You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતનાં એ ગામડાં જ્યાં આઝાદી પછી પહેલીવાર મતદાન થવા જઈ રહ્યું છે
- લેેખક, ફૈઝલ મોહમ્મદ અલી
- પદ, બીબીસી સંવાદદાતા, મિનપા(સુકમા), છત્તીસગઢથી
લખમા પોડિયામને તેમની ઉંમર યાદ નથી. એમને એ યાદ નથી કે જીવનમાં પહેલો મત તેમણે ક્યારે આપ્યો હશે.
પરંતુ તૂટી-ફૂટી હિન્દી બોલતા તેઓ કહે છે, "ચાર-પાંચ વખત તો મેં મત આપ્યો હશે. સરપંચ કે ધારાસભ્યની ચૂંટણીમાં આપ્યો છે. હવે, ધારાસભ્યની ચૂંટણી થશે તો ફરીથી મત આપવા જઈશ."
ઘરની પાછળ આવેલા વાડામાં શાકભાજી વાવવાની તૈયારી કરતા લખમા કહે છે,"આ પહેલી વાર છે કે ચાંદામેટામાં મતદાન થશે, અહીં મતદાન થશે તો મત આપીશું."
"જંગલના કારણે અહીં મતદાન થઈ રહ્યું ન હતું, સાહેબ. નક્સલીઓના ડરથી કોઈ અહીં આવી રહ્યા ન હતા. પહેલાં અમે છેક ચિંગૂર જતા હતા."
જિલ્લા મુખ્ય મથક જગદલપુરથી 65 કિલોમીટર દૂર આવેલા ચાંદામેટામાં પહોંચતા જ ચૂંટણીની ગતિવિધિઓનો અંદાજો આવી જાય છે.
ચૂંટણીનો ગરમાવો
ગામના એક ચોકમાં કેટલાક લોકો ભાજપના ઝંડાઓ લઈને એક રેલી કાઢવાની તૈયારી કરી રહેલા દેખાય છે. કેટલાક લોકોએ કમળના ફૂલવાળી ભગવા ટોપી પહેરી છે.
ચોકની એક બાજુ હજુ હમણાં જ જૂન મહિનામાં બનીને તૈયાર થયેલી ગામની પ્રાથમિક શાળા છે. આ શાળામાં જ મતદાન મથક બનશે. અત્યારે અહીંથી લોકોને મતદાર કાપલીઓ વહેંચવાનું કામ ચાલુ છે.
મતદાન માટે કાપલી લઈને બહાર નીકળી રહેલા વૈટ્ટી હેતાને એ વાતનો આનંદ છે કે હવે મત આપવા માટે ગ્રામજનોને હેરાન થવું નહીં પડે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ અડમા કાસી મતદારયાદીમાં તેમનું નામ ન હોવાને કારણે ચિંતાતુર દેખાય છે. તેઓ કહે છે કે તેમને હવે પંચાયતમાં તપાસ કરવા ચિંગૂર જવું પડશે.
સુરક્ષાદળો અને ગ્રામીણોના સંબંધો કેવા છે?
શાળાની બરાબર સામે જ રસ્તાની બીજી તરફ એક ટેકરા પર કાંટાળા તારથી ઘેરાયેલ અર્ધસૈનિક દળ સીઆરપીએફનો કૅમ્પ છે.
ત્યાંથી હોંકારા-પડકારા સંભળાઈ રહ્યા હતા. પછી ખ્યાલ આવ્યો કે ત્યાં ગ્રામજનો અને જવાનો વચ્ચે ક્રિકેટ મૅચ રમાઈ રહી હતી.
આસિસ્ટન્ટ કમાન્ડર રાજૂ વાઘ કહે છે, "શરૂઆતમાં તો બાળકો, ઘરડાં લોકો સૌ કોઈ સુરક્ષાદળોને જોઈને ભાગી જતાં હતાં. હજુ પણ થોડો ઘણો વિશ્વાસનો અભાવ છે પણ પહેલાં કરતાં ઘણો ફર્ક છે."
રાજૂ વાઘ કહે છે કે કૅમ્પ સ્થાપિત કરવામાં અમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
તેઓ કહે છે, "વર્ષ 2022માં જ્યારે કૅમ્પ બન્યો ત્યારે ઘણી તકલીફો પડી હતી. ચાંદામેટા નક્સલોના ગઢ તરીકે ઓળખાતો હતો. આઈઈડી બ્લાસ્ટ થયો હતો જેમાં એક જવાનનું મૃત્યુ પણ થયું હતું. ત્યારપછી તરત જ આઈઈડી રિકવર થતું હતું."
નક્સલીઓનું ટ્રેનિંગ સેન્ટર
છત્તીસગઢ અને ઓડિશાની સીમા પર વસેલા ચાંદામેટામાં સુરક્ષાદળો અનુસાર ક્યારેક નક્સલીઓની મિલિટરી વિંગ પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મીનું ટ્રેનિંગ ગ્રાઉન્ડ ગણાતું હતું.
ગામની અંદર જઈ રહેલો રસ્તો પૂરો થાય અને ડાબી તરફ વળાંક લઈએ ત્યાં જ ગાઢ જંગલોનો સિલસિલો શરૂ થઈ જાય છે.
તે રસ્તે જ આગળ વધતા જમણી તરફ જોવા મળે છે પથ્થરોને ગોઠવીને બનાવેલું ‘શહીદ’ સ્મારક કે જે નક્સલીઓએ બનાવેલું છે.
તેની સામે જ સાલના વૃક્ષોને કાપીને મેદાન સાફ કરાયેલું છે. એવું કહેવાય છે કે અહીં બીજા વિસ્તારોમાંથી નક્સલીઓ ગેરિલા યુદ્ધના પ્રશિક્ષણ માટે આવતા હતા.
જિલ્લા મુખ્ય મથક જગદલપુરથી 65 કિલોમિટર દૂર વસેલા ગામના રસ્તામાં નક્સલીઓની હાજરીના પુરાવા દરેક જગ્યાએ જોવા મળે છે. જેમ કે, દારૂગોળો લગાવીને ઉડાવી દેવામાં આવેલી શાળાઓના ભવનો, વન વિભાગના સ્ટાફ ક્વાર્ટર્સ વગેરે.
બસ્તર વિસ્તારના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પી. કહે છે, "સુધરેલી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં લેતા લગભગ 40 ગામડાંમાં મતદાન કેન્દ્ર હવે ગામમાં જ બનશે."
"પહેલાં તેમને સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવતા હતા. એ એટલા માટે સંભવ થયું કારણ કે અમે એ વિસ્તારમાં અમે 65 નવા સુરક્ષા કૅમ્પ સ્થાપિત કર્યા હતા. જેના કારણે ગામો સુધી રસ્તા પહોંચાડવામાં, શાળાઓ અને કૉલેજો બનાવવામાં સરળતા રહી."
બસ્તરના લગભગ તમામ વિસ્તારોમાં સુરક્ષાદળોના કૅમ્પ હવે દરે પાંચ કિલોમિટરના અંતરે આવેલા છે.
સુંદરરાજ પી. દાવો કરે છે કે, "બસ્તરના જે વિસ્તારો નક્સલીઓનો ગઢ કહેવાતા હતા તે 80 ટકા વિસ્તારો પર હવે સુરક્ષાદળોનો દબદબો છે."
શું નક્સલવાદ એકમાત્ર કારણ?
ચૂંટણીપંચે એક નિવેદનમાં કહ્યું છે કે બસ્તર વિસ્તારમાં 126 નવાં બૂથ તૈયાર કરવામાં આવ્યાં છે. જોકે, આમાંનાં ઘણાં મથકો એવાં છે જે મતદારોની સંખ્યામાં વધારો થવાને કારણે રચાંયા છે.
પરંતુ એવાં ઘણાં ગામો છે જે નક્સલવાદીઓનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં છે અને ચૂંટણી પંચના અધિકારીઓ માટે તેમના સુધી પહોંચવું શક્ય નહોતું.
આ વિસ્તારોના મતદાન મથકોને પછી એવા ગામોમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત હતી.
માઓની વિચારધારાથી પ્રેરિત નક્સલી સંગઠનો ચૂંટણી પ્રક્રિયામાં માનતા નથી અને સામાન્ય લોકો પર તેનો બહિષ્કાર કરવાનું દબાણ કરવામાં આવ્યું છે.
ઘણી વખત તેમણે અન્ય પદ્ધતિઓ પણ અજમાવી છે.
આ વખતે પણ નક્સલવાદીઓએ ઘણી જગ્યાએ 'છત્તીસગઢ નકલી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરો' એવી પત્રિકાઓ ચોંટાડી છે.
બીબીસીની ટીમે સોમવારે જે મિનપા ગામની મુલાકાત લીધેલી ત્યાં બીજા દિવસે, ગામ તરફ જતા રસ્તા પર આઈઈડી વિસ્ફોટ થયો હતો.
જોકે, એવો પણ અભિપ્રાય છે કે નકસલવાદને કારણે ચાંદમેટા જેવા ગામડાઓમાં મતદાન ન થવાની વાર્તા એ અધૂરી છે.
કારણ કે નકસલવાદ 1980ના દાયકામાં, કદાચ 1984માં પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ થઈને બસ્તર પહોંચ્યો હતો. ત્યાં સુધીમાં આઝાદીને 37 વર્ષ વીતી ગયા હતા.
1950માં અમલમાં આવેલા ભારતીય બંધારણે તમામ પુખ્ત વયના લોકોને મત આપવાનો અધિકાર આપ્યો હતો. નક્સલવાદીઓ અને પોલીસ બંનેને લઈને ગામમાં ઘણીબધી વાતો ચાલે છે.
અમારી સાથે વાત કરતી વખતે લખમા પોડિયામ તેમના ભાઈ મંગલુ આયતા સાથે અમારો પરિચય કરાવે છે, જેઓ પાંચ વર્ષ જેલમાં વીતાવ્યા બાદ ગયા રવિવારે ગામમાં પાછા ફર્યા હતા.
તેઓ કહે છે, "સાહેબ, આને નક્સલવાદી કહ્યા પછી પકડીને લઈ જવામાં આવ્યો હતો."
ગામની શાળામાં ભણાવતા શ્યામ કવાસી કહે છે કે જ્યારે 2004માં નક્સલવાદીઓ આ વિસ્તારમાં આવ્યા ત્યારે પહેલા તેમણે લોકોને કહ્યું કે તેઓ તેમનો સાથ આપશે. પરંતુ બાદમાં તેમના માટે ભાત અને શાકભાજીની વ્યવસ્થા કરવાનું અને સુરક્ષાદળોના પેટ્રોલિંગની જાસૂસીનું કામ ગામલોકોના માથે આવી પડ્યું, જેના કારણે તેમને પણ પોલીસની હિંસાનો ભોગ બનવું પડ્યું.
ગામડાંમાંથી પલાયન
શ્યામ કવાસી કહે છે કે નક્સલવાદીઓના આદેશ વિના લોકો માટે ગામડાંની બહાર કે બજાર સુધી જવું શક્ય ન હતું.
આ બધાથી કંટાળીને શ્યામ અને ગામના અન્ય 100થી વધુ પરિવારોએ ગામ છોડી દીધું. શ્યામ અને તેનો પરિવાર સાત વર્ષ પછી ગામમાં પાછો ફર્યો છે.
ગામમાં શાળાઓ ઉપરાંત પાણી અને વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હોવા છતાં બેરોજગારી એ મોટી સમસ્યા છે.
શ્યામ કવાસીને શાળામાં અતિથિ શિક્ષકની નોકરી મળી છે, જેનું માનદ વેતન પાંચ હજાર રૂપિયા પ્રતિ માસ છે.
પરંતુ તેમને પગાર સમયસર મળતો નથી. તેમને ગયા વર્ષે પણ પગાર માટે હડતાળ પર ઊતરવું પડ્યું હતું, છતાં તેમને પૂરી રકમ મળી ન હતી.
બસ્તરમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ
બસ્તરની 12 અને રાજ્યની બીજી 8 બેઠકો મળીને કુલ 20 બેઠકો પર છત્તીસગઢમાં 7 નવેમ્બરે મતદાન થવાનું છે તેને ધ્યાનમાં લઈને સુરક્ષા વ્યવસ્થા ખૂબ મજબૂત રાખવામાં આવી છે.
આઈજી સુંદરરાજ કહે છે કે, સીઆરપીએફ, બીએસએફ, છત્તીસગઢ સ્ટૅટ આર્મ્ડ પોલીસ સિવાય ચૂંટણીપંચ પણ વધારાના સુરક્ષાદળોની વ્યવસ્થા કરી રહ્યું છે.
નક્સલીઓ અને બીજી ગતિવિધિઓને નિયંત્રિત કરવા માટે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા અને ઓડિશા સાથે પણ સમન્વય સ્થાપિત કરવામાં આવી રહ્યો છે.
બસ્તર વિસ્તારના જે સાત જિલ્લાઓમાં કેટલાંક ગામોમાં પહેલીવાર મતદાન થશે તેમાં મિનપા પણ સામેલ છે.
જગદલપુરથી લગભગ 180 કિલોમીટર દૂર આવેલા સુકમા જિલ્લાના આ ગામમાં લોકો સાથે વાતચીત કરવાથી એ ખ્યાલ આવે છે કે મતદાન કેન્દ્ર તૈયાર કરવાનો નિર્ણય અને હકીકતમાં મતદાન થાય એ પ્રક્રિયા સુધી પહોંચવામાં આવે તે બંને વચ્ચે લાંબું અંતર છે.
ગ્રામજનોને જ્યારે પહેલીવાર મતદાન વિશે પૂછવામાં આવ્યું તો તેમાંથી અમુક લોકો સાવ ચૂપ જ રહ્યા તો અમુક લોકોએ કહ્યું કે અમને ખબર નથી શું થશે.
સુકમા જિલ્લો અને નજીકના વિસ્તારો જેવા કે તાડમેટલા અને દરભાઘાટી નક્સલવાદી ઘટનાઓ માટે જાણીતા છે.
તાડમેટલામાં નક્સલી હુમલામાં સુરક્ષા દળના 76 જવાનો શહીદ થયા હતા. કસલપાડમાં કૉંગ્રેસના નેતા મહેન્દ્ર કર્માથી લઈને પૂર્વ કેન્દ્રીય મંત્રી વી.સી. શુક્લા સુધીના 16 લોકો દરભાઘાટીમાં નક્સલી હુમલાનો શિકાર બન્યા હતા.
મિનપા ગામ પહોંચવાના મુખ્ય માર્ગ પર નક્સલવાદીઓએ રાત્રે મતદાનનો બહિષ્કાર કરવાનો આદેશ આપ્યો છે.
અંતરિયાળ ગામોમાં સુરક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલા એક વ્યક્તિના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલા નક્સલવાદીઓએ ગ્રામજનોને ધમકી આપી હતી કે જે કોઈ પણ મત આપશે તેની આંગળી કાપી નાખવામાં આવશે.
કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયાના કાર્યકર મનીષ કુંજમ સિવાય કોઈપણ પક્ષનો કોઈ ઉમેદવાર ગામમાં આવ્યો નથી. વહીવટી તંત્ર કે ચૂંટણી પંચ દ્વારા ગ્રામજનો માટે કોઈ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો નથી.
જોકે, માઈક હઠાવતાની સાથે જ ગ્રામજનોએ અમને કહ્યું કે, "અમે કેમ અમારો જીવ જોખમમાં મૂકીએ? અમે તો હજુ પણ ગટરનું ગંદુ પાણી પીએ છીએ. પ્રશાસન અમારા માટે એટલી પણ વ્યવસ્થા કરી શક્યું નથી."