AFG Vs PAK : ઝાદરાને 'મૅન ઑફ ધ મૅચ' ઍવૉર્ડ પાકિસ્તાનમાં અફઘાન રૅફ્યૂજીને સમર્પિત કર્યો તો વિવાદ કેમ થયો?

અફઘાનિસ્તાનના ક્રિકેટર ઇબ્રાહિમ ઝારદાનને પાકિસ્તાન સામેની વર્લ્ડકપની મૅચમાં સોમવારે પ્લેયર ઑફ ધ મૅચ પસંદ કરાયા તો તેમણે આ ઍવૉર્ડ અફઘાનિસ્તાનના એ શરણાર્થીઓના નામે કરી દીધો જેને પાકિસ્તાન પોતાને ત્યાંથી બળપૂર્વક પાછા મોકલી રહ્યું છે.

ઝાદરાને 87 રનોની શાનદાર રમત દાખવી હતી અને તેમની આ રમતે અફઘાનિસ્તાનને પાકિસ્તાન સામે જીત અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ઝાદરાન જ્યારે પ્લેયર ઑફ ધ મૅચનો ખિતાબ લેવા આવ્યા ત્યારે તેમને પૂછાયું કે તેઓ આ કોને સમર્પિત કરશે તો તેમણે કહ્યું કે આ ટ્રૉફી એ અફઘાની નાગરિકો માટે છે જેમને પાકિસ્તાનમાંથી બળપૂર્વક હઠાવવામાં આવી રહ્યા છે.

ઝાદરાને કહ્યું, "હું આભારી છું કે હું આ મૅચમાં સારું રમ્યો. હું સકારાત્મક અભિગમ સાથે રમવા માગતો હતો. કેટલીયવાર મેં અને ગુરબાઝે શાનદાર ભાગીદારી દાખવી છે. અમે અંડર-16ના સમયથી સાથે ઘણું ક્રિકેટ રમ્યા છીએ. હું મારા અને મારા દેશ બંને માટે ઘણો ખુશ છું. હું આ મેન ઑફ ધ મૅચ એ અફઘાન શરણાર્થીઓને સમર્પિત કરું છું જેને પાકિસ્તાન બળપૂર્વક હઠાવી રહ્યું છે."

પાકિસ્તાને ગયા અઠવાડિયે જ કહ્યું હતું કે હજારો અફઘાન નાગરિકો પાકિસ્તાન છોડી અફઘાનિસ્તાન પાછા ફર્યા છે. પાકિસ્તાનની સરકારે આ મહિને જ કહ્યું હતું કે અફઘાનિસ્તાનના એવા લોકો પહેલી નવેમ્બર સુધીમાં પાછા જતા રહે જેમની પાસે માન્ય દસ્તાવેજો નથી.

પાકિસ્તાને એમ પણ કહ્યું હતું કે જે પહેલી નવેમ્બર સુધી પરત નહીં જાય તેમની હકાલપટ્ટી કરાશે. એક અંદાજ મુજબ પાકિસ્તાનમાં આશરે 17 લાખ અફઘાનીઓ છે. પાકિસ્તાને શુક્રવારે કહ્યું હતું કે 52,000 જેટલાં પુરુષો, મહિલાઓ અને બાળકો અફઘાનિસ્તાન પાછાં જતાં રહ્યાં છે.

સુંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાનના આ વલણની ટીકા કરી હતી અને આગ્રહ કર્યો હતો કે અફઘાન નાગરિકોને તે બળપૂર્વક કાઢી ના મુકે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પણ આને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. જોકે તાલિબાને પાકિસ્તાન સાથેની અફઘાનિસ્તાનની સરહદ પર પોતાના નાગરિકોને મદદ કરવા માટે ટેન્ટ લગાવ્યા છે અને ભોજન-પાણીની વ્યવસ્થા કરી છે.

પાકિસ્તાનના આવા વલણ મામલે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર નારાજ છે અને તેની ઝલક ક્રિકેટના મેદાન પર પણ જોવા મળી. અફઘાનિસ્તાનના કેટલાક લોકો માને છે કે પાકિસ્તાન લાંબા સમયથી તેમના આંતરિક મામલાઓમાં દખલ કરે છે. આથી અફઘાનિસ્તાનના આવું માનનારા લોકો પાકિસ્તાન પર ગુસ્સે ભરાયેલા રહે છે.

જ્યારે ઇબ્રાહિમ ઝાદરાને પ્લેયર ઑફ ધ મૅચ પાકિસ્તાનમાંથી હાંકી કઢવામાં આવી રહેલા અફઘાન નાગરિકોને સમર્પિત કર્યો તો આ વિવાદ વધુ એકવાર સપાટી પર આવી ગયો. ઇબ્રાહિમ ઝાદરાનના આ પગલાનો પાકિસ્તાનમાં વિરોધ થઈ રહ્યો છે.

પાકિસ્તાની પત્રકાર વઝાહત કાઝમીએ ઇબ્રાહિમ ઝાદરાનની એ વીડિયો ક્લિપ પોસ્ટ કરતાં ટ્વિટર પર લખ્યું છે, "બેવડું વલણ. અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમના ખેલાડી ઇબ્રાહિમ ઝાદરાને પોતાનો મેન ઑફ ધ મૅચ અપ્રમાણિત પ્રવાસીઓને સમર્પિત કર્યો છે, જેમને પાકિસ્તાનથી પરત મોકલાઈ રહ્યા છે. આ ઝાદરાનનું ક્રિકેટના મેદાન પર અપાયેલું એક રાજકીય નિવેદન છે. શું આઈસીસી ઊંઘી રહ્યું છે કે પછી બધા નિયમો માત્ર પાકિસ્તાન માટે જ છે."

પણ આ વર્લ્ડકપમાં કથિત રીતે રાજકીય નિવેદનોની શરૂઆત પાકિસ્તાનના વિકેટ કીપર મોહમ્મદ રિઝવાને કરી હતી. મોહમ્મદ રિઝવાને તેમના મૅચ જીતાડનારા શતકને ગાઝાના લોકોના નામે કર્યુ હતું. ગાઝામાં ઇઝરાયલ ચરમપંથી સંગઠન હમાસના હુમલા સામે અભિયાન ચલાવી રહ્યું છે અને આ અભિયાનમાં સેંકડો નાગરિકો પણ માર્યા ગયા છે.

12 ઓક્ટોબરે તેમણે ટ્વિટર પર લખ્યું હતું, “આ ગાઝાના આપણાં ભાઈઓ અને બહેનો માટે છે.” રિઝવાને આ પોસ્ટ 11 ઓક્ટોબરે રાત્રે 12 વાગે કરી હતી.

રિઝવાને શ્રીલંકા સામે અણનમ 131 રન બનાવ્યા હતા અને તેની ટીમને રેકોર્ડ જીત અપાવી હતી. તેમને મેન ઓફ ધ મૅચ પસંદ કરાયા હતા.

પાકિસ્તાની ખેલાડીઓ ક્રિકેટ મૅચ દરમિયાન ધર્મ અને રાજકારણને મેદાનમાં લાવી ચૂક્યા છે. પાકિસ્તાનના નેતાઓ પણ ક્રિકેટમાં જીત અને હારને ધર્મ સાથે જોડતા રહ્યા છે.

ઑક્ટોબર 2021માં પાકિસ્તાનના તત્કાલીન ગૃહમંત્રી શેખ રશીદે વર્લ્ડ ટી20માં ભારત સામેની જીતને ઇસ્લામનો વિજય ગણાવી હતી. રશીદે જીત બાદ તરત જ ટ્વિટર પર એક વીડિયો મૅસેજ પોસ્ટ કર્યો હતો અને તેમાં આ વાત કહી હતી.

રશીદે તો ત્યાં સુધી કહ્યું હતું કે, "ભારતના મુસ્લિમો સહિત વિશ્વના મુસ્લિમોની ભાવનાઓ પાકિસ્તાન સાથે છે. ઇસ્લામને અભિનંદન. પાકિસ્તાન ઝિંદાબાદ."

ક્રિકેટ અને ધર્મ

જોકે પાકિસ્તાન તરફથી આ પ્રકારનું નિવેદન પ્રથમ વખત નથી આવ્યું. 2007 ટી20 વર્લ્ડકપ ફાઇનલમાં ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનના તત્કાલીન કૅપ્ટન શોએબ મલિકે મુસ્લિમ વિશ્વની માફી માગી હતી. તે સમયે શોએબ મલિકે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યાં ન હતાં. બંનેએ 2010માં લગ્ન કર્યાં હતાં.

2007 T-20 ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. તે સમયે પાકિસ્તાની ટીમની કપ્તાની શોએબ મલિક પાસે હતી.

ભારત સામે હાર બાદ શોએબ મલિકે કહ્યું હતું કે, "હું મારા દેશ પાકિસ્તાન અને વિશ્વભરના મુસ્લિમોનો તેમના સમર્થન માટે આભાર માનું છું. તમારો ખૂબ ખૂબ આભાર અને હું વર્લ્ડકપ ન જીતવા બદલ માફી માગુ છું. જોકે અમે રમતમાં અમારું 100 ટકા આપ્યું."

શોએબ મલિક એ પણ ભૂલી ગયા હતા કે તે મૅચમાં ભારતના ઇરફાન પઠાણ મૅન ઑફ ધ મૅચ બન્યા હતા. શોએબ મલિકને ઇરફાન પઠાણે આઉટ કર્યા હતા. ત્યારે શોએબ મલિકના નિવેદનની ભારતના મુસ્લિમ નેતાઓ અને ખેલાડીઓએ જોરદાર ટીકા કરી હતી.

દિલ્હીમાં લઘુમતી પંચના ભૂતપૂર્વ વડા કમલ ફારૂકીએ કહ્યું હતું કે, "તેમની આવું બોલવાની હિંમત કેવી રીતે થઈ? શું પાકિસ્તાનમાં કોઈ બિન-મુસ્લિમ સમર્થકો નથી? તેમનું નિવેદન પાકિસ્તાનના હિંદુઓ અને ખ્રિસ્તીઓનું અપમાન છે."

ત્યારે ભારતીય હૉકી સ્ટાર અસલમ શેર ખાને કહ્યું હતું કે, "બિચારા લાગણીઓમાં વહી ગયા. તેમને અંગ્રેજી સારી રીતે આવડતું નથી અને તેમાં પણ તે હાર બાદ બોલી રહ્યો હતો."

મેદાન પર ધર્મ

એવું કહેવાય છે કે પાકિસ્તાની ક્રિકેટરોના ડ્રેસિંગ રૂમ કલ્ચર અને પૉલિટિકલ કલ્ચરનો તેમના પર ઘણો પ્રભાવ રહે છે. 2006માં ડૉ.નસીમ અશરફને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ તેમણે તેમના ખેલાડીઓને કહ્યું કે તેઓ તેમની ધાર્મિક માન્યતાઓ સાથે સંબંધિત પ્રવૃત્તિઓ જાહેરમાં પ્રદર્શિત ન કરે. જોકે ડૉ.નસીમના નિવેદનની પાકિસ્તાનના ખેલાડીઓ પર કોઈ અસર થઈ નથી.

મોહમ્મદ રિઝવાન ઘણીવાર સ્ટેડિયમમાં નમાઝ પઢતા જોવા મળ્યા છે. 2021માં રિઝવાન નમાઝ અદા કરી રહ્યા હતા તેનો વીડિયો શોએબ અખ્તરે ટ્વીટ કરતા લખ્યું હતું, "અલ્લાહ એ મસ્તકને કોઈની સામે ઝુકવા નથી દેતા જે તેમની સામે ઝુકે છે. સુભાન અલ્લાહ."

ડૉક્ટર નસીમ અશરફે સમાચાર એજન્સી રૉયટર્સને કહ્યું હતું, "એમાં કોઈ શંકા નથી કે ખેલાડીઓની ધાર્મિક માન્યતાઓ તેમને પ્રેરણા આપે છે. તે તમને એકજૂથ રાખે છે. પણ ક્રિકેટ અને ધર્મ વચ્ચે સંતુલન હોવું જોઈએ."

"મેં આ બાબતે ટીમના કૅપ્ટન ઇન્ઝમામ-ઉલ-હક(તે સમયના કૅપ્ટન) સાથે વાત કરી છે. અમને વ્યક્તિગત આસ્થા બાબતે કોઈ વાંધો નથી પણ ઇન્ઝમામને કહ્યું છે કે ઇસ્લામ અન્ય પર પોતાના વિચારો થોપવાની પરવાનગી નથી આપતું.”

કમાલ ફારુકીએ 2007માં શોએબ મલિરના નિવેદન પછી કહ્યું હતું કે પાકિસ્તાનના ખેલાડીઓ આવાં નિવેદનો આપતા રહે છે. ફારુકીએ વસીમ અક્રમના એક નિવેદનને યાદ કરતા કહ્યું હતું, "મને યાદ છે કે બાંગ્લાદેશ સામે હાર્યા પછી વસીમ અક્રમે કહ્યું હતું કે બ્રધર નેશનથી હાર્યા છીએ. આવી ટિપ્પણીઓ ખેલભાવનાની વિરુદ્ધ છે."