કેરળમાં ચોમાસાની આજથી શરૂઆત થઈ, ગુજરાતમાં ક્યારે પહોંચશે અને ચોમાસા પહેલાં આંધી આવશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતમાં આજથી આ વર્ષના ચોમાસાની વિધિવત્ રીતે શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 30 મેના રોજ ચોમાસું કેરળ પહોંચી ગયું છે.

સામાન્ય રીતે ચોમાસું કેરળમાં પ્રવેશે ત્યારે ભારતમાં ચોમાસાની શરૂઆત થયેલી ગણાય છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ચોમાસું પહોંચે ત્યારે ભારતના દરિયામાં તેની ઍન્ટ્રી થઈ ગણાય, પરંતુ તેને ચોમાસાની શરૂઆત ગણવામાં આવતી નથી.

આ ટાપુઓ પર ચોમાસું પહોંચે તે બાદ વિધિવત્ રીતે તેની માહિતી બહાર પાડવામાં આવે છે અને ચોમાસું ક્યાં પહોંચે તેના પર સતત નજર રાખવામાં આવે છે.

ગુજરાતમાં હાલ ઝડપી પવન અને ગરમી ચાલી રહી છે, ઉત્તર ભારત ભીષણ ગરમીની ચપેટમાં છે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયું છે.

જ્યારે દક્ષિણ ભારતમાં હાલ ચોમાસાની શરૂઆત થઈ છે અને શરૂઆત પહેલાંથી જ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો હતો.

કેરળમાં શરૂઆત બાદ હવે કઈ રીતે આગળ વધશે ચોમાસું?

ભારતના હવામાન વિભાગે આજે સવારે માહિતી આપતા જણાવ્યું છે કે 30 મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચી ગયું છે. આ પહેલાં હવામાન વિભાગે ચોમાસું શરૂ થવાની તારીખનું પૂર્વાનુમાન કરતાં કહ્યું હતું કે ચોમાસું 31 મેની આસપાસ કેરળ પહોંચશે.

1 જૂનને કેરળમાં ચોમાસાની અધિકૃત તારીખ ગણાવવામાં આવી છે, એટલે કે એકાદ દિવસ જેટલી વહેલી ચોમાસાની શરૂઆત થઈ છે. પરંતુ એકાદ દિવસના ફેરફારને વહેલો ના ગણી શકાય, જેથી ચોમાસું સમયસર શરૂ થયું જ ગણાય.

કેરળની સાથે સાથે ચોમાસું પૂર્વોત્તરનાં રાજ્યોમાં પણ પહોંચી ગયું છે, અરબી સમુદ્રની શાખા કેરળમાં પહોંચી છે જ્યારે બંગાળની ખાડીની શાખા પૂર્વોત્તરનાં રાજ્યોમાં પહોંચી છે.

આમ એક સાથે દેશના બંને ભાગોથી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, હવે અરબી સમુદ્ર તરફથી આગળ વધતું ચોમાસું એ ગુજરાત સુધી પહોંચશે અને ગુજરાતમાં આપણે ત્યાં વરસાદની શરૂઆત થશે.

કેરળ બાદ કર્ણાટક, ગોવા, કોંકણના વિસ્તારો, મહારાષ્ટ્ર, તેલંગણા, આંધ્ર પ્રદેશના વિસ્તારોમાં ચોમાસું પહોંચે, જે બાદ ચોમાસું મુંબઈ સુધી પહોંચશે. મુંબઈમાં ચોમાસાનો વરસાદ શરૂ થયા બાદ ગુજરાતમાં ચાર કે પાંચ દિવસે અને જો ઝડપથી ચોમાસું આગળ વધતું હોય તો બે કે ત્રણ દિવસમાં ગુજરાતમાં પહોંચી શકે છે.

ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું અને વરસાદ ક્યારે થશે?

હાલની સ્થિતિ પ્રમાણે કેરળમાં ચોમાસાની શરૂઆત સમયસર જ થઈ છે. ઉપરાંત, હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસું આ જ રીતે આગળ વધે તેવી તમામ અનુકૂળ પરિસ્થિતિઓ દેખાઈ રહી છે.

જેથી ચોમાસાને અસર કરતાં કોઈ પરિબળોમાં ફેરફાર ના થાય તો, ગુજરાતમાં ચોમાસું સમયસર પહોંચે એવી શક્યતા હાલ દેખાઈ રહી છે. છેલ્લા બે ત્રણ દિવસથી કેરળ અને તેની આસપાસના વિસ્તારોમાં સતત ધોધમાર વરસાદ પડ્યા બાદ હવામાન વિભાગે ચોમાસું બેસવાની જાહેરાત કરી છે.

ગુજરાતમાં ચોમાસું પહોંચવાની અધિકૃત તારીખ 15 જૂન છે અને જો સ્થિતિ સામાન્ય રહી તો રાજ્યમાં તેની આસપાસ જ ચોમાસું ઍન્ટ્રી કરે તેવી સંભાવના દેખાઈ રહી છે.

હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર ગુજરાતમાં ચોમાસું પહોંચે તે પહેલાં જ વરસાદ શરૂ થવાની શક્યતા છે. સામાન્ય રીતે દરેક રાજ્યમાં ચોમાસા પહેલાં વરસાદી ગતિવિધિ શરૂ થઈ જતી હોય છે અને તે બાદ ચોમાસું પહોંચતું હોય છે.

ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ગરમી પડી રહી છે, થોડા દિવસ પહેલાં જ રાજ્યના અનેક વિસ્તારોએ ભીષણ ગરમીની સાથે હીટ વેવનો સામનો કર્યો હતો.

ગુજરાતમાં આંધી આવશે?

ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 45થી 50 કિમી પ્રતિકલાક સુધી પહોંચી જતી હતી.

હવામાન વિભાગ અનુસાર હજી પણ બે દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાશે અને જૂનની શરૂઆતથી આ પવન ધીમો પડવાની શક્યતા છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ધૂળવાળી આંધી આવવાની ચેતવણી આપી છે.

આ વિસ્તારોમાં બે દિવસ સુધી પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિકલાક રહેવાની સંભાવના છે અને તેની સાથે ધૂળ ઊડવાની પણ સંભાવના પણ છે, કેટલાક વિસ્તારોમાં વાતાવરણ ધૂંધળું થતું હોય તેવું લાગશે.

ગુજરાતમાં હાલ જે ગરમી પડી રહી છે, તે હજી આવનારા કેટલાક દિવસોમાં ચાલુ રહેશે. તાપમાનમાં વધારે કોઈ ઘટાડો થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે. રાજ્યમાં વરસાદ ગતિવિધિઓ શરૂ થયા બાદ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા છે.