You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નેપાળમાં હિંદુત્વ રાજકારણનાં મૂળ મજબૂત થઈ રહ્યાં છે, આરએસએસ ત્યાં શું કરે છે?
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
નેપાળના બીરગંજમાં સોનરનિયા ગામના સુરેશ પાસવાનના ઘરમાં લગભગ 30 છોકરા-છોકરીઓ અભ્યાસ પૂરો કર્યા પછી સંકલ્પ લઈ રહ્યાં છે કે તેઓ નેપાળને હિંદુ રાષ્ટ્ર બનાવશે અને ધર્માંતરણની સાથે ગૌહત્યા અટકાવશે.
મોટાં ભાગનાં છોકરા-છોકરી દલિત પરિવારનાં છે.
આને એકલ વિદ્યાલય કહેવામાં આવે છે, જે 1992માં શરૂ થયું હતું. આવાં એકલ વિદ્યાલય માત્ર બીરગંજમાં જ નથી, નેપાળના ઘણા વિસ્તારોમાં ચાલી રહ્યાં છે.
નેપાળમાં હિંદુત્વના રાજકારણને આગળ વધારવામાં જે સંગઠન સૌથી વધુ સક્રિય છે, તેનું નામ 'હિંદુ સ્વયંસેવક સંઘ' (એચએસએસ) છે.
નેપાળ ઉપરાંત, અમેરિકા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને કૅનેડા જેવા દેશોમાં પણ એચએસએસ નામનું સંગઠન સક્રિય છે.
આરએસએસ અને એચએસએસ, પોતાની વેબસાઇટ્સ પર એકબીજા સાથેના સંબંધનો ઉલ્લેખ નથી કરતા, પરંતુ તેમનું જોડાણ દરેક સ્તરે દેખાય છે. એચએસએસના જનકપુર સંભાગના કાર્યવાહ રણજિત સાહ કહે છે કે આખા નેપાળમાં 1,048 એકલ વિદ્યાલય અને 35 પશુપતિ શિક્ષા મંદિર ચાલી રહ્યાં છે.
સોહનલાલ પ્રસાદ સાહ નેપાળના બારા જિલ્લાના એકલ વિદ્યાલયના પ્રમુખ છે. જ્યારે અમે બીરગંજથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલા સોનરનિયા ગામ પહોંચ્યા, ત્યારે સુરેશ પાસવાનના ઘરમાં ચાલી રહેલા એકલ વિદ્યાલયમાં તેઓ શિક્ષકની ભૂમિકામાં હતા.
સોહનલાલ પ્રસાદ સાહ જણાવે છે કે આ વિદ્યાલય અને તેઓ પોતે, બંને આરએસએસ સાથે જોડાયેલાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોહનલાલ પ્રસાદ સાહ જણાવે છે, "એકલ વિદ્યાલય આરએસએસનું છે. તે કોઈ ઇમારતમાં નથી ચાલતું. એકલ વિદ્યાલય કોઈના ઘરમાં અથવા તો કોઈ ઝાડની નીચે ચાલે છે."
"અમે સ્કૂલમાં પોતાની સંસ્કૃતિ માટે બાળકોને સચેત કરીએ છીએ. સંસ્કારી શિક્ષણ આપીએ છીએ. તેમાં ગૌમાતાનું સન્માન કરવું, ધર્માંતરણ વિશે જાગૃત કરવા અને નેપાળને ફરીથી હિંદુ રાષ્ટ્ર બનાવવા જેવા મુદ્દા સામેલ છે."
સોહનલાલ પ્રસાદ સાહે જણાવ્યું કે તેમની આરએસએસની 21 દિવસની 'ઓટીસી ટ્રેનિંગ' ગોરખપુરમાં થઈ હતી.
પશુપતિ શિક્ષા મંદિર
નેપાળમાં હિંદુત્વના આ અભિયાનમાં નેતૃત્વના સ્તરે બે લોકો સક્રિય છે – રવિતકુમાર અને વેદપ્રકાશ. વાતચીત દરમિયાન બંને નેપાળમાં આરએસએસની ભૂમિકા વિશે કંઈ પણ બોલવાનું ટાળે છે. રવિતકુમાર મેરઠના છે અને વેદપ્રકાશ પોતાને નેપાળના વિરાટનગરના જણાવે છે.
29 એપ્રિલની સાંજે, જ્યારે અમે બીરગંજના પશુપતિ શિક્ષા મંદિરના પરિસરમાં પહોંચ્યા, ત્યારે ત્યાં એચએસએસના સ્વયંસેવકોનો તાલીમ કાર્યક્રમ ચાલતો હતો.
આ વિશેષ તાલીમ કાર્યક્રમમાં તાલીમાર્થી તૈયાર કરાઈ રહ્યા હતા. વાતાવરણ આરએસએસની શાખા જેવું જ હતું, યુનિફૉર્મ (ગણવેશ) પણ બિલકુલ એ જ. શાખામાં સામેલ થતાં પહેલાં ભગવા ધ્વજને પ્રણામ કરવાની રીત પણ એ જ, શાખા સમાપ્ત થયા પહેલાંની પ્રાર્થના પણ એ જ – 'નમસ્તે સદા વત્સલે…'
'હિન્દુત્વ જ એકમાત્ર લક્ષ્ય'
અમને પશુપતિ શિક્ષા મંદિરમાં જોઈને આરએસએસના રવિતકુમાર અને વેદપ્રકાશે આશ્ચર્ય પ્રકટ કરતાં કહ્યું– 'તમે લોકો અહીં પણ પહોંચી ગયા?' હકીકતમાં, આ લોકો સાથે પહેલાં કાઠમંડુમાં અમારી મુલાકાત થઈ ચૂકી હતી.
શાખામાં આવેલા કેટલાક લોકોએ જણાવ્યું કે આ તાલીમ કાર્યક્રમમાં સ્વયંસેવકોને ટ્રેનિંગ આપનારાઓમાં આરએસએસના જ લોકો છે. શાખા સમાપનની પહેલાં પ્રાર્થના દરમિયાન, રવિતકુમાર અને વેદપ્રકાશ પણ પોતાના જમણા હાથને છાતી પાસે રાખીને સાવધાનની મુદ્રામાં ઊભા રહેલા દેખાયા.
આરએસએસ અને એચએસએસ ક્યારે એક જ છે અને ક્યારે અલગ, એ ભેદ કરવો મુશ્કેલ છે. કાઠમંડુમાં એચએસએસના મુખ્ય મથકનું નામ કેશવધામ છે અને દિલ્હીમાં આરએસએસના મુખ્ય મથકનું નામ કેશવકુંજ.
નેપાળમાં એચએસએસના રાષ્ટ્રીય સંઘચાલક અને પૂર્વ પોલીસ અધિકારી કલ્યાણકુમાર તિમ્સિનાને અમે કેશવધામમાં મળવાની વિનંતી કરી, પરંતુ તેઓ ત્યાં મળવા માટે તૈયાર ન થયા.
ત્યાર પછી કાઠમંડુમાં 'હિંદુ રાષ્ટ્ર સ્વાભિમાન જાગરણ અભિયાન'ના કાર્યાલયમાં તેમની સાથે અમારી મુલાકાત થઈ. જ્યારે કલ્યાણકુમાર આવ્યા ત્યારે ખૂબ સજાગ થઈને એક કાગળ પર લખેલી નોટ લઈને બેઠા.
જ્યારે પણ કલ્યાણકુમાર સાથે આરએસએસ અને નેપાળ સાથે સંકળાયેલા સવાલ પૂછવામાં આવ્યા, ત્યારે 'હિંદુ રાષ્ટ્ર સ્વાભિમાન જાગરણ અભિયાન'ના મહાસચિવ દેવેશ ઝાએ તેમની સામે મોબાઇલ સ્ક્રીન ધરી દીધો. તેઓ એ જ મોબાઇલ સ્ક્રીન જોઈને જવાબ આપતા રહ્યા. આખી વાતચીતમાં તેમણે એવું જ દર્શાવવાની કોશિશ કરી કે આરએસએસ સાથે તેમનો કશો સંબંધ નથી, પરંતુ તેમણે એ વાતનો ખૂલીને સ્વીકાર કર્યો કે હિંદુત્વ જ તેમનું લક્ષ્ય છે.
શાળામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાનોની તસવીરો
અમને ઘણી વસ્તુઓ એવી દેખાઈ જેનાથી આરએસએસ સાથેના તેના ગાઢ સંબંધ સ્પષ્ટ થતા હતા. જેમ કે, બીરગંજના પશુપતિ શિક્ષા મંદિરને જ લઈએ. મુખ્ય અધ્યાપકની ચૅમ્બરનું નામ હેડગેવાર કક્ષ છે, તો સ્કૂલના બીજા માળે ગોલવલકરની તસવીર રાખી હતી.
કેશવ બલિરામ હેડગેવાર આરએસએસના સંસ્થાપક હતા અને માધવ સદાશિવ ગોલવલકર આરએસએસના બીજા સરસંઘચાલક. આ સ્કૂલમાં અમને નેપાળના કોઈ મહાન વ્યક્તિની તસવીર જોવા ન મળી.
ફેબ્રુઆરી 2023માં મારી મુલાકાત એચએસએસના જનકપુર સંભાગના કાર્યવાહ રણજિત સાહ સાથે તેમની ઑફિસમાં થઈ હતી. તેમની ખુરશીની બરાબર પાછળ આરએસએસના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવાર અને માધવ સદાશિવરાવ ગોલવલકરની તસવીરો હતી.
અમે તસવીરો તરફ ઇશારો કરતાં રણજિત સાહને પૂછ્યું હતું કે, શું તમારા આદર્શ આ જ છે? રણજિત સાહનો જવાબ હતો– 'હું એક સ્વયંસેવક છું. આના સિવાય અમારા આદર્શ ભલા કોણ હશે?'
બીરગંજના ઉમેશ યાદવ જણાવે છે કે તેઓ બાળસ્વયંસેવક હતા અને હવે એચએસએસ માટે સમર્પિત છે.
ઉમેશ યાદવ જણાવે છે કે સ્વયંસેવકોના ત્રીજા વર્ષનો તાલીમ કાર્યક્રમ સંઘના મુખ્ય મથક નાગપુરમાં થાય છે. સ્વયંસેવક ભલે ને આરએસએસના હોય કે પછી એચએસએસના.
ઉમેશ યાદવને લાગે છે કે સ્વયંસેવક હોવાના કારણે તેઓ પોતાના જીવનમાં ખૂબ શિસ્તબદ્ધ થયા છે અને દેશભક્તિ બાબતે સજાગ થયા છે.
રણજિત સાહ જણાવે છે કે નેપાળમાં એચએસએસનાં કુલ 12 સંગઠન કામ કરે છે. આ સંગઠન નેપાળના સામાજિક–રાજકીય જીવનનાં બધાં ક્ષેત્રોમાં સક્રિય છે.
આરએસએસ અને એચએસએસ
વૉલ્ટર એન્ડરસન અમેરિકામાં જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીમાં સાઉથ એશિયા સ્ટડીઝના પ્રોફેસર રહ્યા છે. તેમણે પત્રકાર અને લેખક શ્રીધર ડી. દામલેની સાથે મળીને 'ધ આરએસએસ, અ વ્યૂ ટૂ ધ ઇનસાઇડ' પુસ્તક લખ્યું છે.
આ પુસ્તકમાં વૉલ્ટર અને દામલેએ 'વિદેશોમાં આરએસએસ' નામના એક પ્રકરણમાં લખ્યું છે, "હિંદુ સ્વયંસેવક સંઘ એટલે કે એચએસએસ ટર્મનો ઉપયોગ આરએસએસની વિદેશી બ્રાંચ માટે કરવામાં આવે છે. એચએસએસ ગ્લોબલ સ્તરે રાષ્ટ્રીય શબ્દનો ઉપયોગ નથી કરતું, કેમ કે આ શબ્દ તેને ખાસ ભૌગોલિક ક્ષેત્ર સુધી સીમિત કરે છે."
વૉલ્ટર અને દામલેએ લખ્યું છે, "લગભગ ત્રણ ડઝન જેટલા દેશોમાં એચએસએસ જોવા મળે છે. વિદેશોમાં મોદીની જે રેલીઓ થાય છે, તેની સફળતામાં એચએસએસનો મહત્ત્વનો ફાળો હોય છે. અમેરિકાના ન્યૂ યૉર્કમાં મૅડિસન સ્ક્વેયરમાં 28 સપ્ટેમ્બર 2014ની બપોરે નરેન્દ્ર મોદીની રેલીમાં પણ આરએસએસની વિદેશી બ્રાંચ એચએસએસના સ્વયંસેવક મોટી સંખ્યામાં હાજર હતા."
તેમણે લખ્યું છે, "દરેક દેશનું એચએસએસ, વહીવટી તેમ જ કાયદાકીય બાબતોમાં એકબીજાથી અને આરએસએસથી અલગ છે, પરંતુ ઘણી વાર આરએસએસના પૂર્ણકાલીન પ્રચારક જ તેમનું કામ જુએ છે. વિદેશોમાં મોદીની રેલીઓ આયોજિત કરાવવામાં ભાજપ સાથે જોડાયેલું 'ઓવરસીઝ ફ્રૅન્ડ્સ ઑફ ધ બીજેપી' (ઓએફબીજેપી) એચએસએસની સાથે મળીને કામ કરે છે."
વૉલ્ટર અને દામલેએ આ પુસ્તકમાં ઓએફબીજેપીના કો-ઑર્ડિનેટર રહેલા વિજય ચૌથાઈવાલેનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે રેલીઓમાં તેમનું સૌથી મહત્ત્વપૂર્ણ કામ હતું, 'પ્રતિભાશાળી, ઊર્જાવાન, ભારત સમર્થક અને નિઃસ્વાર્થી લોકો'ને શોધીને તેમને સ્થાનિક એચએસએસમાં જોડવા.
આરએસએસ અને એચએસએસ વચ્ચે શો સંબંધ છે? આ સવાલ નેપાળમાં આરએસએસના પ્રચારક રવિતકુમારે પૂછ્યો ત્યારે તેમણે કહ્યું કે, તેઓ આના વિશે ટિપ્પણી કરવા માટે અધિકારી નથી. રવિતકુમારે કહ્યું કે, તમે ભારતમાં સંપર્ક કરો. ભારતમાં આરએસએસના સહ-પ્રચારપ્રમુખ પ્રદીપ જોશીને પૂછ્યું તો તેમણે કહ્યું કે તેઓ આ વિશે કશી ટિપ્પણી કરવા નથી માગતા.
નેપાળમાં આરએસએસની ભૂમિકા શું છે?
પૃથ્વી નારાયણ શાહને આધુનિક નેપાળના ઘડવૈયા કહેવામાં આવે છે. તેમની વિચારધારાને આરએસએસની નિકટની ગણાવાય છે.
નેપાળના જાણીતા લેખક સીકે લાલ કહે છે, "પૃથ્વી નારાયણ શાહનું કહેવું હતું કે સૈનિકો દ્વારા યુદ્ધ તો જીતી શકાય છે, પરંતુ જીત પછી નિયંત્રણ જાળવી રાખવા માટે વિચારધારા અનિવાર્ય હોય છે. પૃથ્વી નારાયણ શાહ નેપાળને અસલી 'હિંદુસ્થાન' ગણાવતા હતા, કેમ કે જેને હિંદુસ્થાન કહેવામાં આવે છે, ત્યાં મુઘલ હતા અને પછી અંગ્રેજ આવી ગયા, જ્યારે નેપાળ સ્વતંત્ર રહ્યું."
સીકે લાલ કહે છે, "નેપાળનાં રાજા-રજવાડાં પોતાની ધાર્મિક કાયદેસરતા માટે કાશી જતા હતા. એટલે સુધી કે પૃથ્વી નારાયણ શાહે પણ પોતાનું ગોત્ર પરિવર્તન કાશીમાં જ કર્યું હતું. પૃથ્વી નારાયણ શાહને જનજાતીય (આદિવાસી/મૂળનિવાસી) સમુદાયના માનવામાં આવે છે, પરંતુ તેમને કાશીમાં મરાઠી બ્રાહ્મણોએ ક્ષત્રિય ગોત્ર આપ્યું હતું."
મરાઠી બ્રાહ્મણો અને નેપાળના ઐતિહાસિક સંબંધો વિશે સીકે લાલ કહે છે, "ઈ.સ. 1857ના વિપ્લવમાં નાનાસાહેબ પેશવા કાનપુરની લડાઈ હાર્યા પછી હિંદુ રાષ્ટ્ર ગણીને જ નેપાળ પહોંચ્યા હતા. 1925માં મરાઠી બ્રાહ્મણોએ જ આરએસએસ બનાવ્યું."
નેપાળમાં ચંદ્ર શમશેર રાણાનો શાસનકાળ (1901-1929) અને આરએસએસ બનવાની (1925) પ્રક્રિયાનો સમય એક જ રહ્યો છે. ચંદ્ર શમશેર રાણાના શાસનથી મરાઠી બ્રાહ્મણોના સંબંધ વધુ ગાઢ થયા હતા.
ચંદ્ર શમશેર રાણાની પુત્રીઓનાં લગ્ન ભારતમાં થયાં અને આ નિરંતરતા જળવાઈ રહી. ગ્વાલિયરનાં રાજમાતા ગણાતાં વિજયારાજે સિંધિયા પણ આ જ પરિવારમાંથી આવ્યાં હતાં અને તેઓ પ્રત્યક્ષ રીતે આરએસએસ સાથે જોડાયેલાં હતાં.
સીકે લાલ કહે છે, "રાજા મહેન્દ્રનું મોસાળ પણ ભારતમાં જ હતું. આ સંબંધ હિંદુવાદીઓ સાથે વધુ હતો. જે સમયે આરએસએસ સાથે કોઈ જોડાવા નહોતું માગતું, એવા સમયે નેપાળની સત્તા સાથે આરએસએસને નિકટના સંબંધ હતા. નેપાળમાં શરૂઆતથી જ બ્રાહ્મણવાદ મજબૂત રહ્યો છે. 1956માં ડૉ. ભીમરાવ આંબેડકરને પશુપતિ મંદિરમાં જવા નહોતા દેવાયા."
ઈ.સ. 1964માં નેપાળના રાજા મહેન્દ્ર આરએસએસના નિમંત્રણથી એક રેલીને સંબોધવા માટે નાગપુર આવવાના હતા. રાજા મહેન્દ્રની રેલીથી ભારતની તત્કાલીન કૉંગ્રેસ સરકાર ઘણી અસ્વસ્થ હતી. ત્યારે આરએસએસની કમાન ગોલવલકરની પાસે હતી અને તેમણે જ રાજા મહેન્દ્રના આગમનની જાહેરાત કરી હતી.
એ વાત સ્પષ્ટ નહોતી કે રાજા મહેન્દ્રે આરએસએસનું નિમંત્રણ સ્વીકારતાં પહેલાં ભારત સરકારનો સંપર્ક કર્યો હતો કે નહીં. અંતમાં આ પ્રવાસ રદ થયો હતો.
ઈ.સ. 1960ના દાયકામાં નેપાળમાં ભારતના રાજદૂત રહેલા શ્રીમન્ નારાયણે પોતાના પુસ્તક 'ઇન્ડિયા ઍન્ડ નેપાળ: એન એક્સર્સાઇઝ ઇન ઓપન ડેમૉક્રસી'માં લખ્યું છે, "કિંગ મહેન્દ્રે આરએસએસનું નિમંત્રણ ત્યારે સ્વીકાર્યું હતું, જ્યારે દિલ્હીની કૉંગ્રેસ સરકાર સાથે તેમનો સંબંધ વધુ સારો નહોતો. બીજી તરફ, આરએસએસ નેપાળના રાજાને હિંદુ સમ્રાટ તરીકે જોતું હતું."
ઈ.સ. 2008માં નેપાળમાં રાજાશાહી ખતમ થયા પછી પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' વડા પ્રધાન બન્યા હતા. ત્યાર પછી તેમણે ઈ.સ. 2009માં કાઠમંડુના પશુપતિનાથ મંદિરમાં ભારતીય પૂજારીની જગ્યાએ નેપાળી પૂજારીની નિમણૂક કરી દીધી હતી.
પશુપતિ મંદિરના મુખ્ય પૂજારી મહાબાલેશ્વર ભટ્ટ અને બે અન્ય લોકોએ પ્રચંડના નેતૃત્વવાળી માઓવાદી સરકારના દબાણમાં રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામા પછી ઇતિહાસમાં પહેલી વાર પશુપતિ મંદિરમાં નેપાળી પૂજારીની નિમણૂક કરવામાં આવી હતી.
તેના વિરોધમાં એચએસએસના સ્વયંસેવકોએ પશુપતિ મંદિરની બહાર વિરોધપ્રદર્શન પણ કર્યું હતું.
ઐતિહાસિક રીતે કાઠમંડુના પશુપતિનાથ મંદિરમાં કર્ણાટકના ભટ્ટ પૂજારી બનતા રહ્યા છે. એચએસએસના તત્કાલીન ચૅરમૅન ઉમેશ ખનાલે ત્યારે ભારતના અંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઇમ્સને કહેલું, "અમે ધાર્મિક બાબતોમાં કોઈ પણ પ્રકારના રાજકારણના હસ્તક્ષેપને સહન નહીં કરીએ. જો જરૂર પડશે તો અમે ભગવાન પશુપતિનાથને બચાવવા માટે હથિયાર પણ ઉઠાવી શકીએ છીએ."
હિંદુ સ્વયંસેવક સંઘના વર્તમાન રાષ્ટ્રીય સંઘચાલક કલ્યાણકુમાર તિમ્સિનાએ બીબીસીને કહ્યું કે, સદીઓથી ચાલી આવતી પરંપરાને તોડવાનો કોઈને અધિકાર નથી. તેઓ કહે છે, "હવે બધું ઠીક થઈ ગયું છે. હવે પ્રચંડ પણ મહાકાલ (ઉજ્જૈન)માં પૂજા-અર્ચના માટે જઈ રહ્યા છે."
આરએસએસ પર બીપી કોઈરાલાની કડક કાર્યવાહી
નેપાળમાં એક રાજકીય તબક્કો આરએસએસ માટે અગવડભર્યો પણ રહ્યો છે. જ્યારે બીપી કોઈરાલા 1959માં નેપાળના પ્રથમ ચૂંટાયેલા વડા પ્રધાન બન્યા, ત્યારે આ અગવડ ખૂબ વધી હતી.
ઈ.સ. 1960માં નેપાળગંજમાં 'સાંપ્રદાયિક સૌહાર્દ બગડવા' અને નેપાળના 'નવા મુલ્ક' (બાંકે, બરદિયા, કઇલાલી અને કંચનપુર)ને ફરીથી ભારતમાં સામેલ કરવાની કથિત ઝુંબેશના કારણે ઘણો હોબાળો થયો હતો.
1960માં જ આ ઘટના વિશે નેપાળની સંસદમાં વડા પ્રધાન બીપી કોઈરાલાને સવાલ પૂછવામાં આવ્યો. બીપી કોઈરાલાએ સંસદમાં કહ્યું, "નેપાળગંજમાં સાંપ્રદાયિક અને મધેસી વિરુદ્ધ પહાડીની લાગણી ફેલાવવાના કેસમાં પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરી છે, તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તેઓ એવો પ્રચાર કરતા હતા કે, 1857ના વિપ્લવ પછી નેપાળને નેપાળગંજ મળ્યું છે અને આ વિસ્તાર ભારતમાં જવો જોઈએ."
નેપાળી ઇતિહાસકાર ગ્રીષ્મબહાદુર દેવકોટાએ લખ્યું છે, "ત્યાર પછી પશ્ચિમાંચલના ડીઆઇજીએ પોતાની વાત રજૂ કરી અને કહ્યું કે બે અઠવાડિયાંથી સાંજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં સ્થાનિક યુવાઓ, વિદ્યાર્થીઓ અને અન્ય વ્યક્તિઓને દંડા અને તલવાર આપીને ભારતીય રાષ્ટ્ર ધ્વજ અને ભગવા ઝંડા સાથે ટ્રેનિંગ અપાતી હતી."
આ બાબતમાં 'નારાયણ શિક્ષણ પ્રસાર યોજના'ના સંચાલક શ્રીદાન બહાદુર સિંહ, નારાયણ ઇન્ટર કૉલેજના પ્રિન્સિપાલ શ્યામલાલ પાંડે, નારાયણ ઇન્ટર કૉલેજના શિક્ષક ખેમરાજ શાહ (નેપાળી નાગરિક) અને 'હિન્દુસ્થાન સમાચાર' એજન્સીના પ્રતિનિધિ ગયાપ્રસાદ મિશ્ર (ભારતીય) સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
નેપાળી રાજદ્વારી વિજયકાંત કર્ણ કાઠમંડુમાં 'સેન્ટર ફૉર સોશિયલ ઇન્ક્લૂઝન ઍન્ડ ફેડરલિઝમ' (સીઇઆઇએસએફ) નામની એક થિંકટૅંક ચલાવે છે.
તેઓ કહે છે, "બીપી કોઈરાલા નહેરુ અને લોહિયાની વિચારધારાવાળા નેતા હતા. તેમના રાજકારણમાં ધર્મનિરપેક્ષતા ક્યારેય ધૂંધળી નથી થઈ. તેઓ હિંદુત્વના રાજકારણ અને આરએસએસની બાબતમાં ખૂબ કડક હતા. રાજા મહેન્દ્રે 18 મહિનાના કાર્યકાળ પછી, 1960માં કોઈરાલાને વડા પ્રધાન પદ પરથી હઠાવીને જેલમાં નાખી દીધા, તેનું એક કારણ એ પણ હતું કે તેઓ હિંદુત્વના રાજકારણના વિરોધી હતા. બીપી કોઈરાલા જેલમાં ગયા પછી જ નેપાળ હિંદુ રાષ્ટ્ર બન્યું હતું."
જવાહરલાલ નહેરુની નારાજગી
રસપ્રદ વાત એ છે કે, બીપી કોઈરાલા 'ભારત છોડો આંદોલન'માં જોડાયા હતા અને જેલમાં પણ ગયા હતા, જ્યારે એક સંગઠન તરીકે આરએસએસએ પોતાને ભારત છોડો આંદોલનથી અળગું રાખ્યું હતું.
રાજા મહેન્દ્રે જ્યારે બીપી કોઈરાલાને વડા પ્રધાન પદ પરથી હઠાવીને જેલમાં પૂરી દીધા ત્યારે ભારતના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ નારાજગી દર્શાવીને તેને 'શાહી તખ્તાપલટ' કહેલો.
નેપાળમાં ભારતના રાજદૂત રહેલા રણજિત રાય કહે છે કે નહેરુની નારાજગીને જોતાં રાજા મહેન્દ્રે ભારતમાં નહેરુ વિરોધી શક્તિઓનું સમર્થન મેળવવાની કોશિશ કરી હતી.
રણજિત રાયે પોતાના પુસ્તક 'કાઠમંડુ ડિલેમા: રીસેટિંગ ઇન્ડિયા નેપાલ ટાઇઝ'માં લખ્યું છે, "રાજા મહેન્દ્રે હિંદુ ભાવનાનો લાભ લેવાની કોશિશ કરી હતી."
"બીપી કોઈરાલા પછી નેપાળમાં પક્ષવિહીન પંચાયતી વ્યવસ્થા આવી. આ વ્યવસ્થા હેઠળ તુલસીગીરી વડા પ્રધાન બન્યા. તુલસીગીરી રાજકીય રીતે કોઈરાલાથી અલગ હતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય પણ હતા. આ એવો સમયગાળો હતો જ્યારે હિંદુત્વના રાજકારણને વિકસવાની તક મળી."
રણજિત રાય કહે છે, "કિંગ મહેન્દ્રના ઉત્તરાધિકારી વીરેન્દ્રને વિશ્વ હિંદુ મહાસંઘે વિશ્વ હિંદુ સમ્રાટ જાહેર કર્યા. વિશ્વ હિંદુ મહાસંઘનો સંબંધ વિશ્વ હિંદુ પરિષદ સાથે છે. વીએચપીના તત્કાલીન નેતા અશોક સિંઘલ પણ તે દરમિયાન અવારનવાર શાહી દરબારમાં આવતા હતા."
ધર્મ અને રાજકારણના આંતર્વિરોધ
ઈ.સ. 1816માં સુગૌલીની સંધિ દ્વારા ઍંગ્લો–નેપાળ યુદ્ધ પૂરું થયું હતું અને બ્રિટિશ કંપનીએ નેપાળ–ભારત વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદ બનાવી હતી.
ઈ.સ. 1857માં ભારતમાં અંગ્રેજો વિરુદ્ધ વિદ્રોહ થયો. તેને આઝાદીની પહેલી લડત પણ કહેવામાં આવે છે. તેને પહોંચી વળવા માટે કંપની સરકારે નેપાળના તત્કાલીન વડા પ્રધાન જંગબહાદુર રાણા પાસે મદદ માગી હતી. ત્યાર પછી રાણા પોતાના સૈનિકોની સાથે જાતે બ્રિટિશરો તરફથી લડવા પહોંચ્યા હતા. રાણાએ પોતે તેનું નેતૃત્વ કર્યું હતું.
બીજી બાજુ, અવધના છેલ્લા નવાબ વાજિદ અલી શાહનાં પત્ની બેગમ હઝરત મહલ 1857માં બ્રિટિશરો વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યાં હતાં. જંગબહાદુર રાણાના આવવાથી અંગ્રેજોને સરસાઈ મળી અને બેગમ હઝરત મહલને નેપાળમાં શરણ લેવું પડ્યું. બેગમ હઝરત મહલે 1879માં નેપાળમાં જ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.
જંગબહાદુર રાણાની મદદથી ખુશ થઈને બ્રિટિશ સરકારે ભારતનાં ચાર શહેર નેપાળને સોંપી દીધાં હતાં. આ શહેર હતાં– બાંકે, બરદિયા, કઇલાલી અને કંચનપુર. નેપાળમાં આ ચાર શહેરોને 'નવો મુલ્ક' પણ કહેવામાં આવે છે.
નેપાળમાં હિંદુત્વનો પ્રભાવ
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈ.સ. 2018માં જનકપુર આવ્યા હતા. પીએમ મોદીના જનકપુર આવ્યાની પહેલાં અને પાછા ગયા પછી આ શહેરમાં અનેક પ્રકારનાં પરિવર્તન થયાં.
પીએમ મોદીના સ્વાગતમાં જનકપુર ઉપ-મહાનગરપાલિકાના તત્કાલીન મેયર લાલકિશોર સાહે શહેરની ઘણી દીવાલોને ભગવા રંગથી રંગાવી દીધી હતી. જનકપુર ઉપ-મહાનગરપાલિકાનું નામ બદલીને 'જનકપુર ધામ ઉપ-મહાનગરપાલિકા' કરી દીધું હતું.
નેપાળમાં ઘણા લોકો માને છે કે ઈ.સ. 2014માં ભારતમાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી નેપાળમાં હિંદુત્વના રાજકારણને બળ મળ્યું છે.
બીજી બાજુ, ઘણા લોકો એવું પણ માને છે કે નેપાળમાં મુસલમાનો માટેનું વાતાવરણ બદલાઈ રહ્યું છે. બિહાર અને યુપીને અડીને આવેલા મધેસ વિસ્તારમાં અવારનવાર સાંપ્રદાયિક તણાવ જોવા મળી રહ્યો છે.
ચાલુ વર્ષે 12 એપ્રિલે હનુમાન જયંતીની શોભાયાત્રામાં સાંપ્રદાયિક ઘર્ષણ થયું હતું. ઘણી દુકાનોમાં આગ પણ લગાડવામાં આવી હતી. સાંપ્રદાયિક તણાવને જોતાં જિલ્લા વહીવટી તંત્રે કર્ફ્યૂ લગાવી દીધો હતો. તેની પહેલાં 2023માં રામનવમીની શોભયાત્રા દરમિયાન સાંપ્રદાયિક ઘર્ષણ થયું હતું.
મધેસમાં આવતા બીરગંજ વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે નેપાળમાં આવી ઘટનાઓ અગાઉ ક્યારેય નથી થઈ.
મધેસ પ્રદેશના મુખ્ય મંત્રી રહેલા લાલબાબુ રાઉત કહે છે કે, "ભારત મોટો દેશ છે, એટલે સારી અને ખરાબ બંને વસ્તુઓ આવે છે."
લાલબાબુ રાઉત કહે છે, "બિહારમાં સ્કૂલે જતી છોકરીઓ માટે મફત સાઇકલ આપવાની યોજના શરૂ કરવામાં આવી. આ યોજના અમને પણ સારી લાગી, એટલે અમે પણ મધેસમાં શરૂ કરી. આ જ રીતે, યુપી, બિહારની સાંપ્રદાયિક રાજકારણની ઝાળ પણ મધેસમાં આવે છે."
જ્યોત્સ્ના સાઉદ વિશ્વ હિંદુ પરિષદ સાથે સંકળાયેલા સંગઠન વિશ્વ હિંદુ મહાસંઘનાં ઉપાધ્યક્ષ છે.
ભારતમાં નરેન્દ્ર મોદી પીએમ બન્યા તે વિશે જ્યોત્સ્ના સાઉદને પૂછવામાં આવતાં તેઓ કહે છે, "અમને નૈતિક બળ તો જરૂર મળ્યું છે. નરેન્દ્ર મોદી હિંદુત્વના પ્રેરણાસ્રોત છે અને અમને પણ તેમની પાસેથી નૈતિક સાહસ મળ્યું છે. અમે બધા ઇચ્છે છીએ કે નેપાળ ફરીથી હિંદુ રાષ્ટ્ર બને."
લોકરાજ બરાલ ભારતમાં નેપાળના રાજદૂત રહ્યા છે. બરાલ માને છે કે નેપાળના રાજકારણમાં આરએસએસનો પ્રભાવ વધ્યો છે.
બરાલ કહે છે, "ભારતમાં ભાજપ ભારતમાતાની જયનું સૂત્ર પોકારે છે. આ જ પ્રકારે નેપાળમાં પણ 'નેપાલ આમા કો જય'નું ચલણ વધ્યું છે. અહીંની રાજકીય પરંપરામાં 'નેપાળ આમા કો જય'નું સૂત્ર નથી રહ્યું. એવી ઘણી વસ્તુઓ છે જે છેલ્લાં દસ વર્ષમાં વધી છે. નેપાળમાં હિંદુઇઝમને હિંદુત્વમાં ફેરવવામાં આવી રહ્યો છે.
જાવેદા ખાતૂન નેપાળના બરદિયા જિલ્લાનાં છે અને નેપાળી કૉંગ્રેસનાં સાંસદ છે. જાવેદા ખાતૂનને લાગે છે કે ભારતમાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી "નેપાળમાં મધેસ વિસ્તારમાં સાંપ્રદાયિક સૌહાર્દ (ધાર્મિક ભાઈચારા) પર સીધી અસર થઈ છે".
જાવેદા ખાતૂન કહે છે, "અહીં ધાર્મિક સંઘર્ષ વધ્યો છે. અમે તો માતા જાનકી અને ગૌતમ બુદ્ધની ધરતીના છીએ, જ્યાં નફરત માટે કોઈ જગ્યા નથી, પરંતુ હવે વસ્તુઓ બદલાઈ રહી છે. ભારતમાં જેવો રાજકારણનો પ્રભાવ હોય છે, તેની સીધી અસર નેપાળ પર પડે છે."
કલ્યાણકુમાર તિમ્સિના નેપાળના એડિશનલ ડીજીપી હતા. હવે તેઓ નેપાળ હિંદુ સ્વયંસેવક સંઘના રાષ્ટ્રીય સંઘચાલક છે.
કેટલાક સાંસદોનો આરોપ છે કે ભારતમાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી નેપાળમાં સાંપ્રદાયિક સૌહાર્દ પર નકારાત્મક અસર પડી છે.
કલ્યાણકુમાર તિમ્સિના આ સવાલના જવાબમાં સવાલ કરે છે, "શું તેમનું એમ કહેવું છે કે નેપાળ હિંદુ રાષ્ટ્ર હતું ત્યારે ધાર્મિક ભાઈચારો સારો હતો? એટલા માટે તો અમે હિંદુ રાષ્ટ્ર બનવાની માગ કરી રહ્યા છીએ. નરેન્દ્ર મોદીની પહેલાં પણ અહીં હિંદુત્વનું રાજકારણ હતું."
હિંદુત્વ નેપાળને ક્યાં લઈ જશે?
હિંદુ ઓળખનું રાજકારણ કરનાર લોકોને લાગે છે કે નેપાળમાં આ જનજાગરણનો સમય છે, અહીં લોકો પોતે હિંદુ હોવાને મુદ્દે મુખર થઈ રહ્યા છે, જે તેમના હિસાબે સારી વાત છે.
બીજી તરફ, નેપાળમાં ઘણા લોકો એવું માને છે કે, નેપાળમાં હિંદુત્વના રાજકારણનું જોર વધ્યું તો નેપાળનું સાર્વભૌમત્વ મુશ્કેલીમાં મુકાશે.
નેપાળના પૂર્વ વિદેશમંત્રી પ્રદીપ જ્ઞવાલીએ ઈ.સ. 2023માં બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે નેપાળમાં રાજાશાહી સમર્થક અને હિંદુત્વનું રાજકારણ કરનારા એક જ છે.
પ્રદીપ જ્ઞવાલીએ ત્યારે કહ્યું હતું, "મને લાગે છે કે નેપાળમાં હિંદુત્વનું રાજકારણ મજબૂત થયું, તો તે નેપાળના સાર્વભૌમત્વ માટે ખતરનાક હશે."
નેપાળના મધેસમાં સરલાહીથી અપક્ષ સાંસદ અમરેશસિંહ પણ માને છે કે નેપાળમાં હિંદુત્વનો પ્રભાવ વધશે, તો નેપાળના સાર્વભૌમ અસ્તિત્વ માટેની દુવિધા વધશે.
અમરેશસિંહ કહે છે. "જ્યારે બે દેશનો રાષ્ટ્રવાદ એક થઈ જશે, ત્યારે સાર્વભૌમત્વ જેવી કોઈ ચીજ બાકી નહીં રહે."
અમરેશસિંહ આરોપ કરે છે, "મારી ટિકિટ કપાવી દીધી, મુસ્લિમ ઉમેદવારોની ટિકિટ પણ કપાવી દેવાય છે. તેનું જ પરિણામ છે કે નેપાળમાં એક પણ મુસલમાન પ્રત્યક્ષ રીતે ચૂંટણી લડીને સંસદમાં પહોંચી નથી શક્યા. જે પણ મુસ્લિમ સાંસદ છે, તેઓ પ્રમાણ આધારિત પ્રણાલીથી સંસદ પહોંચ્યા છે."
અમરેશસિંહ અપક્ષ સાંસદ બન્યા પહેલાં નેપાળી કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતતા હતા.
એચએસએસના રાષ્ટ્રીય સંઘચાલક કલ્યાણકુમાર તિમ્સિના અમરેશસિંહના આરોપોનું ખંડન કરે છે. કલ્યાણકુમાર કહે છે, "તેમનું કામ જ આરોપ કરવાનું છે, તો કોઈ શું કરી શકે?"
ધાર્મિક ઓળખનો વધતો આગ્રહ
નેપાળમાં હવે ધાર્મિક ઓળખના રાજકારણનો ઝડપથી પ્રસાર થઈ રહ્યો છે. મધેસ પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી લાલબાબુ રાઉતના નામ પરથી અનુમાન કરવું મુશ્કેલ છે કે તેઓ મુસલમાન છે.
રાઉત કહે છે, "મારું નામ લાલબાબુ રાઉત, મારી માતાનું નામ રાધિકા, મારા પિતાનું નામ દશરથ રાઉત અને ભાઈનું નામ રામ રાઉત છે. કેટલાક લોકો રાજકારણ બગાડવાની કોશિશ કરી રહ્યા છે. રાજકારણમાં મારી ધાર્મિક ઓળખ હવે અનિવાર્ય બનતી જાય છે. પાર્ટીના લોકો મારા નામની પહેલાં મોહમ્મદ જોડી દે છે. મેં મારા પુત્રનું નામ દાઉદ રાખ્યું છે. હવે ધાર્મિક ઓળખ માટેનો લોકોનો આગ્રહ વધ્યો છે."
નેપાળમાં લાલબાબુ રાઉત અને દશરથ રાઉતની એ પેઢી ખતમ થઈ રહી છે, જેમાં નામ ધર્મનું પ્રતીક નહોતું.
ઘણા લોકો માને છે કે નેપાળના રાજકારણમાં ધાર્મિક ધ્રુવીકરણની વધુ સંભાવના નથી, કેમ કે ત્યાં ભાગ્યે જ પાંચથી છ ટકા મુસલમાન છે. મુસલમાનોની કુલ વસ્તીનો 97 ટકા હિસ્સો મધેસ વિસ્તારમાં જ છે, જે બિહાર અને યુપીના થોડાક ભાગોને અડી આવેલો છે.
ભારતમાં નેપાળના રાજદૂત રહેલા લોકરાજ બરાલ કહે છે કે નેપાળમાં હિંદુત્વના રાજકારણનો અર્થ 'ધાર્મિક ધ્રુવીકરણ' નથી, આ રાજકારણ નેપાળના સાર્વભૌમત્વ માટે જ પડકારરૂપ બનશે.
ક્રેડિટ્સ:
કૅમેરા: સંદીપ યાદવ
ઇલસ્ટ્રેશન અને ડિઝાઇન: ચેતન સિંહ, વાસિફ ખાન, પુનીત બરનાલા
પ્રોડક્શન: વાસિફ ખાન
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન