You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યોગેન્દ્ર મકવાણા : ગુજરાતના એ દલિત નેતા, જેઓ ઇન્દિરા ગાંધીના સમયમાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી બન્યા
- લેેખક, અપૂર્વ અમીન
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતના દિગ્ગજ કૉંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી યોગેન્દ્ર મકવાણાનું 92 વર્ષની વયે 21 ઑક્ટોબર, 2025ના રોજ મંગળવારે અવસાન થયું છે.
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ડૉ. યોગેન્દ્ર મકવાણા અવસાન પર પરિવારને શોકપત્ર લખીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
યોગેન્દ્ર મકવાણા 1973થી 1988 સુધી ગુજરાતમાંથી ચૂંટાઈને રાજ્યસભાના સભ્ય રહ્યા હતા.
2008માં તેમણે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાંથી અલગ થઈને રાષ્ટ્રીય બહુજન કૉંગ્રેસની સ્થાપના કરી હતી. જોકે તેમાં નિષ્ફળતા મળી હતી.
ગુજરાતના સૌથી મોટા દલિત નેતાઓમાંના ગણના પામતા યોગેન્દ્ર મકવાણાએ ઇન્દિરા અને રાજીવ ગાંધી સરકારોમાં મંત્રી તરીકે સેવા આપી હતી અને આસામ ચળવળના નેતાઓ સાથે શરૂઆતથી વાટાઘાટમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
યોગેન્દ્ર મકવાણા કસ્ટમ્સ ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા હતા, ત્યારે ઇન્દિરા ગાંધીએ તેમને કૉંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું.
ગુજરાતના દલિત નેતા યોગેન્દ્ર મકવાણા કોણ હતા?
23 ઑક્ટોબર, 1933ના રોજ જન્મેલા યોગેન્દ્ર મકવાણા ખેડા જિલ્લાના સોજિત્રાના હતા. ફિલોસોફીમાં ડૉક્ટરેટ સાથે કાયદાના સ્નાતક હતા.
તેમના પિતા માવજી મકવાણા પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ હતા. શરૂઆતમાં માવજીભાઈ આર્થિક રીતે પ્રમાણમાં સંપન્ન હતા, તેથી પરિવારમાં શિક્ષણનું આગવું મહત્ત્વ હતું. યોગેન્દ્ર મકવાણાએ પ્રાથમિક અભ્યાસ સોજિત્રામાં જ કર્યો હતો. તેમજ ગુજરાત કૉલેજમાંથી બી.એ.નો અભ્યાસ કર્યા બાદ એલ.એલ.બી. અને ત્યાર બાદ સોશિયોલોજીમાં "દલિતોની પ્રિ અને પોસ્ટ ઇન્ડિપેનડેન્સ પરિસ્થિતિ" વિષય પર પીએચ.ડી. કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ થિસીસ પાછળથી 'કપરાં ચઢાણ' પુસ્તક તરીકે પ્રકાશિત થયો. તેમનાં પત્ની શાંતાબહેન મકવાણા પણ ધારાસભ્ય હતાં.
યોગેન્દ્ર મકવાણાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય ભરત મકવાણા બીબીસીને માહિતી આપતા કહ્યું કે "એક સમય પછી દાદાની આર્થિક સ્થિતિ કથળી હતી. છેલ્લા દિવસોમાં આર્થિક સંકળામણને કારણે યોગેન્દ્રભાઈ (મારા પિતા)એ ખેતમજૂરી પણ કરવી પડી હતી. તેમની સાથે ભણતા વિદ્યાર્થીઓના ઘરના ધાબા ભરવા સુધીની મજૂરી તેમણે કરી હતી. તેમણે 14 વર્ષની ઉંમરે રામ મનોહર લોહિયાને વાંચ્યા પછી તેમનાથી પ્રભાવિત થયા હતા. દરમિયાન તેઓ "પ્રજા સમાજવાદી પક્ષ"માં જોડાયા હતા."
ઇન્દિરા ગાંધીને મળ્યા બાદ યોગેન્દ્ર મકવાણાએ દિલ્હીથી તાર લખીને નોકરી છોડી
યોગેન્દ્ર મકવાણાએ 1982 સુધી ગૃહ મંત્રાલય સંભાળ્યું હતું. ત્યાર પછી 1982 પછી સંચાર મંત્રાલય, પરિવાર અને સ્વાસ્થ્ય તેમજ સ્ટીલ મંત્રાલય અને રાજીવ ગાંધી સરકારમાં કૃષિ મંત્રાલય સંભાળ્યું હતું.
ભરત મકવાણા જણાવે છે કે, "યોગેન્દ્ર મકવાણાએ આચાર્ય કૃપલાણી અને રામ મનોહર લોહિયાને ખેડા જિલ્લામાં બોલાવ્યા હતા અને 1952માં સક્રિય રીતે સમાજવાદી પક્ષમાં કામ કર્યું હતું. પછી ઇન્દિરા ગાંધીએ દિલ્હીમાં યુવાનોની એક મીટિંગ કરી હતી. તે દરમિયાન યોગેન્દ્ર મકવાણા તેમને ત્યાં મળ્યા અને ઇન્દિરા ગાંધીના કહેવાથી તેમણે દિલ્હીથી તાર લખીને કસ્ટમ ઑફિસર તરીકેની નોકરી છોડી અને કૉંગ્રેસમાં જોડાયા હતા."
"ત્યાર બાદ તેઓ ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી બન્યા હતા. કૉંગ્રેસ ઇન્દિરા (આઇ)નું સંગઠન તેમણે ઊભું કર્યું હતું. તે વખતના કૉંગ્રેસના દિગ્ગજ નેતા માધવસિંહ સોલંકી સાથેના તેમના સંબંધોમાં થોડી ખેંચતાણ રહી, છતાં તેઓ સારા મિત્ર રહ્યા હતા. 1973માં મજૂર મહાજનના પ્રમુખ અને રાજ્યસભાના સભ્ય શ્યામાપ્રસાદ વસાવડાના અવસાન પછી થયેલી પેટાચૂંટણીમાં તેઓ રાજ્યસભામાં પ્રવેશ્યા. તેઓ 1980માં કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી તરીકે નિમાયા હતા."
પૂર્વ કેન્દ્રીય કૅબિનેટ મંત્રી દીનશા પટેલ બીબીસી સાથે વાત કરતા જણાવે છે કે, "યોગેન્દ્રભાઈ મારા સિનિયર નેતા હતા. યોગેન્દ્રભાઈનાં પત્ની ધારાસભ્ય તરીકે ચૂંટાતાં ત્યારે તેમની સાથે કામ કર્યું હતું. ગરીબ વર્ગના અને દલિત, વંચિત જાતિઓના પ્રતિનિધિ તરીકે તેમના પ્રશ્નો સમજવાની આગવી સૂઝ હતી. ઉપરાંત અન્ય જાતિઓ માટે પણ તેઓ કાર્યરત્ રહ્યા હતા."
વરિષ્ઠ દલિત કર્મશીલ રાજુ સોલંકી બીબીસી સાથે વાત કરતા જણાવે છે કે, "રાષ્ટ્રીય સ્તરે દલિત રાજનીતિમાં જગજીવનરામ પછીનું જે વેક્યુમ હતું, તે ભરવાના કૉંગ્રેસના પ્રયત્નોમાં યોગેન્દ્ર મકવાણા આવ્યા. તેમજ ગુજરાતમાં 1975 પછી દલિતો મહત્ત્વના પરિબળ તરીકે ઊભરી આવ્યા હતા. યોગેન્દ્ર મકવાણા સહિત ઘણા દલિત નેતાઓએ કૉંગ્રેસમાં સંગઠનમાં મજબૂત કર્યું હતું. તે કારણે માધવસિંહ સોલંકીએ 1981માં રેકૉર્ડબ્રેક જીત મેળવી હતી."
ગુજરાત કૉંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી બીબીસી સાથે વાત કરતા જણાવે છે કે, "અત્યંત નાની વયે તેઓ ઇન્દિરા ગાંધી સરકારમાં મંત્રાલયમાં સામેલ હતા તે તેમની રાજકીય સક્ષમતા દર્શાવે છે."
યોગેન્દ્ર મકવાણાની રાજકીય કારકિર્દી અંગે અમદાવાદ યુનિવર્સિટીના પ્રોફેસર વિનોદ મલ્લ જણાવે છે કે, "1989ની લોકસભાની ચૂંટણી તેઓ પાટણથી લડ્યા હતા. પછી ધંધૂકા અને પછી 2004માં પણ તેઓ ચૂંટણી લડ્યા હતા, પણ આ ચૂંટણીઓમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો."
1981ના અનામતવિરોધી આંદોલન સામે યોગેન્દ્ર મકવાણાની ભૂમિકા
વરિષ્ઠ દલિત આગેવાન વાલજીભાઈ પટેલ કહે, "હું, યોગેન્દ્રભાઈનો રાજકીય રીતે વિરોધી પણ સામાજિક રીતે ખૂબ સારી રીતે જોડાયેલા રહ્યા હતા. જ્યારે તેઓ કેન્દ્રમાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી હતા, ત્યારે અમે આંદોલન કરતા, ત્યારે તેઓ આડકતરી રીતે ખૂબ મદદ કરેલી."
ભરત મકવાણા જણાવે છે કે, "યોગેન્દ્ર મકવાણા બાબાસાહેબ આંબેડકરવાદી ચળવળના અનુયાયી હતા. 1981ના અનામતવિરોધી આંદોલન સમયે તેઓ ગૃહમંત્રી હતા. આંદોલનમાં હિંસાને કાબૂમાં લેવા તેઓએ કેન્દ્રથી મહાર રેજિમેન્ટ મોકલી હતી. ઉપરાંત 'ગોલાણા હત્યાકાંડ'માં પાંચ દલિતોની હત્યાના બનાવમાં યોગેન્દ્ર મકવાણા તંત્ર તરફથી દલિતોને પૂરતી મદદ મળી રહે તે માટે પ્રયત્નશીલ રહ્યા હતા, તેમજ જેતલપુરના 'શકરાભાઈ હત્યાકાંડ'ના વિરોધમાં થયેલા દલિત આંદોલનમાં પણ તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી."
રાજુ સોલંકી કહે છે કે, "1981માં થયેલા દલિતવિરોધી હુમલાઓમાં દલિત વિસ્તારોમાં રક્ષણ અર્થે યોગેન્દ્ર મકવાણાએ ગૃહ મંત્રાલય થકી કેન્દ્રમાંથી મહાર રેજિમેન્ટ મોકલી હતી. 'ગોલાણા હત્યાકાંડ' બાદની સહાય આપવામાં તેઓએ પાછીપાની કરી ન હતી. જોકે તે તેમની ફરજ સમજીને તેમણે કર્યું હતું."
સામાજિક આંદોલનોમાં 'સક્રિય ભૂમિકા' નિભાવી
યોગેન્દ્ર મકવાણાને નજીક જાણકારા અને તેમની સાથે કામ કરનારા લોકોનું માનવું છે કે તેઓ હંમેશાં સામાજિક આંદોલનમાં સક્રિય રહ્યા હતા.
કર્મશીલ રાજુ સોલંકી જણાવે છે કે, "યોગેન્દ્રભાઈ મકવાણાએ આંતરપેટાજ્ઞાતીય લગ્ન કરીને એક સામાજિક સમાનતા માટેનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું
દલિત આગેવાન વાલજીભાઈ પટેલ જણાવે છે કે, "તેઓ, યોગેન્દ્ર મકવાણા, પ્રવીણ રાષ્ટ્રપાલ અને કેએમ સોલંકી સહિતના આગેવાનો ડેપ્યુટેશન લઈને ગુજરાતમાં 'અછૂત ન ગણાતી' મોચી જ્ઞાતિને ગુજરાતની અનુસૂચિત જાતિમાંથી કાઢવા બાબતે તત્કાલીન વડા પ્રધાન દેવગૌડાને મળવા ગયા હતા. ત્યારે યોગેન્દ્ર મકવાણાએ પણ સક્રિય ભૂમિકા ભજવી હતી."
અશોક પંજાબી જણાવે છે કે, "અમદાવાદના રખિયાલ વિસ્તારમાં મુનશીરામની મિલ બંધ થતા કામદારો મારી પાસે આવેલા ત્યારે અમે યોગેન્દ્ર મકવાણાને મળવા દિલ્હી પહોંચેલા ત્યારે તેમણે ખૂબ રસ લઈને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા પ્રયત્નો કર્યા હતા, પણ કેટલાંક કારણસર આ મિલ શરૂ ન થઈ શકી. ઉપરાંત નવનિર્માણ આંદોલન સમયે જ્યારે અમે ઇન્દિરા ગાંધીને મળવા ગયા ત્યારે પણ યોગેન્દ્ર મકવાણાની ભૂમિકા અમારી મદદ અર્થે સક્રિય રહી હતી."
ભરત મકવાણા કહે છે કે, "0.3%થી પણ ઓછું અનુસૂચિત જાતિની વેલફેર સ્કીમની બજેટ ફાળવણી હતી, ત્યારે યોગેન્દ્ર મકવાણાએ 'સ્પેશિયલ કમ્પોનન્ટ પ્લાન' નામનો એક પ્લાન ઘડ્યો હતો. અનુસૂચિત જાતિ સમાજના વેલ્ફેર માટેની એક યોજના બનાવીને અનુસૂચિત જાતિ માટેની બજેટરી ફાળવણીમાં 4%નો વધારો કરી આપ્યો હતો.
તેઓ કહે છે કે, જ્યારે 1989માં "ઍટ્રોસિટી અગેઇન્સ્ટ શિડ્યુલ્ડ કાસ્ટ ઍક્ટ" પસાર થયો, તે ઍક્ટના ઘડતર (ફૉર્મેશન)માં મુખ્ય ઇનપુટ યોગેન્દ્ર મકવાણાના હતા અને તેમાં ડેઝિગ્નેટેડ કોર્ટમાં કેસ ચલાવાય તેવી રજૂઆત કરી હતી. તે સાથે જ તેમણે દલિતોની સાથે આદિવાસીઓને પણ આ કાયદા હેઠળ સામેલ કરવામાં આવે તે માટે પ્રયત્ન કર્યા હતા.
પ્રખર આંબેડકરવાદી યોગેન્દ્ર મકવાણા
પૂર્વ ડીજીપી અને અમદાવાદ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ વિષયના પ્રોફેસર વિનોદ મલ્લ બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે, "યોગેન્દ્રભાઈ પ્રખર આંબેડકરવાદી હતા, તે સાથે સાથે જ તેમની વિચારધારા સમાજવાદી પણ હતી. તેઓ માત્ર દલિતોના જ નહીં, પણ સર્વ સમાજના પ્રશ્નોને વાચા આપતા હતા."
રાજુ સોલંકી યોગેન્દ્ર મકવાણાના પુસ્તક "પૂનાકરાર સત્યાગ્રહ કે હઠાગ્રહ" કરાર વિશે જણાવતા કહે છે કે, "યોગેન્દ્રભાઈએ તેમના પુસ્તકમાં "પૂનાકરાર : સત્યાગ્રહ કે હઠાગ્રહ"માં બાબાસાહેબનું સમર્થન કરીને ગાંધીજીનો વિરોધ કર્યો હતો. વર્ષો સુધી કૉંગ્રેસના મોટા હોદ્દા પર રહેલા યોગેન્દ્ર મકવાણા પોતાનું મજબૂત સ્ટેન્ડ રજૂ કરીને અપવાદરૂપ હિંમત બતાવી હતી."
'પૂનાકરાર સત્યાગ્રહ કે હઠાગ્રહ' પુસ્તક વિશે ભરત મકવાણા જણાવે છે કે, "યોગેન્દ્ર મકવાણા દૃઢપણે માનતા હતા કે ડૉ. બાબાસાહેબ આંબેડકર અને ગાંધીજીના વિવાદમાં બાબાસાહેબ સાચા હતા અને ગાંધીજીએ ઉપવાસરૂપી શસ્ત્રનો ઉપયોગ કરીને હઠાગ્રહ કર્યો હતો. આ પુસ્તકમાં તેમણે ગાંધીજીએ બાબાસાહેબને કરેલા અન્યાય વિશેનું વર્ણન કર્યું છે."
વરિષ્ઠ પત્રકાર અને કર્મશીલ ચંદુ મહેરિયા બીબીસી સાથે વાત કરતા જણાવે છે કે, "ચોક્કસ તેમનાં પુસ્તકોના લખાણ પરથી તેમનું બૌદ્ધિક સ્તર ઊંચું લાગે, તેમની ભાષા મુખર અને બોલકી હતી. તેઓ મંત્રી હતા ત્યારે પણ ગાંધીજી વિશે પોતાનો મત રજૂ કર્યો હતો. યોગેન્દ્ર મકવાણા ત્રણ ટર્મ રાજ્યસભાના સભ્ય રહ્યા, પણ ગૃહમંત્રી બન્યા તેમાં તેમનો ફાળો કેટલો અને ખામ થિયરીનો કેટલો ફાળો તે જોવું પડે. ત્યાર બાદ તેઓ લોકસભાની ચૂંટણી ત્રણ વખત લડ્યા અને હાર્યા પણ હતા. તે દર્શાવે કે તેમની સાથે પાછળથી જનાધારનો અભાવ હતો"
ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, ગૃહરાજ્યમંત્રી તરીકે યોગેન્દ્ર મકવાણાએ ઑલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (એએએસયુ) સાથે પ્રારંભિક વાટાઘાટનું નેતૃત્વ કર્યું હતું, જે આસામ ચળવળનું સુકાન સંભાળી રહ્યું હતું. આ વાટાઘાટ આખરે 1985માં આસામ કરાર પર હસ્તાક્ષર તરફ દોરી ગઈ.
કૉંગ્રેસમાંથી છૂટા પડીને નવો પક્ષ સ્થાપ્યો અને નિષ્ફળતા મળી
સાંસદ અને કેન્દ્રીય મંત્રી તરીકે યોગેન્દ્ર મકવાણાએ યુએન સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. 2008માં યોગેન્દ્ર મકવાણાએ રાષ્ટ્રીય 'બહુજન કૉંગ્રેસ'ની શરૂઆત કરી, પરંતુ આ નવો પક્ષ રાજકીય પ્રભાવ પાડવામાં નિષ્ફળ ગયો હતો.
કૉંગ્રેસમાંથી 2008માં તેઓ અલગ થયા. તેના કારણમાં ભરત મકવાણા જણાવે છે કે, "કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેમના રાજસ્થાનના ટેકેદારો સાથે તેમણે 'રાષ્ટ્રીય બહુજન કૉંગ્રેસ' નામની પાર્ટી સ્થાપી અને રાજસ્થાનમાંથી તેમના પાંચ ધારાસભ્યો પણ ચૂંટાયા હતા. તેમને ભાજપમાં જોડાવાની પણ ઑફર મળી હતી, પણ તેમણે સ્પષ્ટ ના પાડી હતી."
રાજુ સોલંકી જણાવે છે કે, "મારું આકલન તે છે કે દલિત રાજકારણીઓ જે કૉંગ્રેસમાંથી છૂટા પડે છે અને નવી પાર્ટી બનાવવાનો પ્રયાસ કરે છે ત્યારે જે રાજકીય જમીન મળવી જોઈએ તેવી મળતી નથી."
ઉદાહરણ અપાતા રાજુ સોલંકી જણાવે છે કે, "મમતા બેનરજી અને યોગેન્દ્ર મકવાણા વચ્ચેનો આ એક ફરક છે કે મમતા બેનરજી કૉંગ્રેસમાંથી છૂટાં પડીને તૃણમૂલ કૉંગ્રેસ બનાવી સફળ રાજકારણી બની શકે છે, પણ યોગેન્દ્ર મકવાણા તેમની પાર્ટી બહુજન કૉંગ્રેસ બનાવી તેને સફળ પાર્ટી તરીકે સ્થાપિત કરી શકતા નથી. તે દલિત રાજકારણીઓને થતો સામાજિક ગેરલાભ બહુ મોટો છે."
વિનોદ મલ્લ જણાવે છે કે, "તેમણે કૉંગ્રેસ છોડી, પણ તેઓ કૉંગ્રેસની વિચારધારા સાથે સતત વળગેલા રહ્યા હતા."
ઉલ્લેખનીય છે કે, 2008ના કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, કૉંગ્રેસે પૂર્વ કેન્દ્રીય મંત્રી યોગેન્દ્ર મકવાણાને પાર્ટીની 'નીતિઓ અને કામગીરીની જાહેરમાં ટીકા' કરવા બદલ અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ વિભાગના અધ્યક્ષપદેથી દૂર કર્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન