ગુજરાતમાં ધારાસભ્યો માટે કરોડોના ખર્ચે તૈયાર થયેલા વૈભવી ફ્લૅટ અંદરથી કેવા લાગે છે?

ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્યો માટે નવનિર્મિત ફ્લૅટ્સનું ગુરુવારે ગૃહ મંત્રી અમિત શાહના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

આ સાથે જ હાલમાં 2 બેડરૂમ, લિવિંગ રૂમ અને રસોડા સાથેના ફ્લૅટ્સને બદલે હવે ધારાસભ્યોને 3 બેડરૂમ, લિવિંગ રૂમ, રસોડું, ઑફિસ રૂમ, સર્વન્ટ રૂમ સહિતની સુવિધાઓ સાથેના વૈભવી ફ્લૅટ્સ મળશે.

ધારાસભ્યોના આ વૈભવી ફ્લૅટના વીડિયો સામે આવતાં તેના ઇન્ટિરિયર અને વૈભવી સુવિધાઓએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાડી છે.

માર્ગ અને મકાન વિભાગના સેક્રેટરી પી.આર.પટેલિયાએ જણાવ્યું હતું કે, "આ નિવાસ સંકુલમાં કુલ 216 ફ્લૅટ્સ છે અને તેમાંથી 180 ફ્લૅટ્સને સંપૂર્ણપણે ફર્નિશ્ડ બનાવવામાં આવ્યા છે. તેમાં કૉમ્યુનિટી હૉલ, જીમ સહિતની તમામ સુવિધાઓ છે અને ચૂંટાયેલા સભ્યોને તમામ સવલતો મળે તેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે."

ધારાસભ્યોનાં નવાં નિવાસસ્થાન કેટલાં ભવ્ય છે?

ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો માટે બનાવવામાં આવેલા ફ્લૅટ્સ માટે માર્ગ અને મકાન વિભાગે 354 કરોડ રૂપિયાની મંજૂરી આપી હતી.

એ હેઠળ ધારાસભ્યો માટે કુલ 216 ફ્લૅટ્સ બનાવવામાં આવ્યા છે. કુલ નવ માળનાં 12 ટાવરમાં આ ફ્લૅટ્સ બનાવવામાં આવ્યા છે.

ત્રણ બેડરૂમ સાથેના આ ફ્લૅટ્સ સિવાય આ સંકુલમાં અનેક સુવિધાઓ છે. જેમાં મલ્ટિપર્પઝ હૉલ, ડાઇનિંગ હૉલ, કૉમ્યુનિટી હૉલ, ડિસ્પેન્સરી, જિમખાનું, સ્વિમિંગ પુલ તથા બગીચા પણ સામેલ છે.

ધારાસભ્યોના નિવાસસ્થાનમાં વૉલ પેનલિંગ, ચાર નંગ ટીવી યુનિટ, કિચન યુનિટ, બેડ, હીંચકો, સોફા, ટિપોઈ, વેનિટી યુનિટ સહિતની ફર્નિચરની સગવડો પણ કરવામાં આવેલ છે.

છેલ્લે ક્યારે ધારાસભ્યોને મકાન બાંધી અપાયાં હતાં?

ગુજરાત સરકારે પ્રસિદ્ધ કરેલી માહિતી અનુસાર, વર્ષ 1970-71માં ગાંધીનગરના સેક્ટર-17માં 177 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમાં 41.46 ચો.મી. બાંધકામ ધરાવતા 1 બીએચકે ફ્લૅટ્સ બનાવવામાં આવ્યા હતા.

ત્યાર બાદ વર્ષ 1990-91માં સેક્ટર-21 ખાતે ફરીથી સદસ્ય નિવાસ બનાવવામાં આવ્યાં હતાં, જેમાં કુલ 14 બ્લૉક, ગ્રાઉન્ડ અને બે માળ સાથે કુલ 168 આવાસોનું બાંધકામ કરવામાં આવ્યું હતું.

એ સમયે તેમાં સુવિધાજનક 2 BHK ફ્લૅટ્સ બનાવવામાં આવ્યા હતા અને 85.30 ચો.મી.નું બાંધકામ હતું.

એ સિવાય સેક્ટર-21માં સદસ્ય નિવાસ સંકુલમાં ધારાસભ્યો માટે સદસ્ય નિવાસ કૅમ્પસમાં કૅન્ટીન અને ગાર્ડનની સુવિધા પણ આપવામાં આવી છે. સરકારનું કહેવું છે કે એ બાદ હવે નવા ફ્લૅટ્સ આપવામાં આવ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન