ટ્રમ્પના ટેરિફ વૉરથી ભારત કેવી રીતે બચી શકે, અર્થતંત્ર પર કેવી અસર પડશે?

    • લેેખક, મોહમ્મદ શાહિદ
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી આયાત થતા માલ પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે.

આ સાથે જ તેમણે રશિયા સાથે વેપારને લઈને ભારત પર પેનલ્ટી લગાવવાની વાત કરી છે. આ કેવી અને કેવા પ્રકારની પેનલ્ટી હશે તે હજુ સુધી સ્પષ્ટ નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલે ભારત સહિત દુનિયાના 100 દેશો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે કોઈ દેશ અમેરિકાની ચીજવસ્તુઓ પર વધારે ઇમ્પોર્ટ ડ્યૂટી લગાવશે, તો અમેરિકા પણ તે દેશથી આયાત થતા માલ પર ઊંચો ટેરિફ લગાવશે.

ટ્રમ્પે આને 'રેસિપ્રોકલ ટેરિફ' કહ્યો છે. એપ્રિલમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. તે વખતે ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી શકે છે.

અગાઉ ટેરિફ માટે 9 જુલાઈની ડેડલાઇન નક્કી કરી હતી, ત્યાર પછી તેને પહેલી ઑગસ્ટ સુધી લંબાવવામાં આવી. આ ડેડલાઇન પૂરી થાય તેનાથી બે દિવસ અગાઉ જ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી છે.

ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સમજૂતી માટે વાતચીત ચાલુ હતી, પરંતુ કેટલીક બાબતોને લઈને મતભેદ હતા.

રિપોર્ટ મુજબ ભારત જિનેટિકલી મૉડિફાઇડ પાક (જેમ કે સોયાબીન અને મકાઈ)ની આયાતનો વિરોધ કરતો હતો. સ્થાનિક ડેરી બજારને વિદેશી કંપનીઓ માટે ખોલવા પણ ભારત તૈયાર નથી.

અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપાર

વર્ષ 2024માં ભારત અને અમેરિકા વચ્ચે 129 અબજ ડોલરનો વેપાર થયો હતો, જેમાં ભારતનો લગભગ 46 અબજ ડોલરનો વેપાર સરપ્લસ હતો.

ભારત અમેરિકન ઉત્પાદનો પર સૌથી વધારે ટેરિફ લગાવનારા દેશોમાં ગણાય છે. ભારત દ્વારા આયાત પર સરેરાશ 17 ટકા ટેરિફ લાગે છે, જ્યારે એપ્રિલ અગાઉ અમેરિકા 3.3 ટકા ટેરિફ લગાવતું હતું.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ભારતમાં વર્ષ 1990-91 સુધી સરેરાશ ટેરિફનો દર 125 ટકા સુધી હતો. ઉદારીકરણ પછી આ દર ઘટવા લાગ્યો. વર્ષ 2024માં ભારતનો સરેરાશ ટેરિફ દર 11.66 ટકા હતો.

ધ હિંદુના અહેવાલ પ્રમાણે ભારતે 150 ટકા, 125 ટકા અને 100 ટકાના દર ખતમ કરી દીધા છે.

ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા ત્યાર બાદ ભારત સરકારે ટેરિફ રેટમાં ફેરફાર કર્યા. ભારતમાં લક્ઝરી કાર પર 125 ટકા ટેરિફ હતો, હવે તેને ઘટાડીને 70 ટકા કરવામાં આવ્યો છે.

તેથી વર્ષ 2025માં ભારતનો સરેરાશ ટેરિફ રેટ ઘટીને 10.65 ટકા થઈ ગયો છે.

સામાન્ય રીતે દરેક દેશ ટેરિફ લગાવે છે, પરંતુ બીજા દેશોની તુલનામાં ભારતમાં ટેરિફના દર ઊંચા છે. તેના કારણે ટ્રમ્પ વારંવાર ભારતને દુનિયામાં સૌથી વધુ ટેરિફ લગાવતા દેશોમાં ગણાવે છે.

ટ્રમ્પ ઇચ્છે છે કે જે દેશો સાથે અમેરિકાનો વ્યાપાર ખાધ (ટ્રેડ ડેફિસિટ) છે તેને દૂર કરવામાં આવે.

ભારતમાં કયા ક્ષેત્રોને અસર પડશે?

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે ભારત પર 25 ટકા ટેરિફ લગાવાશે. પરંતુ કયા કયા સેક્ટર પર કેટલો ટેરિફ લાગશે તે જણાવ્યું નથી.

જોકે, એપ્રિલ મહિનામાં ટેરિફની જાહેરાત કરવામાં આવી ત્યારે કયા સેક્ટરને અસર થશે તે સ્પષ્ટ હતું.

અમેરિકામાં નિકાસ થતા ઉત્પાદનો ખાસ કરીને ભારતના 30 સેક્ટરમાંથી આવે છે. તેમાં છ કૃષિક્ષેત્રના છે અને 24 ઈન્ડસ્ટ્રીયલ છે.

તે સમયે મહત્ત્વની વાત એ હતી કે ભારતમાંથી સૌથી વધુ નિકાસ કરતા ફાર્મા સેક્ટરને તેમાંથી બાકાત રખાયું હતું. ભારતમાંથી લગભગ 13 અબજ ડોલરની ફાર્મા પ્રોડક્ટની નિકાસ થાય છે.

આ વખતે પણ ફાર્માને બાકાત રખાયું છે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.

આ ઉપરાંત જ્વેલરી, ટેક્સ્ટાઇલ્સ, ટેલિકૉમ અને ઇલેક્ટ્રોનિક સામાન, ઑટોમોબાઇલ્સ, કેમિકલ્સ સાથે સંકળાયેલા સેક્ટરને સૌથી વધુ અસર થવાની છે.

નિકોર એસોસિયેટ્સનાં ઇકોનૉમિસ્ટ મિતાલી નિકોર કહે છે કે આને માત્ર 25 ટકા ટેરિફ ગણવો ન જોઈએ, કારણ કે તેમાં 10 ટકા પેનલ્ટી પણ છે. એટલે કે ટેરિફનો દર 35 ટકા થઈ જશે.

તેઓ કહે છે કે, "આપણે રશિયા પાસેથી ઑઇલ ખરીદતા રહીશું ત્યાં સુધી 25 ટકા બેઝ રેટ અને 10 ટેરિફ લાગતો રહેશે. કુલ 35 ટકા ટેરિફ થાય છે."

ભારતમાંથી અમેરિકામાં 11.88 અબજ ડૉલરના સોના, ચાંદી અને ડાયમંડની નિકાસ થાય છે. આ ક્ષેત્રમાં નિકાસ ઘટે તો નાના કારીગરો અને ઉદ્યોગો પર અસર પડશે.

મિતાલી નિકોર કહે છે, જેમ ઍન્ડ જ્વેલરી સેક્ટર પર સૌથી વધારે અસર પડશે. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાંથી સૌથી વધુ નિકાસ થાય છે.

ભારતમાંથી અમેરિકામાં 4.93 અબજ ડૉલરના કપડાંની નિકાસ થાય છે, તેથી આ સેક્ટરને પણ અસર પડશે.

મિતાલી કહે છે કે ટેક્સ્ટાઈલ ઉદ્યોગ પર કેટલી અસર થશે તે ભારતના પડોશી દેશો પર લાગનારા ટેરિફ પરથી નક્કી થશે. બાંગ્લાદેશથી મોટા પ્રમાણમાં ટેક્સ્ટાઇલની નિકાસ થાય છે. વિયેતનામે પણ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી છે.

તેઓ કહે છે, "આવી જ સ્થિતિ રહેશે તો ભારત અને બાંગ્લાદેશથી અમેરિકા સાથે થતો વ્યાપાર હવે વિયેતનામ તરફ જશે. આ સેક્ટરમાં મહિલાઓ પણ સામેલ છે જેમના પર મોટી અસર પડવાની છે."

ભારત અમેરિકાને 14.39 અબજ ડૉલરના મોબાઇલ, ટેલિકૉમ અને ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ વેચે છે. તેને પણ અસર થવાની છે.

મિતાલી જણાવે છે કે એપલ જેવી કંપનીઓ ભારતમાં આવીને પોતાનું કામ કરતી હતી. પરંતુ આ ટેરિફ પછી તેઓ ભારત શા માટે આવશે? સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર પણ અસર પડશે.

ભારતને કેટલું નુકસાન જશે, અર્થતંત્રની કેવી હાલત થશે?

સિટી રિસર્ચના અંદાજ પ્રમાણે અમેરિકાના ટેરિફના કારણે ભારતને વર્ષે 700 કરોડ ડૉલરનું નુકસાન જશે.

મિતાલી કહે છે કે "સાત અબજ ડૉલરના નુકસાનનો આંકડો આપણી સામે છે. પરંતુ હાલમાં તેની અસર આપણા વેપારીઓના નફા પર પડશે."

"તેની પરોક્ષ અસર આપણા અર્થતંત્ર પર પડશે. અર્થતંત્રનો સીધો નિયમ છે કે નિકાસ જ્યારે ઘટી જાય ત્યારે વપરાશ ઘટે છે, નોકરીઓ જાય છે. તેથી જેઓ નવા નવા ગરીબીમાંથી બહાર આવ્યા હોય એવા લોકો ફરી ગરીબીમાં જઈ શકે છે."

ટેરિફ વધવાની સીધી અસર ઉત્પાદન પર પડશે અને ઉત્પાદન ઘટવાથી રોજગારી પણ ઘટશે. તેના કારણે સમગ્ર આર્થિક ચક્રને અસર થશે.

જ્યારે આંતરરાષ્ટ્રીય બાબતોનાં જાણકાર મંજરી સિંહ કહે છે કે ભારત તરફથી હજુ ટ્રેડ ડીલ પર વાતચીત ચાલુ છે. તેથી પહેલેથી કોઈ નિષ્કર્ષ પર પહોંચવું ન જોઈએ.

તેઓ કહે છે કે અમેરકા સાથે ભારતનો ટ્રેડ સરપ્લસમાં છે. આપણે જેટલી નિકાસ કરીએ છીએ તેના કરતા ઓછી આયાત કરીએ છીએ.

"25 ટકા ટેરિફ લાગે તો પણ 45 અબજ ડૉલરના સરપ્લસમાં ઘટાડો થશે. જોકે, ઑટોમોબાઇલ અને ફાર્મા સેક્ટર પર મોટી અસર પડી શકે છે."

ભારતે પોતાનાં કૃષિ અને ડેરી ઉત્પાદનો માટે દરવાજા ન ખોલ્યા તેના કારણે બંને દેશોની વચ્ચે ટ્રેડ ડીલ નથી થઈ શકી એવું માનવામાં આવે છે.

ભારતમાં અમેરિકન કૃષિ ઉત્પાદનો પર સરેરાશ 37.7 ટકા ટેરિફ લગાવવામાં આવે છે. જ્યારે અમેરિકામાં કૃષિ ઉત્પાદનો પર આ દર 5.3 ટકા છે. ટ્રમ્પની તાજેતરની જાહેરાત પછી ભારતથી યુએસ જતાં ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ થઈ ગયો છે.

મંજરી સિંહ કહે છે કે કૃષિ અને ડેરી ઉત્પાદનો માટે દરવાજા ખોલવામાં ભારતને નુકસાન જઈ શકે છે. તેથી આ મામલે સહમતિ નથી થઈ શકી.

તેમનું કહેવું છે કે, "ભારતના અર્થતંત્રમાં કૃષિની મહત્ત્વની ભૂમિકા છે. અમેરિકાનાં કૃષિ અને ડેરી ઉત્પાદનો ભારત આવે તો ભારતમાં નાના ખેડૂતોને અસર થઈ શકે છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પની જાહેરાત પછી ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે કે સરકાર ભારતના ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ)ના કલ્યાણ અને હિતને સર્વોચ્ચ મહત્ત્વ આપે છે."

ભારત પાસે કયા રસ્તા છે?

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ભારત અને અમેરિકા છેલ્લા એક મહિનાથી નિષ્પક્ષ, સંતુલિત અને પરસ્પર લાભદાયક દ્વિપક્ષીય વ્યાપાર સમજૂતી પર કામ કરે છે. બંને દેશો આ લક્ષ્ય માટે પ્રતિબદ્ધ છે.

અમેરિકાના ટેરિફ વિરુદ્ધ ભારતની પાસે હાલમાં સૌથી મોટો વિકલ્પ અસરકારક ટ્રેડ ડીલનો છે.

આ ડીલ નહીં થઈ શકે તો ભારતે અમેરિકા સિવાય બીજા નિકાસ બજારો શોધવા પડશે, અથવા અમેરિકા જતા સામાનનો રૂટ બદલવો પડશે.

મિતાલી કહે છે કે, "અમેરિકા આપણને છોડી દે તો આપણી પાસે બીજા રસ્તા શોધવાની તક છે. તાજેતરમાં આપણે બ્રિટન સાથે એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે. આ તકને ગંભીરતાથી લેવી જોઈએ, અમેરિકા સાથે થનારા નુકસાનને સરભર કરવા ભારતે કદાચ રશિયા અને ચીન સાથે વ્યાપાર વધારવો પડે. રશિયા સાથે અમારા સંબંધો સારા છે, પરંતુ ચીન સાથે ફરી સંબંધ બનાવવા પડશે."

જ્યારે મંજરી સિંહનું કહેવું છે કે ભારત પાસે ટેરિફ વધારવાના વિકલ્પ હાજર છે. પરંતુ ભારત ટેરિફ વધારશે તો અમેરિકા પણ તેવી પ્રતિક્રિયા આપશે. તેઓ કહે છે કે પોતાના બજારને ડાઇવર્ટ કરવું ભારત માટે સારી રણનીતિ રહેશે.

તેઓ કહે છે, "ચીન પર 100 ટકાથી વધુ ટેરિફ છે. પરંતુ તેણે પોતાનાં ઉત્પાદનોની દિશા યુરોપ તરફ વાળી દીધી. યુરોપના બજારમાં ચીન પહેલેથી હાજર છે, તેથી ભારતે ત્યાં પણ સ્પર્ધાનો સામનો કરવો પડશે."

"ભારતે પોતાનાં ઉત્પાદનોને મિડલ ઈસ્ટ અને આફ્રિકાના બજારો તરફ વાળવા પડશે. જોકે, ભારત અને અમેરિકાની વ્યૂહાત્મક ભાગીદારીને જોતા શક્ય છે કે આ ટેરિફને આગળ જતા ઘટાડવામાં આવે."

મિતાલીનું માનવું છે કે, "ભારતે ટેરિફ વધારવા ન જોઈએ. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે બૅક ચેનલ મારફત વાતચીત કરવી જોઈએ. અમેરિકામાં એવી ધારણા ઝડપથી ફેલાઈ રહી છે કે ચીન અને ભારત ઝડપથી પ્રગતિ કરે છે અને તેને રોકવા જરૂરી છે. તેનો પણ કૂટનીતિક સ્તરે જવાબ આપવો પડશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન