You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાએ બે વર્ષ બાદ એરિક ગાર્સેટીને ભારતમાં પોતાના રાજદૂત બનાવ્યા, તેઓ વિવાદમાં કેમ હતા?
- લેેખક, ઝોયા મતીન
- પદ, બીબીસી ન્યૂઝ
- અમેરિકાએ બે વર્ષ બાદ ભારત ખાતે પૂર્ણકાલીન રાજદૂત તરીકે એરિક ગાર્સેટીની નિમણૂક કરી હતી
- બાઇડનની નજીક ગણાતા ગાર્સેટીની નિમણૂક અગાઉ અટકાવી દેવાઈ હતી
- નોંધનીય છે કે અમેરિકાના રાજદૂતનું પદ ભારત અને અમેરિકા વચ્ચેના વેપારી અને સંરક્ષણ સંબંધને લઈને બિલકુલ અણધાર્યું હતું
અમેરિકાએ આખરે લોસ ઍન્જલસના ભૂતપૂર્વ મેયર એરિક ગાર્સેટીની નિમણૂક ભારત ખાતે પોતાના રાજદૂત તરીકે કરી છે. બાઇડન સરકારે આ પદ માટે જુલાઈ, 2021માં તેમનું નામાંકન કર્યું હતું.
જોકે, બાઇડનની નજીક ગણાતા ગાર્સેટીની નિમણૂક એક સમયે અટકાવી દેવામાં આવી હતી. ગાર્સેટી પર એવો આરોપ હતો કે તેઓ મેયર હતા ત્યારે તેમના નજીકના સહયોગી પરના જાતીય સતામણીના આરોપોની તેમણે અવગણના કરી હતી. ગાર્સેટીએ તે આરોપનું ખંડન કર્યું હતું.
આખરે બુધવારે અમેરિકાની સેનેટે 42 વિરુદ્ધ 52 મતે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી હતી. અલબત્ત, કેટલાક ડેમૉક્રેટ્સ તેમની નિમણૂકની તરફેણમાં ન હતા અને તેમણે આ નિમણૂકના વિરોધમાં મતદાન કર્યું હતું.
ભારતમાં અમેરિકાના રાજદૂતનું પદ 2021થી ખાલી હતું. ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત વેપારી તથા સંરક્ષણ સંબંધના સંદર્ભમાં એ તદ્દન અણધાર્યું હતું.
વિશ્લેષકોનું કહેવું છે કે પ્રમુખ બાઇડન ભારત અને અમેરિકાનો સંબંધ મજબૂત કરવાના પક્ષમાં છે. વાસ્તવમાં અમેરિકા એશિયા મહાદ્વીપમાં ચીનનો પ્રભાવ ઘટાડવા માગે છે. એ સંદર્ભમાં ભારત તેના હેતુ હાંસલ કરવા માટે અનુકૂળ છે.
જોકે, અમેરિકા અને ભારતના સંબંધમાં રશિયાની ગાંઠ ફસાયેલી છે ત્યારે ગાર્સેટીની નિમણૂક કરવામાં આવી છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ભારતે નિષ્પક્ષ વલણ જાળવ્યું છે. તેનાથી અમેરિકા પરેશાન છે.
ભારતે આ યુદ્ધની ખુલ્લેઆમ નિંદા નથી કરી, પરંતુ તેણે “યુએન ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને દેશોના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા જાળવી રાખવાનો આગ્રહ કર્યો છે.”
ગાર્સેટી પર શું હતો આરોપ?
વાસ્તવમાં ભારત રશિયન શસ્ત્રોનો સૌથી મોટા આયાતકર્તા દેશ છે. તેની સાથે ભારત રશિયાથી મોટા પાયે ક્રૂડની આયાત પણ કરી રહ્યું છે. આ મામલે ભારત અમેરિકા તથા યુરોપના પ્રતિબંધોની અવગણના કરી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એરિક ગાર્સેટીની નિમણૂક બાબતે બુધવારે થયેલા મતદાન બાદ અમેરિકન સેનેટર ચક શુમરે કહ્યું હતું કે, “ભારત અને અમેરિકાનો સંબંધ બહુ મહત્ત્વનો છે. હવે ભારતમાં અમેરિકાના રાજદૂત હશે એ બહુ સારી વાત છે.”
ગાર્સેટી કોલંબિયા યુનિવર્સિટીના ગ્રૅજ્યુએટ છે. રાજકારણમાં આવતા પહેલાં તેઓ અમેરિકાના નૌકાદળમાં 12 વર્ષ સેવા આપી ચૂક્યા હતા. તેઓ 2013માં લોસ ઍન્જલસના મેયર બન્યા હતા.
એ સમયે તેઓ છેલ્લાં 100 વર્ષમાં સૌથી નાની વયના લોસ ઍન્જલસના મેયર બન્યા હતા. આ પદ માટે ચૂંટાયેલા તેઓ પ્રથમ યહૂદી હતા. ગાર્સેટીએ 2022 સુધી મેયર તરીકે ફરજ બજાવી હતી.
ગાર્સેટી બાઇડનના નજીકના સહયોગી છે. તેઓ 2020માં રાષ્ટ્રપતિપદની સ્પર્ધામાંથી બહાર નીકળી ગયા પછી બાઇડનના ચૂંટણી અભિયાનના સહ-અધ્યક્ષ તરીકે કાર્યરત્ હતા.
બાઇડને તેમને ભારતમાં અમેરિકાના રાજદૂત બનાવવા માટે જુલાઈ, 2021માં નૉમિનેટ કર્યા હતા, પરંતુ સેનેટના 2022ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ગાર્સેટી મેયર હતા ત્યારે તેમણે તેમના નજીકના સલાહકારો પૈકીના એક રિક જેકબ્ઝ પરના જાતીય સતામણીના આરોપોની અવગણના કરી હતી.
એ રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, “જેકબ્ઝ પર અનેક વ્હિસલ બ્લોઅર્સે સજ્જડ આરોપ મૂક્યા છે.” મેયર ગાર્સેટીને તેની વ્યક્તિગત રીતે ખબર હતી કે પછી તેમને આ બાબતે માહિતી હોવી જોઈતી હતી એવું કહી શકાય નહીં, એવું પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.
ગાર્સેટી અને વ્હાઇટ હાઉસ બન્ને આ આક્ષેપોને નકારતા રહ્યા હતા. એ દરમિયાન જુલાઈ, 2021માં બાઇડને ગાર્સેટીને ભારત ખાતેના રાજદૂત તરીકે નૉમિનેટ કર્યા હતા.
ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે બુધવારે સેનેટની મંજૂરી પામ્યા બાદ ગાર્સેટીએ ન્યૂ યૉર્ક ટાઇમ્સ અખબારને જણાવ્યું હતું કે મેં મારું નામ પાછું ખેંચવા બાબતે ક્યારેય વિચાર્યું ન હતું. “હું પ્રમુખ બાઇડનને મળ્યો છું. મને તેમનું સંપૂર્ણ સમર્થન મળેલું છે.”
ભારતમાં અમેરિકાના રાજદૂત કેટલા મહત્ત્વના?
‘અ મૅટર ઑફ ટ્રસ્ટ : અ હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા-યુએસ રિલેશન ફ્રોમ ટ્રુમેન ટુ ટ્રમ્પ’ નામના પુસ્તકનાં લેખિકા મીનાક્ષી અહમદે આ મુદ્દે ન્યૂ યૉર્ક ટાઇમ્સમાં એક લેખ લખ્યો હતો.
તેમણે લખ્યું હતું કે, “અમેરિકાએ છેલ્લાં બે વર્ષથી ભારતમાં તેના રાજદૂતની નિમણૂક કરી નથી તેની કલ્પના સુધ્ધાં કરવી મુશ્કેલ છે. બાઇડન ભારતને અનેક વાર મહત્ત્વનો ભાગીદાર ગણાવી ચૂક્યા છે ત્યારે પણ આવી હાલત છે. બન્ને દેશ વચ્ચેના સંબંધમાં અમેરિકન રાજદૂતની ભૂમિકા મહત્ત્વની રહી છે.”
મીનાક્ષી અહમદે એમ પણ લખ્યુ હતું કે, “ચીને 1962માં ભારત પર હુમલો કર્યો ત્યારે જોન કેનેથ ગોલ્બ્રેથ દિલ્હીમાં અમેરિકાના રાજદૂત હતા. ગોલ્બ્રેથ અમેરિકાના તત્કાલીન પ્રમુખ જોન એફ કેનેડીની નજીકના સાથી હતા. એ ઉપરાંત ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે પણ તેમના સારો સંબંધ હતો. યુદ્ધ દરમિયાન અમેરિકન હથિયારોની ખેપ ભારત મોકલવામાં તેમની ભૂમિકા મહત્ત્વની ગણવામાં આવે છે.”
“એ અગાઉ અમેરિકાની મદદ માગવામાં નહેરુને સંકોચ થતો હતો. ગોલ્બ્રેથે એ વખતે નહેરુ અને કેનેડી વચ્ચેની કડી તરીકે કામ કર્યું હતું તથા બન્ને દેશને નજીક લાવવામાં સફળ થયા હતા. નહેરુ અને કેનેડી વચ્ચેના અવિશ્વાસને ગોલ્બ્રેથે ખતમ કરી નાખ્યો હતો. 1962માં અમેરિકાએ ભારતને ટેકો આપીને સંબંધમાં ગરમાટો લાવી દીધો હતો. ગોલ્બ્રેથ ભારતમાં બહુ લોકપ્રિય થઈ ગયા હતા.”