You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL 2024 : હાર્દિક પંડ્યાના એ નિર્ણયો જેને કારણે પહેલી મૅચથી જ તેમની ટીકા થઈ રહી છે
રાતોરાત ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં રોહિત શર્માની જગ્યા લેનારા હાર્દિક પંડ્યાની આઈપીએલ 2024 ની શરૂઆતની બે મૅચોમાં જ ટીકા થવા લાગી છે.
આઈપીએલ 2024માં મુંબઈ ઇન્ડિયન્સની પ્રથમ બે મૅચમાં ટીમ હારી ગઈ અને અત્યારે પૉઇન્ટ ટેબલમાં નવમા સ્થાને છે.
પ્રથમ મૅચમાં ગુજરાત ટાઇટન્સે રોમાંચક મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમને છ રને હરાવી હતી. જ્યારે બીજી મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે તો મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ આઈપીએલનો સૌથી મોટો સ્કોર (277 રન) ખડક્યો અને 31 રનથી મૅચ પણ જીત્યો.
આ બન્ને મૅચ બાદ મુંબઈ ઇન્ડિયન્સના નવાસવા કૅપ્ટન હાર્દિક પંડયાની 'કોઈ ખાસ સારું પ્રદર્શન' ન કરી શકવાને કારણે ટીકા થઈ રહી છે. તેમના ખરાબ પ્રદર્શન અને તેમના નિર્ણયો પર કેટલાક પૂર્વ ક્રિકેટરોએ ટિપ્પણીઓ કરી છે.
હાર્દિક પંડ્યાનું પ્રદર્શન
ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી પ્રથમ મૅચમાં હાર્દિકે ત્રણ ઑવરમાં 30 રન આપ્યા હતા અને તેમને એક પણ વિકેટ લેવામાં સફળતા મળી ન હતી. જ્યારે બૅટિંગમાં પણ તેઓ ટીમને મૅચ જિતાડવામાં અસફળ રહ્યા અને ચાર બૉલમાં 11 રન પર પોતાની વિકેટ ગુમાવી બેઠા.
મુંબઈને છેલ્લી ઓવરમાં વિજય માટે 19 રનની જરૂર હતી, મુંબઈની ટીમ આ લક્ષ્ય કૅપ્ટન હાર્દિક પંડ્યા ક્રીઝ પર હોવા છતાં હાંસલ કરી શકી નહોતી.
હાર્દિકે છેલ્લી ઓવરના શરૂઆતના બે બૉલમાં એક સિક્સર અને એક ચોગ્ગો ફટકારીને દસ રન કર્યા, પણ એ બાદ ત્રીજા બૉલે તેઓ આઉટ થઈ ગયા.
સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ પણ હાર્દિકે ચાર ઑવરમાં 46 રન આપીને એક વિકેટ મેળવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 278 રનના રેકૉર્ડ ટાર્ગેટનો પીછો કરી રહી હતી અને ટીમને આક્રમક બૅટિંગની જરૂરત હતી ત્યારે કેપ્ટન હાર્દિક પંડ્યા 20 બૉલમાં 120ની સ્ટ્રાઇક સાથે 24 રન જ કરી શક્યા હતા.
હાર્દિકના કયા નિર્ણયો પર તેમની ટીકા થઈ?
ભારતના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે સોશિયલ મીડિયા સાઇટ ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું, "જ્યારે ટીમનો દરેક ખેલાડી 200ની સ્ટ્રાઇક રેટ સાથે રન કરતો હોય ત્યારે કૅપ્ટન 120ની બૅટિંગ સ્ટ્રાઇક રેટ સાથે ન રમવા જોઈએ."
બન્ને મૅચમાં હાર્દિક પંડ્યાએ કૅપ્ટન તરીકે લીધેલા કેટલાક નિર્ણયોની ભારે ટીકા થઈ રહી છે.
ત્યારે પૂર્વ ક્રિકેટર અને ટીએમસી તરફથી પશ્ચિમ બંગાળથી લોકસભા ચૂંટણી રહેલા યુસુફ પઠાણે એક્સ પર લખ્યું કે, "11 ઑવરમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 160થી વધુ રન ફટકારી દીધા છે તેમ છતાં જસપ્રીત બુમરાહને માત્ર એક જ ઑવર કેમ આપવામાં આવી છે? ટીમના શ્રેષ્ઠ બૉલરને બૉલિંગ આપવાની જરૂર હતી. મને લાગે છે કે આ ખરાબ કેપ્ટનશિપ છે."
ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ખેલાડી ટૉમ મૂડીનું કહેવું છે કે જો બુમરાહને પાવરપ્લેમાં તક આપવામાં આવી હોત તો સનરાઇઝર્સ આટલો સ્કોર ન કરી શક્યું હોત.
તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, "જ્યારે તમારા હાથમાં વર્લ્ડ ક્લાસ બૉલર હોય, તો તમારે તેનો સ્પેલ પ્રથમ 10 ઓવરમાં પૂરો કરવો જોઈએ. બુમરાહ વિકેટ લેનાર બૉલર છે. જો બુમરાહે પાવરપ્લેમાં બૉલિંગ કરી હોત તો તેમણે વિકેટ લીધી હોત. જ્યારે બુમરાહ પોતાનો બીજો સ્પેલ કરવા આવ્યા ત્યારે સનરાઇઝર્સની ટીમ મોટા સ્કોર સુધી પહોંચી ગઈ હતી. એકંદરે, મુંબઈની ટીમે બુમરાહનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો નથી."
બૉલર માટે મુશ્કેલ ગણાતી વિકેટ પર બૉલિંગ કરતા બુમરાહે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ચાર ઓવરમાં માત્ર 36 રન આપ્યા હતા. જોકે, તેમને કોઈ વિકેટ મળી ન હતી.
અગાઉ ગુજરાત ટાઇટન્સ સામેની મૅચમાં પણ મુંબઈ ઇન્ડિયન્સની બૉલિંગની શરૂઆત બુમરાહ પાસે ન કરાવતા પંડ્યાની કેપ્ટનશિપ પર કેવિન પીટરસન અને સુનિલ ગાવસ્કર જેવા દિગ્ગજોએ સવાલ કર્યા હતા.
મુંબઈ તરફથી બૉલિંગની શરૂઆત હાર્દિકે કરતાં પીટરસને કહ્યું, "જસપ્રીત બુમરાહ પાસે બોલિંગની શરૂઆત કેમ ના કરાવી એ મને નથી સમજાયું", જેનો જવાબ આપતાં ગાવસ્કરે જવાબ આપ્યો, "ખૂબ સારો સવાલ. ખૂબ, ખૂબ સારો સવાલ."
એટલું જ નહીં, ઇરફાન પઠાણે પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, "બુમરાહ ક્યાં છે?"
ત્યાં સુધીમાં ત્રણ ઓવરમાં ગુજરાતે 27 રન કરી લીધા હતા. ત્રીજી ઓવર પણ હાર્દિકે જ ફેંકી અને એ ઓવરમાં નવ રન આવ્યા હતા.
એ બાદ લ્યુક વૂડ બૉલિંગ કરવા આવ્યા અને ત્રીજી ઓવર ફરીથી હાર્દિકે ફેંકી.
જોકે, એ બાદ ચોથી ઓવર મુંબઈ ઇન્ડિયન્સે બુમરાહ પાસે ફેંકાવી. બુમરાહે પોતાની પ્રથમ ઓવરમાં જ ગુજરાતની વિકેટ લઈ લીધી. પોતાની પ્રથમ ઓવરના અંતિમ બૉલે સાહાની વિકેટ ઝડપી લીધી. આ ઉપરાંત પ્રથમ ઓવરમાં બુમરાહે માત્ર ચાર રન જ આપ્યા. એ સાથે જ ફરી સવાલ પુછાયો કે બુમરાહ પાસે બૉલિંગ ઓપનિંગ કેમ ના કરાવી?
બુમરાહ આ મૅચના સૌથી મોટા હીરો સાબિત થયા. એમણે પોતાની જબરદસ્ત બૉલિંગ થકી ગુજરાતને 25-30 રન ઓછા કરવા દીધા હોવાનું જાણકારોનું માનવું છે. એ પણ ત્યારે જ્યારે એમને પાવરપ્લેની પ્રથમ ત્રણ ઓવર ફેંકવાની તક નહોતી મળી.
આ ઉપરાંત તેમણે 13મી, 17મી અને 19મી ઓવર ફેંકી. 19મી ઓવરમાં તેમણે ખતરનાક જણાઈ રહેલા રાહુલ તેવતિયાને નિયંત્રણમાં રાખ્યા. આ રીતે ચાર ઓવરમાં તેમણે 14 રન આપીને ત્રણ વિકેટ મેળવી.
આ ઉપરાંત બુમરાહે ફેંકેલી 17મી ઓવર ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ. એ ઓવરમાં બુમરાહે ત્રણ બૉલની અંદર સાઈ. સુદર્શન અને ડેવિડ મિલરને પેવેલિયન પરત મોકલ્યા. બંને બૅટ્સમૅનો સેટ હતા અને મોટા શૉટ મારી રહ્યા હતા. ખાસ કરીને મિલર છેલ્લી ઓવરોમાં ઘણા આક્રમક બની જતા હોય છે. જોકે, બુમરાહે ત્રણ બૉલમાં બંનેને આઉટ કરીને ગુજરાતની ઇનિંગના થોડા રન ચોક્કસથી ઘટાડી દીધા.
રોહિત શર્માના બદલે પંડ્યાને કેમ કપ્તાન બનાવાયા?
મુંબઈ ઇન્ડિયન્સે દુબઈમાં મિની ઑક્શન અગાઉ ગુજરાત ટાઇટન્સના પૂર્વ કપ્તાન હાર્દિક પંડ્યાને આઈપીએલ 2024 માટે પોતાની ટીમના કપ્તાન બનાવી દીધા હતા.
પણ આ પછી રોહિત શર્માના ચાહકોએ આ નિર્ણયની ટીકા કરી હતી.
રોહિતને કપ્તાનીમાંથી હઠાવી દેવાયા બાદ મુંબઈ ઇન્ડિયન્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને લાખો લોકોએ અનફૉલો કરી દીધું.
રોહિત ટીમના કપ્તાન હતા ત્યારે મુંબઈ ઇન્ડિયન્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક કરોડ 40 લાખથી વધારે ફોલૉઅર્સ હતા. પણ હવે ટીમના માત્ર એક કરોડ 28 લાખ ફોલૉઅર્સ રહી ગયા છે.
ચાહકોએ મુંબઈ ઇન્ડિયન્સના ભૂતપૂર્વ કૅપ્ટન રોહિતનું સમર્થન અને ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન કર્યું હતું.
રોહિત શર્માના બદલે હાર્દિક પંડ્યાને કપ્તાન બનાવવાના સમર્થનમાં પણ ઘણા લોકોએ પોતાના તર્ક રજૂ રહ્યા હતા.
નિષ્ણાતોએ પંડ્યાને કપ્તાન બનાવવાના નિર્ણયને યોગ્ય ગણાવતા કહ્યું છે કે રોહિત શર્મા 36 વર્ષના છે જ્યારે હાર્દિક પંડ્યા 30 વર્ષના છે.
તેમનું કહેવું છે કે રોહિતે વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું પણ ગુજરાત ટાઇટન્સને હાર્દિક પંડ્યા ઓછા સમયમાં જ નવી ઊંચાઈઓ પર લઈ ગયા હતા.
તેમની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સે આઈપીએલ પણ જીતી. ગત સિઝનમાં તેઓ ગુજરાત ટાઇટન્સને ફાઇનલ સુધી લઈ ગયા હતા.
નિષ્ણાતોનું કહેવું છે કે એમાં કોઈ શંકા નથી કે રોહિત શર્મા સારા કપ્તાન છે. તેમણે મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વાર ચૅમ્પિયન બનાવી છે.
પણ આઈપીએલની છેલ્લી સિઝનમાં તેમનું બૅટ ચાલ્યું નથી. બીજી બાજુ પંડ્યાના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સ એક મજબૂત ટીમ તરીકે સામે આવી.
હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સના પાંચમા રેગ્યુલર કપ્તાન હશે. તેમની અગાઉ રોહિત શર્મા. રિકી પૉન્ટિંગ, હરભજનસિંહ અને સચીન તેંડુલકર ટીમની કપ્તાની કરી ચૂક્યા છે.