You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
UPI ટ્રાન્ઝેક્શનના નિયમોમાં પહેલી ઑગસ્ટથી મોટા ફેરફારો, શું શું બદલાશે?
ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) એ મોટા ભાગના લોકો માટે જીવનનો એક ભાગ બની ગયું છે. દરેક નાના મોટા રિટેલ પેમેન્ટ માટે લોકો યુપીઆઈનો ઉપયોગ કરી રહ્યા છે. યુપીઆઈને લગતા કેટલાક નિયમો પહેલી ઑગસ્ટ, 2025થી બદલાઈ રહ્યા છે.
એનસીપીઆઈ એટલે કે નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા દ્વારા આ નિયમોમાં ફેરફાર કરાઈ રહ્યો છે જેનાથી યુપીઆઈનું પર્ફૉર્મન્સ સુધરવાની શક્યતા છે.
ફોન પે, ગૂગલ પે અથવા પેટીએમ જેવી યુપીઆઈ સર્વિસનો ઉપયોગ કરનારા લોકોને તેનાથી અસર પડશે.
2016માં એનપીસીઆઈ દ્વારા લૉન્ચ થયા પછી યુપીઆઈની લોકપ્રિયતા ઝડપથી વધી છે.
સરકારના આંકડા પ્રમાણે જૂન 2025માં ભારતમાં યુપીઆઈ દ્વારા 24.03 લાખ કરોડનું પેમેન્ટ થયું હતું અને કુલ 18.39 અબજ ટ્રાન્ઝેક્શન થયાં હતાં.
પહેલી ઑગસ્ટથી શું બદલાશે અને કયા નિયમો આવે છે?
યુપીઆઈની કામગીરી સુધારવા અમુક ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
યુપીઆઈ ઍપ દ્વારા તમે બેલેન્સ ચેક કરી શકો છો, પરંતુ તેમાં લિમિટ લાગુ થવાની છે. ગ્રાહકો હવે દરરોજ યુપીઆઈ ઍપ દ્વારા વધુમાં વધુ 50 વખત પોતાનું બેલેન્સ ચેક કરી શકશે. એટલે કે દરેક યુપીઆઈ ઍપ હવે 24 કલાકમાં 50 વખત બેલેન્સ ચેક માટે વાપરી શકાશે.
યુપીઆઈના ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ જાણવા માટે પણ નિયમો લાગુ થયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવા નિયમ પ્રમાણે ઓરિજિનલ ટ્રાન્ઝેક્શન થયા પછી 45 કે 60 સેકન્ડ બાદ યૂઝર ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ જાણવા રિક્વેસ્ટ કરી શકશે. આ નિયમ પ્રમાણે પૅન્ડિંગ ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ માત્ર ત્રણ વાર જોઈ શકાશે.
પીક અવર્સમાં ઓટો પે માટેના નિયમો
આ ઉપરાંત વીજળીનાં બિલ, ઓટીટી સબસ્ક્રિપ્શન અથવા પાણીનાં બિલ માટે ઓટો પેનો ઉપયોગ થતો હોય છે તેના નિયમો બદલાયા છે.
યૂઝર્સ હવેથી માત્ર નૉન-પીક અવર્સમાં જ યુપીઆઈ ઓટો પે માટેના મેન્ડેટ એક્ઝિક્યુટ કરી શકશે. દિવસમાં જે સમયે પ્રતિ સેકન્ડ સૌથી વધુ ટ્રાન્ઝેક્શન થતા હોય તેને પીક અવર્સ ગણવામાં આવે છે.
સવારના 10.00 વાગ્યાથી બપોરના 1.00 વાગ્યા સુધી અને સાંજે 5.00 વાગ્યાથી રાતના 9.30 સુધી પીક અવર્સ ગણાશે.
યુપીઆઈધારકોના બૅન્ક એકાઉન્ટને લગતો નિયમ પણ બદલાયો છે. હવેથી ગ્રાહકો 24 કલાકમાં દરેક ઍપ દીઠ માત્ર 25 વખત પોતાના બૅન્ક એકાઉન્ટને જોઈ શકશે.
આ નિયમોમાં ફેરફારના કારણે તમારા રોજિંદા યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને અસર થઈ શકે છે તેથી અમુક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
પીક અવર્સ દરમિયાન મોટી સંખ્યામાં લોકો યુપીઆઈ ઍપથી બૅન્ક બેલેન્સ ચેક કરતા હોય છે જેના કારણે સિસ્ટમ પર લૉડ પડતો હોવાથી તેની સંખ્યાની લિમિટ નક્કી કરાઈ છે.
FASTagના વાર્ષિક પાસની શરૂઆત
બીજા અમુક નિયમો પણ ઑગસ્ટ મહિનાથી બદલાઈ રહ્યા છે જેને જાણવા જરૂરી છે.
જેમ કે, 15મી ઑગસ્ટથી તમે નવા ફાસ્ટેગના વાર્ષિક પાસ મેળવી શકશો. તેમાં 3000 રૂપિયામાં તમને એક પાસ મળશે જે આખા વર્ષ માટે વેલિડ રહેશે.
આ પાસથી એક વર્ષની અંદર વધુમાં વધુ 200 ટોલ ટ્રાન્ઝેક્શન કરી શકાશે. 200 ટ્રાન્ઝેક્શન અથવા એક વર્ષમાંથી જે વહેલું પૂરું થાય ત્યારે પાસ પૂરો થઈ જશે. તેનાથી ટોલ પેમેન્ટની પ્રક્રિયા સરળ બનશે અને હાઈવે પરથી વારંવાર પસાર થતા ઘણા લોકોને સસ્તી પડે તેવી શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન