેઓ કહે છે કે, "વ્યક્તિને ઉંમર, વજન, ધુમ્રપાન, દારૂ પીવાની આદતોની સાથે સાથે તેમના પરિવારના સ્વાસ્થ્ય ઇતિહાસની પણ જાણકારી હોવી જરૂરી છે."
તેમનું કહેવું છે કે "આ બધુ જાણવા છતાં પણ તમે છાતીમાં દુ:ખાવો અનુભવી રહ્યા છો, તો તરત જ ડૉક્ટરની સારવાર લેવા માટે તેમનો સંપર્ક કરવો જોઈએ."
હાર્ટઍટેકને કઈ રીતે રોકી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
સ્વસ્થ જીવન શૈલીથી તમે હાર્ટઍટેકને રોકી શકો છો.
હાર્ટઍટેકના જોખમને રોકવા માટેની ઘણી રીતો છે. સંતુલિત ખોરાક અને વ્યાયામથી તમે બ્લડપ્રેશર અને કૉલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરી શકો છે.
કૉલેસ્ટ્રોલ માણસના લોહીમાં રહેલ એવો પદાર્થ છે, જે તંદુરસ્ત કોશિકાઓ દ્વારા બને છે. પરંતુ ઘણાં કોલેસ્ટ્રોલ એવા પણ છે જેના વધવાથી હૃદયરોગનો ભય વધી જાય છે.
હૃદયરોગના નિષ્ણાંતો આ વાત પર વધારે ભાર આપે છે કે હૃદયને સુરક્ષિત રાખવા માટે તંદુરસ્ત અને સંતુલિત જીવનશૈલી અપનાવી ખૂબ જ જરૂરી છે.
ડૉક્ટરોનું માનવું છે કે વ્યક્તિને ચરબીયુક્ત ખોરાક ઓછો કરવો જોઈએ અને ફાઇબરથી યુક્ત ખોરાકમાં વધારો કરવો જોઈએ.
રોજના 6 ગ્રામથી વધારે મીઠું ખાવું ન જોઈએ કારણ કે વધારે મીઠું ખાવાથી બ્લડપ્રેશર વધી શકે છે.
અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ અને સેચ્યુરેટેડ ફૅટવાળા ખોરાકનું સેવન ટાળવું જોઈએ. આવો ખોરાક લોહીમાં કૉલેસ્ટ્રોલના પ્રમાણમાં વધારો કરી શકે છે. તેમાં માંસથી બનેલો ખોરાક, પાઈ, કેક, બિસ્કિટ, સોસ, બટર અને પામોલિન તેલથી બનેલી વસ્તુઓનો સમાવેશ થાય છે.
સંતુલિત ખોરાકમાં અનસેચ્યુરેટેડ વસ્તુઓનો સમાવેશ થવો જોઈએ. આવી ચીજો શરીરમાં ગુલ કૉલેસ્ટ્રોલમાં વધારો કરે છે અને આનાથી હૃદયની ધમનીઓ સ્વસ્થ રહે છે અને તેમ રક્તસંચાર સારી રીતે થઈ શકે છે.
નિષ્ણાતોનું માનવું છે કે આવા ખોરાકમાં ઑઇલી ફિશ,એવૉકાડો, નટ્સ અને શાકભાજીનાં તેલનો પણ સમાવેશ થાય છે. આવા ખોરકના સેવનથી વ્યક્તિ પોતાને તંદુરસ્ત રાખી શકે છે.
ડૉ. એલિન બારસેઘીયનનું કહેવું છે, " મેડિટેરેનિયન ડાયટ ઉત્તમ ગણવામાં આવે છે કેમ કે તે વિજ્ઞાનિક રીચે હૃદય સંબંધિત બિમારીઓને ઓછી કરવામાં મદદ કરે છે."

ઇમેજ સ્રોત, Getty Images
સંતુલિત ખોરાક અને રોજ વ્યાયામ કરવાથી તમે તમારા હૃદયને તંદુરસ્ત રાખી શકો છો. વજન સંતુલિત હશે તો હાઈ બ્લડપ્રેશર જેવી સમસ્યા થવાની શક્યતા ઘટી જાય છે.
હાર્ટની બીમારીઓના નિષ્ણાંત ડૉ. ઇવાન સલાહ આપે છે કે અઠવાડિયામાં પાંચ દિવસ અને દિવસમાં ઓછામાં ઓછા 30 મિનિટ માટે કસરત કરવી જોઈએ.
તેઓ કહે છે કે "તમારે સ્વસ્થ રહેવું હોય તો ધુમ્રપાન ન કરો."
અમેરિકન હાર્ટ ઍસોસિએશને 24,927 લોકો પર એક અભ્યાસ કર્યો છે. તેમાં જોવા મળ્યું કે જે લોકો ઈ-સિગારેટ, સિગારેટ બંનેનું સેવન કરે છે, તેમના હૃદયને એટલો જ ખતરો હોય છે જેટલો ખતરો સામાન્ય સિગારેટ પીનારને હોય છે.
જોકે, ઈ-સિગારેટના સેવન કરનાર લોકોમાં હૃદયરોગના કેસમાં 30થી 60 ટકા ઘટાડો જોવા મળે છે.
જે લોકોને પહેલા હાર્ટ ઍટેક આવી ચૂક્યો છે તેમના પાંચમાંથી એક વ્યક્તિ આવનારા પાંચ વર્ષમાં ફરીથી હૉસ્પિટલમાં દાખલ થશે.
ઇમ્પિરિયલ કૉલેજ લંડન અને સ્વીડનની લુંડ યુનિવર્સિટીના શોધકર્તાઓ મુજબ હાર્ટ ઍટેક બાદ સ્ટેટિન્સ અને અઝિટેમાઇબલ નામનાં કૉલેસ્ટ્રોલ ઓછા કરવાની દવા લેવાથી ફરીથી હાર્ટઍટેક આવવાના ખતરાને ઘટાડી શકાય છે.
ડૉ. એલિન બારસેઘીયન કહે છે કે, "અમારી પાસે દશકોથી એવા ડેટા છે કે જેટલો ઓછો એલડીએલ કૉલેસ્ટ્રોલ હશે, હૃદયને લગતા સમસ્યાઓથી ખતરો તેટલો જ ઓછો હશે.
યુવાનોમાં હાર્ટઍટેકના કિસ્સા કેમ વધી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
હૃદયના નિષ્ણાતોના કહેવા પ્રમાણે યુવાનોની જીવનશૈલી તેમનામાં હાર્ટઍટેકના વધતા કિસ્સામાં મોટી ભૂમિકા ભજવે છે.
સામાન્ય રીતે હાર્ટઍટેકનો ભય ઉંમરની સાથે વધે છે. પરંતુ યુએસ નૅશનલ સેન્ટર ફૉર હેલ્થ સ્ટેટિસ્ટિક્સના આંકડા દર્શાવે છે કે ઓછી ઉંમરના યુવાનોમાં પણ હાર્ટઍટેકના કિસ્સામાં વધારો થયો છે.
2019માં 18થી 44 વર્ષની ઉંમરમાં લગભગ 0.3 ટકા લોકોને હાર્ટઍટેક આવ્યો હતો. પરંતુ 2023 સુધીમાં આ આંકડો વધીને 0.5 ટકા થઈ ગયો છે.
ડૉ. ઇવાનનું માનવું છે કે આ વધારા પાછળ મુખ્ય કારણ યુવાનોની જીવનશૈલીમાં બદલાવ છે. જેમ કે વધારે પડતું પ્રોસેસ્ડ ફૂડ ખાવું અને આરોગ્યનું ધ્યાન ન રાખવું, વગેરે.
તેઓ કહે છે કે, "આપણે બધાએ કસરત કરવાની ખૂબ જ જરૂર છે. જિમ જવું જરૂરી નથી, પરંતુ રોજ થોડું વ્યાયામ અને ચાલવું જરૂરી છે."
ડૉ. લેવિન કોવિડ પછી ઘરેથી કામ કરનાર લોકોની સ્થિતિને લઈને પણ ચિંતિત છે, કારણકે તે સમયમાં તેમની હાલત વધારે ખરાબ થઈ છે.
ધુમ્રપાન કરવાથી ધમનીઓમાં ચરબી જામી જાય છે, પરંતુ ડૉ. લેવિન જેવા હૃદયરોગ નિષ્ણાત યુવાનો પર ઈ-સિગારેટના પ્રભાવને લઈને ચિંતિત છે,આને સંપૂર્ણ રીતે સમજી નથી શકાયું.
ડૉ. એલિન બારસેઘિયન કહે છે કે, "ફેમિલિયલ હાઇપરલિપિડિમિયા જેવાં આનુવંશિક કારણો પણ યુવાનોમાં નાની વયે હાર્ટઍટેક આવાનું કારણ બને છે. સાથે સાથે ચિંતા અને અપૂરતી ઊંઘ પણ મુખ્ય કારણ તરીકે ગણાવાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












