દિવાળી ટાણે ગુજરાતનાં શહેરોની હવાની ગુણવત્તા કથળી, શું દિલ્હી જેવા હાલ થઈ શકે?

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં 18 ઑક્ટોબરે વાઘ બારસના દિવસથી દિવાળીના તહેવારોની ઉજવણી શરૂ થઈ ત્યારથી ચાલુ કરીને 22 ઑક્ટોબર, બુધવારે ગુજરાતી નવા વર્ષના પ્રથમ દિવસ સુધી સતત પાંચ દિવસ લોકો ફટાકડા ફોડતા રહ્યા.

દિવાળીના દિવસની સાંજે અને રાત્રી દરમિયાન લોકો સૌથી વધારે ફટાકડા ફોડતા હોય છે.

આ વર્ષે દિવાળીની રાત્રી દરમિયાન લોકોએ એટલા બધા ફટાકડા ફોડ્યા કે રાજ્યના અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવાં મોટાં શહેરોમાં કેટલાય વિસ્તારોમાં રોડ અને શેરીઓમાં ઘુમાડો છવાયેલ દેખાયો અને તે વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તે હદ સુધી વધુ ગયું.

દેખીતી રીતે દર વર્ષે ફટાકડા ફોડવાના પ્રમાણમાં વધારો થતો હોય તેમ લાગે છે. તેવા સંજોગોમાં શું ફટાકડા ફોડવામાત્રથી હવા ઝેરી બને, દિવસના કયા સમય દરમિયાન હવા સૌથી વધારે પ્રદૂષિત હોય છે, સરકાર વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા કેવાં પગલાં લે છે, શું ગુજરાતના શહેરોમાં પણ વાયુ પ્રદૂષણ દિલ્હીની જેમ જોખમી સ્તર સુધી વધી શકે છે, જો દિલ્હી જેવી પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા ગુજરાતના શહેરોની શી તૈયારી છે વગેરે પ્રશ્નોના જવાબ મેળવવા બીબીસીએ હવાની ગુણવત્તાના આંકડાનો અભ્યાસ કર્યો.

આંકડાના વિશ્લેષણથી જાણવા મળ્યું કે આ શહેરોના અમુક ભાગોમાં વાયુ પ્રદૂષણનું સ્તર ઘણું ઊંચું રહે છે.

જોકે, સરકારી અધિકારીઓ દાવો કરે છે કે ગુજરાત પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા પાણી પહેલાં પાળ બાંધે છે અને તેના કારણે જ તહેવારો દરમિયાન પણ વાયુ પ્રદૂષણને મધ્યમ કક્ષા સુધી સીમિત રાખવામાં રાજ્ય સફળ રહ્યું છે.

કેવી હવા પ્રદૂષિત કહેવાય?

હવામાં ઝેરી વાયુ, મેશ, ધૂળના રજકણો અને ઘન પદાર્થોના નાના કણો ભળે ત્યારે હવા પ્રદૂષિત થાય છે.

ભારત સરકારે 2009માં વાતાવરણની હવામાં કેટલી માત્રામાં આવાં તત્વો ભળેલા હોય તો હવા પ્રદૂષિત કહેવાય અને કેટલી હદે પ્રદૂષિત કહેવાય તેના ધોરણો નક્કી કર્યા હતા.

તેને નૅશનલ એમ્બીયન્ટ ઍર ક્વૉલિટી સ્ટાન્ડર્ડઝ એટલે કે આસપાસની હવાના ગુણવત્તાના રાષ્ટ્રીય ધોરણો કહેવાય છે.

આ ધોરણોમાં કુલ 12 પ્રદૂષકોને આવરી લેવાયા છે. તેમાં બહુધા કારખાનાંની ચીમની અને વાહનોમાંથી નીકળતા સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ તેમ જ આવા વાયુઓના કારણે ઉત્પન્ન થતો ઓઝોન વાયુ, પશુઓના મળ અને યુરિયા જેવા નાઇટ્રોજનયુક્ત ખાતરમાંથી નીકળતા નાઇટ્રોજન વાયુનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સીસું, બેન્ઝીન, નિકાલ વગેરેના કણો, બેન્ઝોપાઇરિન, આર્સેનિક જેવાં તત્ત્વો પણ પ્રદૂષણનો સ્રોત હોય છે.

વળી, હવામાં ઊડતા ઘન તેમજ પ્રવાહી પદાર્થોના સૂક્ષ્મ કણો જેનો વ્યાસ 2.5 માઇક્રોમીટર (1000 માઇક્રોમીટર = 1 મિલીમીટર અને 2.5 મિલીમીટર = 1 ઇંચ) એટલે કે એક ઇંચનો લગભગ દસ હજારમાં ભાગથી નાનો હોય તે પણ પ્રદૂષણ ફેલાવે છે. આવાં તત્ત્વો શ્વસનક્રિયાના માધ્યમથી માણસોનાં ફેફસાં વાટે માનવ શરીરમાં પ્રવેશી શકે છે. આવા સૂક્ષ્મ કણોને પાર્ટિક્યુલેટ મૅટર (પીએમ) કહેવાય છે. ઉપરાંત 2.5 માઇક્રોમીટરથી વધારે પરંતુ 10 માઈક્રોમીટરથી ઓછો પરિઘ ધરાવતા કણો પણ હવામાં તરતા રહે છે અને પ્રદૂષણ ફેલાવે છે.

આ પ્રદૂષકોનું પ્રમાણ 24 કલાક દરમિયાન કે એક કલાક દરમિયાન કયા સ્તરથી વધી જાય તો પ્રદૂષણ ગણવું તે પણ નિશ્ચિત કરવામાં આવ્યું છે.

આ ધોરણો અનુસાર જો કોઈ એક કલાકના સમયગાળા દરમિયાન એક ઘનમીટર હવામાં 2.5 માઇક્રોમીટરનો પરિઘ ધરાવતા પાર્ટિક્યુલેટ મૅટરનું પ્રમાણ 60 માઇક્રોગ્રામ (એક ગ્રામ = દસ લાખ માઇક્રોગ્રામ) થી વધી જાય તો તે હવાને પ્રદૂષિત ગણવી.

10 માઇક્રોમીટરથી ઓછો પરિઘ ધરાવતા કણોનું પ્રમાણ 100 માઇક્રોગ્રામથી વધી જાય તો હવા પ્રદૂષિત કહેવાય.

વાયુ પ્રદૂષણ ફેલાવતા વાયુઓનું સ્તર માપવા એક ઘનમીટર હવાના સૅમ્પલમાં તે વાયુના વજનને ધ્યાને લેવાય છે.

ભારતમાં નક્કી થયેલ ધોરણો મુજબ એક કલાકમાં એક ઘનમીટર હવામાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડનું પ્રમાણ 80 માઇક્રોગ્રામથી, ઓઝોનનું પ્રમાણ 180 માઇક્રોગ્રામથી, સીસાનું પ્રમાણ 1 માઇક્રોગ્રામથી, કાર્બનનું પ્રમાણ 2 મિલીગ્રામ (1000 મિલીગ્રામ = 1 ગ્રામ)થી અને એમોનિયાનું પ્રમાણ 400 માઇક્રોગ્રામથી વધી જાય તો હવા પ્રદૂષિત ગણાય છે.

બેન્ઝોપાઇરીન, આર્સેનિક અને નિકલના કણોનું પ્રમાણ નેનોગ્રામ (1 ગ્રામ = 1 અબજ નેનો ગ્રામ)માં મપાય છે. જો વાર્ષિક ધોરણે 104 સૅમ્પલમાં બેન્ઝોપાઇરીન, આર્સેનિક અને નિકલનું પ્રમાણ અનુક્રમે 1, 6 અને 20 નેનોગ્રામથી વધી જાય તો હવાને પ્રદૂષિત ગણવામાં આવે છે.

આ વિવિધ પ્રદૂષકોના પ્રમાણને ધ્યાને લઈને હવા કેટલી પ્રદૂષિત છે તેને ઍર ક્વૉલિટી ઈન્ડેક્સ (એકયુઆઇ) એટલે કે વાયુ ગુણવત્તા સૂચકાંકમાં દર્શાવાય છે.

જો એક્યુઆઇ 50 કે તેથી નીચે હોય તો હવા સારી ગુણવત્તાની ગણાય અને જો એકયુઆઇ 51થી 100 ની વચ્ચે હોય તો ગુણવતા સંતોષકારક ગણાય.

જો આ આંક 101થી 200 વચ્ચે હોય તો હવા મધ્યમ ગુણવત્તાની ગણાય અને જો આંક 201થી 300ની વચ્ચે હોય તો તે હવાની ગુણવત્તા ખરાબ છે તેવો સંકેત આપે છે.

તે જ રીતે 301થી 400 વચ્ચેનો આંક ખૂબ ખરાબ હવા અને 401થી 500 વચ્ચેનો આંકડો અતિશય ખરાબ હવા છે તેમ સૂચવે છે.

દિવાળીના દિવસે હવા કેટલી પ્રદૂષિત હતી?

સેન્ટ્રલ પૉલ્યુશન કંટ્રોલ બોર્ડના (સીપીસીબી) આંકડા અનુસાર અમદાવાદના રાયખડ વિસ્તારમાં દિવાળીના દિવસે, 19 ઑક્ટોબરે સવારના 8 વાગ્યે એકયુઆઇ 199 થઈ ગયો હતો અને સવારના દસ વાગ્યે તે વધીને 211 થઈ ગયો હતો.

ત્યાર પછીના અગિયાર કલાક દરમિયાન આ આંકડો 200થી ઉપર જ રહ્યો હતો અને દિવાળીની રાતે 11 વાગ્યે 241 સુધી પહોંચી ગયો હતો.

રાત્રે 11 વાગ્યે પીએમ-2.5નું પ્રમાણ 467 માઇક્રોગ્રામ હતું, જે સલામત ગણાતા 60 માઇક્રોગ્રામના લેવલથી લગભગ આઠ ગણું વધારે હતું.

રાયખડ વિસ્તારમાં દિવાળી બાદના દિવસે પણ એકયુઆઇ સતત 200 ની આજુબાજુ રહ્યો હતો અને સવારના પાંચ વાગ્યે પીએમ-2.5નું પ્રમાણ 500 માઇક્રોગ્રામ નોંધાયું હતું.

સુરતમાં એકયુઆઇ દિવાળીના દિવસે 100ની આજુબાજુ રહ્યો હતો, પરંતુ પછીના દિવસે પ્રદૂષણ વધતા 21 ઑક્ટોબરે બપોરે 12 વાગ્યે તે 200 થઈ ગયો હતો અને સાંજના સાતેક વાગ્યા સુધી તે 200ની આજુબાજુ રહ્યો હતો.

રાત્રે 11 વાગ્યે પીએમ-2.5નું પ્રમાણ 420 માઇક્રોગ્રામ અને પીએમ 10નું પ્રમાણ 500 માઇક્રોગ્રામ નોંધાયું હતું.

રાજકોટમાં તો હવાનું પ્રદૂષણ અમદાવાદ અને સુરત કરતાં પણ વધારે હતું. રાજકોટ મહાનગરપાલિકાએ બીબીસીને આપેલ આંકડા અનુસાર દિવાળીના દિવસે સવારે આઠ વાગ્યે રાજકોટના સોરઠિયાવાડી સર્કલ પાસે એકયુઆઇ 156 નોંધાયો હતો અને પછીની સવારે એટલે કે 21 ઑક્ટોબરના સવારે આઠ વાગ્યે રાજકોટની સિવિલ હૉસ્પિટલના ખૂણે આવેલ જામટાવર ખાતે એકયુઆઇ 336 સુધી પહોંચી ગયો હતો.

એક્યૂવેધરના આંકડા અનુસાર વડોદરામાં પણ દિવાળીના દિવસે હવાની ગુણવતા ખરાબ થઇ ગઈ હતી અને સાંજના નવેક વાગ્યે એકયુઆઇ 200 થઈ ગયો હતો. આ બધાં શહેરોમાં પીએમ-2.5નું પ્રમાણ ખૂબ ઊંચું હોવાથી એકયુઆઇ ઊંચે ગયો હતો.

આવી હવાની સ્વાસ્થ્ય પર શું અસર થાય?

સીપીસીબીના બુલેટિન અનુસાર હવામાં જેમ જેમ પ્રદૂષણનું લેવલ વધતું જાય તેમ તેમ વધારેને વધારે લોકો પર તેની માઠી અસર જોવા મળે.

જો એકયુઆઇ 51થી 100 ની વચ્ચે હોય એટલે કે હવાની ગુણવત્તા સંતોષકારક હોય તો સંવેદનશીલ લોકોને શ્વાસ લેવામાં થોડી તકલીફનો અનુભવ થાય છે.

પરંતુ જો એકયુઆઈ 101થી 200ની વચ્ચે પહોંચી જાય અને હવાની ગુણવત્તા 'મધ્યમ' ની શ્રેણીમાં આવી જાય તો ફેફસાં અને હૃદયની બીમારીવાળા કે અસ્થમા (દમ)ના રોગથી પીડાતા લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે.

જો પ્રદૂષણનું લેવલ તેનાથી પણ વધે અને એકયુઆઇ 201થી 300ની રેન્જમાં પહોંચી જતા હવા 'ખરાબ' શ્રેણીની થઈ જાય તો લાંબા સમય સુધી આવી હવા શ્વાસમાં લેવાથી મોટા ભાગના લોકોને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાય છે.

ખુબ ખરાબ હવા (એક્યુઆઇ 301થી 400 )માં વધારે સમય શ્વાસ લેવાની ફરજ પડે તો શ્વસનતંત્રના રોગ લોકોને થઈ શકે છે. જો તેનાથી પણ આગળ વધી હવા અતિ ખરાબ થઈ જાય (એકયુઆઇ 401થી 500) તો તંદુરસ્ત લોકોને પણ અસર થઈ શકે છે અને બીમાર લોકો પર તેની ગંભીર અસરો પડી શકે છે.

ફટાકડા ફોડવાથી કઈ રીતે પ્રદૂષણ વધે છે?

ફટાકડા બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર જેવા વિસ્ફોટક પદાર્થો તેમજ લાકડામાંથી બનાવેા કોલસાનો ઉપયોગ થાય છે.

આ પદાર્થો ગરમ થતાં વિસ્ફોટ થાય છે, જેનાથી ધુમાડો, રાખ અને મેશ હવામાં ભળે છે. વળી, મોટા ભાગના ફટાકડા જમીન પર મૂકી ફોડાતા હોવાથી વિસ્ફોટ થવાથી વિસ્ફોટ આજુબાજુની ધૂળ અને રજકણોને હવામાં ઉડાડે છે અને હવામાં ભેળવે છે. આ ઉપરાંત ફટાકડામાં વિસ્ફોટ વખતે વિવિધ રંગના પ્રકાશ ઉત્પન્ન કરવા માટે ફટાકડામાં વિવિધ ધાતુઓ કે તેના ઓક્સાઇડ વપરાય છે. આ તત્ત્વો પણ વાયુ પ્રદૂષણ કરે છે.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી)ના મેમ્બર સેક્રેટરી ડીએમ ઠાકરે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે ફટાકડા ફોડવાનો સમય પણ પ્રદૂષણ વધારનાર એક પરિબળ છે.

તેમણે કહ્યું, "દિવાળીના તહેવારો દરમિયાન લોકો ફટાકડા સાંજના સમયે અને વહેલી સવારે ફોડે છે. આ સમયે તાપમાન નીચું હોવાથી પૃથ્વીની સપાટી પરની હવા ઠંડી હોય છે. આવી હવા ધુમાડો, રજકણો, સૂક્ષ્મ કણો વગેરેને ઝડપથી ફેલાવા દેતી નથી અને હવામાં લાંબા સમય સુધી તરતા રાખે છે, કારણ કે ઠંડી હવા આકાશમાં ઊંચે જઈ શકતી નથી. વળી, દિવાળીનો તહેવાર ઑક્ટોબર-નવેમ્બર મહિના દરમિયાન આવે છે. આ મહિનાઓ દરમિયાન તાપમાનમાં ઘટાડો થવા લાગે છે, પરંતુ સામાન્ય રીતે પવનની ગતિ ઓછી હોય છે. નીચું તાપમાન અને પવનનો અભાવ ફટાકડા ફોડવાથી થતા પ્રદૂષણને વધારે ગંભીર બનાવે છે."

તો શું દિલ્હી જેવી સ્થિતિ થઈ શકે?

દિલ્હીમાં શિયાળા દરમિયાન એક્યુઆઇ દિવસો સુધી 400ની આજુબાજુ રહે છે અને હવા અતિશય પ્રદૂષિત રહે છે. ડીએમ ઠાકરે ઉમેર્યું કે ગુજરાતમાં વાયુ પ્રદૂષણ દિલ્હી જેટલી હદે કથળે તેવી શક્યતા ઓછી છે.

તેમણે કહ્યું, "વાયુ પ્રદૂષણને નાથવા સરકાર સતત પ્રયત્નશીલ રહે છે. અમદાવાદમાં વાહનોના ધુમાડાથી ફેલાતા પ્રદૂષણને ઓછું કરવા એક દાયકાથી પણ વધારે સમય પહેલાં શહેરમાં પેટ્રોલ અને ડીઝલથી ચાલતી રિક્ષાઓ પર પ્રતિબંધ મૂકી માત્ર સીએનજીથી ચાલતી રિક્ષાઓને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બોર્ડ ફૅક્ટરીઓના માલિકને સમજાવે છે કે શક્ય હોય તો દિવાળીના તહેવારો દરમિયાન તેમની ફૅક્ટરીઓ મેન્ટનન્સ માટે બંધ કરવામાં આવે જેથી ફૅક્ટરીઓનું મેન્ટનન્સ થઈ જાય અને સાથે સાથે વાયુ પ્રદૂષણ થતું પણ અટકવી શકાય."

તેઓ આગળ કહે છે કે, "શહેરોમાં હવાની ગુણવત્તા સારી રાખવાની જવાબદારી જે - તે મહાનગરપાલિકાની છે અને દરેક મહાનગરપાલિકા પાસે જો હવાની ગુણવત્તા દિલ્હીની જેમ બગડે તો કેવાં પગલાં લેવાનાં છે તેનો ઍક્શન-પ્લાન છે. બાંધકામ સાઇટો પર ધૂળની ડમરીના કારણે પ્રદૂષણ ન ફેલાય તે માટે કડક નિયમો છે. આ બધાં પગલાંને કારણે ગુજરાતમાં વિકાસ છતાં વાયુ પ્રદૂષણને મધ્યમ સ્તરે રાખવામાં સફળતા મળી છે. વળી, દિલ્હી જેવી સ્થિતિ ગુજરાતના કોઈ શહેરમાં થવાની શક્યતા જણાતી નથી, કારણ કે દિલ્હી અને ઉત્તર ભારતના અન્ય પ્રદેશોની અને ગુજરાતની ભૂગોળ અલગ છે અને આપણે ત્યાં ઠંડી ઓછી પડે છે અને પવનની ગતિ વધારે હોય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન